‘ભારત માતાની જય’નો જયઘોષ કેવી રીતે અને ક્યાંથી આવ્યો? ‘ભારત માતાની જય’ અંગેનો ઇતિહાસ ખરેખર બહુ રસપ્રદ છે.
કિરણચંદ્ર બંદોપાધ્યાય લિખિત નાટક ‘ભારત માતા’
‘ભારત માતા’ નાટક પહેલી વાર 1873માં નાટક આવ્યું હતું. બંગાળી લેખક કિરણચંદ્ર બંદોપાધ્યાયના આ નાટકમાંથી ‘ભારત માતા’ એમ બે શબ્દો મળ્યાં. આ નાટકમાં બંગાળમાં તે વખતે પ્રવર્તેલી દુષ્કાળની રામકહાણી હતી. દુષ્કાળની કપરી પરિસ્થિતિમાં એક દંપતીને એક પુજારી ભારત માતાના મંદિરે લઇ જાય છે. ભારત માતાના દર્શન પછી દંપતી ભારતની સ્વતંત્રતાની લડાઇમાં જોડાઈ જાય છે. 1882માં બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ આવી. તેમાં ‘વંદે માતરમ્’ એટલે કે માતાને વંદન કરતી કવિતા હતી.
બંગમાતાના રૂપમાં ભારત માતાની પરિકલ્પના
અવનીન્દ્રનાથ ટાગોરે 1905માં ભારત માતાનું એક ચિત્ર બનાવ્યું. તેને ભારત માતાની પ્રથમ તસવીર ગણાય છે. તેમાં ભારતનો નક્શો હતો. ભારત માતા ભગવા રંગના બંગાળના પરંપરાગત પરિધાનમાં હતાં. શરૂમાં આ ચિત્રમાં કંડારેલાં દેવીને બંગમાતા કહેવાતાં હતાં. ચાર હાથવાળાં દેવીના હાથમાં પુસ્તક, ડાંગરના ધરુ, માળા હતા. કહેવાય છે કે આ ચિત્ર એટલું સુંદર અને અસરકારક હતું કે અંગ્રેજોએ ચિત્રને જપ્ત કરી લીધું હતું.
ભારત માતાના ચિત્રો જપ્ત કરી લેતા હતા અંગ્રેજો
અવનીન્દ્રનાથ અને મગનલાલ શર્મા જેવા દેશભક્ત ચિત્રકારોએ ભારત માતાની છબી બનાવી એ પછી ભારતની સ્વતંત્રતાને વેગ આપવા માટે થોડાક જ વર્ષોમાં ભારત માતાના વિવિધ ચિત્ર પ્રસિદ્ધ થવા લાગ્યા હતા. આ બંને ચિત્રકારોના ભારત માતાના ચિત્રની કોપીઓ સહિત ભારત માતાના અન્ય ચિત્રો પણ અંગ્રેજો જપ્ત કરવા લાગ્યા હતા. નવેમ્બર, 1908માં ઢાકામાં આચરણ સમિતિની ઓફિસે બ્રિટિશ પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે ઓફિસના પ્રવેશદ્વાર પર સુંદર રીતે મઢવામાં આવેલા ભારત માતાના ચિત્રને અંગ્રેજોએ કબજે કરી લીધું હતું.
ભારત માતાના ખોળામાં ચાર બાળક
સમય મુજબ દેશમાં જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ભારત માતાના ચિત્રોમાં પરિવર્તન આવવા લાગ્યાં. વર્ષ 1909માં દક્ષિણ ભારતના એક સમાચાર પત્ર ‘વિજયા’ની જાહેરખબર પ્રકાશિત થઇ. તે ચિત્રમાં ભારત માતાના ખોળામાં ચાર બાળકોનું ચિત્ર હતું. ચિત્રમાં એક બાળક હિન્દુ અને એક બાળક મુસ્લિમ વસ્ત્રોમાં હતું.
આશરે વર્ષ 1910માં એક ચિત્ર પ્રસિદ્ધ થયું તેમાં ભારત માતા દુર્ગા દેવીના સ્વરૂપમાં હતાં. હાથોમાં શસ્ત્ર લીધેલી ભારત માતાની એક તસવીર વર્ષ 1913માં જિનિવામાંથી પ્રકાશિત થતા એક સમાચાર સામયિક ‘વંદે માતરમ્ - ઓર્ગન ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ’માં પ્રસિદ્ધ થઇ. આ મેગેઝિનને ભીખાઈજી કામાનો આર્થિક સહયોગ મળતો હતો.
ભારત માતાનું પ્રથમ મંદિર બનારસમાં
કાશીથી પ્રખ્યાત પાવનભૂમિ બનારસમાં ભારત માતાનું પ્રથમ મંદિર બનાવાયું હતું અને 1936ના વર્ષમાં આ મંદિરનું લોકાર્પણ મહાત્મા ગાંધીએ કર્યું હતું. આ મંદિર શિવપ્રસાદ ગુપ્તેએ બનાવડાવ્યું હતું. નવાઈની વાત એ છે કે, આ મંદિરમાં ના કોઈ મૂર્તિ છે કે ના તો કોઈ દેવી-દેવતાનું ચિત્ર. આ મંદિરમાં છે, માત્ર ભારતનો નક્શો.
મંદિરના લોકાર્પણ વખતે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતુંઃ મને આશા છે કે આ મંદિર સઘળાં ધર્મો, જાતિઓ અને સંપ્રદાયોનું સંયુક્ત કેન્દ્ર રહેશે. દેશમાં ધાર્મિક એકતા, શાંતિ અને પ્રેમને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બનશે.
લાખો લોકોના વિજયનો સંકલ્પ
‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’માં પંડિત જવાહરલાલ નેહરુએ નોંધ્યું છેઃ હું જ્યારે જાહેર સભાઓમાં જાઉં છું ત્યારે લોકો જોશપૂર્વક ‘ભારત માતાની જય’નું સૂત્ર પોકારે છે. ઘણી વખત હું લોકોને પૂછું છું કે, ‘ભારત માતા એટલે કોણ?’ પછી અલગ અલગ જવાબો મળે છે ત્યારે હું મારો મત તેમની સમક્ષ મૂકું છે કે, ભૂમિ તો ભારત માતા છે જ પણ સાચા અર્થમાં ભારતમાં વસતી પ્રજા સ્વયં ભારત માતા છે અને ભારતમાં વસતી પ્રજાના જયનો અર્થ એવો થાય કે ભૂમિ પરના લાખો લોકોની જીતનો આ જયઘોષ સંકલ્પ છે. આજકાલ ભારત માતાની જય બોલવાના મામલે અવારનવાર વિવાદ ઉઠતા રહે છે ત્યારે ખરેખર તો વિવાદીઓએ આ જયઘોષનો અર્થ સમજવો જોઈએ કે ભારતની પ્રજાના સ્વયં પોતાના જ જયઘોષની આ ગાથા છે.
મગનલાલ શર્માએ તૈયાર કર્યું ભારત માતાનું ચિત્ર
દેશમાં છેલ્લા કેટલાય સમયથી ‘ભારત માતાની જય’ બોલવાના નામે છાશવારે વિવાદ થતા રહ્યા છે ત્યારે એ ઉલ્લેખ પણ થવો જ જોઈએ કે ભારત માતાનું પ્રથમ ચિત્ર અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મગનલાલ શર્માએ તૈયાર કર્યું હતું. તેમણે ભારત માતાના આ ચિત્રની કલ્પના આઝાદીની ચળવળથી પ્રેરિત થઇને કરી હતી.
વર્ષ 1906માં મગનલાલ શર્માએ ભારત માતાની છબી તૈયાર કરી હતી. વર્ષ 1907માં પ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્માએ આ છબીની હજારો કોપીઓ પ્રકાશિત કરી હતી. ભારત માતાના આ ચિત્રમાં લાંબા કેશ હિમાલય ઉપર વિખરાયેલા જોવા મળે છે. એક હાથમાં ત્રિશૂલ જે સિંધ પ્રદેશ સુધી દર્શાવવામાં આવ્યું છે. બીજો હાથ બંગાળ સુધી ફેલાયેલો છે. આ છબીની નીચે જનની જન્મ ભૂમિ (આંમિચ્છ સ્વર્ગદીપી ગરિયસી) એમ બંગાળી ભાષામાં લખાયેલું છે. જેનો અર્થ થાય છેઃ માતા અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં ભવ્ય છે.
મગનલાલ શર્મા દ્વારા તૈયાર કરાયેલા ભારત માતાના આ ચિત્રની કોપીઓ ભારતની સ્વતંત્રતાની લડાઈ વખતે ગુજરાતના ગામડે ગામડે વહેંચવામાં આવી હતી. એટલું જ નહીં, ભારત માતાનું આ ચિત્ર જે તે સમયે ભારતભરમાં પણ જાણીતું બન્યું હતું. મગનલાલ શર્માએ દોરેલા ભારત માતાના આ ચિત્રથી પ્રેરાઇને વિવિધ કલાકારોએ પોતાની કલ્પના પ્રમાણે ફેરફાર કરીને ભારત માતાની છબીનું નિરુપણ પણ કર્યું હતું.
સિંહ ઉપર સવાર એવા મા જગદંબા જેવા સ્વરૂપને કલ્પીને મોટા પ્રમાણમાં તેનું વિતરણ પણ થતું હતું. ભારત માતાનું ચિત્ર વહેંચવાનો હેતુ લોકોને બ્રિટિશ શાસન સામે આઝાદીની જંગમાં ઉત્સાહથી જોડવાનો હતો. શિક્ષક મગનલાલ શર્મા ગુજરાતની છઠ્ઠી સાહિત્ય પરિષદના સભ્ય હતા. તેઓ પ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્માથી પ્રેરિત થઇને આર્ટિસ્ટ બન્યા હતા.