દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં ભારત પરત ફરેલા મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોચરબમાં સૌપ્રથમ આશ્રમની સ્થાપના કરી હતી. આ રીતે કોચરબ આશ્રમનું વિશેષ મહત્ત્વ છે. કોચરબ પછી નવો આશ્રમ સાબરમતી ખાતે સ્થાપવામાં આવ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર શ્રી રાજેન્દ્ર ખીમાણીની પરવાનગી અને કોચરબ આશ્રમના કો-ઓર્ડિનેટર શ્રી રમેશ ત્રિવેદીના સહકારના પરિણામે આ કાર્યક્રમ યોજવાનું સ્વપ્ન સાકાર થયું છે.
આ કાર્યક્રમમાં ભારત અને વિશેષતઃ ગુજરાતમાંથી થોડાં NRI મિત્રો સહિત નાની સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા છે. ગાંધીજી વિશે મોટું કાર્ય કરનારા પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખ, ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના ચેરમેન ડો. જયશ્રીબહેન મહેતા, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી કૃષ્ણકાંત વખારિયા, વિશ્વ ગુજરાતી સમાજના સેક્રેટરી શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર અને હિન્દુસ્તાન સમાચારના બ્યુરો ચીફ શ્રી ભૂપતરાય પારેખ, NRG સેન્ટરના પ્રમુખ શ્રી કે. એચ પટેલ, ડો. બળવંત જાની, શ્રી તુષાર જોષી, શ્રીમતી માયાબહેન દીપક, ગુજરાત મીડિયા ક્લબના સભ્યો તેમ જ અન્ય અગ્રણીઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયા છે. મહાત્મા ગાંધીના કોઈ પણ ચાહક અને પ્રશંસક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે.