કોઈ પણ ધર્મના ધર્મોપદેશક, કથાકાર હંમેશાં લોકોને સાંત્વના મળે, ઈશ્વરમાં શ્રદ્ધા જાગે અને ઈશ્વરના આશીર્વાદ સાથે આપસમાં ભાઈચારા સાથે સારું જીવન જીવવા લાગે તે પ્રકારે ઉપદેશ આપતા હોય છે અને તેમણે આમ કરવું જોઈએ તે તેમની ફરજ છે. જોકે, ડરહામ કાઉન્ટીના કોન્સેટ ટાઉનના બ્લેકહિલસ્થિત ‘અવર બ્લેસ્ડ લેડી ઈમેક્યુલેટ’ કેથોલિક ચર્ચમાં એક દાયકા કરતાં વધુ સમયથી સેવા આપતા 53 વર્ષીય અમેરિકન પાદરી ફાધર થોમસ મેકહાલેની ખોપરી ઉંધી ચાલે છે. તેમણે ગુડફ્રાઈડેના પવિત્ર દિવસે ચર્ચમાં એકત્ર થયેલા 75થી 100 જેટલા સ્થાનિક શ્રદ્ધાળુઓ સમક્ષ તદ્દન અશ્લીલ ધાર્મિક પ્રવચન આપી બધાને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે જિસસ ક્રાઈસ્ટ ઉત્થાન અવસ્થાના લિંગ સાથે મૃત્યુ પામ્યા હતા. આ પ્રવચન બાબતે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ થઈ છે પરંતુ, તેમને ઠપકો અપાયા સિવાય કોઈ પરિણામ આવ્યું નથી અને હજુ તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા છે.
એમ કહેવાય છે કે જે લોકોને વધસ્તંભ પર ચડાવાય કે ફાંસી અપાય ત્યારે તેમના શરીરમાંથી લોહી નીચેની તરફ ધસે છે અને કેટલીક વખત લિંગ ઉત્થાન અવસ્થામાં જોવાં મળે છે. મગજનાં નીચલા હિસ્સા-મેરુદંડ અથવા કરોડરજ્જુ પર ગોળીબારની જીવલેણ ઈજા થઈ હોય ત્યારે પણ આમ થતું જોવાં મળે છે. પ્રીમિયર ક્રિશ્ચિયાનિટી મેગેઝિનના 2015ના એક લેખમાં આ મુદ્દો ઉઠાવાયો હતો જેમાં વિચિત્ર ફીઝિયોલોજિકલ રીએક્શનની વાત કરવામાં આવી હતી. હકીકત કોઈ પણ હોય તેને સારી રીતે રજુ કરવી જોઈએ. કોઈ પણ માતાને માતા, મા જ કહી શકાય, બાપાની બૈરી એમ કદી ન કહી શકાય. ધર્મોપદેશક વ્યક્તિએ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કારણકે આ શિષ્ટતાની સાથોસાથ લોકોની ધાર્મિક લાગણીનો પણ સવાલ છે.
• મિત્રતાને સંપર્કના તેલથી મહેંકતી રાખો
પ્રસિદ્ધ સ્કોટિશ લેખક સર એલેકઝાન્ડર મેક્કોલ સ્મિથે શાળાના અભ્યાસક્રમમાં મિત્રતાના પાઠ શીખવવાનું સૂચન કર્યું છે. આજકાલ બાળકો પણ મોબાઈલ મેનિયામાં એટલાં ખોવાઈ ગયાં છે કે તેઓ કોઈને મિત્ર બનાવી શકતાં નથી. આખો દિવસ શાળા અને મોબાઈલમાં રચ્યાંપચ્યાં રહેવાથી તેઓ એકાકી બની જાય છે. સાચી વાત તો એ છે કે ઘર અને પરિવારમાં બાળકોને શિસ્ત, શિષ્ટાચાર શીખવાય છે પરંતુ, હૃદયની વિશાળતા, એકબીજા સાથે વ્યવહાર, લોકો પ્રત્યે કરુણા જેવાં મૂલ્યો તો મિત્રતા જ શીખવી શકે છે. ભારતની તો વાત જ અનોખી છે જ્યાં બાળકને મિત્રતા ગળથૂથીમાં મળે છે. બાળજન્મ સમયે કાકા-કાકી, મામા-માસી, ફોઈ-ફૂઆ, માસી-માસા જેવાં નિકટના સગાંસંબંધીઓની હાજરી જ બાળકને અનહદ પ્રેમનો અનુભવ કરાવે છે. બાળક થોડું મોટું થાય ત્યાં તો અન્ય બાળકોની સાથોસાથ શેરીઓનાં કૂતરાં-બિલાડા અને પક્ષીઓની મિત્રતા થઈ જાય છે.
