સ્વતંત્રતા આંદોલનનો પાયો જે દાંડી યાત્રાથી નંખાયો હતો, તેની જ ૯૧મી વર્ષગાંઠે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ થયો છે. દેશની આઝાદી મળ્યાને ૭૫ અઠવાડિયા પછી ૭૫ વર્ષ પૂરા થઇ રહ્યા છે તે પ્રસંગે ૭૫ અઠવાડિયા એટલે કે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ સુધી દર સપ્તાહે એક કાર્યક્રમ યોજાશે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીનો આરંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી શરૂ કરાવ્યો છે. ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રા વિશે મહાત્મા ગાંધીએ ‘નવજીવન’માં લખ્યું હતુંઃ ‘આ દાંડી કૂચ મારા માટે અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથની જેમ પવિત્ર તીર્થયાત્રા છે. આઝાદીની તીર્થયાત્રા.’ ૧૧ માર્ચ ૧૯૩૦ એટલે કે ઐતિહાસિક કૂચની પૂર્વસંધ્યાએ ગાંધીજીએ એક યાદગાર ભાષણ પણ આપ્યું હતું. વાંચો, તેમના આ ઐતિહાસિક સંબોધનના અંશ...
કદાચ આ મારું છેલ્લું ભાષણ હોય. અહીં બોલાતા શબ્દો મારા જીવનના અંતિમ શબ્દો હોય. અંગ્રેજ સરકાર મને કાલે સવારે દાંડી કૂચની મંજૂરી આપે, તો પણ સાબરમતીના આ પવિત્ર તટ પર આ મારું આખરી ભાષણ હશે. હું તમને આજે એ કહેવા માંગુ છું કે, મારા અને મારા સાથીદારોની ધરપકડ પછી તમારે શું કરવું જોઈએ. ધરપકડ થયા પછી, શાંતિ ભંગ કરવાની એક પણ ઝલક મળવી ના જોઈએ. કોઈ પણ ગુસ્સામાં આવીને ભૂલ ના કરે. આ મારી આશા અને પ્રાર્થના છે.
હું ઈચ્છુ છુ કે, મારી આ વાતો દેશના ખૂણેખૂણા સુધી પહોંચે. સ્વયંસેવકોએ, આ સ્થિતિમાં, જ્યાં પણ શક્ય હોય ત્યાં મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તેમને એવું કરવાનો અધિકાર છે, એ તેમનું કર્તવ્ય છે. ઈતિહાસ આવા લોકોના ઉદાહરણોથી ભરેલો છે, જે ફક્ત આત્મવિશ્વાસ, બહાદુરી અને દૃઢતાના બળે નેતૃત્વ કરીને ઊભર્યા છે. સરકાર દ્વારા આપણી ધરપકડની સંખ્યા વધવાથી આપણો દરજ્જો વધશે અને આપણા હૃદય મજબૂત થશે.
આ સિવાય અનેક પદ્ધતિથી ઘણું બધું કરી શકાય છે. દારૂ અને વિદેશી કપડાંની દુકાનો પર ધરણાં કરી શકાય. જો આપણી પાસે પૂરતી શક્તિ હોય, તો આપણે કરોની ચૂકવણી કરવાની મનાઈ કરી શકીએ. વકીલો પ્રેક્ટિસ છોડી શકે. પ્રજા જાહેર મુકદ્દમાથી અંતર રાખીને અદાલતોનો બહિષ્કાર કરી શકે છે. સરકારી કર્મચારીઓ રાજીનામા આપી શકે. નિરાશા વચ્ચે રાજીનામું આપતા લોકો રોજગારી ખોવાના ડરે કાંપી રહ્યા છે. આવા લોકો સ્વરાજ માટે અયોગ્ય છે.
આ એ સંદેશ હતો, જેને મેં કૂચ શરૂ કરવા કે જેલ જતા પહેલા તમને આપવા ઈચ્છ્યો હતો. હું ઈચ્છુ છુ કે, કાલે સવારે કે જો એ પહેલા મારી ધરપકડ થઈ જાય, તો કાલે આરંભ થતું યુદ્ધ સ્વરાજ મળતા સુધી બંધ નહીં થાય. હું આતુરતાથી એ સમાચારની રાહ જોઈશ કે, અમારા જૂથની ધરપકડ કરાતા જ દસ નવા જૂથ તૈયાર થઈ ગયા. હું વિશ્વાસ કરું છું કે, ભારતમાં એવા લોકો છે જે મારા દ્વારા શરૂ કરાયેલા, આપણા આ કામને પૂરું કરશે. મને મારા કામ અને આપણા શસ્ત્રોની પવિત્રતામાં પૂરેપૂરો વિશ્વાસ છે. અને જ્યાં પદ્ધતિ યોગ્ય છે, ત્યાં નિશંકપણે ભગવાનના આશીર્વાદ છે. અને જ્યાં આ ત્રણેય ભેગા થાય, ત્યાં હાર અશક્ય છે. એક સત્યાગ્રહી હંમેશા વિજયી થાય છે, ભલે તે સ્વતંત્ર હોય કે તેને જેલમાં નાંખી દેવાય. - મોહનદાસ કરમચંદ ગાંધી