૧૮મી સદીનાં પૂણ્યશ્લોક અહિલ્યાબાઇએ મંદિર નિર્માણ અને સદકાર્યોમાં રૂા. ૧૬ કરોડ વાપર્યા હતા..!!

કોકિલા પટેલ Wednesday 28th July 2021 04:39 EDT
 
 

દેવાધિદેવ મહાદેવના બાર જયોતિર્લિંગમાં કાશી વિશ્વનાથ મંદિરનો મહિમા અનેરો છે. કાશીના આ વિશ્વનાથ મંદિરના વિકાસ માટે મુસ્લિમોએ જ્ઞાનવ્યાપી મસ્જિદની ૧૭૦૦ ચોરસ ફૂટ જમીન ભેટ આપી એ સમાચાર જાણીને ખૂબ આનંદ થયો. શિવપુરાણ કથાનુસાર સ્વયં શિવજીએ પોતે જ કાશીમાં એમના અંશરૂપ જ્યોતિર્લિંગ સ્થાપ્યું છે. આ મોક્ષદાત્રી પવિત્ર કાશીનગરીમાં સાક્ષાત વિશ્વનાથ મહાદેવની નગરી છે અને અહીં સદાકાળ વિશ્વનાથ વાસ કરે છે. ઇતિહાસ તરફ નજર કરવાનું મન થયું. બાજીરાવ પેશ્વાના સમયમાં એમની સેનાના એક બાહોશ સેનાપતિ મલ્હારરાવ હોલકરનાં પુત્રવધૂ અને માલવાનાં તપસ્વી શિવભક્ત મહારાણી અહિલ્યાબાઇ હોલકરે ઇ.સ. ૧૭૭૭માં આજનું કાશી વિશ્વેશ્વર મંદિર બંધાવેલું અને સોમનાથ મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું.
 ઇતિહાસના પાને અમર થયેલ વીરાંગનામાં રાણી અહિલ્યાબાઇ હોલકરનું નામ એવી સ્ત્રીઓમાં અગ્રણી છે જેના જીવનને હંંમેશાં તેમના આદર્શો, પરાક્રમો, બલિદાન અને દેશભક્તિ માટે યાદ કરવામાં આવે છે. તેમણે સમાજમાં કચડાયેલી સ્ત્રીઓના શિક્ષણ અને અધિકારો માટે અગત્યના સુધારા કર્યા. ઇન્દોરને એક નાનકડા ગામમાંથી એક સમૃધ્ધ અને સજીવ શહેર બનાવવામાં એમની ભૂમિકા અગ્રેસર હતી. તેમના જીવનકાળ દરમિયાન ઘણાં મંદિરોનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. હિમાલયથી માંડી દક્ષિણ ભારત (કાશી, અયોધ્યા નાગેશ્વર, શ્રી ભૈરવ મંદિર, શ્રી રામ મંદિર, શરીયુ ઘાટ, ગયા, સોમનાથ, મથુરા, હરિદ્વાર, બદ્રીનારાયણ, કેદારેશ્વર, રામેશ્વર, જગન્નાથપુરી, મધ્યપ્રદેશના તમામ મંદિરો) સુધીના ખૂણે ખૂણે આવેલા મંદિરોના નિર્માણ કાર્યમાં અઢળક પૈસા ખર્ચ્યા હતા. હોલકર પરિવારની વિશેષતા એ હતી કે તેઓ તેમના વ્યક્તિગત અને કૌટુંબિક ખર્ચને પહોંચી વળવા જાહેર ભંડોળનો ઉપયોગ કરતા નહિ. તેમની ખાનગી મિલકતોમાંથી તેમનું વ્યક્તિગત ભંડોળ એકત્ર થતું. ૧૭૬૬માં મહારાણી અહિલ્યાબાઇ માલવાનાં શાસક બન્યા તે સમયે આશરે સોળ કરોડ રૂપિયા જેટલું ભંડોળ તેમણે વારસામાં મળ્યું હતું. એ તમામ ભંડોળને અહિલ્યાબાઇએ સખાવતી કાર્યોમાં વાપર્યું હતું. એટલા માટે મરાઠા કૂળની રાજમાતા અહિલ્યાબાઇને "પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ" તરીકે વર્ણવવામાં આવે છે. એમનું ઇતિહાસના સુવર્ણ પાને લખાય એવું અલંકૃત શાસન ઇ.સ.૧૭૯૫માં ખત્મ થઇ ગયું જ્યારે એમનું નિધન થયું.
વાંચક ભાઇ-બહેનો અત્યારે સોની ટીવી ઉપર સાંજે "પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ" ઐતિહાસિક સિરીયલ આવે છે એ આપે કદાચ જોઇ ના હોય તો આ તપસ્વી મહારાણીની ગાથા જાણવા જેવી છે. એમાં વાત છે ૧૮મી સદીની પણ એ સમયે એક રાજવંશની પુત્રવધૂ બનતી અહિલ્યાનું જે ચરિત્ર દર્શાવ્યું છે એ અત્યંત પ્રભાવશાળી અને હૃદયસ્પર્શી છે.
૩૧ મે, ૧૭૨૫માં મહારાષ્ટ્રના એક નાનકડા ગામ છૌંડીના ગરીબ પરિવારમાં જન્મેલી અહિલ્યા છે એક ખેડૂતની દીકરી પણ જીવનને મર્મથી જુએ છે. બાળપણથી એ સમાજે ઘડેલા નિયમોથી ચાલતી નથી બલ્કે માનવીય લાગણીઓ જ એના માટે મહત્વની છે, સાથે એ સ્પષ્ટ વક્તા પણ છે. અહિલ્યાના પિતા માનકોજી રાવ શિંદે શિવજીના પરમ ઉપાસક હતા અને એમની એક માત્ર દીકરી અહિલ્યા પર એ સંસ્કારની ઉંડી અસર થઇ. બાજીરાવ પેશ્વાના સેનાપિત મલ્હાર રાવ હોલકર નિઝામની સેના સામે યુધ્ધ કરીને આ છૌંડી ગામની સરહદ પરથી પસાર થઇ રહી હતી હતી ત્યારે મલહાર રાવની ઘોડેસ્વાર સેનાના પગરવથી ડરીને સૌ ભાગી છૂટે છે પણ નીડર બાલિકા અહિલ્યા નદી કિનારે માટીથી બનાવેલા શિવલીંગને વળગીને નતમસ્તકે બેસી રહે છે એ જોઇ મલ્હાર રાવ ખુશ થઇ જાય છે. એ પછી ગુપ્તવેશે ગામના મુખી માનકોજીને ઘેર રહી આઠ વર્ષની અહિલ્યાની સરળતા, ચરિત્ર, બુધ્ધિચાતુર્યથી પ્રભાવિત થયા. એમણે એમના ૧૩-૧૪ વર્ષના રમતિયાળ, રાજનૈતિક ફરજોમાં નિરસ દીકરા ખંડેરાવ સાથે અહિલ્યાનાં લગ્ન કરી દીધાં. આમ આઠ વર્ષની બાળકી માલવાના રાજકુમાર ખંડેરાવની પત્ની બની ગામડામાંથી મહેલમાં પ્રવેશે છે પછી એ ધીરે ધીરે રાજનૈતિક બાબતોમાં, નિર્ણયોમાં, ગતિવિધિઓમાં રસ લેતાં મલ્હારરાવ ખૂબ જ પ્રભાવિત થાય છે. એ જમાનામાં સ્ત્રીઓને શિક્ષણ અપાતું નહિ પણ અહિલ્યાને શિક્ષણ માટેનો તરવરાટ જોઇ મલ્હારરાવ એમના દીકરા ખંડેરાવ સાથે અહિલ્યાને પણ શિક્ષણ મળે એવો નિર્ણય લે છે ત્યારે મલ્હાર રાવનાં પત્ની મહારાણી ગૌતમા સહિત રાજદરબાર અને સમાજના સૌ કોઇ સ્ત્રી શિક્ષણ સામે વિરોધ કરે છે તેમછતાં મલહાર રાવ નિર્ણય પર અડગ રહી અહિલ્યાને શિક્ષણ અપાવે છે.
આ સિરિયલમાં અહિલ્યા અને તેના સસરા મલ્હાર રાવ હોલકરનો સંબંધ હૂંફાળો, ઉંડી સમજશક્તિવાળો દર્શાવાયો છે. ચહેરા પર કાયમ સ્મિત હોય અને અહિલ્યાને સમજવાની અને એના વિષે બીજાને સમજાવાની કુશળતા હોય એવા શાસક મલ્હાર રાવ પુત્રવધૂ અહિલ્યાને એ રીતે ઘડતર કરે છે જે ભવિષ્યની મોટી શાસક બને છે. મલ્હાર રાવનું પાત્ર રાજેશ શ્રીંગારપુરેએ ખૂબ અસરકારક નિભાવ્યું છે. આ સિરીયલમાં અદિતિ જલતરે અહિલ્યાની ભૂમિકા ખૂબ સરસ રીતે નિભાવી છે. ૧૦ વર્ષની અદિતિ નાગપુરની સ્કૂલમાં ૧ અભ્યાસ કરે છે. મહારાણી ગૌતમાનું પાત્ર સ્નેહલતા વસઇકરે ભજવ્યું છે. મલ્હાર રાવનાં પત્ની મહારાણી ગૌતમા ગામડાની ખેડૂત દીકરી અહિલ્યાને પુત્રવધૂ તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતાં એટલે અહિલ્યાને શરૂઆતમાં ખૂબ કષ્ટ વેઠવું પડે છે પણ જયારે અહિલ્યા રાજકુમાર ખંડેરાવને રાજકીય શાસક બનવા હિંમત અને પ્રેરણારૂપ બને છે ત્યારે મહારાણી ગૌતમા અહિલ્યાને અત્યંત પ્રેમ અને આદર આપે છે. અત્યારે ટીવી સિરિયલ પર “પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ"નું બાળપણમાં રાજકીય ઘડતર થતું દર્શાવાય છે. એ પછી એ યુવાવસ્થામાં પ્રવેશશે, બે દીકરા અને એક દીકરાનાં માતા બનશે, કેવી રીતે યુધ્ધો ખેલાશે, એમના પતિ ખંડેરાવનું શું થશે, સસરા મલ્હાર રાવનું શું થશે અને અહિલ્યાબાઇ કેવી પરિસ્થિતિમાં માલવાનાં શાસક બનશે, બાહોશ વીરાંગના હાથી પર બેસીને તીર અને તલવાર વડે કેવાં યુધ્ધ ખેલશે, કેવું એમનું તપસ્વી જીવન હશે, એમના જનલક્ષી સુધારા કેવા હશે ઇત્યાદિ જાણવા આ સિરિયલ જરૂર જોવી પડે અને તમારા સંતાનો, બાળકોને પણ ખાસ જોવા આગ્રહ કરવો. કોઇપણ જાતનાં ગતકડાં મૂક્યા વગરની આ ઐતિહાસિક સિરિયલ "પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ" ઘડીભર તમને ૧૮મી સદીના ભૂતકાળ તરફ દોરી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter