ડો. મોહમ્મદ કમાલ ઈસ્માઈલ તેમનું નામ. તેઓ દુનિયાના એકમાત્ર એવા આર્કિટેક્ટ હતા, જેમને ઈસ્લામના ઈતિહાસમાં પ્રથમ વખત પવિત્ર મક્કા અને મદિનાની મસ્જિદોનો વિસ્તાર કરવાનું - નવનિર્માણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. બંને મસ્જિદોમાં એકસરખાં વ્હાઈટ માર્બલ લગાવવામાં નિયતિએ એવો ભાગ ભજવ્યો હતો કે એના સાક્ષી બનીને મોહમ્મદ કમાલ ખુદ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા હતા.
મોહમ્મદ કમાલનો જન્મ ૧૯૦૮માં ઈજિપ્તમાં થયો હતો. મોડર્ન ઈજિપ્તના ઈતિહાસના તેઓ સૌથી યુવા એન્જિયર હતા. યુરોપમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોય એવા તેઓ ઈજિપ્તના પ્રથમ સ્ટુડન્ટ હતા. ઈસ્લામિક સ્થાપત્યને લગતી ત્રણ-ત્રણ ડોક્ટરેટ ડિગ્રી મેળવનારા પણ તેઓ પ્રથમ આર્કિટેક્ટ હતા. ઈજિપ્તના રાજા દ્વારા એનાયત થતું પ્રતિષ્ઠિત રેન્ક ઓફ આયર્ન સન્માન મેળવનાર તેઓ સૌથી યુવા નાગરિક હતા.
આટ-આટલા ઉચ્ચ શિક્ષિત - અનેક સન્માનથી નવાજિત મોહમ્મદ કમાલના કપાળમાં કંઈક વધારે મહત્ત્વનું કામ કરવાની લકીર અંકાયેલી હતી. તેમના નસીબમાં એવું કાર્ય કરવાનું લખાયું હતું, જે સદીઓમાં એકાદ વખત થતું હોય. ૧૪૦૦-૧૫૦૦ વર્ષમાં ક્યારેય નહોતું થયું એવું પવિત્ર કાર્ય તેમની રાહ જોઈ રહ્યું હતું.
સાઉદી અરેબિયાના રાજા અબ્દુલ્લ અઝીઝના કાર્યકાળમાં મક્કા અને મદીનાની પવિત્ર મસ્જિદોનો વિસ્તાર કરવાનો - તેને નવા રંગરૂપ આપવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ માટે દુનિયાભરમાં ઈસ્લામિક સ્થાપત્યના નિષ્ણાતોની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ સમયે ઈજિપ્તના સૌથી પ્રતિભાશાળી આર્કિટેક્ટ-એન્જિનિયર ડો. મોહમ્મદ કમાલ ઈસ્માઈલનું નામ ઈસ્લામિક સ્થાપત્યમાં વિખ્યાત થઈ ચૂક્યું હતું. સાઉદી અરેબિયાના રાજાએ તેમને મળવા બોલાવ્યા. ચર્ચાવિચારણા કરી અને મક્કાની પવિત્ર મસ્જિદની આસપાસ નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જવાબદારી તેમને સોંપવામાં આવી.
નવનિર્માણમાં સૌથી અગત્યનું કામ હતું ફ્લોર પર માર્બલ લગાવવાનું. આ કામ તેમણે ખૂબ જ કૂનેહથી પાર પાડયું હતું. તેમણે મનોમન એવો નિર્ધાર કર્યો હતો કે મસ્જિદની આસપાસ જે માર્બલ લાગશે તે અદ્વિતીય કક્ષાનો હોવો જોઈએ. દુનિયાભરમાંથી આવતા મુસ્લિમ શ્રદ્ધાળુઓ જે સ્થળેથી પવિત્ર નમાઝ અદા કરે છે, બંદગી કરે છે ત્યાં તો એવો પથ્થર જ જડવો જોઈએ, જે બીજે ક્યાંય સહેલાઈથી જોવા ન મળતો હોય. વળી, સૂર્યતાપ શોષી લેતા માર્બલની પણ જરૂરિયાત હતી. એ માટે તેમણે દુનિયાભરમાં અદ્ભૂત આરસની શોધ આદરી.
તેમણે દુનિયામાં તપાસ કરી. એ દરમિયાન ગ્રીસની ખાણમાં વિશેષ પ્રકારનો માર્બલ હોવાની જાણ થઈ. ગ્રીસની એક નાનકડી પહાડીઓના પેટાળમાંથી અદ્ભૂત વ્હાઈટ માર્બલ નીકળતો હતો, પરંતુ એની માત્રા ઘણી જ ઓછી હતી.
ડો. મોહમ્મદ કમાલે મક્કાની મસ્જિદ માટે જેટલા જથ્થાની જરૂર હતી એટલો માર્બલ ખરીદી લીધો. એ પેટાળમાંથી નીકળનાર કુલ જથ્થામાંથી લગભગ અડધો જથ્થો થતો હતો. વર્ષોની મહેનત પછી મક્કાની મસ્જિદની આસપાસ અદ્વિતીય વ્હાઈટ માર્બલ જડાઈ ગયો. શાસકોથી માંડીને મુસ્લિમ બિરાદરો તેમના આ નમૂનેદાર કામથી પ્રશંસા કરતા થાકતા નહોતા. ડો. મોહમ્મદ કમાલ પણ પોતાને સોંપાયેલી જવાબદારી બખૂબી નિભાવ્યાનો સંતોષ હતો.
આ વાતને લગભગ દોઢ દસકો વીતી ગયો.
સાઉદી અરેબિયાના રાજાએ ફરીથી ડો. મોહમ્મદ કમાલનો સંપર્ક કર્યો. એ વખતે મદિનાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો, પણ શરત એટલી જ હતી કે જે માર્બલ મક્કામાં જડાયો હતો એ જ માર્બલ મદિનામાં પણ લાગવો જોઈએ.
૧૫ વર્ષના લાંબા અરસા બાદ ફરીથી એ જ માર્બલ મેળવવાનું કામ ડો. મોહમ્મદ કમાલ માટે લગભગ અશક્ય હતું. એ પ્રકારનો માર્બલ દુનિયામાં બીજે ક્યાંયથી મળશે કે નહીં તે પણ મોટો સવાલ હતો. તેઓ ફરીથી ગ્રીસ પહોંચ્યા. જે કંપની પાસેથી અગાઉ માર્બલની ખરીદી કરી હતી તેનો સંપર્ક કર્યો. એ જ માર્બલનો બાકીનો હિસ્સો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો અને મોં માગ્યા દામ આપવાની તૈયારી બતાવી.
પરંતુ કંપનીએ કહ્યું: અમે તો એ જ સમયગાળામાં માર્બલનો બાકી તમામ જથ્થો વેચી નાખ્યો હતો. હવે તો એ કોને આપ્યો એનો રેકોર્ડ પણ શોધવો મુશ્કેલ છે. કંપનીના માલિકે સ્ટોક અંગે તપાસ કરાવી તો ખબર પડી કે એ પ્રકારનો એક ટુકડો પણ અત્યારે કંપની પાસે નથી. જો રેકોર્ડ મળે તો તપાસ કરવાની વિનંતી કરીને ડો. મોહમ્મદ કમાલ ઓફિસની બહાર નીકળ્યા.
કંઈક યાદ આવ્યું એટલે પાછા રિસેપ્શન પર આવ્યા અને રિસેપ્શનિસ્ટને રેકોર્ડ શોધવાની વિનંતી કરી. સાથે સાથ પોતે જે હોટેલમાં રોકાયા હતા તેનો નંબર આપ્યો. બીજા દિવસે બપોરે તો રિટર્ન ફ્લાઈટ હતી. જો કંઈક જાણકારી મળે તો ફોન કરવાનું જણાવીને ડો. મોહમ્મદ કમાલ હોટેલમાં પાછા આવ્યાં. ભારે અજંપા અને બેચેનીમાં રાત વીતાવી.
પણ રિસેપ્શનિસ્ટના હૃદયમાં કંઈક પ્રેરણા થઈ હશે. તેણે ભારે મહેનત કરીને કંપનીનો વર્ષોજૂનો રેકોર્ડ ખોલાવ્યો અને આશ્ચર્ય વચ્ચે એ માર્બલ ખરીદનારની તમામ વિગતો મળી ગઈ.
ડો. મોહમ્મદ કમાલ એરપોર્ટ જવા નીકળવાની તૈયારીમાં હતા કે માર્બલ કંપનીમાંથી હોટેલમાં ફોન આવ્યો. તેમને ખરીદનાર કંપનીની જાણકારી આપવામાં આવી. સાઉદીની જ એક કંપનીએ એ જથ્થો લગભગ એ જ અરસામાં ખરીદી લીધો હતો. મોહમ્મદ કમાલ સાઉદી આવ્યા. એરપોર્ટ પરથી જ સીધા કંપનીની ઓફિસે પહોંચવા રવાના થયા.
માર્બલ ખરીદી લેનાર કંપનીના ડિરેક્ટરને મળીને આખી વાત જણાવી. કંપનીના ડિરેક્ટરે કહ્યું હતું કે આટલા વર્ષો પહેલાં ખરીદેલો જથ્થો અત્યાર સુધી બચ્યો હોય એવી શક્યતા રતિભાર પણ નથી. આમ છતાં તેમણે સ્ટોર વિભાગનો સંપર્ક કરીને વિગતો મંગાવી.
ડિરેક્ટરના આશ્વર્ય અને ડો. મોહમ્મદ કમાલના આશાવાદ વચ્ચે સ્ટોર વિભાગમાંથી વળતો ફોન આવ્યો. મેનેજરે વિગતો આપતા કહ્યું કે જેટલો જથ્થો ખરીદ્યો હતો એ બધો જ જથ્થો યથાવત્ છે. આટલું સાંભળીને મોહમ્મદ કમાલ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા તો ડિરેક્ટરની આંખોમાં પણ આંસુ હતા. કંપનીના ડિરેક્ટરે એક દિરહામ પણ વળતર તરીકે લેવાનો ઈનકાર કર્યો. તેણે મોહમ્મદ કમાલને કહ્યું: કદાચ અલ્લાહે જ મારા હૃદયમાં એવી સ્ફૂરણા મૂકી હશે કે હું આ માર્બલ ખરીદીને ભૂલી જાઉં. આ નિમિત્તે ઉપયોગમાં આવવાનું માર્બલ પર લખાયું હશે.
માર્બલનો બધો જ જથ્થો યુદ્ધના ધોરણે મદિના પહોંચ્યો. થોડાંક વર્ષો કામ ચાલ્યું અને જે માર્બલ મક્કામાં લાગ્યો હતો એ જ માર્બલ મદિનામાં પણ લાગ્યો.
આ પવિત્ર કાર્ય પૂરું થયું પછી સાઉદીના રાજાએ મસમોટી રકમનો ચેક ડો. મોહમ્મદ કમાલને આપ્યો તો તેમણે કહ્યું હતું: ‘આજે હું આ ચેક લઈ લઉં તો અલ્લાહને શું મોઢું બતાવીશ?’ તેમણે વળતર લીધા વગર આ કાર્ય સંપન્ન કર્યું.
૧૦૦ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવીને ૨૦૦૮માં ડો. મોહમ્મદ કમાલનું નિધન થયું હતું. મુસ્લિમ સમુદાયની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન બબ્બે પવિત્ર મસ્જિદ ડિઝાઈન કરનારા આ આર્કિટેક્ટ-એન્જિનિયર આખી જિંદગી એનો પ્રચાર કરવાથી દૂર રહ્યા હતા અને બાકીની જિંદગી બહુ જ લો-પ્રોફાઈલ રહીને જીવી ગયા હતા.