બધા કહે છે કે આઈસ્ક્રીમ ગળાને ભલે ઠંડો કે શીતળ લાગે પરંતુ, તેની તાસીર ગરમ છે. સાચું કે ખોટું તે તો રામ જાણે પરંતુ, ધંધાની વાત કરીએ ત્યારે આઈસ્ક્રીમનો ધંધો ગરમાગરમ કહેવાય છે. બ્રિટિશ મલ્ટિનેશનલ કંપની યુનિલિવરે તેના મુખ્ય બિઝનેસમાંથી આઈસ્ક્રીમના બિઝનેસને અલગ રાખવાનો નિર્ણય લીધો છે જેનું વડું મથક એમ્સ્ટર્ડેમમાં રહેશે. 2024માં આઈસ્ક્રીમનો ધંધો 8.6 બિલિયન ડોલરનો થયો હતો. ઉલ્લેખનીય છે કે તેનો 40 ટકા ધંધો ભારતમાં થાય છે.
• યુકેની બેન્કોને પારકા પૈસે પરમાનંદ!
યુકેની બેન્કોમાં 276 બિલિયન પાઉન્ડ જાણે નધણિયાતા પડી રહ્યા છે. નધણિયાતા એટલા માટે કે તેના ડિપોઝીટર્સને કોઈ પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી. હવે આમાં દેખીતો ફાયદો તો બેન્કોને જ થઈ રહ્યો છે. આ જંગી ડિપોઝીટ્સનો ઉપયોગ લોન આપવામાં કરી લાખો પાઉન્ડનું વ્યાજ કમાઈ શકે પરંતુ, સાચા ડિપોઝીટર્સને તો અંગૂઠો જ બતાવાય ને?
• કોવિડ ઈન્ક્વાયરી વકીલો-અધિકારીઓને ફળી
કોવિડ મહામારીએ ઘણાની પથારી ફેરવી નાખી હતી. યુકેમાં કોવિડની ઈન્ક્વાયરી કરવા પાછળ 200 મિલિયન પાઉન્ડનો અધધ.. કહેવાય તેટલો ખર્ચો કરી નખાયો. છેવટે કુલડીમાં જ ગોળ ભાંગી નખાયો. આટલો ખર્ચો કરાયા પછી લાભ કોને મળ્યો? જે લોકોએ જીવ ગુમાવ્યા તેમના પરિવારજનોને શું મળ્યું? જોકે, વકીલો અને અધિકારીઓએ કમાણી કરી લીધી!
• વેન્ગાર્ડ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનું $10 ટ્રિલિયન ફંડ
અમેરિકામાં વેન્ગાર્ડ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે. તેની પાસે લગભગ 10 ટ્રિલિયન એટલે કે 10,000 મિલિયન ડોલરનું ભંડોળ છે. નોંધવાની બાબત એ છે કે વોન્ગાર્ડ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર 53 વર્ષીય સલીમ રામજી છે.
• BATના ચીફ એક્ઝિક્યુટિવનું વેતન શું?
બ્રિટિશ અમેરિકન ટોબેકો (BAT)ની સીઈઓ બ્રાઝિલિયન મહિલા ક્લોડિયા વૂડ્સ છે જે કંપનીના ઈતિહાસમાં પ્રથમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ છે. તેમને વાર્ષિક 18 મિલિયન ડોલર વેતન ચૂકવાય છે.