આજે તો સુરતની ધમધમતી બજારો કે વિદ્યાધામોમાં મણિલાલનું સ્મરણ કોને થાય? ઇતિહાસ આમ તો સર્વસ્પર્શી અને સર્વનાશક હોય છે. સ્મૃતિનો અભિશાપ ધરાવતી પ્રજા માટે આ વાત સાવ સાચી છે. સુરતમાં હજુ આ સ્થાનો અકબંધ છે. એંડ્રુઝ લાઈબ્રેરી, જેલની સાંકડી બેરેકો, હિન્દુ મંદિરો અને પારસી અગિયારીઓ, સરભણ, મગદલ્લા, ફ્રેંચ ગાર્ડન, ઘાંચીવાડી, હરિપૂરા વિસ્તારની ઘી કાંટા વાડી, દશા લાડ વણિક વાડી, મોતીબાગ, મહિધરપુરા, અઠવા લાઇંન્સમાં શેઠ તૈયબજી મસ્કતિનો બંગલો, નવાબી થિયેટર, બાલાજીનો ટેકરો... આ બધાં હતાં “વન્દે માતરમ” ના અગ્નિસ્થાનો. 1907ના ડિસેંબરમાં અહી લોકમાન્ય તિલક, ફિરોઝશાહ મહેતા, સરદાર ભગતસિંહના દેશપર થનારા કાકા સરદાર અજીતસિંહ, મોતીલાલ નેહરૂ, ગોપાલકૃષ્ણ ગોખલે, મદન મોહન માલવિયા, સત્યેન્દ્રનાથ ટાગોર, બેરિસ્ટર મોહમ્મદઅલી ઝીણા, સુબ્રમણ્યમ ભરતી, અબ્બાસ તૈયબજી સહિતના રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસનાં નેતાઓ આવ્યા હતાં. અહી કોંગ્રેસની “અરજદાર” ની ભૂમિકા બદલાવી નાખવા નરમ-ગરમ દળ વિભાજિત થયા હતાં. ઉદારમતવાદીઓ હજુ બ્રિટિશ સત્તાની વફાદારીથી અલગ થઈ શકતા નહોતા. પણ રાષ્ટ્રવાદી નેતાઓને તે મંજૂર નહોતું. વડોદરાથી અરવિંદ ઘોષ આવા બદલાવ માટે ખાસ આવ્યા હતાં. લોકમાન્ય તેમની સાથે હતાં
કોંગ્રેસનું પહેલું વિભાજન સુરતથી થયું. દાદાસાહેબ ખાપરડેને લોકમાન્યે પહેલેથી મોકલી આપ્યા હતા. કોંગ્રેસે બીજીવાર રાષ્ટ્રીય સ્તરે ત્રિપુરી મહાસભામાં વિભાજન કર્યું. સુભાષચંદ્ર બોઝ બીજીવાર અધ્યક્ષ ના બને તે માટે ગાંધીજીએ પોતાના ઉમેદવાર તરીકે પટ્ટાભિ સીતારામૈયાને ઉમેદવાર બનાવ્યા, તે હાર્યા. ગાંધીજીએ તે હારને પોતાની હાર ગણાવી હતી. પછી તો સુભાષને પક્ષમાથી બરતરફ કરવામાં આવ્યા એ કહાણી અલગ અને રસપ્રદ છે, અત્યારે એટલું જ નોંધવું મહત્વનુ છે કે સુભાષને અધ્યક્ષપદ મળ્યું તે અધિવેશન પણ સુરત-બારડોલી નજીક હરીપુરામાં યોજાયું હતું.
અરવિંદ ઘોષની ક્રાંતિકારી વાણી, લોકમાન્ય તિલકનો ટંકાર સુરતે 1907માં અનુભવ્યો તેની દસ્તાવેજ કથા “શ્રી અરવિંદ સુરતમાં” નામે અંગ્રેજીમાં સુરતથી પ્રકાશિત થઈ છે, લેખિકા હિરણ્મયી . સુરતે યાદ કરવા જેવા અરવિંદ ઘોષના સાથીદારોના નામ યાદ કરવા જેવા છે. કસનજી વકીલ, ડાહ્યાભાઇ હરિભાઇ વકીલ, કલ્યાણજી વકીલ, ડો. અનંતનંદ પંડિત, ડો.રાયજી, મગનલાલ મહેતા, દયાળજી દેસાઇ, કલ્યાણજી મહેતા અને ડો. દિક્ષિત. દિક્ષિત પછીથી ભારતીય જનસંઘના પહેલા પ્રદેશ પ્રમુખ બન્યા હતા.
એક બીજું દળદાર પુસ્તક “વન્દેમાતરમ”માં યોગી બન્યા પૂર્વેના ક્રાંતિકારી અરવિંદ ઘોષણા 1906થી 1908 સુધીના લેખો છે. એવા અગનજ્વાળા જેવા આ લેખો છે તેમાનો એક લેખ “ન્યુલેમ્પ્સ ફોર ઓલ્ડ” તો ઇંદુપ્રકાશ સાપ્તાહિકમાં પ્રકાશિત થાય તેના બે લેખ પછી છાપવાની તંત્રીએ ના પડી દીધી હતી. આ તમામ લેખો અરવિંદ ઘોષણા ક્રાંતિકારી પત્રકારત્વનો અંદાજ આપે છે.
વડોદરામાં તેમને છોટાલાલ પુરાણીનો પરિચય થયો. અખાડાના માધ્યમથી રાષ્ટ્રવાદની મજબૂતીનો આ પ્રયાસ હતો. માણેકરાવનો અખાડો વડોદરામાં તેનો મૂક સાક્ષી છે. 1905ના બંગભંગ વિરોધી આંદોલન દરમિયાન યુવા ક્રાંતિકારોને પ્રેરિત કરવા અરવિંદ ઘોષે “ભવાની મંદિર” પુસ્તિકા લખી તેમાં માતા ભવાની સ્વરૂપે ભારતમાતાનું આલેખન છે. શાંતિનિકેતનના અવનીન્દ્રનાથ ટાગોરે તેના પરથી ભારતમાતાનું ચિત્ર બનાવ્યું, તે “ભારત માતાકી જય” સૂત્રના મૂળમાં છે.
કોણ હતા આ 1857 પછી ક્રાંતિ યજ્ઞની જ્વાલાના નાયકો? સુરતમાં તે સમયે લેવાયેલા એક ફોટોગ્રાફમાં તેઓ એકસાથે બેઠા છે. નામ છે, ગણેશ શ્રીકૃષ્ણ ખાપરડે, અશ્વિનીકુમાર દત્ત, સરદાર અજિત સિંહ, અરવિંદ ઘોષ, લોકમાન્ય બાલ ગંગાધર તિલક, સૈયદ હૈદર રઝા, ડો. મુંજે, રામસ્વામી, કુંવરજી દેસાઇ. આ ઉપરાંત રાસબિહારીઘોષ, સુબ્રમણ્યમ ભરતી, અને કનૈયાલાલ માણેકલાલ મુનશી. મુન્શીએ તે પછી આ ઘટનાનું તાદ્રશ વર્ણન કરતી નવલકથા “સ્વપ્નદ્રષ્ટા” લખી હતી.
વડોદરાનું રેલ્વે સ્ટેશન એક અતિહાસિક મુલાકાતની સ્મૃતિ સંચવીને બેઠું છે. 1902માં ભગિની નિવેદિતા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. પ્રાધ્યાપક અરવિંદ ઘોષ તેમનું સ્વાગત કરવા વડોદરા સ્ટેશને પહોંચ્યા. “મિસ્ટર ઘોષ, તમે શક્તિના પૂજારી છો..” ભગિનીએ તેમને કહ્યું. “કોલકાતાને આપની જરૂર છે” અરવિંદ ઘોષે કહ્યું:” મારૂ કામ કાર્યકર્તાઓના નિર્માણનું છે.” નિવેદિતાએ તેમના હાથમાં હાથ મિલાવીને કહ્યું: મારા સહયોગની ખાતરી રાખજો. હું આપની સહકર્મી છુ.” ભગિની મહારાજા સયાજીરાવને પણ મળ્યા હતા. પરંતુ અરવિંદ ઘોષણા શબ્દોમાં “ સયાજીરાવ આવા જોખમ ભરેલા કામમાં ઝુકાવી દે તેવા નહોતા. વડોદરા નિવાસી ડો. બંસીધરે મહારાજા વિશેના એક પુસ્તક્મા તેમના ક્રાંતિકારો સાથેના સંપર્કોની ચર્ચા કરી છે.
ચાંદોદ કરનાળી માત્ર પૂર્વજોના શ્રાદ્ધ માટે જાણીતી જગ્યા નથી. અહી અરવિંદ-બાંધવ બારીન્દ્ર ઘોષ, “ક્રાંતિકારી નિર્વાસિતેર કથા” ના લેખક ઉપેન્દ્રનાથ વંદોપાધ્યાય , જતીન બેનર્જી વગેરેએ ગંગનાથ વિદ્યાલય અને દેવાલયમાં સશસ્ત્ર આંદોલન માટે થાણું નાખ્યું હતું. કાકા સાહેબ કાલેલકર પણ આ વિદ્યાલયમાં થોડો સમય રહ્યા હતા.
.. અને સુરત? 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મગદલ્લાની ખારવા મહિલાઓએ અંગ્રેજ નરાધમને પાઠ ભણાવ્યા હતા તેનું વર્ણન એક દીર્ઘ કાવ્યમાં કર્યું છે. હિન્દી કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણે ઝાંસી રાણી લક્ષ્મીબાઈ માટે “મરદાની “ સંબોધન કર્યું છે, તેના ઘણા વર્ષો પૂર્વે 1863માં સુરતના કવિ મણિલાલે “મગદલ્લાની મરદાની” કાવ્ય લખ્યું તે દસ્તાવેજી સંઘર્ષ કથા છે. કવિ લોકોને એકત્ર કરીને આ ગીતો, કવિતાઓ સંભળાવતો. તેને ત્રણ વર્ષની સજા થઈ હતી.
ફરી વડોદરા. સ્વ નાગજી ભાઈ આર્યના સ્મૃતિ લેખ પ્રમાણે સરદાર ભગતસિંહ અને સાથીઓ કારેલી બાગ, આર્યકુમાર મહાસભાના આશ્રમમાં છૂપા વેશે રહ્યા હતા. ત્યાંથી વાઘોડિયા અને વલસાડ સ્થળાંતર કર્યું હતું.
સુરત, વડોદરા, કરનાળી...તેજીલા ઓગસ્ટ અને શિવા-શક્તિના શ્રાવણના દિવસોમાં આ સ્થાનો યાદ કરવા જેવા છે.