ગુજરાત જેને માટે સદાય ગૌરવ લઈ શકે તેવી ૧૯૩૦ની મહાત્મા ગાંધીની દાંડીકૂચની લડતને ૧૨મી માર્ચના રોજ ૯૦ વર્ષ થયા છે. ૧૯૨૮ની સરદાર પટેલની બારડોલી સત્યાગ્રહની લડત બાદ ૧૯૩૦ની દાંડીકૂચની લડતે ભારત અને ગુજરાતને તે સમયે વિશ્વમંચ પર મૂકીને ગૌરવ અપાવ્યું, તેની સાથે સાથે આઝાદીની લડતને પદ્ધતિસરનો રાષ્ટ્રવ્યાપી વેગ મળ્યો ને તેના પડઘા દુનિયાભરમાં પડયા. સમગ્ર જગતનું ધ્યાન ભારતની પ્રજાની આઝાદીની આશા કે આકાંક્ષા તરફ ખેંચાયું. ૬૧ના ડોસાએ મોક્ષ ને મુક્તિ મેળવવા તાલાવેલી જાગે તે ઉંમરે મીઠાના નમક સત્યાગ્રહ થકી દેશની પ્રજામાં પ્રાણ પૂર્યા.
૨૪૧ માઈલની અમદાવાદના સાબરમતી આશ્રમથી ૧૨ માર્ચ, ૧૯૩૦ના દિવસે ૫૪ ઇંચ લાંબી ને ૧ ઇંચ જાડી અહિંસક લાકડી ને ટૂંકી પોતડીના સહારે ને જોરે ૨૫ દિવસની પદયાત્રા કરીને ૫ એપ્રિલે દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડીને જેનો સૂરજ કદી આથમતો ન હતો તેવી બ્રિટિશ સલ્તનતના પાયામાં લૂણો લગાડયો. એ વિશ્વ ઇતિહાસની એક અભૂતપૂર્વ સત્ય અને અહિંસાના પાયે ચાલેલી લડતનો અવિસ્મરણીય ને ઐતિહાસિક નમૂનો હતો.
નમક સત્યાગ્રહથી સ્વરાજ મળે તેવી ગાંધીની વાતમાં નેહરુ, સરદાર કે તે સમયના ઘણાં બધા નેતાઓને શ્રદ્ધા ન હતી. સરદાર તો મીઠા સત્યાગ્રહની તૈયારી માટે આશ્રમમાં મળતી બેઠકોમાં ચર્ચા ભાગ લેવા પણ જતા નહીં. આ અંગે તેમણે મહાદેવભાઈ દેસાઈને કહેલું કે, મને આ ચર્ચામાં શો રસ પડે? ગાંધીજી કહે તેમ કરો. તે જેલમાં જાય પછી હું તમને મારા કાર્યક્રમની વિગત આપીશ... પણ આ તો ગાંધી હતા. ગાંધીને બારડોલી સત્યાગ્રહનો સરદારનો પૂરો કે પાકો અનુભવ હતો. આથી ગાંધીજીએ દાંડીકૂચનો માર્ગ નક્કી કરવાનું ને કાર્યક્રમ ઘડવાનું કામ સરદારને સોંપ્યું ને સરદારને લડતના પ્રચારની પાયાની કામગીરી સોંપાઈ. આમ યાત્રા પહેલાં જ ભરૂચમાં ઐતિહાસિક સભા બાદ ખેડાના રાસ ગામે વલ્લભભાઈની અંગ્રેજ સરકારે ધરપકડ કરી.
ગાંધી કરતાં સરદાર વધુ ‘જોખમી’
અંગ્રેજ સરકારને બારડોલીનો અનુભવ હતો કે ગાંધી કરતાં સરદાર વધુ જોખમી માણસ છે. દાંડીકૂચની લડતને ૯૦ વર્ષ થયાં તેમ સરદારની પ્રથમ જેલયાત્રાને પણ ૯૦ વર્ષ થયાં. ગાંધીએ ૨૪૧ માઈલની બધી જ સભાઓમાં સરદારની ધરપકડનો વિરોધ કર્યો હતો. ગાંધીજી સાથે દાંડીકૂચમાં ૧૬ વર્ષથી ૬૧ વર્ષના ૧૬ રાજ્યોના હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી યાત્રીઓ હતા. મહિલાઓને આગળ કરીને પોલીસના સંકટમાંથી બચવાની વૃત્તિ સરકારને ન દેખાય તે માટે એક પણ બહેનની દાંડીયાત્રી તરીકે પસંદગી કરાઈ ન હતી. ગુજરાતના ૩૨ યાત્રીઓ હતા. મૂળ આશ્રમથી ૭૯ જણ જોડાયા હતા, પણ પાછળથી બીજા બે જોડાતાં કુલ યાત્રીની સંખ્યા ૮૧ થઈ હતી.
વિઠ્ઠલભાઇએ અંગ્રેજોને ઉઠાં ભણાવ્યાં!
દાંડીયાત્રા પહેલાં સરદારની પેઠે ગાંધીજીને પકડવાની પણ સરકારની યોજના હતી, પણ તે સમયે વડી ધારાસભાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે અંગ્રેજ સરકારને ઊંધે રવાડે ચડાવીને એવી ગેરમાર્ગે દોરી કે આ ડોસો આ ઉંમરે ચાલતો દાંડી પહોંચશે કે કેમ તે પ્રશ્ન છે. તો તમારે તેની ધરપકડ કરીને કાળી ટીલી શું કામ લેવી? વાઇસરોયને થયું કે, વિઠ્ઠલભાઈની વાત સાચી છે. ગાંધીને પકડવાથી દેશમાં જુવાળ પેદા થશે. બીજી બાજુ વિઠ્ઠલભાઈનો આશય એ હતો કે ગાંધીની હાજરીમાં દાંડીયાત્રા સફળ થશે તો તેના પડઘા દુનિયાભરમાં પડશે અને સમગ્ર દેશમાં લોકજાગૃતિનું પ્રચંડ મોજું ફરી વળશે. અંતે વિઠ્ઠલભાઈ સાચા ઠર્યા.
ગાંધીજી માટે તો સત્તા સામે આ એક સાચની લડાઈ હતી. ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે, ‘લઈને નમક ચપટી, રાજ્ય જુલ્મી ઉખાડયું.’ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ - દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ. નારાયણ દેસાઈના ગીત મુજબ, ‘ચાખ્યું સ્વરાજ કેરું મીઠું વાલીડા મારા, ચાખ્યું સ્વરાજે કેરું મીઠું.’ ગાંધીજીએ કહ્યું કે, ‘સત્તા બળ સામે હક માટેની આ લડતમાં આખી દુનિયાની સહાનુભૂતિ માગું છું. આપણો કેસ સાચો છે. આપણાં સાધનો શુદ્ધમાં શુદ્ધ છે અને જ્યાં શુદ્ધ સાધન છે ત્યાં પરમેશ્વર છે.’ ગીત ગવાયું કે, ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે, શૂરા જાગજો રે કાયર ભાગજો રે.’
મહાત્મા અને મુત્સદ્દી બન્ને
ગાંધીજી મહાત્મા ને મુત્સદ્દી બંને હતા. સ્વરાજ મેળવવામાં આવનારી અડચણોને મળ્યા પછી ઊભી થનારી સમસ્યાઓથી તેઓ અગાઉથી જ સુપેરે વાકેફ હતા. મીઠું એ એક એવો મુદ્દો હતો કે જે દેશના પ્રત્યેક નાગરિકને તથા પરિવારને સ્પર્શતો મુદ્દો હતો. આ મુદ્દે આખા દેશના અબાલવૃદ્ધ સૌને ધર્મ, જ્ઞાતિ, પ્રાંત કે ભાષાના ભેદભાવ વિના એકત્ર કરીને જાગૃત કરીને આઝાદીની લડતમાં જોડવાનું ધાર્યું નિશાન ગાંધીએ પાર પાડયું. આઝાદીની લડતમાં લોકોને જોડવા અને આઝાદી પછી વિકાસ માટે કોમી એકતા, અસ્પૃશ્યતા, સામાજિક ન્યાય, શોષણ ને દારૂ જેવા વિકરાળ પ્રશ્નો હતા. એટલે દાંડીકૂચ થકી બાપુએ દેશની સૂતેલી પ્રજાને આઝાદી પછી આવનારી વિકરાળ સમસ્યાઓ પ્રત્યે પણ સજાગ કર્યા.
૨૫ દિવસ અને ૨૪૧ માઈલ વચ્ચે આવતી ૧૦ નદીઓ વટાવીને ગાંધીએ જે યાત્રા કરી તે લોકજાગૃતિના યજ્ઞા સમી હતી. ખાદી ને સ્વદેશીનો મંત્ર ફૂંક્યો ને અસહકારની લડતનાં મંડાણ કર્યાં.
સમગ્ર યાત્રામાં વચ્ચે આવતાં ગામોમાં યાત્રા પહેલાં ગુલામ રસુલ કુરેશીની આગેવાનીવાળી તરુણોની અરુણ ટુકડી પહોંચી જઈને તે ગામની આર્થિક-સામાજિક માહિતી એકત્ર કરીને ગાંધીજીને પહોંચાડતી. બાપુ સાથે ઋષિ જેવા ધોળી દાઢીવાળા અબ્બાસ તૈયબજી હતા. જેમણે ધરાસણામાં ગાંધીજીની ધરપકડ બાદ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું.
બાપુ દાંડી ખાતે શેઠ સિરાજુદ્દીનના ‘સૈફવીલા’ નામના બંગલામાં રોકાયા હતા. બાપુએ રમૂજમાં તે સમયે કહ્યું હતું કે, મને અહીં ઉતારો છો પણ બંગલો ખોઈ બેસશો. અંતે થયું પણ એવું કે ૧૯૬૧માં તેમણે બંગલો રાષ્ટ્રને સમર્પિત કર્યો ને પાછળથી તે રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાયો. આમ, હિંદુ-મુસ્લિમ એકતાને તેમણે પ્રાધાન્ય આપ્યું.
બીજું, જ્યાં સભા થાય ત્યાં અંત્યજો છેવાડે દૂર બેઠા હોય તે જોઈને બાપુ સમસમી ઊઠતા ને સ્થાનિકોની નારાજગી વચ્ચે તેમને આગળ લાવીને બેસાડતા.
ત્રીજી વાત દારૂને કારણે થનારી બરબાદીની બાપુ દરેક સભામાં વાત કરતા હતા ને દારૂનાં પીઠાં પર પિકેટિંગનો કાર્યક્રમ આપ્યો ને આ કામ તેમણે બહેનોના માથે નાખ્યું, કેમ કે આ મુદ્દે સૌથી વધુ નુકસાન બહેનોને વેઠવાનું આવતું, એટલે તેમનામાં પાયાની જાગૃતિ લાવવાનું શરૂ કર્યું. ગામેગામથી સરકારી નોકરીઓમાંથી સેંકડો રાજીનામાં ગામના પટેલો ને મુખીઓએ સ્વેચ્છાએ આપ્યા જેથી લડતને વેગ ને બળ મળ્યાં.
આદર્શ સત્યાગ્રહની ઝાંખી
અંગ્રેજ સરકાર સામે પત્રવ્યવહાર થકી સમાધાનનો માર્ગ ખુલ્લો રાખ્યો. સત્યાગ્રહ કેવો હોય ને સત્યાગ્રહીઓ માટે કેવા કડક નિયમો હોય તેનો પાયો ગાંધીજીએ નાખ્યો. સાદું ભોજન, સાદી રહેવાની વ્યવસ્થા હતી. મીઠાઈ-આઇસક્રીમ કોઈ સત્યાગ્રહીએ ખાધાં તો જાહેરમાં ઝાટકી નાખતા. પોતે પણ બકરીનું દૂધ, લીલું પાણી ને ખજૂર જેવો સાદો આહાર લેતા. રાત્રે પ્રકાશ માટે સભામાં રાનીપરજના ગરીબોના માથે વજનદાર બત્તીઓ જોઈને બાપુએ તે બંધ કરાવી ને કહ્યું કે, અજવાળાની શું જરૂર છે ? મારા જેવા દાંત વિનાના ૬૧ વર્ષના ડોસાના મોઢામાં જોવા જેવું શું છે? બીજા દિવસે ચમત્કારિક અસર થતી ને લોકો હાથમાં મશાલ લઈને સભાઓમાં આવતા હતા. રોજેરોજ રાષ્ટ્રીય નેતાઓ ને વિશ્વભરનું મીડિયા ઊતરી પડતું હતું.
આઝાદીની લડતનું મહાપર્વ દાંડીયાત્રા
લોકમાન્ય તિલકે ગણેશોત્સવને જેમ લોકજાગૃતિનું પર્વ બનાવ્યું તેમ ગાંધીએ દાંડીયાત્રાને આઝાદીની લડતનું પર્વ બનાવ્યું. દાંડીકૂચ પછી ૧૭ વર્ષ બાદ આઝાદી મળી. દાંડી પછી ધરાસણાનો સત્યાગ્રહ કે જ્યાં ગાંધીજીની ધરપકડ થઈ ને દેશભરમાં દેશભક્તિનું પ્રચંડ મોજું ફેલાવવામાં સફળ થયો. દાંડીકૂચ સમયે દેશભરમાં ૫ હજાર સભાઓમાં ૫૦ લાખ લોકો હાજર રહ્યા ને ભારે જાગૃતિ આવી.
અંગ્રેજો તો ગયા. આઝાદી મળ્યે બે વર્ષ બાદ ૭૫ વર્ષ થશે ને આઝાદીનું અમૃત પર્વ ઊજવાશે ત્યારે રાજકીય પક્ષો, નેતાઓ અને સૌ માટે આત્મભોજનો વિષય બનવો જોઈએ કે દાંડીકૂચમાં ગાંધીએ પ્રબોધેલા કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, સ્વદેશી, સ્વાવલંબન, દારૂબંધી ને સાદગી જેવા મુદ્દે આપણે ક્યાં છીએ? મતબેન્ક માટે ગાંધીના પાયાના સિદ્ધાંતોને કેટલા કોરાણે મૂક્યા છે ?
બાપુની રમૂજ: યાત્રામાં ગાંધીજી થાકે તો તેમને બેસાડવા માટે શેઠ ચીનુભાઈએ એક ઘોડાની વ્યવસ્થા કરી હતી. બાપુ થાકેલા લાગતાં રાવજીભાઈએ કહ્યું કે, બાપુ હવે તમે ઘોડા પર બેસો. બાપુ બોલ્યા કે, ‘હવે ૬૧મા વર્ષે તમારે મને ઘોડે ચડાવવો છે. મને ઘોડે ચડાવવા તમે બાની સંમતિ મેળવી છે?’ આવી ગંભીર લડતમાં પણ બાપુ કેવા રમૂજી હતા! (સૌજન્યઃ ‘સંદેશ’)