હું ‘પાગલ’ હતો, પપ્પાની સલાહ પછી ‘સાંઇરામ’ બની ગયો...

ખાસ મુલાકાતઃ સાંઇરામ દવે

મહેશ લિલોરિયા Wednesday 29th June 2022 05:57 EDT
 
 

લોકસાહિત્યકાર, હાસ્યકલાકાર, શિક્ષક અને લેખક સાંઇરામ દવે હાલ યુકેની મુલાકાતે છે. લેસ્ટર અને લંડનમાં વિવિધ કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને સાંઇરામ દવેએ ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceને ખાસ મુલાકાત આપી. પ્રસ્તુત છે ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયા સાથે ગુજરાતગૌરવ સાંઇરામ દવેની વાતચીતના મુખ્ય અંશ:

• લોકસાહિત્ય, સંગીત અને હાસ્યનો સુમેળ કરીને યુવાનોથી લઇ વડીલોને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ... આ વિચાર કઈ રીતે આવ્યો?
“હું 26 વર્ષથી હું આ ક્ષેત્રમાં છું. શરૂઆતમાં હું વિવિધ ક્ષેત્રોના ખ્યાતનામ લોકોનું અનુસરણ કરતો હતો. હું બોલિવૂડના 22 કલાકારોના અવાજમાં મિમિક્રી કરતો હતો. એક સમયે રેપ સોંગ પણ ગાતો હતો. મારા પિતાશ્રી વિષ્ણુપ્રસાદ દવે સંતવાણી ભજન પરમ્પરામાં માનતા હતા. એમણે મને એક સલાહ આપેલી કે ઓરિજનલ બનો. પોતાનું સ્થાન બનાવવું હોય તો પોતાની આગવી શૈલીનો વિકાસ કરો. આ સલાહે મને વિચારતો કરી દીધો, જે મારા સિનિયર્સ હતા એ લોકો પાસે કંઈક ને કંઈક નોખી ઓળખ હતી, કોઇની પાસે લોકસાહિત્ય, સંગીત, ચિંતન તો કોઇની પાસે હાસ્ય હતું. મેં એમ વિચાર્યું કે એક પરફેક્ટ કોલાજ રજૂ કરવું જોઇએ, એક એવો રસથાળ કે જેમાં ચાઇનીઝ નૂડલ્સ પણ હોય, રિંગણનો ઓળો હોય, લાડુ પણ હોય અને આકર્ષિત કરનાર દરેક સ્વાદ હોય. યુવાનોને ભાષા પ્રત્યે જાગૃત અને આકર્ષિત કરવા મેં મારી પ્રસ્તુતિમાં લોકસાહિત્ય, મિમિક્રી, ગીત, સંગીત, ફિલોસોફી આ બધું જ મિક્સ કરીને એક નવી થાળી બનાવી.”
• પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે કઈ રીતે સાંઇરામ દવે બની ગયા?
“યુવાનીમાં હું કવિતાઓ લખતો હતો. કોલેજમાં સ્વાભાવિક છે કે ભાઇબંધ-દોસ્તારો જે પ્રેમમાં પડતા હોય તો ગર્લફ્રેન્ડને આપવા માટે મારી પાસે બે-ચાર લાઇનો લખાવવા આવતા હતા. એ ખરેખર કવિતાઓ નહોતી, જોડકણાં જ હતા, પણ હું ‘પાગલ’ના ઉપનામથી લખતો હતો. અને એક વાર પપ્પાએ ડાયરી જોઇ લીધી. પપ્પાએ કહ્યું કે, પાગલ ના લખાય, નામ સાથે ભગવાનનું નામ લગાડને... પપ્પા ત્યારે શિરડી જઈને આવ્યા હતા, તરત જ કહ્યું કે તારું નામ સાંઇરામ રાખ્યું હોય તો? કવિ તરીકે તું તારું નામ સાંઇરામ રાખ. પિતાશ્રીની બીજી સલાહ પણ મેં અનુસરી... મારા શરૂઆતના પાંચેક વર્ષના પ્રોગ્રામમાં પ્રશાંત દવે પછી કાઉન્સમાં સાંઇરામ દવે લખાતું હતું અને ધીમે-ધીમે પ્રશાંત ગાયબ થઇ ગયું અને આજે સાઇંરામ દવે જ રહ્યું છે. એન્જિનિયરિંગ કર્યા પછી મારે ક્રિકેટર થવું હતું, અને પપ્પાએ મને કલાકાર બનાવી દીધો. મને ખૂબ જ આનંદ છે કે મેં મારા પપ્પાની વાત માની, જેના લીધે મને આ ઓળખ મળી.”
• આજની પેઢી માતૃભાષાથી દૂર થતી જાય છે. એને કઈ રીતે જુઓ છો, તમારા વતી કેવા પ્રયાસ કરો છો?
“ભારત હોય, અમેરિકા હોય કે યુકે, 20થી 30 વયવાળી પેઢી ઘરમાં પણ ગુજરાતી નથી બોલતી. આમાં ક્યાંકને ક્યાંક વાંક આપણો જ છે, બધાયનો છે. અમારા જેવા કલાકારોનો પણ વાંક છે કે જે તેમને કનેક્ટ ના કરી શક્યા. હું માનું છું કે 20 વર્ષનો દીકરો કે દીકરી જો મારા પ્રોગ્રામમાં ના આવે તો લોકસાહિત્યનો આ વારસો આગળ જ નહીં વધે. હાસ્યના રસ સાથે યુવાનોને લોકસાહિત્ય સાથે જોડવા હું તમામ પ્રયાસ કરી રહ્યો છું. મેં ચારણ કન્યા આખી ઇંગ્લિશમાં બનાવી છે. લેસ્ટરના શોમાં ટ્રાયલ તરીકે રજૂ કરી છે. મેં જોયું છે કે, યંગ ઓડિયન્સનું ભાષાનું કનેક્શન જ તૂટી ગયું છે. લંડનમાં દસેક વર્ષના વિરામ પછી આવ્યો છું અને જોયું કે ઘણા બધા શબ્દો લંડનમાં બોલાતા જ બંધ થઈ ગયા છે. આ શબ્દોને કઈ રીતે પુનર્જીવિત કરી શકાય એના માટે આપણે બધાએ પ્રયાસ કરવા જ પડશે. બોલચાલના ઘણા શબ્દો ખોવાઇ ગયા છે, પાસપોર્ટની જેમ કેટલીક સંવેદનાઓ પણ એક્સ્પાયર થઈ ગઈ છે. માતૃભાષાની સંવેદના ઓક્સિજન ઉપર છે. યુકેમાં મારી આ પ્રસ્તુતિઓ માતૃભાષાને જીવતી રાખવા માટેના પ્રયાસ છે.”
“ગુજરાતી ભાષા એ દેશના બે વડા પ્રધાનની ભાષા છે, પરંતુ ક્યાંક ગુજરાતી પ્રજાને જ ગુજરાતી બોલવામાં શરમ આવે છે. બે ગુજરાતી મળશે તો એ અંગ્રેજીમાં જ વાત કરશે... આ ગુલામ માનસિકતા આપણા ડીએનએમાં ઘુસી ગઈ છે. આપણી ભાષા માટે જે સ્વાભિમાન હોવું જોઇયે, એ ક્યાંક ઘાયલ થઈ ગયું છે. સી.બી. પટેલ જે રીતે માતૃભાષાના જતન માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે, એ કંઇ નાનીસુની વાત નથી. તેઓ ભાષાયજ્ઞના માધ્યમથી આવનારી પેઢીઓનું ભવિષ્ય મજબૂત કરવાનું સદ્કાર્ય કરી રહ્યા છે. આપણી ભાષા આપણા કપડાં નથી, આપણી ત્વચા છે. હું ખલીલ ધનતેજવીનો શેર ટાંકીશઃ વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી.”
 • સનાતન ધર્મ વિશે તમે શું કહેવા માંગો છો?
“ગીતાજીના 15મા અધ્યાયમાં એક સરસ શ્લોક ભગવાન નારાયણે કહ્યો છે - ઉર્ધ્વ મૂલ અધ:શાખા. આપણું સનાતન ધર્મ એવું વટવૃક્ષ છે જેનું મૂળ ઊંચે આકાશ સુધી છે, જેની શાખાઓ નીચે છે. 1200 વર્ષોથી જુદા-જુદા આક્રમણકારીઓ આવ્યા, રાજ કર્યું પરંતુ આપણે હજી એ જ પરંપરાઓનું પાલન કરીયે છીયે. સનાતન એવું વટવૃક્ષ છે જેના મૂળને કોઇ કાપી નથી શક્યું. હજી આપણે જય શ્રીકૃષ્ણ બોલીયે છીયે. સાડા પાંચ હજાર વર્ષો પછી પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવીયે છીયે. સનાતન એવું વટવૃક્ષ છે, જેના છાંયડામાં સમગ્ર વિશ્વને જીવનની શાંતિ, જીવન જીવવાની શૈલી મળે છે. જેને પણ સરસ, શાંતિપૂર્વક જીવન સાથે આધ્યત્મિક માર્ગે આગળ વધવું છે એના માટે સનાતન ધર્મના દરવાજા ખુલ્લા છે.”
• સતત વધતી મોંઘવારીમાં ‘ચમન’ હવે કરોડપતિ બનવાની કઈ ટિપ્સ આપશે?
“2001ની સાલમાં પછી ચમનને સમજાઇ ગયું કે પૈસાની પાછળ ભાગવાથી કંઈ મળવાનું નથી. મનની શાંતિ અને ખુશખુશાલ જીવન જ અસ્સલ સંપત્તિ છે. જૂઓ, આજના સમયમાં સંતતિ ઘટતી જાય છે અને સંપતિ વધતી જય છે. પહેલાં પરિવાર મોટો હતો પણ સુખી હતો. આજે એકનું એક બાળક છે છતાંય માતાપિતા દુઃખી છે અને વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર છે. પૈસા એ કોઇ સમાધાન નથી. વધારે ખાઇ લેવું એ સમાધાન નથી, પણ દરેક કોળિયાને મીઠો કરવો એ મહત્વનું છે. કરોડપતિ થઈને મર્સિડીઝમાં લોકો રડે છે જ્યારે કેટલાક લોકો રેંકડી ઉપર ખુશ છે. હવે ચમન કરોડપતિ બનવા કરતા ખુશ રહેવાની ટિપ્સ આપે છે.”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter