ઈતિહાસના ઘટનાક્રમને અલગ અલગ ચશ્માંથી જોવાથી નોખાં તારણ મળી શકે. સંભવતઃ એટલે જ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહેવું પડ્યું હતું કે મારાં બે વિધાનોમાં વિરોધાભાસ જોવા મળે તો છેલ્લામાં છેલ્લા નિવેદનને સાચું માનવું. વ્યક્તિની વિચારપ્રક્રિયામાં પરિવર્તન આવતાં હોય છે. અગાઉના એના વિચારોથી ભિન્ન વિચારધારા ભણી એ ફંટાતો હોય છે. પ્રત્યેક મહાપુરુષના જીવનમાં આવા પ્રસંગ આવતા રહ્યા છે એટલે એમના જીવનના સમગ્રલક્ષી દર્શનને બદલે અમુક જ નિવેદનો કે અમુક જ સમયગાળાનું વર્તન લઈને એનું વિશ્લેષણ કરવા બેસીએ તો તારણો ચોંકાવનારા નીકળી શકે.
હમણાં ચેન્નઈથી પ્રકાશિત ધ હિંદુ સમાચાર પત્ર જૂથના આર્થિક અખબાર ‘બિઝનેસ લાઈન’ના સલાહકાર તંત્રી વીરેન્દ્ર પંડિતનું નવપ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Return of the Infidel’ (વિધર્મીનું પુનરાગમન) વિશ્વના ઈતિહાસના ઘટનાક્રમને લઈને ભારતીય ઈતિહાસને તપાસવાની કોશિશ કરતાં અચંબામાં મૂકનારાં તારણો રજૂ કરે છે. અબ્રહામનાં સંતાનો એટલે કે યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી માટે એક જ ઈશ્વરના સત્યને નહીં સ્વીકારનાર તમામ વિધર્મી છે. એ દૃષ્ટિએ હિંદુ, બૌદ્ધ સહિતના ધર્મો એમના માટે વિધર્મી છે. વિશ્વ પર ક્યારેક ઈસ્લામના સામ્રાજ્યની બોલબાલા હતી, એ પછી ખ્રિસ્તી સામ્રાજ્યની બોલબાલા હતી. મહદ્ અંશે એમના સ્વધર્મીઓની બગાવત થકી જ એ સામ્રાજ્યોની પડતી થઈ અને આવતા દાયકાઓમાં એ ત્રણ ધર્મો માટે વિધર્મી ગણાય એવા ત્રણ દેશો ભારત, ચીન અને જપાનનો સિતારો ચમકવાનો છે.
અમેરિકી પ્રભાવ અસ્તાચળે છે એવા લેખકના તારણ પછી હરખપદુડા થઈ જવાની ઉતાવળ ના કરીએ, પણ ભારત, ચીન અને જપાનની બોલબાલા આવતા દિવસોમાં જોવા મળશે એના સંકેત અત્યારે બ્રિક્સ શિખર પરિષદો તથા મહાસત્તા બનવા માટેની હોડને જોતાં જણાય છે જરૂર. ક્યારેક શાંતિનો આલાપ કરનાર જપાને પર્લ હાર્બર પર બોમ્બ ઝીંકીને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાને સંડોવીને હિરો સીમા અને નાગા સાકી પર અણુબોમ્બ ઝીંકવા ઉશ્કેરી ખાનાખરાબી વહોરી અને સાથે જ ચીન અને કોરિયા પર અત્યાચાર કરવામાં જપાને કોઈ મણા રાખી નહોતી. એ જપાને વિનાશમાંથી વૈભવ ભણી આગળ વધવાનું શક્ય બનાવ્યું છે. ચીન અને જપાન સહયાત્રી બનવાના વર્તમાનમાં સંજોગો ભલે ના હોય, પણ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે? ભારત અને જપાન વચ્ચે આજે મધુર સંબંધ છે. ઈતિહાસમાં ડોકિયું કરતાં નોખાં દૃશ્યો જોવા મળે છે.
કોંગ્રેસમાંથી નિવૃત્ત ગાંધીજી આરએસએસ ભણી
ઐતિહાસિક ઘટનાઓની મૂલવણીમાં આંશિક સત્યોનો સહારો લેતાં આશ્ચર્ય પમાડે એવાં તારણો મળી શકે છે. ભારતના હિંદુવાદીઓ ભાગલા માટેનો દોષ મહાત્મા ગાંધીને શિરે મઢતા રહ્યા છે, અને એમને નથુરામ ગોડસેએ ગોળીએ દીધા એની પાછળ પણ આવો જ આધારહીન તર્ક કામ કરી રહ્યો હતો. વિશાળ જનમાનસ પર છવાયેલી છાપને ભૂંસવાનું લગભગ અશક્ય છે. તથ્યો કાને ધરવા ભાગ્યે જ બહુમત તૈયાર હોય છે. સંભવતઃ એટલે જ ભાગલાની યોજનાનો સૌપ્રથમ સ્વીકાર સરદાર પટેલે કર્યો હોવાની વાસ્તવિક્તાને કાને ધરવા ઝાઝા લોકો આગળ આવતા નથી.
પ્રસ્તુત લેખક પંડિતને તો ગાંધીજી સપ્ટેમ્બર ૧૯૩૪માં કોંગ્રેસથી ફારેગ થઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ભણી ઢળતાં લાગે છે. ગાંધીજી ડિસેમ્બર ૧૯૩૪માં વર્ધાની બજાજવાડીમાં સંઘના શિબિરની મુલાકાત લે છે. એનો અધકચરો ઉલ્લેખ કરીને પંડિત તારવે છે કે ગાંધીજી હિંદુ રાષ્ટ્રવાદી સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરવા માટે સંઘના ભગવા ધ્વજને પોતાના મિત્ર અપ્પાજી જોશી સાથે ફરકાવે છે.
ડો. કેશવ બલિરામ હેડગેવારે ૧૯૨૫માં વિજયાદશમીએ સંઘની સ્થાપના કરી હતી. એ ૧૯૨૦ સુધી કોંગ્રેસી કાર્યકર હતા, એવું પંડિત નોંધે છે, પણ હકીકતમાં ડો. હેડગેવાર ૧૯૩૭ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યાનું વરિષ્ઠ પ્રચારક દત્તોપંત ઠેંગડીએ ‘સંકેતરેખા’માં નોંધ્યું છે. ૧૯૪૦માં ડોક્ટરનું નિધન થયું હતું. લેખક પંડિત આરએસએસ કોંગ્રેસ પછીનું ભવિષ્ય હોવાનું ગાંધીજીને લાગ્યાનું ઉતાવળિયું તારણ કાઢે છે.
માત્ર ૨૫ ડિસેમ્બર ૧૯૩૪થી ગાંધીજીની સંઘ શિબિરની મુલાકાત અને બીજા દિવસે સંઘના સંસ્થાપકે સરસંઘચાલક ડો. હેડગેવારને નિમંત્રણના ઉલ્લેખ પૂરતી વાત કરીને લેખક પંડિત, પત્ની કમલા નેહરુના જર્મનીમાં નિધન પછી સ્વદેશ પાછા ફરેલા, પંડિત જવાહરલાલ નેહરુમાં મુસ્લિમવિરોધ નિહાળે છે. ગાંધીજી એમની દૃષ્ટિએ હિંદુ નેતા જ હતા અને હિંદુ લોહાણામાંથી મોહમ્મદ અલી ઝીણાના દાદા મુસ્લિમ થયાની વાત કરીને એમને મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર પાકિસ્તાન માંગવા માટે ગાંધીજીએ જ પ્રેર્યા એવાં તારણ મેળવવાનો પ્રયાસ પોતાને અનુકૂળ ઐતિહાસિક ઘટનાક્રમ રજૂ કરીને પંડિત કહે છે. જોકે, ગાંધીજીએ ભાગલાના દિવસોમાં સંઘના એક અન્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો એ બાબતની નોંધ લેવાનું એ ચૂકે છે.
ગાંધીજી હિંદુ ધર્મે પેદા કરેલા એક મહાપુરુષ!
ગાંધીજીના અંગત સચિવ રહેલા પ્યારેલાલે ચાર ગ્રંથમાં ‘પૂર્ણાહૂતિ’ થકી ગાંધીજીના વ્યક્તિત્વને અધિકૃતપણે ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. ચોથા ગ્રંથમાં પ્યારેલાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે મહાત્મા ગાંધીના સંબંધોનું નવું પાસું ઉઘાડી આપે છે. પ્યારેલાલ નોંધે છે કે દિલ્હીમાં સંઘના વડા (માધવ સદાશિવ ગોળવળકર) ગાંધીજીને મળવા આવ્યા. તેમનું કહેવું હતું કે અમારી સંસ્થા હિંદુ ધર્મની રક્ષા માટે છે, મુસલમાનોને મારી નાખવા માટે નથી. તેને કોઈની પણ સામે વેર નથી. તે શાંતિ માટે ખડી છે. ગાંધીજીને લાગ્યું કે પોતાની પ્રામાણિકતા પૂરવાર કરી બતાવવાની મારે પ્રત્યેક વ્યક્તિને તક આપવી જોઈએ. તેમણે તેમને જાહેર નિવેદન કરીને સંઘ સામે થયેલા આક્ષેપોનો ઈનકાર કરવા અને શહેરમાં મુસ્લિમોની થવા પામેલી તથા હજી થઈ રહેલી કતલોને તથા કનડગત અને સતામણીને ખુલ્લેખુલ્લી રીતે વખોડી કાઢવી જોઈએ. તેમણે ગાંધીજીને કહ્યું કે, અમે આપને કહ્યું છે તેના આધારે આપ પોતે જ એ કરી શકો છો. ગાંધીજીએ જવાબ આપ્યો કે, હું ખસૂસ એ કરું, પરંતુ તમે જે કંઈ કહો છો એ હૃદયપૂર્વકનું હોય તો પ્રજા તમારે મુખે જ એ જાણે એ બહેતર છે. ગુરુજી વિદાય થયા. ગાંધીજીની મંડળીના એક સભ્યે વચ્ચે કહ્યું, રા. સ્વ. સંઘના માણસોએ વાહની નિરાશ્રિતોની છાવણીમાં સુંદર કામ કર્યું હતું. ગાંધીજીએ જવાબ આપ્યોઃ ‘હિટલરના નાઝીઓએ અને મુસોલિનીની આગેવાની નીચે ફાસિસ્ટોએ પણ એમ જ કર્યું હતું એ ભૂલશો નહીં.’ રા. સ્વ. સંઘને તેમણે ‘સરમુખત્યારશાહી દૃષ્ટિવાળી કોમી સંસ્થા’ તરીકે વર્ણવી.
‘થોડા દિવસ પછી રા. સ્વ. સંઘના આગેવાનો ------- કોલોનીમાં તેમણે યોજેલી એક રેલીમાં હાજર રહેવાને ગાંધીજીને લઈ ગયા.’ પ્યારેલાલ એનું વિગતે વર્ણન કરે છે. તેમની રેલીમાં ગાંધીજીને આવકારતાં, રા. સ્વ. સંઘના નેતાએ તેમને ‘હિંદુ ધર્મે પેદા કરેલા એક મહાપુરુષ’ તરીકે વર્ણવ્યા. જવાબમાં ગાંધીજીએ જણાવ્યું કે, હિંદુ હોવા માટે હું ખસૂસ ગર્વ લઉં છું, પરંતુ મારો હિંદુ ધર્મ અસહિષ્ણુ કે વાડાબંધીવાળો નથી. મારી સમજ પ્રમાણે હિંદુ ધર્મની શોભા એ છે કે, બધા ધર્મોનાં સારાં તત્વો તે અપનાવે છે. હિંદુઓ માનતા હોય કે, હિંદમાં સમાન અને માનવંત ધોરણે બિનહિંદુઓ માટે સ્થાન નથી અને મુસલમાનો હિંદમાં રહેવા માગતા હોય તો, તેમને ઊતરતા દરજ્જાથી સંતોષ માનવો રહ્યો અથવા મુસલમાનો માનતા હોય કે, પાકિસ્તાનમાં હિંદુઓ મુસલમાનોની મહેરબાનીથી કેવળ દાસ તરીકે જ રહી શકે તો એથી હિંદુ ધર્મનો તેમજ ઈસ્લામનો અંત આવશે.’
ઝીણા આધુનિક ભારતના જનક!
પ્રસ્તુત પુસ્તકમાં પંડિત ગાંધીજીને હિંદુ નેતાની દૃષ્ટિએ વિચારીને મોહમ્મદ અલી ઝીણાને અલાયદા પાકિસ્તાન મેળવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાનું ચિત્ર ઉપસાવ્યું છે. એની પાછળનો પંડિતનો તર્ક પણ કાંઈક આવો છેઃ ‘મુસ્લિમો માટે પાકિસ્તાન અલગ ના થયું હોત તો હિંદુસ્તાનમાં વર્ષ ૨૦૫૦ સુધીમાં ૭૫ કરોડ જેટલા મુસ્લિમોની વસ્તી થઈ જાત અને એ દુનિયામાં સૌથી મોટો ઈસ્લામિક દેશ બની જાત.’ ઈતિહાસનાં તથ્યોને અનુકૂળ આવે એ રીતે રજૂ કરીને પૂર્વનિશ્ચિત તારણો પર પહોંચવાનું અશક્ય નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સદ્ગત વડા કૃપ્પહલ્લી સીતારામૈયા સુદર્શન થકી ૨૦૬૦ સુધીમાં ભારતમાં હિંદુઓ કરતાં મુસ્લિમોની વસ્તી વધી જવાની વાત કહેવામાં આવતી હતી એવો જ તર્ક અહીં રજૂ થયેલો લાગે છે.
સદનસીબે સુદર્શનજીની એ વાત અંગે વસ્તી નિષ્ણાતોએ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશને અખંડ ભારત ગણીને સુદર્શનજી મુસ્લિમ વસ્તી હિંદુઓ કરતાં વધી જવાની વાત દર્શાવવાનો પ્રયાસ કરે છે. પંડિતની થિયરી પણ ગાંધીજીને બદલે ઝીણાને આધુનિક ભારતના જનક અને હિંદુ ભારત પર કૃપા વરસાવનાર ગણાવવા પાછળની દૃષ્ટિ એવી જ કાંઈક છે. વર્તમાન સંજોગોમાં ‘અખંડ ભારત’ની ભૌગોલિક એકતા અશક્ય જણાય છે કારણ ત્રણેય અલગ સાર્વભૌમત્વવાળાં રાષ્ટ્રો એકમેક સાથે ભળી જઈને ફરી એક રાષ્ટ્ર બનવાની કલ્પના જરા કઠિન છે પણ યુરોપિયન યુનિયનની જેમ મહાસંઘ જરૂરી બની શકે. સમયાંતરે બે જર્મની કે બે યમન એક થયાં એમ ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશ પુનઃ એકીકરણને આંબે પણ એ માટે હિંદુ અને મુસ્લિમના સહઅસ્તિત્વના નવજાગરણની જ્યોત જલાવવી અનિવાર્ય બનશે. પંડિત હિંદુ ભારત પર ઝીણાના ઉપકારની વાત કરીને એમને ‘આધુનિક ભારતના જનક’ ગણાવવા સુધી જાય છે. પણ વર્ષ ૨૦૫૦ સુધી ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ (૩૧ કરોડ ૧૦ લાખ) બનવાના અંદાજની સાથે તેની સૌથી વધુ વસ્તી હિંદુની (૧૩૦ કરોડ) હશે એ નિશ્ચિત છે.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 9th Sep 2017 અથવા ક્લિક કરો વેબ લિંકઃ http://bit.ly/2gIm1FN)