‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી તેમજ NCGOના સંયુક્ત ઉપક્રમે રવિવાર, ૨૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩.૦૦થી ૫.૩૦ દરમિયાન યોજાયેલ પરંપરાગત લોકસાહિત્ય કાર્યક્રમમાં ભાવનગર સ્ટુડિયો પરથી બ્રીજરાજ ગઢવી અને રાજુભાઇ ગોહિલ સંગીતગ્રુપે ઝમકદાર કાર્યક્રમ રજૂ કરી સૌના દિલ જીતી લીધાં. બપોરે ૩.૦૦ વાગ્યે બ્રાયટનથી ધીરૂભાઇ ગઢવી અને ટેકનીશ્યન ટીમના અનંતભાઇ સૂચક, મહેન્દ્રભાઇ ચૌહાણે ઓનલાઇન ઝૂમ કાર્યક્રમની શરૂઆત કરતાં સ્થાનિક સમાજના ભાઇ-બહેનો વડીલો સાથે અમેરિકા તથા કેનેડાથી પણ દર્શકો જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ધીરૂભાઇ ગઢવીએ સૌનું અભિવાદન કરી લોકસાહિત્યના આ સવિશેષ કાર્યક્રમમાં 'ગુજરાત સમાચાર' એશિયન વોઇસ અને બ્રાયટન GCSસાથે બ્રિટનની ગુજરાતી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી, ગુજરાતી સંસ્થાઓની છત્ર સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO)પણ સહયોગી બન્યું હોવાનું જણાવી એના પ્રમુખ વીમલજીભાઇ ઓડેદરાનો પરિચય આપ્યો. ‘સંસ્કારવાહિની' હેઠળ સૌને ઘરબેઠાં મનોરંજન મળે એવા વિવિધ જાતના કાર્યક્રમોનું આયોજન કરવા 'ગુજરાત સમાચાર'ના તંત્રીશ્રી સી.બી.પટેલ અમને પ્રેરણા આપતા રહે છે અને એમના સાથીમંડળના સભ્યો ખૂબ ઉત્સાહભેર એમના વિચારને વધાવી બ્રાયટન GCS સાથે મળીને સૌને આનંદ મળે એવા સુંદર આયોજનો કરે છે જે ધન્યવાદને પાત્ર છે.
“ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલે સૌનું અભિવાદન કરી જાન્યુઆરીથી લગભગ દ૨ બીજા-ત્રીજા અઠવાડિયે યોજાતા ઓનલાઇન ઝૂમ કાર્યક્રમનું વિચારબીજ કેવી રીતે, શા માટે ફળીભૂત થયું એ વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “કોરોના મહામારીમાં લગભગ એક વર્ષથી આપણે સૌ ઘરમાં પૂરાઇને બેઠા છીએ. ઠંડાગાર શિયાળામાં આપ સૌ વડીલો, ભાઇ-બહેનોની ઘરની ચારદિવાલો વચ્ચે કેવી માનસિક હાલત થઇ હશે એવો વિચાર અમારા તંત્રીશ્રી સી.બીના દિલોદિમાહમાં સતત ઘૂમરાતો. સતત લોક સંપર્કમાં રહેતા સી.બી. પટેલને ઘણા શુભેચ્છક મિત્રો, વાંચકોએ ઘરમાં બેઠાં કંઇક મનોરંજન મળી શકે એવું કંઇક કરવા પ્રેરિત કર્યા. લોકહિત માટે જેઓએ જ્ઞાનયજ્ઞ આદર્યો છે એ 'ગુજરાત સમાચાર-Asian Voice’ના સૂત્રધાર સી.બી. માટે સમાચાર પત્રો પ્રસિધ્ધ કરી કમાણી કરી લેવી એ એમનું ધ્યેય નથી. તેઓ આપણા સમાજ માટે કેટલા સમર્પિત છે એની પ્રતિતીકરાવતાં આપ સૌને જણાવું કે છેલ્લા બે મહિનાથી સી.બી.પટેલ અમારા સૌ સાથીઓ અને તંત્રીમંડળ સાથે મિટીંગમાં ચર્ચા કરતા ભારપૂર્વક કહેતા કે અત્યારે આ લોકડાઉનના સમયમાં આપણા સમાજના વડીલો, ભાઇ-બહેનોને કંઇક આનંદ, મનોરંજન મળે એવું કોઇ આયોજન કરવું જોઇએ. સદભાગ્યે ધીરૂભાઇ અને એમની ટેકનીશ્યન ટીમ સાથે મળીને જાન્યુઆરીથી "સંસ્કારવાહિની" હેઠળ અમે ઝૂમ દ્વારા જુદા જુદા વિષયો અને વાર-તહેવાર પર સુંદર કાર્યક્રમો રજૂ કરી શક્યા છીએ.
માર્ચ ૧૪, રવિવારે બ્રિટનમાં 'મધર્સ ડે' આવી રહ્યો છે એ દિવસે (૧૪ માર્ચે) બપોરે અમે ૩.૦૦થી ૫.૦૦ દરમિયાન માતૃવંદના કરતા ગુજરાતી, હિન્દી ફિલ્મ ગીતોનો સુંદર કાર્યક્રમ ઝૂમ ઉપર પ્રસારિત કરીશું. અમદાવાદ સ્ટુડિયો પરથી જાણીતા કલાકારો મધુરકંઠે રફી, મુકેશ, કુમાર સાનુ, લતાજીના ગીતો રજૂ કરશે. જેની લીંક અમે ગયા સપ્તાહે આપી હતી. સાથે સૌ દર્શકોને 'ગુજરાત સમાચાર અને Asian Voiceના લવાજમી ગ્રાહક બનવા અને સગાસહોદર અને મિત્રોને પણ લવાજમ ભરવા માટે પ્રેરિત કરવા કોકિલા પટેલે અપીલ કરી.
NCGOના પ્રમુખ વીમલજીભાઇ ઓડેદરાએ ઇન્ડિયામાં એમના પરિવારના નિવાસસ્થાનેથી આ કાર્યક્રમ નિહાળ્યો હતો. તેઓએ સી.બી. પટેલ અને ધીરૂભાઇને આવા સરસ કાર્યક્રમો યોજી એમાં NCGOને પણ સામેલ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. ભાવનગર સ્ટુડિયોમાંથી વાદ્યસંગીત સાથે રાજુભાઇ ગોહિલે ફિલ્મીગીત, ગુજરાતી ગીતો, ગઝલ અને ભજનોની રમઝટ બોલાવ્યા પછી જાણીતા લોકસાહિત્યકાર ઇશરદાન ગઢવીના દીકરા બ્રીજરાજ ગઢવીએ ઘેઘુર કંઠે કાઠિયાવાડી લહેંકા સાથે ગઢવીઓનાં મા સોનલ અને જગદંબા, મા ભવાનીની સ્તુતિ ગાઇ ત્યારે સૌએ તાળીઓથી વધાવી લીધા. બ્રીજરાજભાઇએ માનવ જીવનમાં મા'નું કેટલું મહત્વ છે વિષે રજૂઆત કરી એક ખોવાયેલા એક દીકરા માટે ઝૂરતી મા'ની એક સત્યઘટનાને રજૂ કરતાં માતૃવંદના કરતી એક કવિ બોટાદકરની કવિતાની કડીઓ "વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે... જનનીની જોડ સખિ નહીં મળે" રજૂ કરી ત્યારે કેટલાક દર્શકોની આંખો ભીની થઇ હતી. આ ઉપરાંત "શિવાજીને નીંદરુ ના આવે" અને રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીની રચના "મારૂં મન મોર બની થનગાટ કરે," "રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટનવ નિધિ દે" રજૂ કર્યું ત્યારે બ્રીજરાજભાઇને સૌએ તાળીઓથી વધાવી લીધા હતા. આ દેવીપુત્રના કંઠેથી સતત દોહા-છંદની વહેતી સરવાણીમાં સૌ રસતરબોળ બની સાંભળી રહ્યા હતા એનો આનંદ વ્યક્ત કરતા સંદેશા લખી સી.બી. પટેલ અને ધીરૂભાઇ ગઢવીને ધન્યવાદ પાઠવતા હતા.
આગામી ઝૂમ કાર્યક્રમોમાં અમે ૧૧મી માર્ચે મહાશિવરાત્રીનું મહાપર્વ આવી રહ્યું છે એ નિમિત્તે શિવ આરાધના-અર્ચના કરતો કાર્યક્રમ અને ૧૪મી માર્ચે મધર્સ ડે નિમિત્તે માતૃવંદના કરતો ઝૂમ કાર્યક્રમ અમે બપોરે ૩.૦૦ થી ૫.૦૦ દરમિયાન પ્રસ્તુત કરવાનું આયોજન કર્યું છે.