ગુજરાતના નડિયાદ શહેરમાં 31 ઓક્ટોબર 1875માં ઝવેરભાઈ અને લાડબાઈને ત્યાં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો. જોકે, આ જન્મતારીખ વલ્લભભાઈએ સ્વીકારેલી છે. તેમની સાચી જન્મતારીખ અંગે કોઈ પુરાવા નથી. 75 વર્ષની વયે 15 ડિસેમ્બર 1950ના રોજ તેમણે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા.
છ ભાઈ-બહેનોમાં વલ્લભભાઈ ખૂબ જ હોશિયાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા. પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં લીધું. વિદ્યાર્થીકાળથી જ તેઓ નીતિ અને સત્ય સાથે મક્કમ રહેવાનો ગુણ ધરાવતા હતા. તેમના જીવનકવન પર નજર કરશો તો જણાશે કે આ ગુણ તેમનામાં જીવનભર જળવાયો.
‘લાઇફ એન્ડ વર્ક ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ’ પુસ્તકમાં પી. ડી. સાગ્ગી લખે છે કે ‘તેમની શાળામાં એક શિક્ષક ખોટી રીતે શાળાનાં પુસ્તકો અને પેન્સિલ અન્ય જગ્યાએ વેચી દેતા હતા. જ્યારે વલ્લભભાઈને આ અંગે જાણ થઈ ત્યારે તેમણે આ વાતનો વિરોધ કર્યો અને છ દિવસ સુધી ધરણાં પર બેસી ગયા હતા, આખરે શિક્ષકનું આ કૃત્ય જાહેર થઈ ગયું હતું.’ ખરા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલના સત્યાગ્રહની શરૂઆત આ બનાવથી થઈ હતી.
અમદાવાદની આખરી મુલાકાત
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદ શહેરના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો. જેની કદર કરવા અને તેમનું ઋણ ચૂકવવા મ્યુનિસિપાલિટી દ્વારા તેમના જન્મદિને જ તેમનું નાગરિક સન્માન કરવાનું શાનદાર આયોજન કરાયું હતું.
નાદુરસ્ત તબિયત હોવા છતાંય મ્યુનિસિપાલિટીના નિમંત્રણને માન આપી સરદાર તેમની 75મી વર્ષગાંઠના દિવસે 31 ઓક્ટોબર 1950ના રોજ અમદાવાદ આવ્યા હતા. આ જન્મદિને તેમને સન્માનરૂપે મ્યુનિસિપાલિટી દ્વારા રૂપિયા 15 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સરદારે આ ચેકને બહુ નમ્રતા સાથે સાદર પરત કરતા કહ્યું હતું કે ‘તમારા પૈસા તમારા શહેરના વિકાસ માટે અર્પણ.’ અમદાવાદની તેમની આ છેલ્લી મુલાકાત હતી.
સરદારસાહેબ ચહેરેમહોરે ભલે એકદમ ગંભીર જણાતા હોય, પરંતુ તેઓ માનતા કે ‘કર્મ નિઃસંદેહપણે સાધના છે, પરંતુ હાસ્ય એ જીવન છે.’ તેમની જિંદગીમાં આ શબ્દોનું પ્રતિબિંબ ઝલકતું જોવા મળશે.