21 ઓક્ટોબર કઈ રીતે યાદ કરવી જોઈએ?
ઈતિહાસનું થોથું લઈને તરુણ વિદ્યાર્થી બેઠો છે. એકથી વધુ ઘટનાઓનો કોલાહલ સાંભળીને તે થાકી ગયો છે. ગુગલ તેને કેટલીક સાચી-ખોટી , ગલત નામો અને ઉચ્ચારણો સાથેની માહિતી આપે છે, પણ આ દિવસે શું બન્યું હતું કે તેને યાદ રાખવું પડે?
હા. દરેક નાગરિકે આ ઐતિહાસિક દિવસનું સ્મરણ કરવું જોઈએ. ભારત સંપૂર્ણપણે તો નહિ પણ વિભાજિત અવસ્થામાં સ્વતંત્ર થયું, 15 ઓગસ્ટ, 1947ની રાતે. 1950માં બંધારણ ઘડાયું, પ્રજાએ પોતાને તે અર્પિત કર્યું અને સ્વતંત્ર, સાર્વભૌમ, સંસદીય લોકતંત્રની સરકાર બની.
આ પહેલાં બે વાર સરકારો બની હતી, તેમાંની એકે તો પોતાની સ્વાધીન ફોજ રચીને છેક ઇંફાલ સુધીની ભૂમિને ગુલામીમાથી મુક્ત કરી હતી તે “હૂકુમતે આરઝી આઝાદ હિન્દ.” 21 ઓકટોબરે સિંગાપુરમાં સુભાષચંદ્ર બોઝે વિરાટ જનમેદની સમક્ષ ઘોષણા કરી કે સ્વતંત્રતા માટે આવા રસ્તાઓ પર થઈને ગુલામીથી મુક્ત થવાય છે. 1916માં આઈરિશ પ્રજાએ આવી અસ્થાયી સરકારની રચના કરી હતી... હું મારૂ જીવન અને સર્વસ્વ અર્પણ કરવા તત્પર રહીશ. આ સરકાર એટલા માટે પણ છે કે ભારતમાં બધા નેતાઓ જેલોમાં છે. પ્રજા સંપૂર્ણરીતે નિશસ્ત્ર છે. આપણે જ છેલ્લી લડાઈ કરવાની છે.
આ સરકાર દેખાવ પૂરતી નહોતી. એક આખું પ્રધાનમંડળ હતું, વડાપ્રધાન, સરસેનાપતિ . યુદ્ધ મંત્રી, વિદેશ પ્રધાન હતા સુભાષચંદ્ર બોઝ. એસ. એ. અય્યર, લેફ્ટનેંટ એ.સી. ચેટરજી, (બધા લેફટનન્ટ કર્નલ) અઝીઝ અહમદખાન, એન.એસ. ભગત, જગન્નાથરાવ ભોંસલે, ગુલઝારસિંહ, એમ.ઝેડ. કિયાની, એ.ડી. લોકનાથન, ઈશાન કાદિર, શાહનવાઝ ખાન, દેવનાથ દાસ, ડી.એમ. ખાન, જહોન થીવી, વૈ. યેલાપ્પા, ઈશ્વરસિંહ, બી.એ.એન. સરકાર અને સૌથી વરિષ્ઠ રાસબિહારી બોઝ. “ક્રાંતિના ભીષ્મપિતામહ” એવા રાસ બિહારી છેક ગદર ચળવળથી સક્રિય હતા. દિલ્હીમાં વાઇસ રોયની ગાડી પર બોમ્બ અને પંજાબ-ઉત્તરપ્રદેશ-બંગાળમાં 1857 જેવો વિપ્લવ જગાડવામાં સક્રિય રહ્યા, અને વધુ સંગ્રામ માટે જાપાન પહોંચ્યા. ત્યાં ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનિ સ્થાપના કરી, બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સેના પરાજિત થઈ તેમાના ભારતીય યુદ્ધકેદી સૈનિકોની ફોજ બનાવી. પોતાની જેમ જ બંગાળથી બ્રિટિશ ગુપ્તચરોની આંખોમાં ધૂળ નાખીને સરહદ પાર પહોંચેલા સુભાષ બોઝને જર્મનીથી જાપાન બોલાવીને આઝાદ હિન્દ ફોજ સુપરત કરી, અને પછી આઝાદ હિન્દ સરકાર રચાઇ.
આ સરકારનું પોતાનું બંધારણ હતું, રાષ્ટ્ર ધ્વજ સ્થાપિત થયો.બેન્ક અને ચલણ નક્કી થય. રાષ્ટ્ર ગીત રચાયું, રંગૂન તેનું મુખ્ય મથક બન્યું. અને સાથે જ આ સરકારની આઝાદ હિન્દ ફોજનિ ઘોષણા થઈ. અને 23 ઓકટોબરે રાતે બ્રિટિશ સત્તાનિ સામે વિધિસર યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. આ યુદ્ધ લડાયું. આરાકાનના જંગલમાં, ઇરાવદી નદીના કિનારે, આઝાદ હિન્દ ફોજે જાપાનની મદદથી જે ભીષણ યુદ્ધ કર્યું, તેને બ્રિટિશ યુદ્ધ દસ્તાવેજોમાં સમગ્ર વિશ્વયુદ્ધમાં “સૌથી આઘાતજનક હાર” તરીકે ગણવામાં આવ્યું છે. એકલી બ્રિટિશ સેના લડી શકે તેમ નહોતી એટ્લે અમેરિકાની મદદ લેવામાં આવી. યોર્ક શાયર રેજિમેન્ટ,ડર્હમ લાઇટ ઇનફન્ટરી, રોયલ કેટ્સ જેવો જંગી જુમલો ખડકી દેવાયો, સામે આઝાદ હિન્દ ફોજ પાસે પૂરતા હથિયારોનો અભાવ. પ્રચંડ વરસાદ. મેલેરિયાના જીવલેણ મચ્છરો. બ્રિટિશ વિમાનો ઉપરથી પત્રિકાઓ ફેંકે કે આવી જ્જઓ, તમને ભરપેટ ભોજન મળશે, હથિયાર મળશે, પગાર આપીશું. જવાબમાં આ બહાદુર સૈનિકો કહેતા: ગુલામીકી રોટીસે આઝાદ્દીકા ઘાંસ અચ્છા હૈ.
50000 સૈનિકોએ આ આઝાદ હિન્દ સરકારની હેઠળ છેક ઇમ્ફાલ સુધીની રકતરંજિત લડાઈ કરી. રંગુન તેનું વડુ મથક હતું. સિંગાપુર, સાયગોન, બેંગકોક બીજા મથકો. આઝાદ રેડિયો પણ ચાલુ થયો.
આ સરકારને અનેક દેશોની માન્યતા પણ મળી. બર્મા, જાપાન, જર્મની, ક્રોશિયા, ઈટાલી, થાઈલેંડ તેમાં મુખ્ય હતા. આ સેનાના બે સૂત્રો હતા, “જય હિન્દ’અને “ચલો દિલ્હી”. સુભાષની ઘોષણા દરેકના દિલોદિમાગમાં હતી:તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા.. “ આને આ સંકલ્પે ઇતિહાસ સર્જ્યો. 1943માં જાપાને આંદામાન-નિકોબાર આઝાદ હિન્દ ફોજને સોંપયા. છેક 1857થી સ્વાતંત્ર્યવીરોનિ યાતના ભૂમિ હતી આ. સાવરકર પણ અહી કેદી હતા. કેટલાક પાગલ થઈ ગયા, કેટલાકે જીવન ટૂંપાવી નાખ્યું. ભારતની આઝાદી પહેલાં તે મુક્ત થઈ, નેતાજીએ અહી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
પછીનું મિશન રંગુનથી ઇમ્ફાલના રસ્તે રક્તરંજિત યુદ્ધ. છેક મયગોંગ અને ઇમ્ફાલ સુધીની આ વિજયગાથા સામાન્ય નહોતી. પહેલાં આરકણ કબ્જે કરવામાં આવ્યું. સેકન્ડ કમાન્ડર એલ.એસ. મિશ્રે બ્રિટિશ સાતમી ડિવિઝનને ઘોર પરાજય આપ્યો.
બ્રિટિશ સેના બધો સરસંજામ છોડીને ભાગી છૂટી. જાપાનીઝ સેનાપતિએ તો નેતાજીને સંદેશ આપ્યો કે અમે ગેરસમજને લીધે આઝાદ ફોજના સૈનિકોને સામાન્ય ગણતા હતા. આ તો મહાન બહાદૂરો નીકળ્યા.માત્ર આઠ મહિનામાં આ વિજયપથ આકાર પામ્યો.
19 માર્ચ, 1944 ભારતભૂમિનો પરમ પ્રિય સ્પર્શ. 8 એપ્રિલે કોહિમા પર રાષ્ટ્રધ્વજ. ઠાકુર સિંહ કર્નલ તેમાં મુખ્ય હતા.
30 લાખ દક્ષિણપૂર્વ એશિયાના ભરતવાસીઓની આ સંકલ્પ કથા. આઝાદ હિન્દના 26000 સૈનિકોએ આ રણ ભૂમિ પર પ્રાણનિ આહુતિ આપી. ઝાંસી રાણી સેના અને બાલ સેના, 100 જેટલા ગુજરાતી-પંજાબી- દક્ષિણ ભારતીય શ્રીમંતોનું સર્વસ્વ દાન....મેજર જનરલ ડો. જી.ડી. બક્ષીએ તેમના આધિકારિક પુસ્તક “બોઝ: એન ઇંડિયન સમુરાઈ “માં કેટલીક મહત્વની વિગતો આપી છે. તેમણે લખ્યું કે 26000 સૈનિકો મોતને ભેટ્યા, છતાં ખડગ બિના ઢાલ કહીએ તે આત્મવંચના ના કહેવાય?