‘આ કાગળ ધમકીરૂપે નહીં પરંતુ સત્યાગ્રહ ધર્મના પાલન માટે છે’

Saturday 20th March 2021 04:08 EDT
 
 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ૧૨મી માર્ચે દાંડી માર્ચનો પ્રારંભ કર્યો એ પૂર્વે, ૧૯૩૦ની બીજી માર્ચે વાઈસરોયને એક વિગતવાર પત્ર લખ્યો હતો. જેમાં નવ દિવસ પછી મીઠાનો સત્યાગ્રહ કરી સવિનય કાનુન ભંગ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. આજ સુધી સરકારમાં કોઈ અધિકારીને અહિંસક આંદોલન પાછળ રહેલી સત્યાગ્રહની વિભાવના દર્શાવતો આવો પત્ર ભાગ્યે જ મળ્યો હશે. બાપુએ પત્રમાં લખ્યું હતું:
•••
પ્રિય મિત્ર, સવિનય ભંગની શરૂઆત કરવામાં રહેલું જોખમ ખેડતા હું આટલા વર્ષો સુધી અચકાયા કર્યો છું. તેમાં હું ઉતરુ તે પહેલાં જો કોઈ સમાધાનનો માર્ગ મળે એમ હોય તો તે શોધવાની ઉમેદમાં હું આપને આ લખવાને પ્રેરાઉ છું.
અહિંસા વિશેની મારી નિષ્ઠા સાફ છે. જાણી જોઈને હું કોઈ પણ જીવની હિંસા કરી શકું તેમ નથી. તો મનુષ્યની તો વાત જ શી? પછી ભલેને તે માણસોએ મારુ અથવા તો જેમને હું મારા સમજું છું. તેમનું ભારેમાં ભારે અહિત કર્યું હોય? આથી જો કે અંગ્રેજી રાજયને હું એક બલા માનું છું. છતાં એક પણ અંગ્રેજને કે તેના ઉચિત હિતસંબંધને નુકશાન પહોંચાડવાનો મારો ઈરાદો નથી.
ત્યારે શા માટે હું અંગ્રેજી રાજયને એક બલારૂપ માનુ છું?
આ રાજયે એક એવા પ્રકારનું તંત્ર ગોઠવી દીધુ છે કે એથી દેશ હંમેશા વધતા પ્રમાણમાં ચુસાયા જ કરે. વળી એ તંત્રનો લશ્કરી અને દિવાની ખર્ચ એટલો તો સત્યાનાશ વાળનારો છે કે દેશને એ કદી પોસાઈ શકે તેમ નથી. આના પરિણામે દેશની કરોડોની ગરીબ પ્રજા ભિખારી થઈ ગઈ છે.
રાજકીય દૃષ્ટિએ આ રાજયે અમને ગુલામ બનાવી દીધા છે. અમારી સંસ્કૃતિનાં પાયા એણે જ ઉખેડવા માંડયા છે અને પ્રજાને નિ:શસ્ત્ર કરવાની એની નીતિએ અમારી માનવતાને હણી નાખી છે.
મને લાગે છે કે હિંદુસ્તાનને તુરતમાં જ સંસ્થાનિક સ્વરાજય આપવાની બ્રિટનની દાનત જ નથી. જે રાજકીય ફેરફારોથી ઈંગ્લેન્ડના હિંદ સાથેના વેપારને જરાયે આંચ આવે તથા હિંદ સામે તેણે કરેલા આર્થિક વ્યવહારોની યોગ્ય રીતે તટસ્થ પંચ પાસે તપાસ કરાવવાની જરૂર પડે તેવા રાજકીય ફેરફારો કરવાની નીતિ અખત્યાર કરવાની બ્રિટીશ રાજપુરુષોની મુદલ વૃતિ નથી એમ સ્પષ્ટ જણાય આવે છે. હિંદને ચુસવાની આ પધ્ધતિનો અંત આણવા માટે કંઈ ઈલાજ લેવામાં નહીં આવે તો હિંદની પાયમાલીનો વેગ દિનપ્રતિદિન વધતો જ જવાનો છે. આપની પાસે કેટલાક મુદાઓ રજુ કરવાની હું છૂટ લઉ છું.
રાજની આવકમાં ભારે ફાળો આપનાર જમીન મહેસુલનો બોજો રૈયતને કચડી નાખનારો છે. સ્વતંત્ર ભારતમાં એમાં ઘણો ફેરફાર થવો જોઈએ. રૈયતના કલ્યાણને જ મુખ્ય ધ્યેય બનાવી આખી મહેસુલ પધ્ધતિ ફરી રચવાની જરૂર છે. પણ બ્રિટીશ પધ્ધતિ તો રૈયતના પ્રાણને’ય ખેંચી કાઢવા માગતી હોય તે રીતે રચાયેલી લાગે છે. રૈયતને જેના વિના ચાલે નહીં એવી રોજની જરૂરિયાતની ચીજ મીઠા ઉપર કરનો બોજો એવી રીતે લદાયેલો છે કે એનો ભાર મુખ્યત્વે ગરીબ રૈયત ઉપર જ પડે છે. એ કરના નિષ્પક્ષપાતપણાંમાં જ એની નિર્દયતા સમાઈ છે. મીઠું એક એવી વસ્તુ છે કે જે અમીર કરતા ગરીબ વધારે ખાય છે. દારૂ તથા કેફી ચીજોની આવક પણ ગરીબ વર્ગ પાસેથી જ મળે છે એ પ્રજાના આરોગ્ય અને નીતિ બંનેનો જડમૂળથી નાશ કરે છે.
દેખીતી રીતે જગતમાં સૌથી વધારે ખર્ચાળ એવા પરદેશી રાજતંત્રને નિભાવવા માટે આ બધા પાપો ચાલુ રાખવામાં આવે છે. આપનો જ પગાર લો. એ માસિક ૨૧૦૦૦ રૂપિયાથી વધુ છે. એ ઉપરાંત તેમાં ભથ્થા તથા બીજા આડાઅવળા ઉમેરા જુદા. જે દેશમાં દરેક માણસની સરેરાશ આવક ચાર આનાથી ઓછી છે. ત્યાં આપને ૭૦૦ રૂપિયાથી વધુ રોજ પગાર મળે છે. આ રીતે આપ પગારરૂપે ૫૦૦૦થી વધુ હિંદીઓની સરેરાશ કમાણી ઉપાડો છો. જયારે ઈંગ્લેન્ડનો મુખ્ય પ્રધાન ૯૦ અંગ્રેજોની કમાણી ઉપાડે છે. હું આ અજબ વિષમતા ઉપર જરા ધ્યાનપૂર્વક વિચારી જોવા આપને બે હાથ જોડીને વિનંતી કરુ છું. એક કઠોર પણ સાચી હકીકત બરાબર સમજાય તે માટે મારે આપનો દાખલો ટાંકવો પડયો છે. બાકી અંગત રીતે મારા મનમાં આપના વિશે એટલો આદરભાવ છે કે આપની લાગણી દુભાય એવું કહેવા હું ન ચાહુ. જાણું છું કે આટલો પગાર આપને મળે એમ આપ ઈચ્છતા નથી. કદાચ આપનો એ પગાર આપ સખાવતમાં આપી દેતા હશો. પણ એ રાજયપધ્ધતિ આવી ઉડાન અવસ્થા યોજે છે. તેને તાબડતોબ તિલાંજલી આપવી ઘટે છે. જે દલીલ આપના પગારને લાગુ પડે છે તે આખા રાજતંત્રને લાગુ પડે છે. આ સ્થિતિમાં મારી દિવસે દિવસે દ્રઢ પ્રતીતિ થતી જાય છે કે શુધ્ધ અહિંસા સિવાય બીજા કશાથી બ્રિટીશ સરકારની હિંસાને અટકાવી શકાશે નહીં.
આ અહિંસા શક્તિ સવિનય કાનુનભંગ દ્વારા વ્યક્ત થશે. હાલ તુરત તો માત્ર સત્યાગ્રહાશ્રમના વાસીઓ દ્વારા જ તેનો અમલ થશે. પરંતુ આગળ ઉપર તો એ પધ્ધતિની સ્પષ્ટ મર્યાદાઓને જેઓ સ્વીકારે તે સર્વે એમાં સામેલ થઈ શકે એવી તેની યોજના છે. મારી ઉમેદ અહિંસા દ્વારા બ્રિટીશ પ્રજાનો એવો હૃદય પલ્ટો કરવાની છે કે જેથી એણે હિંદને કરેલા નુકશાને તે સ્પષ્ટ પણે જોઈ શકે. હું આપના દેશ બંધુઓનું અહિત કરવા ઈચ્છતો નથી. મારા દેશ બંધુઓની જેમ જ તેમની પણ હું સેવા કરવા ઈચ્છુ છું.
