‘રાખડી’ અને ‘જનોઇ’ : રક્ષણ, પ્રેમ અને વિદ્યાપ્રાપ્તિનો સંદેશ

પર્વવિશેષઃ રક્ષાબંધન (19 ઓગસ્ટ)

Wednesday 14th August 2024 06:07 EDT
 
 

ભારતીય સંસ્કૃતિના ધર્મશાસ્ત્રકારો સૂતરના તાંતણામાં પણ રહસ્ય ગૂંથી દે છે. ‘સ્વસ્તિક’ કલ્યાણનું પ્રતીક છે, ‘શ્રી’ શોભા-સૌંદર્યવર્ધક છે, બ્રહ્મનું પ્રતીક છે, ‘લિંગ’ પરબ્રહ્મનું પ્રતીક છે, તો ‘રાખડી’ અને ‘જનોઇ’ સ્નેહ, રક્ષણ અને વિદ્યાનાં પ્રતીકો છે. ‘રાખડી’માં હૃદયનો નિર્મળ પ્રેમનો લાલ રંગ વણાયો છે, તો ‘જનોઇ’ (યજ્ઞોપવીત) વિદ્યાબળ તેમજ બ્રહ્મતેજનું શ્વેત સૂત્ર છે. જીવનમાં પરસ્પર સ્નેહ-વિદ્યાની સુગંધ ન ભળે, તો જીવન રસકસ વિનાનું શુષ્ક બની જાય. આવી ઉદાત્ત ભાવનાથી આપણા પૂર્વજ મહર્ષિઓએ ‘શ્રાવણી પૂર્ણિમા’ના તહેવારનું આયોજન કર્યું છે.
રક્ષાસૂત્ર (રાખડી)નું માહાત્મ્ય
રક્ષાકવચ (માદળિયું) જેવાં કવચ-સ્તોત્રોનો પાઠ કરવાથી, શરીરનાં સર્વ અંગોની રક્ષા કરવા માટે જેમ કોઇ દેવ-દેવીની પ્રાર્થના કરાય છે, તેમ રાખડી બાંધી-બંધાવીને ભાઇ-બહેન, નર-નારી કે પુરોહિત-યજમાન એકબીજાનું રક્ષણ કરવાની જાણે પ્રતિજ્ઞા લે છે. રાષ્ટ્રીય તહેવારે રાષ્ટ્રના પ્રતીકચિહ્નસમા ધ્વજને ફરકાવીને રાષ્ટ્રરક્ષણની પ્રતિજ્ઞા લેવાય છે, તો શ્રાવણી પૂર્ણિમાએ કોઇ પણ ભાઇ કે કોઇ પણ પુરુષ બહેન કે સ્રી દ્વારા હાથમાં રાખડી બંધાવીને એના જીવનભર રક્ષણનું જાણે વ્રત લે છે. આ પર્વની સાચી ભાવના સમજાય તો માણસ-માણસ વચ્ચે વેરઝેરના બદલે પ્રેમ-સ્નેહ કે ભાઇચારાનું સંવાદી સંગીત રચાય.
રાખડીના તાંતણે-તાંતણે બહેનના હૃદયનો નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમ વણાયો છે, પછી તે તાંતણો હીરનો હોય, રેશમનો હોય કે સૂતરનો હોય. રક્ષણસૂત્ર કેવળ કાચા દોરાનું બંધન ન રહેતાં હૃદયનું અતૂટ બંધન બની જાય છે. રક્ષાબંધન સાથે બહેને આપેલી શુભેચ્છા પ્રમાણે જીવનભર આચરણ કરવું દરેક ભાઈનું કર્તવ્ય બની રહે છે.
રક્ષાબંધન માત્ર ભાઇ-બહેનનો જ નહીં, સૌ કોઇનો તહેવાર છે. એકબીજાના રક્ષણની કે કલ્યાણ-કામના પ્રગટ કરવાનો રૂડો અવસર છે. ‘ભવિષ્યપુરાણ'માં એક કથા મળે છે. પૂર્વે, પ્રાચીન સમયમાં દેવો અને દૈત્યોનું બાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. એમાં દૈત્યોએ ઇન્દ્રરાજ અને બીજા સર્વ દેવોને જીતી લીધા. ત્યારે દેવગુરુ બૃહસ્પતિ પાસે જઇને કહ્યું કે મારાથી અહીં હવે રહેવાય તેમ નથી, દૈત્યો મારી પાછળ પડ્યા છે. હું નાસી શકું તેમ પણ નથી. છતાં જે થવાનું હોય તે થાય, પણ હું યુદ્ધ કરવા ઇચ્છું છું. બૃહસ્પતિએ કહ્યું: ‘હે ઇન્દ્રદેવ, આજે યુદ્ધ-પરાક્રમનો સમય નથી. દેશ-કાળનો વિચાર કર્યા વિનાનું કાર્ય અવળું પડે છે. તેથી હમણાં ધીરજ રાખો.’ આ પ્રમાણે બંને વિચારતા હતા, એટલામાં દેવી ઇન્દ્રાણીએ કહ્યું: ‘હે સ્વામી! આજે ચતુર્દશી, કાલે શ્રાવણી પૂર્ણિમા થશે, ત્યારે કાલે હું આપને રક્ષા બાંધીશ, જેથી આપને કોઇ જીતી શકશે નહીં.
પૂર્ણિમાએ ઇન્દ્રાણી દેવીએ ઇન્દ્રના જમણા હાથે રક્ષા-પોટલી બાંધી. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. તે પછી ઐરાવત હાથી ઉપર સવાર ઇન્દ્રદેવ કાળની માફક દૈત્ય-સેના તરફ દોડ્યા ને રાક્ષસોને હરાવી ત્રણેય લોક કબજે કર્યા ત્યારથી ‘રક્ષાબંધન’નું પર્વ પ્રવર્તે છે.
વળી, ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી પોતાના જ ભક્ત રાક્ષસરાજ બલિને બાંધીને પાતાળલોકમાં ધકેલી દીધેલો. એ ‘બલિબંધન’ને આધારે આ પર્વ ‘બળેવ’ તરીકે પણ ઓળખાય છે. કજિયા-કંકાસ-વિગ્રહ-કોમવાદના કાળા માર્ગેથી શુભ માર્ગે પ્રસ્થાન કરવાની પ્રેરણા ‘રક્ષાસૂત્ર’ આપે છે. પુરાણોમાં કહ્યું છે કે રક્ષાબંધન સર્વવાત રક્ષણ કરનાર અને વિજય તથા સુખ આપનાર છે.
યજ્ઞોપવિત સંસ્કારઃ વૈદિક વિચારધારાની દીક્ષા
શ્રાવણી પૂર્ણિમા ‘યજ્ઞોપવિત સંસ્કાર’નો પણ પવિત્ર દિવસ છે. ધર્મસૂત્રો અને મનુસ્મૃતિ જેવા ગ્રંથોમાં મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કાર બતાવ્યા છે. ‘સંસ્કાર’ એટલે જીવનને શુદ્ધ અને સંસ્કારી બનાવવાની ધાર્મિક ક્રિયાવિધિ. પશુમાંથી માનવતા ભણી અને માનવતામાંથી દિવ્યતા તરફ ઊર્ધ્વગમન કરનાર ‘યજ્ઞોપવિત સંસ્કાર’ છે. આ સંસ્કારમાં ઉપવીત (જનોઇ) ધારણ કરી વિદ્યાભ્યાસનો આરંભ કરાય છે, પવિત્ર જીવન જીવવાનો સંકલ્પ કરાય છે. જનોઇ-સંસ્કારથી જ સાચો દ્વિજ-બ્રાહ્મણ બને છે. યજ્ઞોપવિત સંસ્કાર એ સાચું બ્રાહ્મણત્વ કે વિદ્યાતેજ પ્રગટાવનાર ‘ઉપનયન સંસ્કાર’ છે. જનોઇ ધારણ કરનારને બુદ્ધિને તેજસ્વી બનાવનાર ‘ગાયત્રીમંત્ર’ની દીક્ષા અપાય છે. શ્રાવણી પૂર્ણિમાએ પ્રાતઃકાળે પવિત્ર તીર્થસ્થાને-નદીકિનારે જનોઇ ધારણ કરીને કે બદલીને સંકલ્પ કરાય છેઃ ‘યજ્ઞોપવિત પરમ પવિત્ર છે. તે મને બળ, બુદ્ધિતેજ - આયુષ્ય આપનાર થાય. મારી બુદ્ધિ-વિદ્યા તેજસ્વી રહે. હું મેધાવી (પ્રતિભાવંત) બનું.’ યજ્ઞોપવિત એક પવિત્ર બંધન છે, જે કુસંસ્કારોમાંથી અટકાવી, જ્ઞાન-વિદ્યાથી ભર્યું જીવન જીવવા કટિબદ્ધ કરે છે.
જનોઇ (ઉપવીત)માં નવ સૂત્રો (તાંતણા) હોય છે. એમાં નવ દેવનો વાસ મનાય છે. એ રીતે જનોઇ દ્વારા જાણે નવેય દેવો દેહ ઉપર ધારણ કરાય છે. આખા શરીર ઉપર દેવતા ધારણ કર્યા પછી તો દેવને વહાલાં લાગે તેવાં જ કર્મો કરવાં પડે. જનોઇમાં વિરાજમાન સર્વ દેવો પવિત્ર જીવન જીવવામાં સહાય કરશે તેવી ભાવના બંધાય છે. જનોઇના નવ તંતુ ત્રણ- ત્રણમાં ગૂંથી ત્રિસૂત્રી બનાવીને તેની ગાંઠ (ગ્રંથિ) મરાય છે. આ ત્રિસૂત્રી અને ગ્રંથિ (બ્રહ્મગાંઠ) એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચારેય વેદ. જનોઇ દ્વારા આ રીતે ચાર વેદ ધારણ કરાય છે, જે વૈદિક જ્ઞાન મેળવવાની પ્રેરણા આપે છે. જનોઇ ધારણ કરનારનો ધર્મ બને છે કે તે વેદના અધ્યયનમાં પ્રવૃત્ત રહે, જનોઇ ધારણ કરી ‘બ્રહ્મતેજ’ પ્રગટાવવાનું હોય.
દરિયાદેવને વધાવવાની નાળિયેરી-પૂર્ણિમા
શ્રાવણી પૂર્ણિમા દરિયાદેવને વધાવવાની નાળિયેરી પૂનમ તરીકે પણ ઊજવાય છે. વેદમાં સમુદ્રના દેવ વરુણ મનાયા છે. આજીવિકા માટે દરિયો ખેડતા ખારવા, માછીમાર, દરિયાપારના દેશોમાં વેપારાર્થે જતા વેપારીઓ દરિયાને ‘પીર’ કે ‘દેવ’ માનીને વધાવે છે, પૂજે છે. સાગરખેડુઓ વર્ષનો મોટો ભાગ વહાણમાં રહે છે, પરંતુ ચોમાસાના આરંભે દરિયો તોફાની રહેતો હોવાથી અષાઢ સુદ બીજે તેઓ વહાણ લઇ પાછા ફરે છે. તેમની પત્નીઓ દરિયાને વધાવે છે અને તે દિવસથી દરિયો ખેડવાનું બંધ કરાય છે. શ્રાવણ પૂર્ણિમાએ દરિયો શાંત બને એટલે દરિયાદેવને નાળિયેર, ફૂલ વગેરેથી વધાવીને પુનઃ દરિયો ખેડવાનો કે વેપારનો આરંભ કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter