વિધાન તો ઝવેરચંદ મેઘાણીનું છે, પણ, કાયમ ભીંત પર આલેખિત હસ્તાક્ષરો જેવુ છે. ઇતિહાસ અને ઈતિહાસબોધ માટે તો આ મુદ્રાલેખ હોવો જોઈએ. ખાલી પુસ્તકોના પાનાં પર કે પરિસંવાદોના મંચ પર નહીં, હમણાં ઇતિહાસ સંશોધનના મુદ્દે ગોષ્ઠિ થઈ તેમાં આનો પ્રતિઘોષ સંભળાયો.મેઘાણીએ તો તેમણે સોરઠી બહારવટિયાઓ વિષે લખવા માંડ્યુ ત્યારે આ સવાલ કેટલાક પંડિતોએ કર્યો હતો. આ પંડિતો 200-500 વર્ષથી જે “વિજેતાઓનો ઇતિહાસ” પ્રચલિત હતો તેના પરથી મૂલ્યાંકન કરીને ટીકા કરતાં હતા કે આ બહારવટિયાઓ તો , ધાડપાડુ હતા, લોકોને દરવતા હતા તેમની પ્રશસ્તિ અને વીરગાથા થોડી હોય? મેઘાણીએ સાબિત કરી બતાવ્યુ કે લોકહ્રદયમાં સ્થાન પામેલા આ ડાકુ નહોતા, બહારવટિયા હતા, એટ્લે કે પોતાને થયેલા અન્યાય સામે લડવા નીકળેલા બહાદુરો હતા, તેનો “વટ” મિથ્યાભિમાની નહોતો, ખમીર અને ખુમારી સાથે તે બધા લડ્યા તેને બ્રિટિશરોએ અને કેટલાંક રજવાડાઓએ ખલનાયક તરીકે ગણાવ્યા અને તેમની સામેના યુદ્ધમાં લડેલા બ્રિટિશ અને દેશી સૈનિકોને જ “શહીદ” ઠેરવી દીધા. હજુ પણ તેની અહંકારી સાક્ષી જેવા માછરડા અને દ્વારિકા છે. માછરડા જામનગરથી કાલાવડ થઈને પહોંચાય છે. 1867ની 23 ડિસેમ્બરે દોઢસો વર્ષ પહેલા રણછોડ રાયના રખેવાળો તરીકે અહી વાઘેરો બહાદુરીપૂર્વક લડ્યા, મોતને ભેટ્યા પણ સાથે હેબર્ટ અને લાટુચને ય સાથે લેતા ગયા, અહી 50 ફૂટનો કીર્તિસ્તંભ જર્જરીત હાલતમાં ઊભો છે અને તેમાં તો પેલા બ્રિટિશરોના ગુણગાન આલેખાયેલા છે! આવુ જ દ્વારિકામાં પણ વિલિયમ હેન્રીની કીર્તિગાથા સાથેની કબર છે. તો, આ રણયોદ્ધા વાઘેરો-માણેકો મૂળૂ માણેક, જોધા માણેક, બાપુ માણેક, ભોજા માણેક, દીપા માણેક, દેવો છબાણી,ધંડુ માયાણી, સફા માણેક, રાયદે, દેવા માણેક, જસરાજ માણેક, પતરાલ મિયાણા, વેરસી, હાદો કુરાણી, નાગસી ચારણ,.. અને ભીંજાયેલા ગભ-ગોદડાં-તકીયા લઈને દ્વારિકાધીશ મંદિરની દીવાલ પરથી સમુદ્રમાથી આવતા તોપના ગોળા ઝીલનારી વાઘેર માણેક વીરાંગનાઓ... આમના કોઈ સ્મારક નહિ? રાણાવાવથી પોરબંદર જતાં રસ્તાને ચાતરીને વછોડા-વનચરડા ગામને પાદર પહોંચાય. ધૂળિયો રસ્તો, થોડાંક ઝાડવાં, સુસ્ત અને પરિશ્રમી વસતિ. મોટાભાગે ખેત અને ખેતમજુરી સાથે જોડાયેલા છે. દિવસે મકાનોના બારણે તાળાં લાગેલા હોય. એકાદ બે દુકાનો. સાંકડી ગલીના ઉબડખાબડ રસ્તા. માર્ગ મકાન ખાતાનો એક માઈલ સ્ટોન ગામનું નામ સૂચવે છે. એક સૂમસામ મંદિર. બીજી તરફ કોઈએ આવીને માહિતી આપી કે અહી “વાસ” માં કોઈ ખાંભી છે. ઝાંખરા પાર કરીને અમે ત્યાં પહોંચ્યા. આસપાસ હવે તો મકાનો છે પણ વચ્ચે ફળિયા જેવી જગ્યાએ વૃક્ષ તળે ખાંભી -ખરેખર આ ખાંભી હતી? પાંચ પત્થરો . આ વીર નાયકની સ્મૃતિને પોતાના મૌનમાં વ્યક્ત કરી રહ્યા હતા. વરસે માણેક પરિવારો તેના પૂર્વજને “પગે લાગવા” આવતા હશે, એટ્લે સિંદૂર ચઢેલું દેખાતું હતું. આ હુતાત્માઓના છેલ્લા સાથી દલિત હરિજનોનું ઝૂપડું હતું!
લગભગ બે દશક પર ઐતિહાસિક જગ્યા, સંશોધનના નિમિત્તે જોઈ હતી. પ્રવાસન વિભાગ પાસે મોટું સરકારી ફંડ હોય છે, જીએમડીસીની એનજેઆર હેઠળ માંડવીમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ક્રાંતિતીર્થને નવા રૂપરંગે તૈયાર કરાઇ રહ્યું છે. વડનગર પણ ઉત્તમ પ્રવાસન સ્થળના સાજ સજી રહ્યું છે. જૂનાગઢમાં ઉપરકોટને નવો ઓપ અપાયો પણ આઝાદી પછી સ્વતંત્રતા માટેની આરઝી હકૂમતની તવારીખને કોઈક જગ્યાએ સ્થાપિત કરવી જોઈએ. આવું જ કામ સરદાર ભગત સિંહ અને સાથીદારો વડોદરામાં છૂપા વેશે રહ્યા હતા, તેનું સ્મૃતિસ્થાન કેમ ના બને? 1914માં સાન ફ્રાન્સિસ્કો અને કેનેડામાં લાલા હરદયાલના નેતૃત્વમાં “ગદર “ પાર્ટીની સ્થાપના થઈ ત્યાં પોરબંદરના છગન ખેરાજ વર્માએ સ્વાતંત્ર્ય યુદ્ધનું ગુજરાતી અખબાર “ગદર “ પ્રકાશિત કર્યું હતું. જય જય ગરવી ગુજરાત હેઠળ પોરબંદરમાં (ભલે તેનું કોઈ જન્મસ્થાન મળી ના શકે તો પણ બ્રિટિશ દસ્તાવેજોમાં તો આ નામ છે, જેને સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી,) આ unsung hero ને યાદ કરવા સ્મારક હોવું જોઈએ કે નહીં? અમદાવાદમા વિઠ્ઠલ નાથજી ના મંદિરના પૂજારી 1857ના સ્વાતંત્ર્યયુદ્ધમાં ભાગ લેવા માટે આંદામાનની કાળ કોટડીની સજા પામ્યા હતા, કોર્પોરેશન બે ફૂવારા ઓછા કરે અને આ મંદિરની આસપાસ શહીદ પૂજારીને યાદ કરતું સ્થાનક ઊભું કરે તો કેવું સારું? જો નજર અને સંવેદના હોય તો આવા 101 સ્થાનોની તવારીખ રાહ જોઇને ઊભી છે.
સદ્દભાગ્યે હવે આવા પ્રયાસો ઈતિહાસબોધને ઉજાગર કરે છે.છત્તીસ ગઢ ની નવી સરકાર પ્રથમ કામ વનવાસી સ્વાતંત્ર્યવીર નારાયણ સિંહના સ્મારકથી કરશે. ગુજરાતના બે જલિયાવાલા -માનગઢ અને પાલ ચીતરીયાથી હવે ભાગ્યેજ કોઈ ગુજરાતી અપરિચિત હશે.
મહત્વની વાત એ છે કે આ “બીજો ઇતિહાસ” (other history) હવે સમાજની વચ્ચે આવવાની પ્રતીક્ષા કરી રહ્યો છે. પશ્ચિમના ઈતિહાસકારો, ભારત પર આક્રમણ કરીને આવેલા ઈસ્લામિક વિદ્વાનો અને ડાબેરી ઈતિહાસકારોએ પોતાના દ્રષ્ટ-અદ્રષ્ટ એજન્ડા મુજબ જે લખ્યું છે તેને જ માથા પર ચઢાવીને ગુલામીનો પડછાયો સહન કરવાના દિવસો હવે ગયા. હવે એક પ્રકારનો સર્જક ઇતિહાસ (creative history) એટલા માટે પણ જરૂરી છે કે એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને પુરુષાર્થની પ્રેરણા માટે પોતાનો ઇતિહાસ હોવો જરૂરી છે. જેને ઇતિહાસ વાંચવો છે, જાણવો છે, ઘડવો છે તેણે તો ધૂળમાં ઢંકાઈ ગયેલી ઘટનાઓ, વ્યક્તિઓ, સ્થાનોના ઈતિહાસનું અનુસંધાન કરવું રહ્યું.