वनानि दहतो वहनि सखा भवति मारुतः ।
स एव दीपनाशनाय कृशे कस्यास्ति सौहदृयम् ।।
(ભાવાર્થઃ પવન, વનોને બાળતા અગ્નિનો મિત્ર બને છે, (પરંતુ) તે જ પવન દીવાને ઓલવી નાખે છે. નબળાની સાથે કોની મિત્રતા હોય?)
વેદોનું અધ્યયન તમને તરત જ ખાત્રી કરાવશે કે વેદનાં ઋષિઓ પરમાત્મા પાસે શક્તિ અને સત્યની માગણી કરે છે. શક્તિની જ જો વાત કરીએ તો કઈ શક્તિની? માનવજીવનમાં અર્થ અને કામ - આ બન્ને પુરુષાર્થ માટે શક્તિની જરૂર પડે છે. માનવસમાજમાં સન્માનિત સ્થાન પ્રાપ્તિ માટે એ જરૂરી છે કે તમારી પાસે અર્થરૂપી શક્તિ હોય. સમાજદર્શન કરતાં તરત જ આ વાત નજરે ચડશે કે બે સગાભાઈઓ હોય તો પણ જે અર્થશક્તિથી તેજસ્વી બનેલાં છે તેને ત્યાં ભેટ આવે તે ભેટ પેલા બીજા ભાઈ કે જેણે અર્થશક્તિ પ્રાપ્ત કરી નથી, તેને ઘરે આવે તે કરતાં મોંઘી હોય છે. અર્થ કે ધનની શક્તિ માનવની એક ઓળખ છે, અને ઘણી વાર તો એવું પણ જોવાય છે કે વિદ્યા અને લક્ષ્મીની સરખામણીમાં જેને ઘરે લક્ષ્મીની ઝાકમઝોળ છે તેનું સમાજમાં વર્ચસ્વ હોય છે.
માનવ સ્વભાવની જે કેટલીક વિશેષતાઓ છે કે જન્મજાત ગુણો છે તેમાંનો એક છે કે તે હંમેશા ઉગતા સૂર્યને પૂજે છે, જે દિવસ ચડતા વધુ શક્તિમાન થવાનો છે. પણ કમાલ તો આ સુભાષિતકારની છે! કે જેઓ આ નાનકડાં સુભાષિત વડે માનવજાતને શક્તિમાન બનાવવાની પ્રેરણા આપે છે. મોટા વનોને ભડભડ બાળી નાખતા અગ્નિને પવન મિત્ર બનીને સહાય કરે છે, જેથી આગ વધુ ફેલાય. પરંતુ પેલા બિચારા ટમટમતા દીવા માટે પવનના નિયમ જુદા જ! એટલે તો એ ટમટમતો દીવો પવન આવે તો ઓલવાઈ જાય છે!
પવન એટલે સમાજ! પવન એટલે સમય! પવન એટલે પરિસ્થિતિ! પવન એટલે રીતરિવાજ! જો તમે કોઈ પણ રીતે બળવાન હશો, ચાહે ધનથી, ચાહે વિદ્યાથી, ચાહે શક્તિથી કે પછી કુટુંબથી, તો તમને ગમેતેવો ઝંઝાવાતી પવન ‘ઓલવી’ નહીં શકે. તુલસીદાસજી કહે છે કે, સમરથ કો નહીં દોષ ગોંસાઈ.
આ જ કારણે ભારતમાં શક્તિઉપાસના સ્થાન પામી છે. વશિષ્ઠ ઋષિ તો સ્પષ્ટ કહે છે કે ‘હે દેવ! અમે ક્યારેય શક્તિહીન ન બનીએ, પણ શક્તિથી ઝળહળીએ.’ દિપાવલીની ઉપાસના એ ખરેખર તો પ્રકાશનું પર્વ, શક્તિનું પર્વ છે. નવરાત્રિ માતૃઉપાસના તો દિપાવલી લક્ષ્મીના ઝળહળાટની ઉપાસનાનું. આ નવલા દિપાવલી પર્વે આપણે પણ પ્રસન્ન મુદ્રાધારી, મા લક્ષ્મીનું આરાધન અને પૂજન કરીએ.