મોસંબી શબ્દ મોઝામ્બિકથી આવ્યો. મોઝામ્બિકથી આવેલ ફળ તે મોસંબી. આપણે ત્યાં દીવ, દમણ, ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું. પોર્ટુગીઝો ગોવાથી મોઝામ્બિક પર શાસન ચલાવતા. ગુજરાત કરતાં ચાર ગણા વિસ્તારમાં અહીં ગુજરાતથી અડધી વસ્તી છે. મોઝામ્બિકના શશાઈ નગર જેને ગુજરાતીઓ ચંચાઈ કહે છે. તેમાં ખીમજી પીતાંબરનો પરિવાર છે.
આપણે ત્યાં સંયુક્ત કુટુંબો લોપાતાં જાય છે ત્યારે ખીમજીભાઈનો પરિવાર આદર્શ સંયુક્ત કુટુંબના પ્રેરક નમૂના જેવો છે! એક જ ઘરમાં, ખીમજીભાઈ અને તેમના ત્રણ પરણેલા પુત્રો અને તેમનાંય બાળકો રહે છે. ચાર-ચાર દંપતી એક જ ઘરમાં વસે અને તેમનાં ય સંતાનો હોય, બધાં એક જ રસોડે જમે છે. સંપીને રહે છે. ઘરમાં રોજ ભગવાનની પૂજા-આરતી થાય છે. હિંદુ તહેવારોની ઊજવણી થાય છે. ઘરમંદિરમાં હિંદુ ધર્મના બધાં દેવદેવી પણ સંપીને રહેતાં હોય એમ તેમની પ્રતિમાઓ છે. શંકર, રામ, કૃષ્ણ, અંબાજી, લક્ષ્મી, વિષ્ણુ, જલારામ વગેરે જોડાજોડ ગોઠવાયેલાં રહે છે. ભગવાન શિવની પૂજા થાય છે. આ બધાની અસર ઘરનાં બાળકોના સંસ્કાર પર અસર પડી છે.
ચારેક વર્ષનો નાનકડો ઋષિલ, જે પુત્ર નિકેષનો પુત્ર છે. તે ઘરમંદિરમાં શંકરને રોજ સાષ્ટાંગ દંડવત્ કરે છે. એક વાર તેણે દંડવત્ કર્યા પછી દાદીમા નિર્મળાબહેનને કહ્યું, ‘બા, શંકરદાદાએ મને તમારી પાસે ચોકલેટ માંગવાનું કહ્યું છે.’ દાદીમાએ ઋષિલને વહાલથી છાતીએ ચાંપ્યો અને ચોકલેટ આપી.
ભક્તિના સંસ્કારે ભારતીય આચારવિચાર અને આહાર જળવાયાં છે. બધાના શબ્દોમાં વિવેક અને આદરભાવ વર્તાય છે અને સ્નેહ છલકાય છે. અતિથિ દેવો ભવઃ માનીને શોધી શોધીને મહેમાનને જમવા બોલાવે છે. બાળકોમાં સંપ અને મારી ને બદલે અમારાની ભાવના ઘર કરી ગઈ છે. આથી તો ભણવા માટે ભારત ગયેલાં પિતરાઈ ભાઈ-બહેનનો પણ વિચાર કરે છે. દાદા, દાદી કે મા-બાપ તેમને કંઈ આપે તો પૂછે કે ‘ભારતમાં આ મોકલશો કે એ આવે ત્યારે આપશો?’
ખીમજીભાઈને રાકેશ, દીપેશ અને નિકેષ ત્રણ દીકરા. બધાં ભેગાં રહે છે. સ્ત્રીઓ કામની હુંસાતૂંસી કરવાને બદલે જે સૂઝે તે સંપીને કરે છે. બહારથી આવનારને ખબર પણ ના પડે કે એક ઘરમાં આટલાં બધાં માણસ એકસાથે જીવે છે.
એક દિવસ ખીમજીભાઈએ દીકરાઓને સાથે બેસાડીને કહ્યું, ‘તમે બધા પુખ્ત અને બાળકો સાથે કુટુંબ ધરાવતા છો. ભગવાનની દયાથી ધંધો સારો ચાલે છે. મારી ઉંમર વધતી જાય છે. તમે સૌ સમજીને પ્રેમભાવથી જુદા રહો. સૌનો ભાગ મારી હાજરીમાં નક્કી કરવો છે.’
દીકરાઓએ કહ્યું, ‘બાપુજી! આવો વિચાર કેમ આવ્યો? અમારામાં તમને ખામી દેખાય છે? ફરી આવી વાત ના કરો તો સારું!’ છૂટા પડવાની વાત ત્યાં જ રહી ગઈ! મા-બાપ પણ આ સંપથી રાજી થયાં.
ખીમજીભાઈ ૧૯૪૧માં મોઝામ્બિકમાં જન્મ્યા હતા. તેમના દાદા નાનજીભાઈ ૧૯૨૯માં મોઝામ્બિક વસેલા, પોરબંદર નજીકના બખરલા ગામનો આ પરિવાર ત્યારથી મોઝામ્બિકમાં છે.
ખીમજીભાઈ જીવનમાં ચડતીપડતીના આટાપાટા ઓળંગીને આજે વેપાર-ધંધામાં સ્થિર થયા છે. એમના યુવાન પુત્રોની મહેનત, સંપ અને સૂઝથી આજે ચંચાઈમાં ધંધામાં અને સમાજમાં તેમની શાખ છે. ખીમજીભાઈની સલાહ વડીલ માનીને એકલા પુત્રો જ લે છે એવું નથી, ત્યાંના ગુજરાતીઓ પણ સામાજિક કામો અને ધંધામાં અવારનવાર તેમને પૂછતા રહે છે.
ખીમજીભાઈના પુત્રો પ્રેમાળ છે. ખીમજીભાઈ સાથે વાત કરતાં પણ વારંવાર ‘જી’, ‘જી’ બોલતા સંભળાય છે. ૨૧મી સદીમાં તેમના પુત્રો વીસમી સદી જેવો વર્તાવ રાખે છે.
મોટા પુત્ર રાકેશભાઈના દીકરા-દીકરીને ગુજરાત ભણવા મોકલ્યાં. લાખ્ખો રૂપિયાનું ખર્ચ છતાં તેમને હોસ્ટેલમાં અનુકૂળ ના આવતાં, અમદાવાદમાં ઘર રાખીને સંતાનોને ભણાવવાનું ગોઠવ્યું. સાથે ખીમજીભાઈ અને નિર્મળાબહેન રહે. પૈસાથી ઘરકામ થાય, રસોઈ થાય, પણ બાકીનું નિર્મળાબહેનને કરવું પડે. ગમે તે ભાઈના સંતાન હોય પણ એ પરિવારનાં છે માનીને વારાફરતી યુવાન પુત્રવધૂઓ સાસુ-સસરા સાથે મદદરૂપ થવા આવે છે. પરિવારનો સંપ અને સ્નેહ ગજબનાં છે. બાકી જેના સંતાન અમદાવાદમાં ભણતાં હોય તેવી યુવાન પુત્રવધૂઓ પણ પતિને છોડીને સાસુ-સરાને મદદરૂપ થવા આવે તે આજના જમાનામાં નવાઈભર્યું લાગે.
સંપ, સ્નેહ અને સમજથી સમૃદ્ધ આ પરિવાર વિશિષ્ટ છે!