પોરબંદરમાંથી મહાત્મા ગાંધી પછી ચાર વર્ષે નીકળીને વસનજી દેવશી સાઉથ આફ્રિકાના ડર્બનમાં વસ્યા. ગાંધીજી પણ ડર્બનમાં રહેતા હતા. વસનજીએ ‘વી. દેવશી ઘીવાલા’ કંપની શરૂ કરીને ઘીનો વેપાર માંડ્યો. વસનજી મિષ્ટ અને મૃદુભાષી. કોઈની ઊઘરાણી બાકી હોય, વાયદા કરે તો પણ કડવી ભાષા ના વાપરે. વસનજીના દીકરા પ્રાગજી અને પ્રાગજીના દીકરા નાનાલાલ. નાનાલાલે ઘીના બદલે હાર્ડવેર અને ક્રોકરીના વેપારમાં ઝંપલાવ્યું. નાનાલાલના દીકરા સુધીરે વડદાદાના નામે અટક બનાવીને સુધીર પ્રાગજી થયા.
સુધીર પ્રાગજી આજે સાઉથ આફ્રિકામાં વિવિધ વ્યવસાયનું વટવૃક્ષ બન્યા છે. ૧૯૫૦માં જન્મેલ સુધીરભાઈમાં ધંધાની જબરી ફાવટ છે. સંખ્યાબંધ ધંધા સફળતાપૂર્વક ચલાવવાની અને નવું કરવાની તેમની ગજબની આવડત છે.
રંગભેદની નીતિને કારણે ભારત સરકારે ભારતીય નાગરિકોને સાઉથ આફ્રિકા જવા પર પ્રતિબંધ મૂકેલો. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા વગેરેના હજારો લોકો સાઉથ આફ્રિકામાં વસેલા, તેમને ભારતીય કલાકારોનું ભારે આકર્ષણ પણ પ્રતિબંધને કારણે માત્ર સિનેમાના પડદે જોઈ શકે. પ્રત્યક્ષ નહીં. સુધીરે સાઉથ આફ્રિકાની ધરતી પર ૧૯૯૧માં ૧૪૦ જેટલા ભારતીય કલાકારોનો કાર્યક્રમ ગોઠવ્યો. જેમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, ગોવિંદા, શ્રીદેવી, કલ્યાણજી-આણંદજી વગેરે હતા. કાર્યક્રમ પહેલાં એક અઠવાડિયે ડર્બનમાં બધી ટિકિટ વેચાઈ ગઈ. નેલ્સન મંડેલાની જેલમુક્તિ પછી પહેલી વાર આટલી ભીડ થઈ. બે કિલોમીટર લાંબી લાઈન હતી. કાર્યક્રમના નફામાંથી સમાજને લાભ અપાવ્યો. જોહાનિસબર્ગમાં ય આ કાર્યક્રમ ગોઠવ્યો હતો. માઈકલ જેક્સનનો કાર્યક્રમ પછીથી ગોઠવેલો. ૧૯૯૬માં ૨૦૦ કલાકારો સાથેનો કાર્યક્રમ પણ ગોઠવેલો. સુધીર પાસે હાલ ત્રણ રેડિયો સ્ટેશન છે.
સુધીર પાસે ૧૧ સિનેમા થિયેટર હતાં તે વેચી દીધાં. હાલ તે ફિલ્મસર્જન અને વિતરણનું કામ કરે છે. અમેરિકાથી ફિલ્મો લાવે અને સાઉથ આફ્રિકામાં વિતરણ કરે. ૧૯૯૫થી તે ફિલ્મ પ્રોડ્યુસર અનંત મિત્રના ભાગીદાર છે. ૭૦ જેટલી અંગ્રેજી ફિલ્મોનું સર્જન કર્યું છે, જેમાંની ૧૯નું સર્જન સાઉથ આફ્રિકાની બહાર હોંગકોંગ, ઈંગ્લેન્ડ અને અમેરિકામાં કર્યું છે. કેપટાઉનમાં તેમની માલિકીનો ફિલ્મ સ્ટુડિયો છે. તેમાં સર્જન કરે. કામ ના હોય ત્યારે બીજાને ભાડે આપે. નેલ્સન મંડેલાના જીવન પર આધારિત બહુ જાણીતી ફિલ્મ ‘લોંગ વોક ઓફ ફ્રિડમ’નું સર્જન એમણે જ કર્યું છે.
ટેલિફોન માટેનાં ટાવરની અમેરિકન કંપનીના તેઓ સાઉથ આફ્રિકાના ભાગીદાર છે. આ કંપનીએ ૧૩૦૦ ટાવર ખરીદ્યાં છે, જે બીજાને ભાડે આપે છે. સન એડિશન કંપનીના સોલાર ફાર્મ સ્ટેશનમાં તેઓ ૪૦ ટકા ભાગીદાર છે. સાઉથ આફ્રિકામાં ગેસ સ્ટેશનોમાં પંપ બદલવાનો કોન્ટ્રાક્ટ રાખતી એક કંપનીમાં પણ તેમની ભાગીદારી છે.
પર્લ્સ ડેવલપમેન્ટ નામની તેમની કંપની મકાન બાંધકામના ક્ષેત્રે અગ્રણી છે. ૪ લાખથી માંડીને ૩૦ લાખ ડોલરની કિંમતના ૨૨૫ એપાર્ટમેન્ટ બનાવીને વેચ્યા પછી નવા ૨૪૦ એપાર્ટમેન્ટ અને ૧૧૦ દુકાનનું બાંધકામ પણ કંપનીએ પતાવ્યું. આ સિવાય પણ તેઓ ભાતભાતના રોકાણ ધરાવે છે. વધારામાં સુધીરભાઈની ૭૦ જેટલી કોસ્મેટિક્સની દુકાનો ડર્બન અને જોહાનિસબર્ગમાં છે તેમાં ૨૫૦ વ્યક્તિ કામ કરે છે.
સુધીરભાઈ કર્મયોગી છે. ધર્મ અને કર્મનાં પલ્લાં સરખાં રાખે છે. તેમનું વ્યાવસાયિક જીવન સમૃદ્ધ છે, તો સેવાનો પથારો પણ વ્યાપક છે. ‘ઈન ટુ ધી લાઈફ ફાઉન્ડેશન’માં તેઓ ટ્રસ્ટી અને ચેરમેન છે. તેઓ નેત્રયજ્ઞો યોજે છે. આ ફાઉન્ડેશનનું મોટા ભાગનું ખર્ચ પોતે ભોગવે છે.
ડર્બનમાં આઠથી નવ હજાર ગુજરાતીઓ વસે છે. તેમનાં અલગ અલગ સંગઠન છે, જેવાં કે સુરત હિંદુ એસોસિએશન, કાઠિયાવાડ હિન્દુ સેવા સમાજ, રાજપૂત સમાજ, શ્રી સપ્તાહ, પાટીદાર સમાજ વગેરે. આ બધાંને એકતાંતણે જોડતી સંસ્થા તે ગુજરાતી હિંદુ સંસ્કૃતિ કેન્દ્ર. આ સંસ્થા ગુજરાતી, હિન્દી ભાષાના વર્ગો ચલાવે છે. નૃત્યની તાલીમ આપે છે. કેન્દ્રનું ૨૦૦૧માં ભવ્ય મકાન થયું. આ મકાનમાં સનાતન ધર્મ મંદિર છે. ઉપરના ભાગમાં ૧૨૦૦ બેઠક ધરાવતો હોલ છે. જેમાં ૭૦૦ માણસ ટેબલ-ખુરશી પર બેસીને જમી શકે તેવી સગવડ છે. નીચેના હોલની ક્ષમતા ૬૦૦ માણસની છે અને ટેબલ-ખુરશી સહિત ૩૦૦ વ્યક્તિ જમી શકે. કેન્દ્રમાં કેન્ટીનની સુવિધા પણ ખરી. અતિથિગૃહ છે. પુસ્તકાલય છે. ખૂબ સવલતો છે. ૨૦૧૦થી સુધીરભાઈ તેના ચેરમેન છે. દાતા છે. એની પ્રવૃત્તિઓને ધમધમતી રાખવામાં એમનો સમય અને બુદ્ધિ ખર્ચે છે. આમ વ્યવસાયમાં તેઓ મોખરે છે.