આમ તો બાળકો તત્કાળ મિત્રો બનાવી લે છે પરંતુ, સાચો મિત્ર કેવો હોવો જોઈએ, તેનું વર્તન કેવું હોય તે આજના બાળકોને શીખવવાની જરૂર જણાય છે. બાળપણથી જવાની અને તેથી પણ આગળના સમયમાં આપણે ઘણા મિત્રો બનાવતા રહીએ છે પરંતુ, મોટા ભાગના તાલીમિત્રો અથવા પરિચિતો જ રહે છે. સાચો મિત્ર એ છે કે જેના ખભા પર માથું મૂકીને તમે રડી શકો, હૃદયનો ભાર હળવો કરી શકો. સાચો મિત્ર તમારી સાથે એટલો ઓતપ્રોત બની જાય છે કે તમે ક્યારે શું કરશો તે પણ તે તરત જાણી લે છે. આવું જ તમે પણ તમારા મિત્ર સાથે કરી શકો તો તમે પણ કોઈના સાચા મિત્ર છો. કોઈને મિત્ર ગણો એ પુરતું નથી. તેને ક્રિસમસ, જન્મદિન અથવા વારેતહેવારે કાર્ડ મોકલી આપો તે પૂરતું નથી. મિત્રો સાથે વ્યક્તિગત સંપર્ક રહેવો જરૂરી છે અન્યથા મિત્રતાનો દીપક સંપર્કના તેલ વિના બુઝાઈ જાય છે.
જેમના 30 મિલિયનથી વધુ પુસ્તકો વેચાયાં છે તેવા લેખક અને યુનિવર્સિટી ઓફ એડિનબરામાં તબીબી કાયદાના પૂર્વ શિક્ષક એવા મેક્કોલ સ્મિથ કહે છે કે જૂની મિત્રતા પુરાણા વાઈન જેવી પુરાણી અને મહેંકદાર હોય છે, તાજેતરમાં વિજ્ઞાનીઓને મજબૂત પુરાવા સાંપડ્યા છે કે એકાકી વ્યક્તિ બીમાર વધુ પડે છે અને બહોળું મિત્રવર્તુળ હોય તેમની સરખામણીએ ઓછું જીવે છે. આનું દેખીતું કારણ એ છે કે એકલતા માણસની રોગપ્રતિકાર શક્તિને ખોખલી બનાવી દે છે.
• બાત નીકલેગી તો દૂર તલક જાયેગી...
ઘણી વાતો એવી હોય છે કે તેને ભોંયમાં ભંડારી દેવાય તો જ સારી ગણાય. પરંતુ, જ્યાં ધૂમાડો હોય ત્યાં કદી આગ હશે જ તેવાં અનુમાનો પણ ખોટાં પડતાં નથી. યુકેના પૂર્વ સિવિલ સર્વન્ટ જેનેટ હેવલેટ-ડેનિસનું ઓક્ટોબરમાં 85 વર્ષની વયે અવસાન થયું ત્યારે તેમણે લેબર પાર્ટી માટે 10,000 પાઉન્ડ દાનમાં મૂક્યા હોવાનું બહાર આવ્યું તેની સાથે 50 વર્ષ પહેલાનો ઈતિહાસ પણ બહાર આવી ગયો કે તેઓ વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સનની ગુપ્ત પ્રેમિકા હતાં. જેનેટ હેવલેટ-ડેનિસ 1974થી 1976ના ગાળામાં વિલ્સનના ડેપ્યુટી ડાઉનિંગ સ્ટ્રીટ પ્રેસ સેક્રેટરી તરીકે સરકારમાં કાર્યરત હોવાં ઉપરાંત લેબર પાર્ટીના આજીવન સમર્થક હતાં. જોકે, અફવાઓનું બજાર ગરમાગરમ હતું તેવા દેશમાં પણ જેનેટ અને લેબર પાર્ટીના ચાર વખત ઈલેક્શન વિજેતા હેરોલ્ડ વિલ્સન એકબીજાના ગળાંડૂબ પ્રેમમાં હતાં અને એક વખત ચેકર્સમાં એક જ પથારીમાં હતાં તેની કોઈને જાણકારી જ ન હતી. જોકે, તાજેતરમાં વિલ્સનના પૂર્વ સહાયકો જો હેઈન્સ (96) અને લોર્ડ ડોનોઘુએ (89) દ્વારા ઘટસ્ફોટ કરાયો હતો કે તેમને લગભગ અડધી સદીના આ ગુપ્ત પ્રેમની જાણકારી હતી. ઉલ્લેખનીય છે કે વિલ્સનના પત્ની મેરીનું 2018માં 102 વર્ષની વયે અવસાન થયું હતું. જોકે, યુગવ દ્વારા કરાયેલા એક સર્વેમાં મોટા ભાગના લોકો (45 ટકા)એ મત દર્શાવ્યો હતો કે વિલ્સનના પૂર્વ સહાયકોએ આ ઘટસ્ફોટ કરવા જેવો ન હતો જ્યારે 24 ટકા લોકોએ ઘટસ્ફોટના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો હતો.