વાચકમિત્રોને એ જાણવામાં અવશ્ય રસ પડશે કે BBCનો પર્દાફાશ કરતી નવી ડોક્યુમેન્ટરી 25 ઓક્ટોબર 2024ના દિવસે રીલિઝ થવાની છે. તેનું પ્રીમિયર દિલ્હીમાં 25થી 28 ઓક્ટોબર સુધીમાં યોજાનારા કુખ્યાત ‘જયપુર ડાયલોગ્સ - Jaipur Dialogues’ ઈવેન્ટમાં થશે. જેઓ ‘Jaipur Dialogues’ વિશે ન જાણતા હોય તેમના માટે એ માહિતી પૂરતી થઈ રહેશે કે તે પુનરુત્થાન કરતા ભારતના મૂળિયાના અવાજોને સ્થાન આપતું એકમાત્ર પ્લેટફોર્મ છે અને રાહુલ શિવશંકર, ડો. સુધાંશુ ત્રિવેદી, આનંદ રંગનાથન, માધવી લતા, પ્રદીપ ભંડારી, DGP એસ પી વૈદ્ય સહિત નામી વક્તાઓને આકર્ષે છે.
આ ડોક્યુમેન્ટરી પંડિત સતીશ કે શર્માનું બ્રેઈનચાઈલ્ડ છે જે હિન્દુ ઓર્ગેનાઈઝેશન ‘સ્ટ્રીંગ રીવીલ્સ’ના વડા વિનોધ કુમારના સહયોગમાં તૈયાર કરાઈ છે. પંડિત સતીશજી હિન્દુ ડાયસ્પોરાના મંતવ્યોને આગળ વધારવા લેજિસ્લેચર્સ અને નીતિઘડવૈયાઓ સાથે સંપર્કો જાળવવાની મહેચ્છા સાથેની હિન્દુ સંસ્થા ‘ગ્લોબલ હિન્દુ ફેડરેશન’ના વડા છે.
તમે 25 ઓક્ટોબરથી આ વેબ ચેનલ્સ મારફત આ ડોક્યુમેન્ટરી નિહાળી શકો છોઃ • https://www.globalhindufederation.org • https://event.thejaipurdialogues.com • https://www.republicworld.com
ડોક્યુમેન્ટરીનાં ટ્રેઈલરને સોશિયલ મીડિયા પર 3 મિલિયનથી વધુ હિટ્સ સાથે ભારે સફળતા મળી છે. આ ડોક્યુમેન્ટરી એવા સમયે આવી છે જ્યારે ગયા મહિને જ આપણે ‘Asserson Report’નું પ્રકાશન નિહાળ્યું જેમાં બીબીસી ઈઝરાયેલ અને જ્યુઈશ કોમ્યુનિટી પ્રત્યે પૂર્વગ્રહિત હોવાનું પ્રતિપાદિત કરાયું હતું. એમ જણાય છે કે બીબીસી તેના પૂર્વગ્રહયુક્ત રિપોર્ટિંગ અને ગેરમાહિતીના પ્રસાર થકી ઈઝરાયેલ, યહુદીઓ, ભારત અને હિન્દુઓ માટે ખાસ સ્થાન ઉભું કરી રહેલ છે.
ડોક્યુમેન્ટરીનું ટ્રેઈલર સંપૂર્ણ ડોક્યુમેન્ટરી શેનો અને કેવો પર્દાફાશ કરાવાનો છે તેની ઝાંખી આપે છે. આ બાબતે ટીના ભારદ્વાજ એમ કહે છે કે.‘ હું આ બીબીસી દ્વારા કરાઈ રહ્યું છે તે સતત, અચોકસાઈપૂર્ણ અને ધર્માંધ રિપોર્ટિંગથી ત્રાસી અને થાકી ગઈ છું.’ ડોક્યુમેન્ટરીમાં હિન્દુવિરોધી પૂર્વગ્રહ બદલ બીબીસીની બહાર દેખાવો-વિરોધ કરી રહેલા હિન્દુઓની વીડિયો ક્લિપ્સ પણ છે. FISIના આપણા જયુભાઈ શાહ કહે છે કે ‘બીબીસીની નેતિકતા ભારત તરફ નિષ્ફળ રહી છે.’ એક ક્લિપમાં બીબીસીના ન્યૂઝકાસ્ટર્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારત વિશે તિરસ્કારથી બોલે છે અને અયોધ્યાના શ્રી રામ મંદિરની કટુ આલોચના કરે છે. ‘જયપુર ડાયલોગ્સ’ના ચેરમેન સંજય દીક્ષિતે કહ્યું હતું કે,‘બીબીસી પરની આ ડોક્યુમેન્ટરીએ ત્રણ સદીના સામ્રાજ્યવાદી ઘમંડ અને ચાર સદીની સંસ્થાનવાદી ધૃષ્ટતાને તહસનહસ કરી નાખી છે.’
આ ટ્રેઈલરમાં બીબીસીના પૂર્વગ્રહ અને ધર્માંધતાનો પર્દાફાશ કરતા અથવા નિંદા કરતા અગ્રણી મહાનુભાવોના ઉદાહરણો અપાયા છે જેમાં, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ‘X’ના માલિક એલન મસ્ક, પંડિત સતીશ કે. શર્મા, રુચિર શર્મા, સદ્ગુરુ જગ્ગી વાસુદેવન તથા અન્યોનો સમાવેશ થાય છે.‘સ્ટ્રીંગ રીવીલ્સ’ના વડા વિનોધ કુમાર કહે છે કે,‘ જો પૂર્વગ્રહનું અન્ય કોઈ નામ હોય, જો કપટ-ધોખાબાજીનું અન્ય નામ હોય તો તે બીબીસી છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન સંસ્થાનવાદીઓનું જ જૂથ છે.’
હિન્દુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોત કહે છે,‘ હિન્દુ કોમ્યુનિટી ઘણા લાંબા સમયથી બીબીસી દ્વારા વારંવાર હિન્દુવિરોધી પૂર્વગ્રહ આગળ વધારાય છે તેની ફરિયાદ કરતી આવી છે. તેની નિષ્ફળતાઓની યાદી ઘણી લાંબી છે અને તેમાં શ્રી રામ મંદિર, અયોધ્યાના ઉદ્ઘાટન-પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના તાજેતરના કવરેજનો પણ સમાવેશ થાય છે. અન્ય કોમ્યુનિટીઓના નુકસાન થાય તે રીતે એક કોમ્યુનિટીનું તુષ્ટિકરણ કરવું અસ્વીકાર્ય જ રહે. સરકારી બ્રોડકાસ્ટર તરીકે બીબીસી આવી બાબત ઈરાદાપૂર્વક અથવા અજાણતા પણ ન થાય તેની ચોકસાઈ રાખવાની વિશાળ જવાબદારી ધરાવે છે. આમ છતાં, તે ગેરમાહિતીનો સ્રોત બને છે જેના કારણે આપણી વૈવિધ્યપૂર્ણ કોમ્યુનિટીઓમાં વિભાજન પેદા થઈ શકે.’
બ્રિટિશ જર્નાલિસ્ટ ડેવિડ વાન્સે આનો પડઘો પાડતા કહ્યું હતું કે,‘ ઘણા વર્ષો અગાઉ મેં યુકેના રાષ્ટ્રીય બ્રોડકાસ્ટરના જન્મજાત પૂર્વગ્રહો પર પ્રકાશ પાથરવા ‘બાયસ્ડ બીબીસી-Biased BBC’ નામનો બ્લોગ ઉભો કર્યો હતો. આ પૂર્વગ્રહો બીબીસી કેવી રીતે ભારત, વડા પ્રધાન મોદી અને હિન્દુઓને સંબંધિત મુદ્દાઓને આવરી લે છે તે પૂરતા જ નહિ, દેખીતી રીતે જ આંતરિકપણે જડાયેલા છે. વડા પ્રધાન મોદીએ જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી તો બીબીસી તેમના પ્રત્યે દુશ્મનાવટનો વ્યવહાર રાખે છે અને તેમણે ભારત માટે હાંસલ કરેલી ઘણી મહાન સિદ્ધિઓનું નીચાજોણું કરતી આક્રમક સ્ટોરીઝ ચલાવે રાખે છે. આ ઉપરાંત, બીબીસી હિન્દુઓ વિશે નકારાત્મક સ્ટોરીઝ ચલાવવાનું પસંદ કરે છે તેની સાથોસાથ મુસ્લિમ સિદ્ધિઓના ગુણગાન ગાય છે. આથી જ હું બીબીસીનું ભંડોળ બંધ કરવાની દલીલ કરું છું કારણકે તેણે પોતાને ધુતારાપણાના સ્રોત હોવાનું પુરવાર કરેલું છે.’
@GlobalBritainUKના સ્થાપક ચેરમેન અને 2015ના જનરલ ઈલેક્શનમાં પાર્લામેન્ટમાટે ઉમેદવારી કરનારા અમન ભોગાલ સ્પષ્ટપણે ‘બીબીસીનું ભંડોળ બંધ કરો’ કહે છે. સમગ્ર વિશ્વમાં વધુ દેશો એક જ પ્રકારના નિર્ણય પર આવી રહ્યા છે કે બીબીસી અરાજકતા અને ગેરમાહિતીના પ્રસારનું આર્કિટેક્ટ છે. આ પર્દાફાશના પરિણામે ભારતમાં કાનૂની કાર્યવાહીઓ હાથ ધરાય તો મને જરા પણ આશ્ચર્ય નહિ થાય. બીબીસી તેના આ પ્રકારના ગાંડપણ છતાં, સરકાર દ્વારા તેને ચોક્કસ વિશેષાધિકારો અપાયા હોવાથી બચી જાય છે. તેને નિયંત્રિત કરવા માટે OFCOM છે પરંતુ, તે દાંત વગરના વાઘની માફક આડંબરી દેખાવ, સર્વસામાન્ય વચનો અને ખુદની અણઆવડત – મૂર્ખાઈની પાછળ છુપાઈને રહે છે. મેં અગાઉ પણ બીબીસી અને તેના હિન્દુવિરોધી અને ભારતવિરોધી પૂર્વગ્રહો વિશે ઘણું લખ્યું છે. ‘બીબીસી ઓન ટ્રાયલ’ના નિર્માતાઓએ મારા વિચારો વિશે સંપર્ક સાધ્યો હતો અને નિશ્ચિતપણે મેં તેમને સઘળી વિગતો પૂરી પાડી જ હતી.
આ ડોક્યુમેન્ટરીમાં જે આવરી લેવાયું છે તે તમામની સાથે દરેક સંમત થશે તેમ નથી. આમ છતા, બીબીસી પૂર્વગ્રહિત છે અને ગેરમાહિતીના પ્રસારનો સ્રોત છે તેવા કેન્દ્રિત મુદ્દા બાબતે આપણામાંથી ઘણા લોકો સહમત થઈ શકે છે. હું આશા રાખું કે ભારતીય, હિન્દુ, જૈન, શીખ અને અન્ય સંબંધિત સંસ્થા-સંગઠનો પોતાની રીતે આ ડોક્યુમેન્ટરીના સંદેશને ફેલાવશે અને તેમાં ઉભાં કરાયેલા મુદ્દાઓ પ્રત્યે તેમના જીવંત અનુભવોને સાંકળી સપોર્ટ આપશે. આપણા પોતાના મિલિયોનેર્સ અને બિલિયોનેર્સની વાત કરીએ તો એ નોંધવું રસપ્રદ બની રહેશે કે તેમાંથી કોઈએ પણ આ ભારતવિરોધી અને હિન્દુવિરોધી બળોનો સામનો કરવામાં નાણાકીય તાકાત, સત્તા અને પોઝિશન્સનો મદદ માટે જરા પણ ઉપયોગ કર્યો નથી. આથી, સ્થાપિત હિતોની તાકાત સામે લડી લેવાનું કાર્ય કેટલાક ધાર્મિક અને સમર્પિત લડવૈયાઓના શિરે અને જોખમે જ આવ્યું છે. હું આશા રાખું કે તેઓ આ આર્ટિકલ વાંચે, ડોક્યુમેન્ટરી નિહાળે અને તેમના સ્રોતોને બહેતર ઉપયોગ માટે કામે લગાડવાનો આ સમય છે તેવો નિર્ણય પણ કદાચ કરે.
આ ડોક્યુમેન્ટરી વિશાળકાય હિમશીલાનું ટોચકું છે જે વિશ્વભરમાં તમામ જાતિ-વંશ, તમામ ધર્મો અને દેશોના લોકોને અસર કરે છે. જો તેને નિહાળ્યા પછી પણ તમારામાં કોઈ સંવેદના ન જાગે તો સમજી લેજો કે સમસ્યા તમારામાં જ છે, તમે જ સમસ્યા છો.