મને આશા છે કે પ્રજા મને સાથ દેશે. મારા પત્રની આપની ઉપર અસર ન થાય તો આ મહિનાની ૧૧મી તારીખે હું આશ્રમના શક્ય હશે તેટલા સાથીઓ સાથે મીઠાને લગતા કાયદાઓનો અનાદર કરવાનું પગલું ભરીશ. મને કેદ કરીને મારી યોજના નિષ્ફળ કરવાનું આપના હાથમાં છે. એ જાણું છું. પરંતુ મને આશા છે કે, મારી પાછળ લાખો માણસો વ્યવસ્થિત રીતે કામ ઉપાડી લેશે. જો આપને મારા કાગળમાં વજુદ લાગતુ હોય તો અને મારી સાથે ચર્ચા કરવા જેટલું આપને તેને મહત્વ આપવા માગતા હોય, તો આ કાગળ મળતા જ આપ મને તારથી ખબર આપશો તો હું ખુશીથી તેમ કરતો અટકીશ.
આ કાગળ ધમકી રૂપે લખાયેલો નથી, પણ સત્યાગ્રહના સરળ અને પવિત્ર ધર્મના પાલન અંગે છે. આથી આ પત્ર હું એક અંગ્રેજ યુવક દ્વારા આપને પહોંચાડવાનો ખાસ માર્ગ લઉ છું. એ યુવક હિંદની લડત ન્યાયી છે એમ માને છે, અહિંસામાં એને પુર્ણ શ્રદ્ધા છે અને જાણે ઈશ્વરે જ આ પત્ર માટે મારી પાસે મોકલી આપ્યો હોય તેમ મારી પાસે આવ્યો છે.
 લી.
 આપનો સાચો મિત્ર
 મોહનદાસ કરમચંદ ગાંધી
•••
આ પત્ર દિલ્હીમાં વાઈસરોયને પહોંચાડવાનું કામ અંગ્રેજ યુવક રેજિનાલ્ડ રેનાલ્ડસે સોંપાયું હતું. આ પત્ર લેવા માટે વાઈસરોય મેરઠથી પોલોની મેચ છોડી દિલ્હી આવી ગયા હતાં.
પત્રનો પ્રત્યુત્તર નહીં, માત્ર પહોંચ
ગાંધીજીના પત્રનો જવાબ આપવાનું લોર્ડ ઈરવિનને અનુકૂળ ન લાગ્યું. તેથી એમના મંત્રીએ પત્ર મળ્યાની પહોંચ તરીકે ચાર લીટીનો પ્રત્યુતર આપી દીધો. તેમાં જણાવ્યું હતું: આપ જેમાં ચોખ્ખો કાનુનભંગ રહેલો છે ને જાહેર શાંતિને જોખમાવે એવી પુરેપુરી શક્યતા રહેલી છે એવી કારવાઈનો વિચાર કરી રહ્યા છો! તે જાણીને નામદાર વાઈસરોયને દુ:ખ થયું છે.
પણ બદલામાં મને મળ્યા પથ્થરઃ ગાંધીજી
પત્ર વાંચી ગાંધીજીના મોંમાંથી શબ્દો નીકળ્યા: મેં પગે પડીને રોટી માંગી, બદલામાં મને મળ્યા પત્થર. ઈરવિને ગાંધીજીને મુલાકાત આપવાની પણ ના પાડી દીધી. એમની ધરપકડ પણ ન કરાવી. ૧૧મી માર્ચે આખા દેશમાં ઉત્સાહ અને કુતુહલનું મોજુ ફરી વળ્યું. ગાંધીજીને જીવનની ધન્ય ઘડી આવેલી દેખાવા લાગી.
અને ગાંધીજીએ દાંડીકૂચ આરંભી
૧૨મી માર્ચે પ્રાર્થના કરી ગાંધીજી અને ૭૮ આશ્રમવાસીઓએ સાબરમતીથી દાંડીની કુચ આરંભી. ગાંધીજીના હાથમાં એક જાડી ૫૪ ઈંચ લાંબી લાકડી હતી. ધૂળિયા રસ્તાઓ અને ગામડાઓને પાર કરીને ગાંધીજી અને તેમના સાથીઓએ ૨૪ દિવસમાં ૪૦૦ માઈલનો પંથ કાપી દાંડી પહોંચ્યા ત્યારે આશ્રમવાસીઓની અહિંસક સેનાની સંખ્યા વધતી વધતી હજારે’ક પર પહોંચી ગઈ હતી. ગાંધીજીએ પાંચમી એપ્રિલે દાંડીમાં સમુદ્રકાંઠે સવિનય કાનુન ભંગ કરી મીઠાનો સત્યાગ્રહ કર્યો તેની અસર દેશભરમાં નિ:શસ્ત્ર બળવા સ્વરૂપે જોવા મળી. હજારો લોકો દરિયાકાંઠે જઈ સત્યાગ્રહની લડતમાં જોડાયા. પોલીસે એક લાખ રાજકીય કેદીઓને જેલમાં ધકેલી દીધા. મીઠાનો સત્યાગ્રહ એ દેશભરમાં અહિંસક આંદોલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter