સન ૧૮૯૨માં ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં સૌપ્રથમ ચૂંટાનાર અશ્વેત દાદાભાઈ નવરોજી હતા. મુંબઈની એલ્ફિસ્ટન કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર અને મહાત્મા ગાંધી કરતાં ૪૪ વર્ષ મોટા દાદાભાઈ ભારતની રાજનીતિનું કેન્દ્ર હતા. ૧૮૯૪માં મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં અપમાનિત થતાં, દાદાભાઈને લખ્યું, ‘મને આપ દીકરા જેવો ગણીને સલાહ આપશો તો આભારી થઈશ.’ રાષ્ટ્રપિતા ગાંધીજી જેને પિતા માનતા તે દાદાભાઈ આમ ‘હિંદના દાદા’ હતા.
૧૮૨૫માં જરથોસ્તી મોબેદ (ધર્મગુરુ)ને ત્યાં જન્મેલા દાદાભાઈ ચાર વર્ષની વયે પિતા ગુમાવતાં, મા સાથે રહીને ગરીબીમાં ઉછર્યા હતા. આવા દાદાભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્ય હતા અને ત્રણ-ત્રણ વાર તેમણે કોંગ્રેસનું સુકાન પ્રમુખ તરીકે સંભાળ્યું હતું. દેશમાં સ્વરાજની માગણી કરનાર અને સ્વરાજનો મંત્ર સૌપ્રથમ આપનાર દાદાભાઈ હતા. સુશિક્ષિત નેતા દાદાભાઈને ગોપાલકૃષ્ણ ગોખલે, સુરેન્દ્રનાથ બેનરજી, મહાત્મા ગાંધી વગેરે પોતાના રાહબર માનતા.
ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં બાઈબલને બદલે જરથોસ્તી ધર્મગ્રંથ અવસ્તાના નામે સોગંદ લેનારા તે પ્રથમ સભ્ય હતા. પાર્લામેન્ટમાં વૃદ્ધો માટે પેન્શન, સ્ત્રીઓને મતાધિકાર અને આયરલેન્ડ માટે હોમરુલની હિમાયત કરનાર તેઓ ભારતીય હિતોના હામી હતા.
૨૭ વર્ષની વયે પ્રોફેસર બનેલા તેઓ ૩૦ વર્ષની વયે નોકરી છોડીને ઈંગ્લેન્ડમાં કામા કંપનીના ભાગીદાર થયા. આયાત-નિકાસનો વેપાર કરતી આ કંપની અફીણના વેપારમાં સંકળાયેલી હોવાનું જાણતાં તેમણે ભાગીદારી છોડીને કપાસનો વેપાર કરતી પોતાની સ્વતંત્ર કંપની સ્થાપી.
દાદાભાઈ વેપારની સાથે સાથે લોકસેવાની પ્રવૃત્તિ કરતા. સિવિલ સર્વિસની ભરતીમાં હિન્દીઓને થતાં અન્યાય સામે તેમણે આંદોલન કર્યું. ઈંગ્લેન્ડની ધરતી પર રહીને હિન્દીઓને થતા અન્યાય સામેનું આંદોલન કરનારા તે પ્રથમ ભારતીય હતા. ૧૮૬૨માં તેમણે ભારતને થતા અન્યાય અને ગરીબીથી અંગ્રેજોને માહિતગાર રાખવા ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન સ્થાપ્યું.
૧૮૭૪માં તેઓ ભારત પાછા આવીને ગાયકવાડી રાજના દીવાન બન્યા. દીવાનને મોભો અને પૈસા મળે. થોડા વખતમાં દીવાનગીરી છોડીને તેઓ લોકસેવા માટે મુંબઈ પહોંચીને મુંબઈ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા. જોત જોતાંમાં સ્થાનિક અને ભારતના રાજકારણમાં છવાઈ ગયા. જોકે, વચ્ચે વચ્ચે ધંધાર્થે અને ભારતનાં કામો માટે મુંબઈ અને ઈંગ્લેન્ડ વચ્ચે આવ-જા કરતા રહ્યા.
કોંગ્રેસની સ્થાપના પછી પ્રમુખ બનતાં તેઓ કેટલાક ભારતીય રાજવીઓને ઈંગ્લેન્ડની સરકાર સાથેના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરીને સફળ થયા અને આથી તેવા રાજવીઓ સાથે તેમના સંબંધો ગાઢ થયા. બ્રિટિશ અમલદારો સાથે તેમને સારા સંપર્કો હતા. ૧૮૮૬માં તેઓ બ્રિટિશ પાર્લામેન્ટમાં ચૂંટાવાની ઈચ્છાથી ઈંગ્લેન્ડ ગયા. ૧૮૯૨માં તેઓ લિબરલ પક્ષના ઉમેદવાર તરીકે બ્રિટિશ સંસદમાં ચૂંટાયા.
દાદાભાઈ લંડનમાં વસતા હતા ત્યારે વિદેશ વસતા ભારતીય ક્રાંતિકારીઓ માટે દાદાભાઈનું ઘર પોતીકું હતું. દાદાભાઈ તેમને રોટલો અને ઓટલો-આશરો આપતા.
દાદાભાઈના પુસ્તક ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઈન્ડિયા’માં તેમણે ભારતની ગરીબી, શોષણ અને થતા અન્યાયની અભ્યાસપૂર્ણ રજૂઆત કરી. આથી આવું જ શાસન ચાલુ રહે તો સભ્ય જગતમાં ઈંગ્લેન્ડની લોકશાહી વગોવાય એવું માનતો એક મોટો વર્ગ ઈંગ્લેન્ડમાં તૈયાર થયો. આના પરિણામે ક્રમશઃ ઈંગ્લેન્ડની પાર્લામેન્ટે ભારતને વધુ લાભ થાય તેવા સુધારા કરવા પડ્યા.
દાદાભાઈનું સમાજસુધારામાં પરોક્ષ રીતે મોટું પ્રદાન છે. એલ્ફિસ્ટન કોલેજના તેમના વિદ્યાર્થીઓ મહિપતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી અને નર્મદ પછીના સમયમાં ગુજરાતના મહાન સમાજસુધારક થયા. રહનુમા ઈ મઝદ નામની પારસી યુવકોની સંસ્થાની સ્થાપનામાં એ આગેવાન હતા. જે પારસીઓમાં સમાજસુધારાની પ્રવૃત્તિ કરતી હતી. તેના માસિક ‘રાસ્ત ગોફ્તાર’ના તેઓ તંત્રી હતા. આ પછી ૧૮૬૧માં તેમણે લંડનમાં આવા જ હેતુથી પારસી અંજુમનની સ્થાપના કરી હતી. બંને સંસ્થાઓ પારસીઓમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, વહેમનાબૂદી માટે યત્નશીલ હતી.
૧૯૧૭માં ૯૧ વર્ષની વયે દાદાભાઈ નવરોજીનું અવસાન થયું. અભ્યાસી, નીડર, રાષ્ટ્રપ્રેમી એવા દાદાભાઈની સ્મૃતિમાં ભારત, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ એવાં ત્રણ-ત્રણ રાષ્ટ્રોમાં રસ્તાઓનું નામકરણ થયું. ત્રણ-ત્રણ રાષ્ટ્રોમાં જેની ખ્યાતિ હોય એવી વિરલ વિભૂતિ દાદાભાઈ હતા.