૨૬ જાન્યુઆરીઃ યહ પવિત્ર પ્રસંગ પર્વ હૈ! સ્મૃતિઓ કા ત્યૌહાર હૈ યહ!

Wednesday 19th January 2022 04:50 EST
 
 

આજે વિશ્વતખતે ભારત એક સબળ, સશક્ત, સંસદીય લોકતાંત્રિક દેશ તરીકે આગવી ઓળખ ધરાવે છે. ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ છે કેમ કે દેશમાં લોકતંત્રના મૂળિયા ઊંડા જ નહીં, મજબૂત પણ છે. અનેકવિધ ભાષા અને સંસ્કૃતિના સંગમસમાન ૨૮ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો આ દેશ વિવિધતામાં એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વિનાશક કુદરતી આફતોથી માંડીને અનેક માનવસર્જિત પડકારોનો સામનો કરવા છતાં ભારતમાં ક્યારેય લોકતંત્રના પાયા ડગ્યા નથી કેમ કે તેના મૂળમાં છે નક્કર બંધારણ.
દરેક કટોકટી વેળા વધુ મજબૂત બનીને ઉભરેલો આ દેશ વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યો છે. અમેરિકા હોય, રશિયા હોય કે સાઉદી અરેબિયા, સહુ કોઇ ભારત સાથેનો નાતો વધુ મજબૂત બનાવવા તત્પર છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહેલો ભારત દેશ પ્રગતિના નીતનવા શીખરો કરવાના આશા-અરમાનો સાથે ૨૬ જાન્યુઆરીએ ૭૩મું પ્રજાસત્તાક પર્વ મનાવશે.
આપણા દેશનું બંધારણ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ચૂંટાયેલી સંવિધાનસભા દ્વારા અપનાવાયું હતું પણ તેનો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસથી થયો અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
પરંતુ ૨૬ જાન્યુઆરી જ શા માટે?
આઝાદ ભારતે બંધારણના અમલીકરણ માટે ૨૬ જાન્યુઆરી પસંદ કરી તેની પાછળ પણ રસપ્રદ ઇતિહાસ છે. વાત એમ છે કે, દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલી રહ્યો હતો તે વેળા - ડિસેમ્બર ૧૯૨૯માં લાહોર ખાતે પંડિત જવાહરલાલ નેહરુના અધ્યક્ષપદે કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. જેમાં સ્વાતંત્ર્ય આંદોલનનું સુકાન સંભાળી રહેલી એકમાત્ર સંસ્થા તરીકે કોંગ્રેસે સંપૂર્ણ સ્વરાજ્યના નારા સાથે આઝાદીની બુલંદ માગણી કરી હતી. અધિવેશનમાં પસાર થયેલા ઠરાવ અનુસાર ૧૯૩૦ની ૨૬મી જાન્યુઆરી અને ત્યાર પછીના દર વર્ષે એ દિવસને ‘સ્વાતંત્ર્ય સંકલ્પ દિન’ તરીકે ઊજવવાનું જાહેર થયું હતું. આઝાદી પછી સંવિધાનસભા અસ્તિત્વમાં આવી. અને આ સંવિધાનસભા દ્વારા ઘડાયેલા ભારતનું નૂતન બંધારણને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ લોકતાંત્રિક સંસ્કાર પ્રણાલી સાથે અમલમાં મૂકાયું.
બંધારણ રચનાનું ભગીરથ કાર્ય
ભારતે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અંગ્રેજોનાં આધિપત્યમાંથી આઝાદી તો મેળવી, પરંતુ સ્વતંત્ર દેશ પાસે તેનું કાયમી બંધારણ નહોતું. ૧૯૪૭માં દેશની આઝાદી બાદ ૯ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ સંવિધાન સંવિધાનસભાની જાહેરાત કરાઇ હતી અને તે સભા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ ચાલી હતી. ભારતના બંધારણની રચના માટે ડો. આંબેડકરના નેતૃત્વ હેઠળ સમિતિ રચાઇ હતી, અને આ બંધારણસભાએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ હસ્તલિખિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરીને બે દિવસ બાદ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતનું બંધારણ અમલમાં મૂક્યું. આ સાથે જ ભારતના પ્રથમ અને અંતિમ ગવર્નર-જનરલ રાજગોપાલાચારી ચક્રવર્તીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું અને ડો. રાજેન્દ્રપ્રસાદની નિમણૂંક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કરાઇ હતી.
૨ વર્ષ, ૧૧ મહિના ને ૧૭ દિવસ
બંધારણ ઘડતરની અત્યંત ગહન અને અભ્યાસપૂર્ણ કાર્યવાહી ૨ વર્ષ, ૧૧ મહિના ને ૧૭ દિવસ ચાલી હતી. સંવિધાનસભાના ૧૧ અધિવેશન થયાં ને ૧૮૫ દિવસ બેઠકો યોજાઈ. સંવિધાનસભાની કાર્યવાહીના હજારો પાનાના ૧૨ ગ્રંથ છે.
બંધારણીય મુસદ્દા સમિતિએ રજૂ કરેલા મુસદ્દામાં ૭,૮૩૫ સુધારા રજૂ થયા હતા. જેમાંથી ૨,૪૨૩ સુધારા પર ચર્ચા થઈ હતી. જેમાં અનેક સુધારા પર મતદાન પણ થયું હતું. સંવિધાનસભાની ૧૦૦ જેટલી કમિટીઓએ ૩૧૫ કલમનું દુનિયાનું લાંબુ બંધારણ ઘડી કાઢયું હતું. જે એક સમુદ્રમંથન જેવું મોટું કાર્ય હતું. સંવિધાનસભાની પ્રથમ બેઠકના પ્રારંભિક અધ્યક્ષ ડો. સચ્ચિદાનંદ સિંહા હતા ને ત્યારબાદ તેના કાયમી પ્રમુખ તરીકે ડો. રાજેન્દ્ર પ્રસાદ બન્યા હતા.
૩૮૯ સભ્યોની સંવિધાનસભા
બંધારણના ઘડતરની વાત આવે ત્યારે આપણે અત્યંત આદર અને ગૌરવપૂર્ણ રીતે ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને યાદ કરીએ છીએ. તેના ઘડતરમાં પં. જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ અને ડો. રાજેન્દ્ર પ્રસાદની ભૂમિકાને યાદ કરાય છે, પણ સંવિધાનસભામાં કુલ ૩૮૯ સભ્યો હતા. સંવિધાનસભામાં પુરુષ અગ્રણીઓની ભૂમિકાની વત્તી-ઓછી નોંધ લેવાઈ છે, પણ ૧૫ જેટલી મહિલા સભ્યોની પણ બંધારણનાં ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
નારીશક્તિનું પ્રદાન
સંવિધાનસભામાં નારીશક્તિના પ્રદાનની વાત કરીએ તો, રાજકુમારી અમૃત કૌર અને ગુજરાતના હંસાબહેન મહેતા સંવિધાનસભાની મહત્ત્વની કમિટીઓનાં પણ સભ્ય હતાં. સંવિધાનસભાના અન્ય મહિલા સભ્યોમાં અમ્મુ સ્વામીનાથન્, દક્ષિણાની વેલાયુદ્ધ, બેગમ એજાજ રસૂલ, દુર્ગાબાઈ દેશમુખ, કમલા ચૌધરી, લીલા રોય, માલતી ચૌધરી, પૂર્ણિમા બેનરજી, રેણુકા રે, સરોજિની નાયડુ, સુચેતા કૃપલાની, વિજયાલક્ષ્મી પંડિત અને એની માસ્કારેનનો સમાવેશ થાય છે. આમાંથી સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, સુચેતા કૃપલાની અને રાજકુમારી અમૃત કૌર જેવાં નામો જાણીતા છે પણ બાકીના ઓછા જાણીતા છે યા લગભગ આજે કોઈ જાણતું પણ નહીં હોય. હંસા મહેતા જેવા એક ગુજરાતી મહિલા પણ સંવિધાનસભાના સભ્ય હતા તે ગુજરાત માટે ગૌરવની વાત છે.
એકમાત્ર હસ્તલિખિત બંધારણ
વિશ્વમાં એકમાત્ર ભારતીય બંધારણ જ એવું છે કે જેને પ્રિન્ટ નથી કરાયું, પરંતુ સંપૂર્ણપણે હસ્તલિખિત છે. બંધારણની હિન્દી અને અંગ્રેજી - એમ બે ભાષામાં હસ્તલિખિત પ્રતો તૈયાર કરાઇ છે અને બંને પ્રતો પર સંવિધાનસભાના ૩૦૮ સભ્યોનાં હસ્તાક્ષર છે. બંધારણની મૂળ પ્રતને પ્રેમબિહારી નારાયણ રાયજાદાએ મરોડદાર ઇટાલિક સ્ટાઇલમાં લખી છે. તેના દરેક પૃષ્ઠને નંદલાલ બોઝ અને રામમનોહર સિંહા જેવા શાંતિનિકેતનના જાણીતા કલાકારો દ્વારા શણગારાયું છે. બંધારણના દરેક પાના પર નાના - નાના આર્ટવર્ક છે, તે સિંધુ ખીણ સંસ્કૃતિના વર્તમાન સમયગાળાને બતાવે છે. આનાથી એક વાત સ્પષ્ટ છે કે જેના પર ખૂબ જ કામ કરાયું છે તે ઓરિજનલ નકલને સાચવી રાખવાનું કેટલું મહત્ત્વનું છે.
મૂળ નકલ સચવાઇ છે ગેસ બોક્સમાં
ફ્લાનીલના કપડાંમાં રાખવામાં આવેલા બંધારણની મૂળ નકલને સમયના વહેવા સાથે નુકસાન થઇ શકે છે તે વાતની જાણ થતાંની સાથે જ ૧૯૫૦માં ઓરિજિનલ નકલને હિલિયમ ગેસથી ભરેલી ચેમ્બરમાં રખાઇ છે. હિલિયમ એ એક પ્રકારનો ગેસ છે, જે આગને પકડતો નથી, જેથી નકલને કોઇ પણ પ્રકારનું નુકસાન થવાની શક્યતાઓ રહેતી નથી. આ પ્રકારની સગવડતાના કારણે કાગળ બગડતો નથી અને બંધારણ લખવા માટે વપરાયેલી કાળી શાહી પણ ઝાંખી પડતી નથી. આમ ખાસ કાળજી સાથે સચવાયેલા બંધારણની નકલો હસ્તલિખિત હોવા છતાં પણ અત્યાર સુધી સુરક્ષિત છે અને ભવિષ્યમાં પણ રહેશે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
હિલિયમ ગેસ ચેમ્બરમાં મૂકવામાં આવેલી બંધારણની નકલને સંસદના પુસ્તકાલયમાં રાખવા આવી છે. જ્યાં ચોવીસ કલાક સીસીટીવી મોનિટર વડે નજર રાખવામાં આવે છે. એટલું જ નહીં, દર બે મહિને બંધારણની બન્ને નકલ સુરક્ષિત છે કે કેમ તેની ખાતરી કરવામાં આવે છે. વિશ્વના દરેક દેશમાં બંધારણની મૂળ નકલોનો આદર કરવામાં આવે છે. જેના કારણે દરેક દેશે તેની મૂળ નકલને સાચવી રાખી છે. આવનારા સમયમાં પણ આ નકલો સચવાયેલી રહે તે માટે આ પ્રકારની કવાયત કરવામાં આવે છે.
વર્ષ ૧૯૫૦માં જ અશોક સ્તંભનો રાષ્ટ્રીય પ્રતીકચિહ્નનાં રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો તો ૨૪ જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ ‘જન ગણ મન...’ ગીતને રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. મોરનાં સૌંદર્યને ધ્યાનમાં રાખીને ૨૬ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ તેને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરાયું. બે વર્ષ બાદ, ૨૬મી જાન્યુઆરી ૧૯૬૫નાં રોજ હિન્દી ભાષાને ભારતની રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો અપાયો હતો.
આમ, ૨૬ જાન્યુઆરી એ અવિસ્મરણીય સ્મૃતિઓનું પ્રજાસત્તાક પર્વ છે. એક હિન્દી કવિએ એના ઐતિહાસિક મહત્ત્વનું ગૌરવાકિંત શબ્દોમાં વર્ણન કર્યું છે.
૨૬ જનવરી
યહ પવિત્ર પ્રસંગ પર્વ હૈ!
સ્મૃતિઓ કા ત્યૌહાર હે યહ!
ન જાને કિતની બાર આયા હૈ યહ!
ન જાને કિતની બાર આયેગા યહ!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter