૭૯ વર્ષ પહેલાની એક સત્યઘટના... ‘જય હિન્દ, મિસિસ લિંકન...’

નેતાજીની ૧૨૫મી જન્મજયંતી અને ડો. કુસુમબેન વડગામાના સંસ્મરણ

વીનુ સચાણીયા Wednesday 26th January 2022 05:11 EST
 
 

નાઈરોબી, આફ્રિકા. ૭૯ વર્ષ પહેલાની એક સત્યઘટના... અંગ્રેજોનો જબરદસ્ત ખોફ. તેમની સામે કોઇ હરફ સુદ્ધાં ઉચ્ચારવાની હિંમત ના કરી શકે. એક ટીનેજ ગુર્જર સુતાર કન્યા પરોઢિયે ચાર વાગ્યે ઉઠતાં અને નાઈરોબીમાં પ્રભાત ફેરી યોજતાં. ‘હિન્દુસ્તાન આઝાદ કરો’ અને ‘જય હિન્દ’ના નારાથી આસમાન ગજાવતાં. સ્કૂલમાં દરરોજ બપોરે વિદ્યાર્થિનીઓની એસમ્બલી યોજાતી હતી. આ નાનકડી ટીનેજરે વિચાર્યું કે જ્યાં શિક્ષકોથી માંડીને બધા જ વિદ્યાર્થીઓ એકત્ર થાય છે એવી આ એસેમ્બલીમાં કંઈક કરવું જોઇએ. તેમણે એક યોજના અમલમાં મૂકી...
સ્કૂલમાં દસ-બાર કલાસ હતા. દરેક કલાસમાં ૫૦થી ૬૦ વિદ્યાર્થિનીઓ હતી. ૧૪-૧૫ શિક્ષિકા-શિક્ષકો હતા. એસેમ્બલી થાય ત્યારે બધા જ હાજર હોય. જ્યારે પ્રિન્સિપાલ મિસિસ લિંકન આવે ત્યારે સહુ કોઇ - આશરે ૬૦૦ લોકો - એક અવાજે બોલેઃ ‘ગુડ મોર્નિંગ, મિસિસ લિંકન...’
એક દિવસ આ નાનકડી કન્યા એસેમ્બલી પૂર્વે દરેક કલાસ ફરી વળી. બધા જ સ્ટુડન્ટ્સને સમજાવ્યું કે જૂઓ આજે જ્યારે એસેમ્બલીમાં પ્રિન્સિપાલ આવે ત્યારે ‘ગુડ મોર્નિંગ, મિસિસ લિંકન...’ નથી બોલવાનું, પણ આના બદલે સહુ કોઇએ પ્રચંડ અવાજે ‘જય હિન્દ, મિસિસ લિંકન...’ એમ બોલવાનું છે. સહુ કોઇએ હોંકારો ભણ્યો.
એસેમ્બલી યોજાઇ. પ્રિન્સિપાલ આવ્યા અને નક્કી થયા મુજબ આ હિન્દુસ્તાની કન્યા ત્રાડ નાંખીને બોલીઃ ‘જય હિન્દ, મિસિસ લિંકન...’ અગાઉથી નક્કી થયા મુજબ બધી જ વિદ્યાર્થિનીઓએ તેની સાથે સૂર મિલાવવાનો હતો, પણ હોલમાં એકમાત્ર આ વીર કન્યાનો જ અવાજ ગાજ્યો. બીજા બધાં ડરના માર્યાં ચૂપ જ રહ્યાં હતાં. નારો સાંભળીને સન્નાટો છવાઈ ગયો... આ વીરાંગના હતા કુસુમબહેન વડગામા.
મિસિસ લિંકને કુસુમબહેનને કહ્યું કે આવતીકાલે તમારા પિતાને લઈને શાળાએ આવજો... કુસુમબહેનને થયું કે માર્યા ઠાર... હવે તો સ્કૂલમાંથી બિસ્તરા-પોટલાં ઉઠાવવા પડશે... બીજા દિવસે કુસુમબહેન તેના પિતા સાથે સ્કૂલે પહોંચ્યા. દરેક મોટી કન્યાઓ સાથે પ્રિન્સિપાલે મિટીંગ કરીને આવું ફરી ન કરવા સમજાવી. પ્રિન્સિપાલે કુસુમબહેનના પિતાને કહ્યું કે તમારી દીકરી ખૂબ જ હોંશિયાર છે, પણ તેને સમજાવો કે ભણવામાં ધ્યાન આપે, નહીં કે પોલિટિક્સમાં. કુસુમબહેને હાશકારો અનુભવ્યો.
કુસુમબહેન સજામાંથી તો બચી ગયા પણ પત્રકારો તેમનાં ઘરે પહોંચી ગયા. કેમ કે આ દરમિયાન હિન્દુસ્તાની કન્યાનો જય હિન્દનો નારો દરેક ઘર અને પત્રકારો સુધી પહોંચી ગયો હતો. તેમના પિતા સ્વ. મગનભાઈ પ્રેમજી વડગામાએ પરિસ્થિતિ સમજીને પત્રકારોને સમજાવ્યા કે મહેરબાની કરી આ મામલે કાંઈ પ્રકાશિત ન કરતાં કારણ કે મારો મોટો દીકરો ઇંગ્લેન્ડ જવાનો છે તેને તકલીફ પડશે... આખરે મામલો શાંત પડ્યો.
બીજા દિવસે કુસુમબહેન બસમાં બેસીને સ્કુલેથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે એક સ્ત્રી પોતાની સીટ પરથી ઉઠીને તેમની પાસે પહોંચી અને કુસુમબહેનના કાનમાં જઈને કહી આવી ‘જય હિન્દ, મિસિસ લિંકન’. અને બસ પછી તો ‘જય હિન્દ, મિસિસ લિંકન’નું સૂત્ર ચાલ્યું. અને બસ, નેતાજી સુભાષચંદ્ર બોઝની આ પ્રચંડ સમર્થક એવી આ નાનકડી નારી બની નારાયણી... નેતાજી સુભાષચંદ્ર બોઝે જય હિન્દના નારા સાથે દુનિયાભરમાં ચળવળ ચલાવીને અંગ્રેજો ભારત છોડે તેવી માગ બુલંદ કરી હતી. આ ચળવળનો ખૂબ જ નાની ઉંમરના બાળકો પર પણ જોરદાર પ્રભાવ પડ્યો હતો.
ડો. કુસુમબહેન વડગામા આજે ૮૮ વર્ષની વયે લંડનમાં વસે છે. વય ભલે આઠ દસકાનો આંકડો ઓળંગી ગઇ હોય, પરંતુ આજેય યુવાપેઢીને શોભે જેવો જુસ્સો ધરાવતાં આ સન્નારી મારા આદરણીય - સન્માનનીય વડીલ છે... આપણા હિન્દુસ્તાનનું ગૌરવ છે. તેમના સ્વ.પૂ. માતુશ્રી ચંપાબેન અને સ્વ.પૂ. પિતાશ્રી મગનભાઈ પ્રેમજીભાઈ વડગામા પણ મારા માટે ઉચ્ચ આદર્શ રહ્યા છે કારણ કે તેમણે અમારા જામનગર ગુર્જર સુતાર પરિવારજનોના મોભી તરીકે, જ્ઞાતિના માવતર તરીકે ઉમદા યોગદાન આપ્યું છે. મોરના ઈંડા ચિતરવા ન પડે એમ તેમના દીકરી કુસુમબહેને પણ બહુજન હિતાય, બહુજન સુખાય માટે અનુદાન આપ્યું છે તેના લીધે તેઓ અમારા સહુ માટે આદર્શ બની રહ્યાં છે.
ડો. કુસુમબહેને હિન્દુસ્તાનના જવાનોના પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધમાં સાહસપૂર્ણ યોગદાન સંદર્ભે ગહન સંશોધન કર્યું છે. અને તે પણ અન્યો પાસે મદદનો હાથ લાંબો કર્યા વગર, અંગત કમાણીના હજારો પાઉન્ડ ખર્ચીને. તેમના આ મૂલ્યવાન પ્રદાનની નોંધ યુકે સરકારે પણ લીધી છે. સુપ્રસિદ્ધ National Memorial Arboretum ખાતે પાંચ માર્ચ, ૨૦૧૫ના રોજ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા જવાનોને અંજલી અર્પવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત રહેવા માટે તેમને ખાસ આમંત્રણ અપાયું હતું. તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડો. કુસુમબહેન સાથે ઉપસ્થિત રહેવાનો મને પણ અવસર સાંપડ્યો હતો તેને મારું સદ્ભાગ્ય સમજું છું.
ડો. કુસુમબહેને આ જ રીતે એક હિન્દુસ્તાની વિદૂષી કોર્નેલિયા સોરાબજી અંગે પણ નોંધનીય સંશોધનકાર્ય કર્યું છે. ઉચ્ચ પ્રતિભાશાળી કોર્નેલિયા સોરાબજી ૧૮૯૨માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કાયદા શાખામાં ગ્રેજ્યુએટ થનાર પ્રથમ મહિલા હતાં, એટલું જ નહીં ભારત અને બ્રિટન એમ બંને દેશમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરનાર પણ પ્રથમ મહિલા હતાં.
‘ગુજરાત સમાચાર’ - Asian Voiceના વાચકો ડો. કુસુમબહેન અને તેમના લખાણથી તો પરિચિત છે જ, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેઓ ૧૩-૧૪ વરસની વયથી જ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિંદ ફોજના પ્રચંડ સમર્થક હતા. આ બાબત મારી જાણમાં આવ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી હું નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ - ૨૩ જાન્યુઆરીએ અચૂકપણે કુસુમબહેનને ફોન કરીને નેતાજીના જન્મદિનની વધાઇ આપું છું. આ સમયે મને તેમના મુખેથી આપણા સ્વાતંત્ર્ય વીરો સાથે સંકળાયેલા નાના-મોટા પ્રસંગો જાણવાનો અવસર મળ્યો છે. આ વર્ષે રવિવારે નેતાજીની ૧૨૫મી જન્મજયંતીએ તેમને ફોન કર્યો અને ડો. કુસુમબહેન પાસેથી એક નવો જ રસપ્રદ કિસ્સો જાણીને હું ભાવવિભોર થઇ ગયો.
આજે નેતાજીની ૧૨૫મી જન્મજયંતીએ અતીતમાં ડોકિયું કરીએ છીએ ત્યારે સમજાય છે કે આ મહાન નેતાએ લોકોમાં દેશદાઝની કેવી ચિનગારી ચાંપી હતી. અત્યાર સુધી હું દર વખતે ફોન પૂરો કરતાં કુસુમબહેનને કહેતો હતો જય હિન્દ, પરંતુ આ વખતે મેં કહ્યુંઃ ‘જય હિન્દ કુસુમબેન... જય નેતાજી સુભાષચંદ્ર બોઝ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter