ચોવીસ વર્ષનો માત્ર બારમા ધોરણ સુધી ભણેલો ગુજરાતી યુવાન ૨૦૦૨માં હોંગકોંગ આવ્યો. નામ હતું સુરેશ ઘેવરિયા. સુરેશનું વતન હજાર માઈલ દૂર રહી ગયું તેમ અહીં નામ પણ ભૂલાયું. મિત્રો એને ઝુલુ કહે છે. ઝુલુ જાતિ આફ્રિકાની. મજબૂત દેહવાળી જાતિ. સુરેશ પણ ઊંચો, ગોરો અને સૌષ્ઠવભર્યો. ઝુલુ હોંગકોંગ આવ્યો ત્યારે તેને ન અંગ્રેજી આવડે. ચીન ભાષા તો જાણે જ ક્યાંથી? ન ઓળખાણ, ન મિત્રો. આવેલો ધંધો કરવા, પણ લાગ્યું કે ફસાઈ ગયા. હિંમત અને સૂઝનો એ સરદાર. અહીં ગુજરાતી સમાજ હતો પણ તેમાં તો કાર્યક્રમ વખતે વર્ષમાં અમુક જ વાર મળવાનું થાય.
ઝુલુને ક્રિકેટમાં બહુ રસ. તેણે ક્રિકેટ શોખીન ગુજરાતીઓ શોધવા માંડ્યા. ક્રિકેટની ટીમ કરી. શરૂમાં નવ જ મિત્ર હતા. ધીમે ધીમે વાત ફેલાતાં સંખ્યા વધીને ૬૦ થઈ. સંગઠનનું નામ રાખ્યું સર્જન. દર રવિવારે મેચ થાય. સમયસર ના આવે તો રમવા ન મળે. વર્ષે એક વાર સ્નેહમિલન યોજાય. સારા ખેલાડીને આમાં એવોર્ડ અપાય. સ્નેહમિલનમાં પરિવારને ય ભોજનનું આમંત્રણ. શરૂના વર્ષોમાં ઝુલુ ખર્ચ ભોગવે. હવે સ્પોન્સરર મળે છે. હોંગકોંગમાં દર અઠવાડિયે ગુજરાતી ભેગા મળતા હોય તેવું કરનાર સંસ્થા તે ‘સર્જન’ અને સ્થાપક ઝુલુ ઘેવરિયા.
ઝુલુને એની સાત પેઢીના નામ યાદ છે. આવું તો નવા જમાનાના યુવકોમાં ભાગ્યે જ બને. ઝુલુ કહે, ‘અમારા બાપ-દાદાઓ બીજેથી નવા ગામમાં વસવા આવ્યા ત્યારે નવેનવા ગામમાં પ્રભાવે વધે માટે ઘીના હવેડા ભરાવેલા, જેને જેટલું જોઈએ તેટલું લઈ જવાની છૂટ, આથી ઘેવરિયા અટક આવી હોય અથવા તેઓ ઘેવર નામના કોઈ ગામથી આવ્યા હોય. હાલ પાલિતાણા નજીકના દેપલાનાં રવજીભાઈ અને કાંતાબહેન સુરતમાં હીરા ઘસે. મોટો પુત્ર સુરેશ પિતા પાસે કામ શીખીને મુંબઈ પહોંચ્યો. કલર ડાયમંડના વ્યવસાયમાં પડ્યો પણ મુંબઈમાં વેચાણ ઓછું. આથી સુરેશ ૨૦૦૨માં હોંગકોંગ આવ્યો. શરૂઆતની હાડમારી પછી ધંધો બરાબર ચાલ્યો.
સુરેશ એટલે કે ઝુલુ પછી નાનો ભાઈ હરેશ પણ હોંગકોંગ આવ્યો. બંનેએ ભારે પુરુષાર્થ કર્યો. અગવડ વેઠી પણ ઝુલુની સૂઝ અને સાહસે ધંધાની પરિસ્થિતિ બદલાઈ. હોંગકોંગમાં કલર સ્ટોનના વ્યવસાયમાં ઝુલુ આજે સૌથી મોખરે છે. વધારામાં ટ્રીટેડ ડાયમંડ એટલે કે પ્રક્રિયાથી રંગીન બનાવેલા હીરાના વેપારમાં ઝુલુ અને તેમના ભાગીદાર મનીષભાઈ જીવાણીનું નામ જાણીતું છે.
ઝુલુ ન્યૂ યોર્ક, બેંગકોક અને મુંબઈમાં ઓફિસો ધરાવે છે. ચીનમાં પોતાની ફેક્ટરી છે. ઝુલુ પાસે ઓફિસો અને ફેક્ટરીમાં થઈને ૫૦૦ માણસો કામ કરે છે. ડાયમંડ કે જ્વેલરી અંગે અમેરિકા, બેંગકોક, મુંબઈ કે બીજે જ્યાં એના વેપારી મેળા ભરાય ત્યાં ઝુલુ પોતાના માલનું પ્રદર્શન કરવા પહોંચી જાય છે.
ઝુલુ પાસે ભૌતિક સમૃદ્ધિ છે. સંસ્કારભર્યા પરિવારનીય સમૃદ્ધિ છે. આ યશ ઝુલુના સંગનો છે. હોંગકોંગમાં ઝુલુના કપરા દિવસોમાં પ્રવીણભાઈ ડોંડાનો સંગ થયો. નવેનવા ઝુલુનો જ્યારે ધંધો ચાલતો નહોતો, ત્યારે પ્રવીણભાઈ ધરપત આપતા કહેતા, ‘ધીરજ રાખો. સારા દિવસો આવશે. કામ ચાલુ રાખો. કર્મયોગમાં નિષ્ફળતા હોતી નથી.’ પ્રવીણભાઈ સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડાયેલા હતા. કર્મયોગી કૃષ્ણની કૃપામાં માનતા હતા. ભારતીય સંસ્કાર અને જીવનશૈલીના સમર્થક હતા.
ઝુલુ અને નાના ભાઈ હરેશભાઈના સંતાનો સવારમાં ઊઠીને રોજ વડીલોને પગે લાગે છે. રાત્રે સંસ્કૃતના શ્લોક બોલે છે. નમ્રતા અને વિવેક બાળકોને પચ્યાં છે. ગામડે જાય ત્યારે બા અને દાદાને રોજ પગે લાગે. જમતી વખતે પ્રાર્થના કરે. આ જોઈને બા અને દાદાને નવાઈ લાગે અને પોતાનાં સંતાનો માટે ગૌરવ પેદા થાય છે.
ઝુલુમાં ઉદારતા છે. ભારતીય સંસ્કૃતિ તરફ લગાવ છે. અજાણ્યાનો હાથ પકડવાની આતિથ્યભાવના છે, બંને ભાઈઓ વચ્ચે સંપ છે. ઘસાવાની વૃત્તિ છે. આને કારણે હોંગકોંગના ગુજરાતી યુવાનોમાં ઝુલુની નેતાગીરી સર્જાઈ. સર્જન ક્રિકેટ ગ્રૂપ મારફતે એ નેતાગીરી દૃઢ બની છે.