‘કોઈ ગોળી મારે ને હું રામ રટતો પ્રાણ છોડું તો જ મારો દાવો સાચો’

ગાંધી નિર્વાણ દિન

Wednesday 26th January 2022 05:11 EST
 
 

‘હું જો જીર્ણ માંદગીને કારણે મરણ પામું તો, અરે, એક ફોલ્લી કે ચાંદાથી મરણ પામું, તો લોકો તમારા પર ક્રોધે ભરાય એ જોખમ વહોરીને પણ, દુનિયા આગળ જાહેર કરવાની તમારી ફરજ છે કે ગાંધી જેનો દાવો કરતો હતો એવો ખુદાનો બંદો નહોતો. તમે એમ કરશો તો એથી મારા આત્માને શાંતિ મળશે. આ પણ નોંધ રાખજોઃ હમણાં જ એક દિવસ કોઇકે બોમ્બ વતી કરવા ધાર્યું હતું તેમ કોઈ મને ગોળીથી ઠાર કરીને મારા જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે અને હું તેની ગોળી દુઃખના એક પણ પોકાર વિના ઝીલી લઉં અને રામનું નામ રટતો રટતો પ્રાણત્યાગ કરું તો જ મારો એ દાવો સાચો ઠરશે.’
‘રાત પડતાં પહેલા શું થશે અને હુંયે જીવતો હોઈશ કે કેમ એની કોને ખબર?’ એમ ૩૦મી જાન્યુઆરીની વહેલી સવારે વિધાન કર્યું હતું.
૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરી. સાંજના ૫-૧૭ કલાકે નથુરામ ગોડસેએ છોડેલી ત્રણ ગોળીઓએ ગાંધીજીના પ્રાણ હરી લીધા હતા. આ ઘટના પહેલાંના અંદાજે વીસેક કલાક પહેલાં જ ૨૯ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ઉપર લખ્યા છે તેવા શબ્દો - ગાંધીજીએ કહ્યા હતા અને એમણે કહ્યું હતું તેમ રામનું નામ રટતાં - ‘હે રામ...’ના પોકાર સાથે દેહ છોડ્યો હતો. આ શબ્દો જ કહી જાય છે કે જીવતાં ને મરતાં એમના મુખે રામનું નામ હતું.
દેશ આઝાદીનો જશ્ન મનાવી રહ્યો હતો ત્યારે દૂર પૂર્વમાં નોઆખલીમાં તેઓ શાંતિ માટે ઝઝૂમતા હતા. ઉપવાસ કર્યા હતા. એ પછીના દિવસોથી માંડીને ૧૯૪૮ના જાન્યુઆરીના મધ્યભાગમાં ફરી વાર ઉપવાસ કર્યા હતા. ૧૩થી ૧૮ જાન્યુઆરી ઉપવાસ કર્યા, ૨૦મી જાન્યુઆરીએ પ્રાર્થનાસ્થળે બોમ્બ વિસ્ફોટ થયો હતો. ૨૧મીએ ગાંધીજીએ કહેલું કે ‘બોમ્બ ફેંકનાર પર દયા રાખજો.’ ૨૯મીએ ગોળીથી ઠાર થવાના સંદર્ભની વાત અને ૩૦મીએ ચિરવિદાય.
૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના ૧૬૭ દિવસો ગાંધીજીનું જીવન કંઇક જુદા જ તબક્કે હતું. તેઓ ૧૨૦ વર્ષ જીવવાની વાતને ટાળી રહ્યા હતા.
૨૯મીના ઉપરોક્ત વિધાનો પછી ૩૦મીની વહેલી સવારે પણ એમણે મનુબહેન ગાંધીને કહેલું ‘રાત પડતાં પહેલાં શું થશે અને હુંયે જીવતો હોઇશ કે કેમ, એની કોને ખબર?’
આવાં સહજ પણ આજે તો સૂચક લાગે તેવાં વિધાનો સવારે પ્રાર્થના પતાવ્યા બાદ ઓરડામાં આંટા મારી રહેલા ગાંધીજીએ કરેલાં. તે દિવસે એવું બન્યું હતું કે મનુબહેન એમની સાથોસાથ ચાલ્યાં નહોતાં અને તેમ કરવા પાછળનું કારણ કફ-ખાંસી મટાડવા તાડગોળ અને અને લવિંગના ભૂકામિશ્રિત ટીકડી બનાવવાની હતી અને લવિંગનો ભૂકો ખલાસ થઇ ગયેલો. મનુબહેન ભૂકો કરવા બેઠાં એટલે ચાલવામાં સાથે ન રહ્યાં. તેમણે ગાંધીજીને કહ્યું કે રાતે ભૂકાની જરૂર પડશે એટલે લાગલું જ ગાંધીજીનું આ વિધાન આવી પડેલું કે રાત પડતાં પહેલાં શું થશે અને હુંયે જીવતો હોઇશ કે કેમ એની કોને ખબર?
આગલા દિવસે ગોળીથી ઠાર થવાની વાત, સવારે રાતે શું થશે એવો ઉલ્લેખ અને હત્યા પહેલાં પ્રાર્થનાસભામાં જતાં પહેલાં રસિકભાઇ પરીખ અને ઢેબરભાઇને મળવાનું ગોઠવવાની વાત થતાં જ કહેલું કે ‘એને કહો કે જીવતો રહ્યો તો પ્રાર્થના પછીના ફરતી વેળાના સમયે વાત કરી લઇશું.’ લાગે છે કે ૩૦મીએ સાંજે જે નિર્મિત હતું તેનો સંકેત ગાંધીજીએ આપી દીધો હતો.
૩૦મીએ વધુ એક વખત કાલ કોણે દીઠી છે? એ મતલબની વાત એમણે કિશોરલાલ મશરુવાળાને મોકલવાના રહી ગયેલ પત્રના સંદર્ભમાં પણ વહેલી સવારે કહી હતી. પત્ર મોકલવાનો રહી ગયો તે ગાંધીજીને પસંદ નહોતું પડ્યું. આ તબક્કે મનુબહેને પેલા પત્રમાં એક લીટી ઉમેરવાનું કહ્યું કે ‘બીજીએ વર્ધા જવાનાં છીએ એવું લખીએ.’ ત્યારે ગાંધીજીએ આગળ કહ્યું તેવું વિધાન કરેલું.
૩૦મી જાન્યુઆરીની એમની છેલ્લી મુલાકાત સરદાર પટેલ સાથેની હતી. સાંજે ચાર વાગ્યા પછી કલાકેક ચાલેલી. તે મુલાકાતનો ઉલ્લેખ પ્યારેલાલજીના ગ્રંથ ‘પૂર્ણાહૂતિ’માં છે. તે મુજબ કાંતતાં કાંતતાં ગાંધી-સરદાર વચ્ચે લાંબી ચર્ચા થયેલી. ગાંધીજીએ કહેલું કે ‘બેમાંથી એકે (નેહરુ અને સરદાર બન્નેમાંથી એકે) પ્રધાનમંડળમાંથી નીકળી જવું જોઇએ એવો વિચાર અગાઉ મેં દર્શાવ્યો હતો એ ખરું પણ પછી મક્કમ નિર્ણય પર આવ્યો છું કે બન્નેની હાજરી અનિવાર્ય છે. સાંજની પ્રાર્થનાસભામાં હું મારા ભાષણમાં ચર્ચા કરીશ. જરૂર પડશે તો વર્ધા જવાનું ટાળીશ અને તમારા બન્ને વચ્ચે વૈમનસ્યના પ્રેતને છેવટનું દફનાવવામાં ન આવે ત્યાં સુધી દિલ્હી છોડીશ નહીં.’ જોકે એમની એ ઈચ્છા અધૂરી જ રહી. એ જીવતા રહ્યા હોત તો સરદાર-નેહરુની જોડી પાસે કંઇક નવું કરાવી શક્યા હોત.
એમની હત્યાના ૧૦ દિવસ અગાઉ પ્રાર્થનાસભામાં બોમ્બ વિસ્ફોટ થયેલો તે પછી તેમણે કહેલું કે ‘ભૂતકાળમાં મારો જાન લેવાને મારા પર હુમલાઓ કરવામાં આવ્યા છે, પણ ભગવાને મને આજ સુધી બચાવી લીધો છે. અને હુમલો કરનારાઓએ તેમના કૃત્ય માટે પસ્તાવો કર્યો છે. પરંતુ હું એક બદમાશને પૂરો કરું છું એવી માન્યતાથી પ્રેરાઇને કોઇ મને ગોળીથી ઠાર કરે તો તે ખરા ગાંધીને નહીં પણ તેને (હત્યા કરનારને) જે બદમાશ લાગ્યો હતો તેણે મારી નાખ્યો હશે.’
આજે, એ મહાનિર્વાણની ઘટનાને સાત દાયકા કરતાં વધુ સમય વત ગયો છે, ગોળીથી ઠાર થયેલા ગાંધીજીનો દેહવિલય થઇ ગયો છે, પણ એમનો વિચારઆત્મા આજેય અજર-અમર છે અને આવનારાં વર્ષોમાં પણ રહેશે જ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter