આ શબ્દો છે બાંગલા દેશના જ એક લેખક સલામ આઝાદના. 1994 માં તેણે એક પુસ્તક લખ્યું હતું, ‘કન્ટ્રીબ્યુશન ઓફ ઈન્ડિયા ઇન ધ વોર ઓફ લિબરેશન ઓફ બાંગ્લાદેશ’. લખાયું 1994 માં. છપાયું 2003માં. તેની પાંચ આવૃત્તિ થઈ, પછી નેશનલ બુક ટ્રસ્ટે હિન્દીમાં પ્રકાશિત કર્યું. પુસ્તક મહત્વનું એટલા માટે છે કે તેમ 1971 માં થયેલા લોહીથી લથપથ સંઘર્ષમાં પૂર્વ પાકિસ્તાને સ્વતંત્રતા મેળવીને બાંગ્લાદેશનું નિર્માણ કર્યું હતું. ઢાકામાં રહેતા લેખકને દુઃખ એ વાતનું હતું કે ભારતે આ સંઘર્ષમાં વ્યાપક સહાય કરી, બાંગ્લાદેશી મુક્તિવાહિનીના નેતાઓ અને નાગરિકોને સાચવ્યા. બાંગ્લાદેશની અસ્થાયી સરકારનું મથક કોલકાતામાં રાખવાની સંમતિ આપી અને ભારતીય સૈન્યે પાકિસ્તાની સેનાને પરાસ્ત કરી ત્યારે પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બન્યો.
હજારોની હત્યા, બળાત્કારો, લૂંટફાટ અને આગ, તેમજ હિજરત પછી બાંગ્લાદેશનું નિર્માણ થયું, તે વિશે આ લેખકે પ્રસ્તાવનામાં લખ્યું છે કે ‘બાંગલાદેશના સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ ભારતીય સૈનિકોનું બાંગ્લાદેશની જમીન પર તેમના સમર્પણની સ્મૃતિનું કોઈ સ્મારક પણ નથી બનાવાયું.’ (આ વિધાન 2003 માં લેખકે કર્યું છે. શું તે પછી પણ કોઈ સ્મારક ઊભું કરવામાં આવ્યું કે નહિ તે તપાસનો વિષય છે.)
એક કરોડ બંગાળી પાકિસ્તાની અત્યાચારોનો શિકાર બન્યા, તેવા શરણાર્થીઓને પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં આશરો આપવામાં આવ્યો. સંઘર્ષના નવ મહિના દરમિયાન તેમને રહેઠાણ, ભોજન, આરોગ્ય સગવડો અને બીજી મદદ કરી. (કેટલા કરોડ તેમાં ખર્ચાયા હશે?) મુક્તિવાહિનીના સભ્યોને સશસ્ત્ર તાલીમ, હથિયારો, અને દારૂગોળો ભારતે આપ્યા. મુજીબૂર રહેમાનને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યાં હતા તેમને મુક્તિ મળે તે માટે દુનિયાના દેશોમાં અપીલ ભારત સરકારે કરી. તેના સમર્થન માટે વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અમેરિકા-યુરોપના પ્રવાસે ગયા. અને 3 ડિસેમ્બર, 1971ની સાંજે 5.40 કલાકે પાકિસ્તાનની સામે યુદ્ધની ઘોષણા કરાઇ. પાકિસ્તાનને પરાસ્ત તો કર્યું જ, જે એકલા બાંગ્લાદેશના નાગરિકોથી તદ્દન અશક્ય હતું.
ભારતીય સેનાની ખુવારીની પ્રાપ્ત માહિતી મુજબ 3630 ભારતીય સૈનિકો બાંગ્લાદેશની ભૂમિ પર પાકિસ્તાની સેનાને પરાસ્ત કરવાની ભીષણ લડાઈમાં શહીદ થયા, 213 લાપતા હતા અને 9856 ઘાયલ થયા. 16 ડિસેમ્બર, 1971 સુધીની આ લડાઇ પછી પાકિસ્તાને પરાજયનો સ્વીકાર કર્યો અને પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ આમિયા અબ્દુલ્લા ખાન નિયાઝીનું સમર્પણ થયું.
16 ડિસેમ્બરે આ પરાજય પત્ર તૈયાર થયો તેમાં ભારત તરફથી લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા ઉપસ્થિત હતા. સ્થાન હતું ઢાકા રેસ કોર્સ. સાંજે 4.31 વાગે પાકિસ્તાની પરાજયનો આ પ્રસંગ 4000 નાગરિકોના હર્ષોન્માદ વચ્ચે એક ખુરશી પર અરોરા બેઠા. ટેબલ પર દસ્તાવેજો હતા. જનરલ નિયાઝી ઊભા થયા અને જાહેરાત કરી કે અમે આત્મસમર્પણ કરીએ છીએ. સૈનિકી અલંકારો તેમના ગણવેશ પર હતા તે, વેસ્ટ બેલ્ટ અને બેઝ ઉતારીને લેફ્ટનન્ટ જનરલ અરોરાને સોંપ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. જ્યારે સમર્પણ પર જનરલ નિયાઝીએ સહી કરી ત્યારે સાંજના ચાર અને છ મિનિટ થયા હતા.
1985માં એક વાર ગુજરાત બિરાદરીના ઉપક્રમે ભાવનગરમાં કાર્યક્રમ યોજાયો ત્યારે લેફ્ટનન્ટ જનરલ અરોરા વિશેષ ઉપસ્થિત હતા. અમદાવાદથી ભાવનગર અને કાર્યક્રમ પછી પરત થવાની સફરમાં હું તેમની સાથે હતો. બીજી ઘણી વાતોમાં ઓપરેશન બ્લૂ સ્ટાર અને બાંગ્લાદેશના નિર્માણના મુદ્દાઓ હતા. બાંગ્લાદેશ નિર્માણની ઘટનાને યાદ કરતાં તેમણે કહ્યું કે ભારતે જો મદદ ના કરી હોત તો આ શક્ય નહોતું. તેમની આંખોમાં ગૌરવ હતું: હમે ફખ્ર હૈ કિ હમારી સેના કી બડી ભૂમિકા રહી.
સાચી વાત હતી. એ યુદ્ધમાં પાકિસ્તાની સેનાના 56,998 નિયમિત સૈનિક, 18,287 અર્ધ સૈનિક અને 16,293 પાકિસ્તાન તરફી નાગરિક, એમ કુલ મળીને 91,498 યુદ્ધકેદીઓ બન્યા હતા! ભારતીય શહીદ સૈનિકોનાં નામ આ પુસ્તકમાં સલામ આઝાદે આપ્યા છે. આ માહિતીથી પુસ્તક વધુ પ્રમાણભૂત બન્યું છે. તમામના નામો અહીં આપવામાં આવે તો અખબારના ચાર પાના ભરાઈ જાય! માત્ર સૈન્યના ક્યા વિભાગો, કયાં લડ્યા અને કેટલા સૈનિકોએ શહાદત પામ્યા તેની ગણતરી કરીએ તો...
7 કેવેલરી, 1 હોર્સ, 17 હોર્સ, 9 હોર્સ, 14 હોર્સ, 18 કેવેલરી, 4 હોર્સ, સેન્ટ્રલ ઈન્ડિયા હોર્સ, 62 કેવેલરી, 20 લેન્સર્સ, 63 કેવેલરી, 45 કેવેલરી, 66 આર્મ્ડ રેજિમેન્ટ, 69 આર્મ્ડ રેજિમેન્ટ, 70 આર્મ્ડ રેજિમેન્ટ, 71 આર્મ્ડ રેજિમેન્ટ, 72 આર્મ્ડ રેજિમેન્ટ, 80 આર્મ્ડ રેજિમેન્ટ, આર્મ્ડ સ્કવોર્ડન, 22 માઉન્ટેન, 51 માઉન્ટેન, 57 માઉન્ટેન, 66 માઉન્ટેન, 90 માઉન્ટેન, 93,94,95, 97, 98, 99, 100, 193, 194, 195, 196, 198, (તમામ માઉન્ટેન રેજિમેન્ટ), 9 ઇન્ફન્ટ્રી ફિલ્ડ, અને તેવી 3, 6, 7, 12, 14, 15, 42, 61, 65, 67, 68, 81, 92, 101, 161, 162, 163, 164, 165, 166, 171, 177, બધી ફિલ્ડ રેજિમેન્ટ, 27 મીડિયમ રેજિમેન્ટ, હેવી રેજિમેન્ટ, 9 એર ડિફેન્સ રેજિમેન્ટ, 4 આર્ટિલરી બ્રિગેડ. ચેન્નાઈ, બંગાળ, મુંબઈની કોર ઓફ એન્જિનિયર્સ. બ્રિગેડ ઓફ ગાર્ડ્સ, પેરાશૂટ રેજિમેન્ટ, પંજાબ રેજિમેન્ટ, 17 ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ, 22 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી, 19 રાજપૂતાના રાઈફલ્સ, 22 રાજપૂત રેજિમેન્ટ, 11 જાટ રેજિમેન્ટ, 9 શીખ રેજિમેન્ટ, 9 શીખ લાઇટ ઇન્ફન્ટ્રી, 16 ડોગરા રેજિમેન્ટ, 8 ગઢવાલ રેજિમેન્ટ, 12 કુમાઉં રેજિમેન્ટ, 5 આસામ રેજિમેન્ટ, 4 બિહાર રેજિમેન્ટ, 9 મહાર રેજિમેન્ટ, 8 જમ્મુ કાશ્મીર ,તેની પાંચ ઇન્ફન્ટ્રી , ગોરખ રાઈફલ્સ 11 ગોરખા રાઇફલ, ભારતીય નૌસેના...
આ તમામના જે સૈનિકો માર્યા ગયા બાંગ્લાભૂમિ પર, તેમના પરિવારોને આજે જરૂર લાગતું હશે કે અત્યારે યુનુસ સરકાર પાકિસ્તાનની સાથે હાથ મેળવી રહી છે અને અસંખ્ય હિન્દુઓની હત્યા થઈ રહી છે, શું તેને માટે અમારા યુવાન સ્વજનોએ બલિદાન આપ્યા હતા? આને શું કહેવું? હાલના બાંગલાદેશની સરકાર
અને તેના ઝનૂની કટ્ટરપંથીઓની કૃતઘ્નતા? કે આપણે જ મોટી ભૂલ કરી હતી બાંગલાદેશના નિર્માણ માટે? સવાલો વિચારતા કરી મૂકે તેવા છે.