૧૯૭૧નો બંગાળી હિન્દુઓનો નરસંહાર

વડા પ્રધાન જ્હોન્સનને ખુલ્લો પત્ર

Wednesday 24th March 2021 07:39 EDT
 
 

 સંદર્ભઃ ૧૯૭૧નો બંગાળી હિન્દુઓનો નરસંહાર 

વહાલા વડા પ્રધાન,

હું આપને આ પત્ર દિલને સૌથી વધુ આઘાત પહોંચાડનારી માનવીય આપદાઓમાં અને ૨૦મી સદીમાં માનવતા વિરુદ્ધ અપરાધોમાં એક ‘બંગાળી હિન્દુઓના નરસંહાર’ વિશે સ્પષ્ટપણે દર્શાવવા લખી રહ્યો છું. આ વર્ષે, ૨૦૨૧ની ૨૫ માર્ચે પાકિસ્તાન સરકાર દ્વારા આચરાયેલા અતિ ઘૃણાસ્પદ નરસંહારના આરંભની ૫૦મી વર્ષગાંઠ છે. આ તારીખે પાકિસ્તાન સરકારે તત્કાલીન પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકામાં ‘ઓપરેશન સર્ચલાઈટ’ નામે લશ્કરી કાર્યવાહી શરુ કરી હતી. આ લક્ષ્યાંકિત હુમલાએ બંગાળી હિન્દુ વસ્તી પર નિર્દય હત્યાકાંડને છૂટો દોર આપી દીધો હતો જેના પગલે હજારો લોકોની કત્લેઆમ કરવામાં આવી હતી.

ઈતિહાસકારોના અંદાજ મુજબ ૨ – ૩ મિલિયન લોકો, મુખ્યત્વે હિન્દુઓ અને મુસ્લિમ બૌદ્ધિકો અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રવાદીઓની કત્લેઆમ ચલાવાઈ હતી. આ રાજ્યપ્રેરિત જંગાલિયાત કે બર્બરતા એટલી હદની હતી કે ૨૦૦,૦૦૦થી વધુ સ્ત્રીઓ પર બળાત્કાર કરાયો હતો અને ૧૦ મિલિયનથી વધુ લોકો ઘરબારવિહોણાં બની ગયા હતા જેમાંથી, મોટા ભાગનાએ ભારતમાં આશરો લીધો હતો.

આ સમયે, અગ્રણી પશ્ચિમી દેશો પાકિસ્તાન સરકાર દ્વારા કરાવાયેલા નરસંહાર વિશે સંપૂર્ણ માહિતગાર હતા. આ તો ઈતિહાસનું પુનરાવર્તન જ થઈ રહ્યું હતું જ્યારે આ દેશોએ આંખો બંધ કરી લીધી હતી. હકીકત એ છે કે, અમેરિકન કોન્સુલ જનરલ આર્ચર કે. બ્લડે યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટને ‘Selective Genocide –પસંદગીયુક્ત નરસંહાર’ના મથાળા સાથેના ટેલિગ્રામમાં લખ્યું હતું કે,‘ અહીં ઢાકામાં અમે પાક. મિલિટરી દ્વારા ખુલ્લેઆમ ત્રાસના વાતાવરણના મૂક અને ગભરાયેલા સાક્ષીઓ છીએ. આ ઉપરાંત, પાકિસ્તાની લશ્કરની પીઠબળ સાથે બિનબંગાળી મુસ્લિમો વ્યવસ્થિતપણે ગરીબ લોકોના ઘરબાર પર હુમલાઓ કરે છે તેમજ બંગાળીઓ અને હિન્દુઓની હત્યા કરી રહ્યા છે. પાકિસ્તાની લશ્કરના અત્યાચારોની કમકમાટી ઉપજાવનારી હકીકતો વહેલાં કે મોડાં બહાર આવશે.’

યુએન હ્યુમન રાઈટ્સ કમિશને (UNHRC) યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સની ૩૩મી વર્ષગાંઠ નિમિત્તે  તેના ૧૯૮૧ના રિપોર્ટમાં જણાવ્યું હતું કે બાંગલાદેશમાં ૧૯૭૧માં આચરાયેલો નરસંહાર ઈતિહાસમાં સૌથી ખરાબ હતો. UNHRCરિપોર્ટે જણાવ્યું હતું કે ૧.૫ મિલિયન લોકોની હત્યાનું સૌથી નીચુ પ્રમાણ ધ્યાનમાં લઈએ તો પણ નરસંહારના ૨૬૭ દિવસોમાં રોજના ૬,૦૦૦ – ૧૨,૦૦૦ના ધોરણે હત્યાઓ કરવામાં આવી હતી.

હું જાણું છું કે તમે ટુંક સમયમાં હત્યારી પાકિસ્તાની સરકારની ચુંગાલમાંથી બાંગલાદેશને મુક્ત કરાવનારા ભારત દેશના પ્રવાસે જઈ રહ્યા છો. હું માનું છું કે તમે ૨૫ માર્ચને ‘બંગાળી હિન્દુ જેનસાઈડ રિમેમ્બરન્સ ડે’ ગણાવવા જાહેર ઘોષણા કરી શકો તો તે સર્વથા ઉચિત રહેશે.

ગ્રેટ બ્રિટનનો ઈતિહાસ અને ભારતીય ઉપખંડ સાથે તેનો ઐતિહાસિક સંબંધનું સારી રીતે ડોક્યુમેન્ટેશન કરાયેલું છે. આ જ રીતે આચરાયેલા દમન-અત્યાચારોનું પણ દસ્તાવેજીકરણ થયું છે પરંતુ, આ બધું ઘણી વખત ભૂલાઈ જાય છે, તેની દરકાર રખાતી નથી અને છુપાવી પણ દેવાય છે. શું પીડિતો-વિક્ટિમ્સનું સ્મરણ કરવાની પ્રક્રિયા શરુ કરવાનો આ યોગ્ય સમય નથી?

આપણે જોઈએ છે કે જે લોકોને ગુલામ બનાવાયા હતા, શોષણ કરાયું હતું, દબાવી દેવાયા હતા, સિતમ ગુજારાયો હતો, કચડી નખાયા હતા, તેઓ આજે વૈશ્વિક વિકાસવૃદ્ધિનું ચાલકબળ બન્યા છે. ભારત હવે સમગ્ર વિશ્વમાં અબજો લોકોનું જીવન બચાવશે તેવી વેક્સિન પૂરી પાડીને વિશ્વની ‘ફાર્મસી’ બની ગયું છે.

એક રાષ્ટ્ર તરીકે આપણા સમ્માન અને ગરિમાને બચાવવા માટે આપણે ઘણી નુકસાની ભરપાઈ કરવાની આવશ્યકતા છે. દરેક પ્રાઈમ મિનિસ્ટરને ઈતિહાસના નિર્માણની તક સાંપડે છે પરંતુ, મોટા ભાગે આવી તક વેડફાઈ જતી હોય છે. આપણા દેશના પ્રાઈમ મિનિસ્ટર તરીકે આપની પાસે બંગાળી હિન્દુ નરસંહાર ખરેખર શું હતો, પાકિસ્તાન રાષ્ટ્રે માનવ અધિકારોનું જે રીતે હનન કર્યું તે ૨૦મી સદીના સમયગાળામાં નાઝીઓ દ્વારા લઘુમતીઓ પર ગુજારાયેલા સિતમથી જરા પણ અલગ નહિ હોવાનું જાહેર કરનારા પ્રથમ પાશ્ચાત્ય નેતાઓમાં એક નેતા બનવાની તક છે.

બ્રેક્ઝિટના સંદર્ભમાં ઈતિહાસના સાચા પક્ષે ઉભા રહેવાથી આખરે આપના માટે અમારા વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો બન્યો હતો. હું આશા રાખું છું કે આ પ્રસંગે પણ આપ ફરી એક વખત ઈતિહાસના સાચા પક્ષે ઉભા રહેશો અને ‘બંગાળી હિન્દુ જેનસાઈડ’ની ૫૦મી વર્ષગાંઠે શ્રદ્ધાંજલિ અર્પવા આંતરરાષ્ટ્રીય સમુદાયનું નેતૃત્વ કરશો.

એલી વિઝલ (Elie Wiesel) કહે છે તેમ, ‘મૃતકો અને જીવિતો માટે આપણે સાક્ષીને જન્મ આપવો રહ્યો’

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter