‘બંધારણના ઘડવૈયા’નો ગુજરાત સાથેનો નાતો

Monday 11th April 2022 07:19 EDT
 
 

ડો. બાબાસાહેબ આંબેડકર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી શિષ્યવૃત્તિથી ગ્રેજ્યુએટ થયા હતા. એ મુજબ તેમણે વડોદરા રાજ્યમાં નોકરી સ્વીકારી. સૌ પ્રથમ વાર ગુજરાત આવ્યા. અસ્પૃશ્યોદ્ધારક કાર્ય કરતા આર્યસમાજી પંડિત આત્મારામ અમૃતસરીએ તેમને પોતાને ત્યાં રાખ્યા હતા. પિતાની ગંભીર માંદગીનો તાર મળતાં મુંબઈ પરત ફર્યા.

અમેરિકા અને ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ ડિગ્રી લઈ વડોદરા સ્ટેટ સાથે થયેલી શરત મુજબ ફરી વડોદરા રાજ્યની નોકરી સ્વીકારી. અસ્પૃશ્યતાના દાહક અનુભવને કારણે કાયમ માટે વડોદરા છોડ્યું.
અમદાવાદમાં તુલસીદાસ મૂળદાસ આચાર્ય નામના અસ્પૃશ્ય શિક્ષકે ૧૯૨૮માં ખાનપુર વિસ્તારમાં શરૂ કરેલા છાત્રાલયનું ઉદ્દઘાટન કરવા ડો. આંબેડકર અમદાવાદ આવ્યા હતા. બાબાસાહેબ આંબેડકર ૧૯૩૦-૩૧માં ગોળમેજી પરિષદમાં ગયા અને અસ્પૃશ્ય સમાજના હિત માટે જે રીતે ઝઝૂમ્યા હતા, એનાથી એમને અપાર પ્રસિદ્ધિ મળી.

એમનું સન્માન કરવા અમદાવાદના યુવાનોએ એમને ગુજરાત પધારવા નિમંત્રણ આપ્યું. અમદાવાદના નવયુવક મંડળ (દરિયાપુર)ના નિમંત્રણથી ડો. બાબાસાહેબ ૨૮ જુલાઈ ૧૯૩૧ના દિવસે અમદાવાદ પધાર્યા. તેમના પ્રવાસ સમયે સેવક સેવાનંદે - ‘અંત્યજોને ચેતવણી’ નામનું ચોપાનિયું પ્રસિદ્ધ કર્યું હતું, એમાં ડો. આંબેડકરના પ્રવાસનો અહેવાલ રજૂ થયો હતો. તેનો એક અંશ - ‘પૂ. ડો. આંબેડકર સાહેબ અમદાવાદ સ્ટેશને ઊતરતાં જ પ્લેટફોર્મ ઉપર તેમને જુદાં જુદાં મંડળો તથા મહોલ્લાઓ અને જાતિ હિતચિંતકો તરફથી ફૂલહાર, કલગીથી સત્કારવામાં આવ્યા હતા.’
એ દિવસે સાંજે ૬ વાગ્યે ભદ્ર નજીક પ્રેમાભાઈ હોલમાં ડો. આંબેડકરનું પ્રવચન હતું. રાતે શાહીબાગમાં મહારાષ્ટ્રીય ઐક્ય હિતવર્ધક મંડળ તરફથી યોજેલા સ્નેહ મિલનમાં ડો. આંબેડકર પધાર્યા હતા અને ચા-નાસ્તો કરી ટ્રેનમાં મુંબઈ ગયા. ડો. આંબેડકરના આ ગુજરાત પ્રવાસની દુ:ખદ ઘટના એ હતી કે બાબાસાહેબ જ્યારે ગાડીમાંથી અમદાવાદ સ્ટેશને ઊતર્યા ત્યારે કેટલાક કોંગ્રેસી દલિતોએ કાળા વાવટા ફરકાવી ડો. આંબેડકરનું અપમાન કરવાનો પ્રયત્ન કરેલો.
૨૨ ઓક્ટોબર, ૧૯૩૮ના રોજ અમદાવાદ જિલ્લાના બાવળા નગરમાં ડો. આંબેડકર આવ્યા હતા. ત્યાં ડો. આંબેડકરને સન્માનપત્ર અર્પણ કર્યું હતું. સાંજે અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં તેમનું પ્રવચન રખાયું હતું. એ પછી બાબાસાહેબ ૧૮ એપ્રિલ, ૧૯૩૯માં રાજકીય સુધારા આંદોલનના સંદર્ભે દલિતોના પ્રતિનિધિ હોવા જોઈએ તે બાબતે ગાંધીજી સાથે ચર્ચા કરવા રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં તેમણે ગાંધીજી જોડે ચર્ચા કરી હતી. ગુજરાતમાં ૧૫-૧૬ માર્ચ, ૧૯૪૧માં ડો. બાબાસાહેબ આંબેડકર અમદાવાદ આવ્યા ત્યારે ‘સમતા દૈનિક દળ’ના યુવાનોએ સલામી આપી હતી.
જાન્યુઆરી ૧૯૪૩માં ડો. બાબાસાહેબ આંબેડકર સુરત આવ્યા હતા. પારસી (ગુજરાતી) દૈનિક ‘જામે જમશેદે’ લખ્યું હતું, ‘સુરત પાયોનિયર્સ ભવિષ્યમાં સ્વરાજ્યના રક્ષકો બનશે. તેઓને તાલીમ આપનારાઓને ડો. આંબેડકરે આપેલી મુબારકબાદી.’ ડો. બાબાસાહેબ ગુજરાતીની જેમ બોલતા. ગુજરાત આવતા ત્યારે ગુજરાતીમાં બોલવાનો આગ્રહ રાખતા. ૨૯-૩૦ નવેમ્બર, ૧૯૪૫ દરમિયાન શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનના અધિવેશનમાં હાજરી આપવા માટે બાબાસાહેબ અમદાવાદ આવેલા ત્યારે એમની સભા હતી ત્યારે એમણે પોતાના પ્રવચનની શરૂઆત ગુજરાતીમાં કરતાં કહ્યું હતું,
‘આજના પ્રસંગે મારે ગુજરાતીમાં બોલવું એવી મને આપણા અધ્યક્ષે વિનંતી કરી છે. જ્યારે આપની ઇચ્છા જ છે તો મેં આજે તમારા આગ્રહને વશ થઈને ગુજરાતીમાં જ બોલવાનું નક્કી કર્યું છે.’ ભાષણના અંતમાં તેમણે ગુજરાતના અસ્પૃશ્યોની ચિંતા કરતાં કહ્યું, ‘મારા ગુજરાતી ભાઈઓ, મને તમારા માટે ખૂબ જ ચિંતા છે.’ એ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડો. આંબેડકરનું જાહેર સન્માન પણ થયું. ડો. આંબેડકરે ૧ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે છેલ્લી વાર ગુજરાતની ધરતી પર પગ મૂક્યો અને એ પણ થોડીક મિનિટો પૂરતો.

બાબાસાહેબ દિલ્હીથી મુંબઈ જઇ રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર વિમાન થોડોક સમય રોકાયું ત્યારે તેમણે એરપોર્ટ પર જ કાર્યકરો સાથે મુલાકાત કરેલી. એ એમની છેલ્લી ગુજરાત મુલાકાત. એ પછી બાબાસાહેબ ગુજરાત આવ્યા હોય એની માહિતી મળતી નથી. હા એ ગુજરાતના આગેવાનો સાથે સતત સંપર્કમાં રહેતા હતા.

સામાજિક સમતા માટે આજીવન સંઘર્ષવીર
ડો. આંબેડકરનો વિરોધ હિન્દુ ધર્મનાં ઉદાત્ત તત્ત્વો સામે નહોતો, પણ જે આચાર્યો એક બાજુ હિન્દુ ધર્મનાં શ્રેષ્ઠ તત્ત્વોની તરફદારી કરતા હતા અને બીજી બાજુ સમાજમાં વિષમતા અને ગુલામી પેદા કરનારી સામાજિક વ્યવસ્થાને ટેકો આપતા હતા એવા લોકો સામે હતો. ડો. બાબાસાહેબનું લક્ષ્ય હતું - સદીઓથી થતાં અત્યાચાર, અન્યાય સામે અસ્પૃશ્યો ઊભા થાય અને પોતાના અધિકાર માટે સંઘર્ષ કરે. એ ઉદ્દેશથી જ તેમણે આંદોલન કર્યાં. મહાડ સત્યાગ્રહ અને નાસિકમાં કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ કર્યો હતો.
મહાડ જિલ્લામાં આવેલું ચવદાર તળાવ હિન્દુ કે અન્ય ધર્મી સૌને માટે ખુલ્લું હતું. પશુ અને પ્રાણીઓ પણ તેમાંથી પાણી પી શકતા, પણ હિન્દુ સમાજના અંગ એવા અસ્પૃશ્યો એ પાણીનો ઉપયોગ કરી શકતા નહીં. ડો. બાબાસાહેબ આંબેડકરે ૧૯ માર્ચ, ૧૯૨૭ના રોજ સવર્ણોના સખત વિરોધ સામે, અસંખ્ય અસ્પૃશ્ય દલિતો સાથે ચવદાર તળાવમાંથી પાણી પીધું. અર્વાચીન ભારતના ઇતિહાસની આ એક ઐતિહાસિક ઘટના હતી. ૧૭મી માર્ચ, ૧૯૩૭માં અસ્પૃશ્યોને તળાવમાંથી પાણી પીવાની કાનૂની મંજૂરી મળી.
આ સત્યાગ્રહ પાછળનો આશય ડો. આંબેડકરે સ્વયં સ્પષ્ટ કરેલો: ‘મહાડમાં અમે જે કાર્ય હાથમાં લીધું છે એ માત્ર અમારા ઉદ્ધાર માટે નથી, પરંતુ હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે છે અને આ જ સત્ય છે. અમારું આ કાર્ય રાષ્ટ્રકાર્ય છે.’
નાસિકના કાળારામ મંદિરમાં પ્રવેશ માટે ડો. બાબાસાહેબ આંબેડકરે પૂરી તાકાત અને ધૈર્ય સાથે સ્થાનિક કાર્યકરોની મદદ લઈને સત્યાગ્રહ કર્યો. નાસિક સંઘર્ષ ઈ.સ. ૧૯૩૫ સુધી ચાલ્યો. તેથી અસ્પૃશ્યો સાથે સવર્ણોમાં પણ જાગૃતિ આવી. બાલ્યકાળથી જ ઘરના ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા ડો. બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્ર પ્રત્યે અપાર પ્રેમ હતો.
હિન્દુ ધર્મમાં આવેલી કેટલીક વિકૃતિઓ દૂર કરવા માગતા હતા. કાળારામ મંદિર ઉપરાંત અમરાવતીના પાર્વતી મંદિર માટે પણ બાબાસાહેબની પ્રેરણાથી મંદિર પ્રવેશ સત્યાગ્રહ થયો હતો. ડો. આંબેડકરે આદરેલા સામાજિક સત્યાગ્રહના સુખદ પરિણામ પણ મળ્યા. નાસિકના કાલારામ મંદિરમાં દર્શન કરવા સત્યાગ્રહ કરવો પડ્યો એ જ કાલારામ મંદિરમાં આરએસએસના પ્રયત્નોથી મંદિરના પૂજારી સુધીર મહારાજે (ડો. આંબેડકરે કાલારામ આંદોલન કર્યું ત્યારે સુધીર મહારાજના દાદા પૂજારી હતા) યજ્ઞ રાખ્યો. દલિત બંધુઓને ગર્ભગૃહમાં બેસાડી પૂજા કરાવી અને પોતાના પૂર્વજોએ કરેલી ભૂલ બદલ માફી પણ માગી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter