આજકાલ ભારતીય રાજકારણ ક્રિયા-પ્રતિક્રિયાનું મોટું મેદાન બની ગયું છે. કોઈ એક ઘટના બની કે કોઈએ કશું વિધાન કર્યું કે મિનિટોમાં ટ્વીટ મહારાજના બોર્ડ પર કીડા મકોડા સળવળતા દેખાશે. એ તો ઠીક છે કે વિચારોનો અભિપ્રાય એ લોકશાહીની વિશેષતા છે. એટ્લે રોજબરોજ અમારે ત્યાં ટીવી ચેનલો પર એકાદ “સમીક્ષક” અને બીજા રાજકીય પક્ષોના નેતાઓ શબ્દોનો નાયગ્રા વહેતો કરે, બિચારો દર્શક તો ઠીક, ક્યારેક એન્કર પણ હેબતાઈ જાય કે આ મહાશય કે મહાશયા શું બોલે છે તેનું તેને ભાન હશે? હવે તો સામસામી તું-તાં પણ થાય છે અને સુધરેલું ગાલિપ્રદાન. અભિપ્રાય ઓછો, આરોપો અધિક.
લો, રાહુલ ગાંધીએ તો ફરી વાર ગર્જના કરી: હું સાવરકર નથી, હું ગાંધી છું. હું માફી નહીં માંગુ! કોઈ સલાહકાર (તેમના પક્ષમાં તો કેટલા બધા બાહોશ ધારાશાસ્ત્રીઓ છે. એકથી એક ચઢિયાતા) કોઈ એમને કહેતું નથી કે ભાઈ, માફી માગે કે ના માગે એ તારી મરજી. પણ એમાં ઈતિહાસને વિકૃત કરીને, એક એવા મહાપુરુષને શા માટે સંડોવે છે? બે જનમટીપની સજા પામીને અસંખ્ય યંત્રણા અનુભવનાર, બ્રિટનમાં બેસીને સમગ્ર દેશોના સ્વાતંત્ર્યવીરોને ભારતના સ્વાતંત્ર્ય જંગમાં સામેલ કરનાર સાવરકરની માફી શું બાબત હતી એ તો ઈતિહાસકારોના પુસ્તકો અને મંતવ્યોમાંથી જાણીને તો કહેવું હતું? રાહુલના નાની કે દાદી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સાવરકરને મહાન યોદ્ધા કહ્યા હતા. ગાંધીજી તેમની મુક્તિ માટે આગ્રહ કર્યો હતો. અને આ માફી? શિવરાપન્ત કરંદીકરે તો છેક 1943માં 600 પાનાનું સાવરકર જીવનચરિત્ર લખ્યું હતું. બ્રિટિશ સરકારનું દમન એટલું વધી ગયું કે લેખક પોતાના પુસ્તકની તમામ નકલો જલાવી દેવાના હતા, બીજા ઈતિહાસકાર બળવંત મોરેશ્વર પુરંદરે તેમને સમજાવ્યા અને આ મૂલ્યવાન પુસ્તક બચાવી લીધું. ડી. એન. ગોખલે, રઘુનાથ વર્તક, ધનજય કીર, 10 ખંડોમાં સમગ્ર સાવરકર, હરીન્દ્ર શ્રીવાસ્તવ અને હમણાં વિક્રમ સંપતના પુસ્તકો પર સામાન્ય નજર ફેરવી હોત કે તેમના સાથીદાર નેતાઓએ સાચા સંદર્ભ આપ્યા હોત તો યે રાહુલ આવું બોલ્યા ના હોત. આ માફી તો હતી આંદામાનમાં અસંખ્ય યાતના ભોગવનારા ક્રાંતિકારો માટે, જેમની જિંદગી ભારત માટે વધુ કામ આવે. તેઓ આંદામાનમાં જ સમાપ્ત ના થાય. આખરે તો સાવરકર ક્રાંતિકાર હતા, તેમની તીવ્ર લાગણી આ સાથીઓ માટે હતી. પોતે પણ ઔરંગઝેબની સામે શિવાજી મહારાજે રણનીતિ વાપરી તેવો આ પ્રયોગ કર્યો. મુક્તિ પછીના તેમના દિવસો વૈચારિક, સામાજિક સમભાવ, અશ્પૃશ્યતા નિવારણ અને હિન્દુ ચિંતન-સંગઠનમાં વીત્યા તે પણ મોટું પ્રદાન હતું.
હું સાવરકર નથી, ગાંધી છું એમ કહેવામાં તેમણે પોતાના ગાંધી પરિવારનું અભિમાન અને અહમ બતાવ્યા છે. સ્વરાજના ગાંધીની સાથે તેમાં કોઈ નિસબત નથી. એટલે પ્રતિક્રિયા સ્વરૂપે હવે એક મોટો વર્ગ બોલવા માંડ્યો છે કે હા,
અમે સાવરકર છીએ, ગાંધી નથી! કોઈક નેતાએ તો વ્યંગ પણ કર્યો કે સાવરકર થવા માટે દસ પેઢીનું તપ કરવું પડે.!