હું બ્રિટન, ભારત, યુએસ અને ચીનનો સર્વોચ્ચ નેતા હોઉં તો !

કપિલ દૂદકીઆ Tuesday 29th October 2024 15:34 EDT
 
 

તમે બધા જ જાણો છો કે આરામખુરશીમાં બેઠા રહીને ટીકાઓ કરવાનું ઘણું સહેલું હોય છે. આખરે મારે તો મારા મંતવ્યો જ દર્શાવવાના હોય છે. જોકે, જિંદગી ધારીએ એટલી સરળ હોતી નથી. લેખકો તો ઘણા હોય છે પરંતુ, ઘણા ઓછા લેખકો હોય છે જેઓ ગળે ગાળિયો ભરાવીને એવી વાતો જણાવે છે જે મોટા ભાગના લોકો મગજની અંદર વિચારે છે ખરા પરંતુ, જાહેરમાં અભિવ્યક્ત કરતા ઘણા ડરે છે. સારા નસીબે, મને આવા કોઈ અવરોધ કે ખચકાટ નડતા નથી.

મને ઘણી વખત પૂછવામાં આવે છે કે તમે પ્રાઈમ મિનિસ્ટર અથવા પ્રેસિડેન્ટ હો તો શું કરો. આમ થવાની સંભાવના તો તદ્દન શૂન્ય છે. આમ છતાં, મેં વિચારવા માંડ્યું અને માત્ર થોડા વિચારો રજૂ કર્યા છે. તમે કદી જાણી શકો નહિ કે તેઓ કદાચ આ વાંચે અને તેમાંથી થોડા વિચારનો અમલ પણ કરે!

જો હું બ્રિટનનો પ્રાઈમ મિનિસ્ટર હોઉં તો હું આમ કરુઃ

a. ભ્રષ્ટ યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સમાંથી બહાર નીકળી જાઉં.

b. આપણી શેરીઓમાં એક્સ્ટેન્શન રીબેલિયન, બ્લેક લાઈવ્ઝ મેટર, વોક દેખાવકારો જેવાં જૂથો થકી ફેલાતી અરાજકતા, અતિ જમણેરી કૂચો અને હેટ માર્ચીસ અટકી જાય અને પકડાયેલાઓ જેલના સળિયા પાછળ ધકેલાય તેની ચોકસાઈ રાખું.

c. પર્સનલ ઈન્કમ ટેક્સ એલાવન્સની મર્યાદા 15,000 પાઉન્ડ સુધી વધારું.

d. NHS (અને અન્ય જાહેર સેવાઓમાં) નાણા અને સંસાધનોનો જંગી વેડફાટ થતો અટકાવું.

e. ગેરકાયદે માઈગ્રેશન અટકાવું અને બ્રિટિશ લોકોને પ્રાધાન્ય આપું.

ચોક્કસપણે, સાથેસાથે કરવી જ જોઈએ એવી ઘણી બાબતો છે જે રાષ્ટ્ર પ્રથમના મુખ્ય લોકાચારમાં યોગદાનકારી અને સમર્થક બની રહે.

જો હું ભારતનો પ્રાઈમ મિનિસ્ટર હોઉં તો હું આમ કરુઃ

a. વકફ -WAQFને નાબૂદ કરું અને તમામ સંપત્તિ સરકારના અંકુશ હેઠળ લાવું તેમજ જે સંપત્તિ વ્યક્તિઓ અને અન્ય સંસ્થાઓ પાસેથી ચોરવામાં આવી હોય તેમને પરત કરું.

b. એક રાષ્ટ્ર એક ચૂંટણી સિદ્ધાંતને અમલી બનાવું અને દેશને લગભગ ઈલેક્શન મોડમાં જ રહેવાના પાગલપણાથી અટકાવું.

c. એક રાષ્ટ્ર એક કાયદાને અમલી બનાવું અને કોઈ અપવાદો માટે છીંડા કે બહાના ના રાખું.

d. કોર્ટમાં તમામ પડતર કેસીસ બંધ થાય અને ખાસ કરીને હાઈ પ્રોફાઈલ કેસીસને તીવ્ર ઝડપે આગળ વધારું

e. પોતાના જુઠ્ઠાણાં, ખોટી રજૂઆતો અને દેખીતી રીતે ગેરમાહિતી ફેલાવી રાષ્ટ્રીય કાયદાઓની અવમાનના કરતા મીડિયાને નાબૂદ કરું, જેમકે, BBC, CNN વગેરે.

ફરી સ્પષ્ટ કરું કે, એવી તો ઘણી બાબતો હશે જેના પર વિશેષ ધ્યાન આપવાનું રહે અને મહત્ત્વના માળખાગત ફેરફારોને સપોર્ટ આપવાનો રહે.

જો હું અમેરિકાનો પ્રેસિડેન્ટ હોઉં તો હું આમ કરુઃ

a. નીતિમત્તા અને નૈતિક રીતે ભ્રષ્ટ યુનાઈટેડ નેશન્સને ભંડોળ બંધ કરું જે, યુએસ દ્વારા અપાતી જંગી રકમ (30 ટકા) ના ભંડોળ થકી જ અસ્તિત્વ ધરાવે છે. WHO વગેરે જેવી અન્ય આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંસ્થાઓ (NGOs) માટે પણ આ સાચું છે.

b. પાકિસ્તાન જેવા આતંકી દેશો સાથે વિચારહીન પ્રેમસંબંધોને અટકાવું

c. અર્થતંત્રને સુપરચાર્જ કરવા અને દેવાંબોજ નીચે લાવવા મહત્ત્વના સામાજિક અને સરકારી ફેરફારો અમલી બનાવું.

d. લઘુતમ વેતન વધારું (જે હાલ પ્રતિ કલાક માત્ર 7.25 ડોલર છે, જોકે વ્યક્તિગત રાજ્યો તેમની ઈચ્છાનુસાર વધારો કરી જ શકે છે).

e. જાહેર આરોગ્ય સંભાળસેવામાં ધરમૂળથી ફેરફારો લાવું.

પ્રામાણિકપણે કહું તો, અમેરિકામાં આવી કોઈ ગરબડ નથી છતાં જે કરવાનું રહે તેની મારી યાદી ઘણી લાંબી છે. અમેરિકા ગંભીર પડતીમાં સંડોવાયેલો દેશ છે. નાણા છાપવાની તાકાત-ક્ષમતાના કારણે તેની નિરાશાજનક આર્થિક નીતિઓના પરિણામોમાંથી તે છટકી જઈ શક્યો છે.

જો હું ચીનનો સરમુખત્યાર હોઉં તો હું આમ કરુઃ

a. વધતા જતાં દેવાં પર નિયંત્રણ લા્વું.

b. પાકિસ્તાન જેવા આતંકી દેશોને છૂટો દોર આપવાનું બંધ કરું.

c. ભારતને મિત્ર બનાવું કારણકે અન્ય વિકલ્પ બંનેમાંથી કોઈ દેશ માટે યોગ્ય નથી.

d. પ્રોપર્ટી માર્કેટને સ્થિર બનાવું.

e. પરફોર્મન્સ નહિ આપતા ઘણાં સરકારી સાહસોના છૂપાં નુકસાનોના હિસાબો વ્યવસ્થિત કરું.

ચીને ઝડપી ગતિએ વિકાસ સાધ્યો છે. અહીં સરમુખત્યારશાહી છે એટલે કે નેતા જેમ કહે તેમ જ થાય. સામાન્ય નાગરિક માટે કાયદા અથવા ન્યાયની કોઈ સમાનતા નથી, તેમણે અમલ કરવાનો છે અથવા લાપતા થઈ જવાનું છે. ચીન તેના પડોશીઓની ભૂમિ અને સંસાધનો હડપી લેવાના નકશેકદમને વિસ્તારી રહ્યું છે. ઘણાને કદાચ આ ઘણો સારો વિચાર લાગશે પરંતુ, આનો વિસ્ફોટ તેમના મોઢાં પર જ થાય તે હવે માત્ર સમયનો સવાલ છે. સમજદાર સરમુખત્યાર હવે નિયંત્રણ દર્શાવે અને મિત્રો બનાવશે.

સામાન્યતઃ પશ્ચિમને વૈશ્વિક વ્યવસ્થામાં પોતાની પોઝિશનનું પુનઃ મૂલ્યાંકન કરવાની જરૂર છે. સામ્રાજ્યશાહી માલિકો બનવાના અને અન્ય દેશો પર (પરોક્ષ કે પ્રત્યક્ષ) શાસન કરવાના દિવસો વહી ગયા છે. પશ્ચિમે પોતાની થોડીઘણી ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવા ઉગ્રવાદીઓ, ઈસ્લામિક કટ્ટરવાદીઓ, ખાલિસ્તાનીઓ અને અન્ય તમામ તોફાની દેશો સાથે પ્રેમસંબંધો ફગાવી દેવાની જરૂર છે કારણકે આખરે તો તેઓ વહેલાં કે મોડાં તેમને જ બચકાં ભરવાના છે.

પૂર્વની વાત કરીએ તો ચીન, રશિયા અને ભારત, જો તેઓ સાથે મળીને કાર્ય કરે અને સમૂહમાં કામ કરવાનો માર્ગ શોધી કાઢે તો આગામી સહસ્રાબ્દી માટે વિશ્વનું પુનર્ગઠન કરી શકે છે. જરા વિચાર કરો, એકલા ચીન અને ભારતની વસ્તી જ આશરે 2.8 બિલિયનની છે.

વિશ્વના હજુ સુધી નહિ તરાશાયેલા હીરા જેવા, આફ્રિકન દેશોને મજબૂત નેતૃત્વની જરૂર છે જેઓ મોટા ભાગે તેમની તરફદારીને ખરીદતા ડોલરની સત્તાથી ગુલામ બન્યા વિના જ ન્યાયપૂર્ણ રીતે લોકો અને દેશને જ પ્રથમ સ્થાને રાખે. 20મી સદી અમેરિકાની રહી હતી. મુખ્યત્વે ઉપયોગ નહિ કરાયેલી જંગી ગર્ભિત ક્ષમતા, તેની યુવા બૌદ્ધિક વસ્તી અને વિશ્વે અત્યાર સુધી જાણેલી સૌથી વિશાળ લોકશાહી હોવાની હકીકત સાથે 21મી સદી ભારતની જ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter