રોજિંદું જીવન સરળ બનાવતા ઉપયોગી નુસ્ખા...
• કાપેલું લીંબુ બીજે દિવસે સુકાઈ ન જાય એ માટે એને સહેજ મીઠાવાળા પાણીમાં બોળી રાખવું અને ઉપર સહેજ ખાંડ ભભરાવવી. • નકશીદાર વાસણો ગમેએટલાં કટાઈ ગયાં હોય, પણ આમલીથી ઘસીને શિકાકાઈથી ધોશો તો એકદમ ચોખ્ખા બની જશે. • સુતરાઉ કે ઉનના કપડા પર પડેલા લિપસ્ટિકના ડાઘ દૂર કરવા માટે પહેલાં ગ્લિસરીન કે વેસેલિન લગાવીને એ ડાઘ ઝાંખો પાડો અને પછી ધોઈ નાખો. • મીણબત્તી સળગી ગયા પછી આજુબાજુ જામી ગયેલા મીણને ઉખાડી લો. આ મીણનો દિવેટ પેટાવવા માટે ઉપયોગ કરી શકાય. • ફ્રૂટસલાડ હંમેશા ભોજનના બે કલાક પૂર્વે બનાવશો તો એનો સ્વાદ વધુ સારો લાગશે. • જો કોઇ સ્ક્રૂના આંટા ઘસાઈ ગયા હોય તો એના પર સરકો રેડીને થોડી વાર મૂકી રાખો. સરકો સ્ક્રૂમાં ઉતરી ગયા પછી સ્ક્રૂને ખોલવાથી એ તરત જ બહાર આવી જશે. • કોઇ બાટલીનો બૂચ ખૂલતો ન હોય તો ગરમ પાણીમાં બાટલી ઊંઘી કરીને મૂકી દો. થોડીક વાર પછી બૂચ ખૂલી જશે. • નવાં ખરીદેલાં બૂટ-ચંપલ પહેરતાં પહેલાં એમાં થોડું શંખજીરું નાખવાથી એ ઓછાં ડંખશે. • ફુદીનાનાં પાનને મિક્સરમાં નાખીને ચટણી જેવી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને આઇસ-ટ્રેમાં રેડીને ડીપ-ફ્રીઝરમાં મૂકી દો. આ પછી જ્યારે પણ જલજીરા બનાવવું હોય ત્યારે આઇસ-ટ્રેમાંથી ફુદીના પેસ્ટના બે-ત્રણ ટુકડા લઇને તેમાં લીંબુ રસ, પાણી અને જલજીરાનો પાઉડર ઉમેરશો તો બે-પાંચ મિનિટમાં જલજીરા તૈયાર થઈ જશે.