પ્રાચીન સમયમાં ઋષિઓ ગુરુકુળ ચલાવે, એમને ત્યાં આવતા વિદ્યાર્થી ફીને બદલે ગુરુદક્ષિણા આપતા. ઋષિને ત્યાં ઋષિના અંગત કામ કરે. નવા જમાનામાં માત્ર શિક્ષણને જ વરેલા, નિસ્પૃહ શિક્ષકો શોધવા પડે એમ છે. સેંકડો શિક્ષકોને વ્યક્તિગત મળ્યો છું. આણંદની ડી. એન. હાઈસ્કૂલના વિઠ્ઠલભાઈ પટેલ મને અનન્ય, નિસ્પૃહ, માત્ર શિક્ષણને જ વરેલા અને પ્રામાણિક્તાની મૂર્તિ શા લાગ્યા છે.
વિઠ્ઠલભાઈ એટલે સાદગી, સેવા, સ્નેહ અને સંનિષ્ઠાનો સરવાળો. ૧૯૧૯માં તેઓ ખેડા જિલ્લાના પીજમાં જન્મ્યા. ૧૯૪૪માં આણંદની ડી. એન. હાઈસ્કૂલ જે દાદાભાઈ નવરોજીની સ્મૃતિમાં ૧૯૧૭માં સ્થપાયેલી એના શિક્ષક બન્યા. સંસ્થામાં વ્યાયામ શિક્ષક અને ગૃહપતિ બન્યા.
એમના ગૃહપતિ પદે ડી. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થી આશ્રમની ખ્યાતિ આફ્રિકાના સંખ્યાબંધ દેશો, આરબ દેશો અને ભારતના મોટાં શહેરોમાં ફેલાઈ. છાત્રાલયના ભ્રષ્ટાચારરહિત, કરકસરભર્યા વહીવટ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખોરાકથી સંતુષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ વિદ્યાર્થી આશ્રમની ખ્યાતિ વધારી. અહીં ભણનાર વિદ્યાર્થી તંદુરસ્ત, બૌદ્ધિક રીતે વિક્સિત અને એસ.એસ.સી.માં સારું પરિણામ લાવે. મા-બાપ અને વડીલો પ્રત્યે વિવેકયુક્ત વર્તન રાખે. આથી અહીં પ્રવેશ મેળવવા પડાપડી થતી. ક્યારેય દાન લઈને પ્રવેશ ના અપાય. યોગ્યતાના ધોરણે જ પ્રવેશ અપાતો.
વિઠ્ઠલભાઈ ૧૯૪૪થી ૧૯૭૮ સુધી સંચાલક રહ્યા પણ ક્યારેય રસોડાની કોઈ ચીજ એમણે ચાખી નથી. એમનું જીવન અપરિગ્રહી, પ્રામાણિક અને ધ્યેયનિષ્ઠ. વિદ્યાર્થીઓની મા બનીને રહ્યા. બીમારી વિદ્યાર્થી માટે પોતાને ઘરે ખીચડી બનાવે. સમય-કસમયે આવતા વાલીઓ માટે ઘરેથી ચા મંગાવે. માને કે રસોડે બનાવે તો બનાવનારને પણ પેટ હોય. ખર્ચ આશ્રમનું વધે. ઘેર તો કહ્યું હોય તેટલું જ બને. ધનિક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ક્યારેક મુલાકાત લઈને એમના અંગત ઉપયોગ માટે કોઈ ભેટ આપે તો એ વિવેકપૂર્વક ના પાડે, છતાં આપે તો એવી ભેટ એમણે ક્યારેક રાખી નથી. તેઓ એવી ભેટ વિદ્યાર્થી આશ્રમના મહેમાનગૃહમાં જમા કરાવે. કહે, ‘આ ભેટ વિઠ્ઠલને નહીં, પણ ખુરશીને આપી છે. બીજો કોઈ આ ખુરશી સંભાળતો હોત તો ભેટ તેને મળી હોત! ખુરશીની માલિકી વિદ્યાર્થી આશ્રમની છે, તો ભેટ વિદ્યાર્થી આશ્રમની જ ગણાય.’
વર્ષોની સેવા પછી એ સંસ્થાના આચાર્ય બન્યા. પોતે ક્યારેય મોડા ન પડે. સમય પહેલાં હાજર હોય. સૌથી છેલ્લા જાય. શાળામાં રોજ પ્રાર્થના થાય. શિક્ષકોએ પ્રાર્થનામાં જવાનું હોય. મોડા પડનારને એ ટોકે નહીં પણ સ્મિત કરે. મોડો પડનાર ભોંઠો પડે. ફરીથી મોડા ન પડાય તેની કાળજી લે.
૧૯૬૪-૬૫માં તેમને ફૂલબ્રાઈટ શિક્ષક વિનિમય યોજનામાં એક વર્ષ માટે અમેરિકાની શાળામાં શીખવવા જવાનું થયું. તેમના કામથી શાળાના સંચાલકો અને શિક્ષકો ખુશ થયા અને ૫૦૦ ડોલર ભેટ આપવા લાગ્યા. તેમણે રકમનો સવિવેક ઈન્કાર કર્યો. વિઠ્ઠલભાઈ પાછા આવ્યા. ભારતમાં એમના નામનો ડ્રાફ્ટ શાળાએ ભેટ મોકલ્યો. તેમણે એ રકમ સંસ્થાને ભેટ આપી. કહે, ‘શાળામાં હતો તેથી ગયો. આથી રકમ મારી નહીં, પણ શાળાની ગણાય.’
વિઠ્ઠલભાઈ વખત જતા ચ. એ. સોસાયટીના મંત્રી થયા. ડી. એન. હાઈસ્કૂલ એનો જ ભાગ. સંસ્થાએ નવી સાયન્સ કોલેજ કરવા પાછળની જમીન ખરીદવા નક્કી કર્યું. જમીનમાલિક ભૂતપૂર્વ વિદ્યાર્થી. તેણે શરત મૂકીઃ ‘સાહેબ પોતાના માટે મારો એક પ્લોટ ભેટ તરીકે સ્વીકારે.’ વિઠ્ઠલભાઈએ ભેટ ન સ્વીકારી. તેને માંડ સમજાવીને સંસ્થા માટે જમીન લીધી. જિંદગી આખી પોતાના માટે તેમણે કોઈ મિલકત ન ખરીદી કે ભેટ ના સ્વીકારી.
દીકરા અમેરિકામાં સ્થાયી થયા. તેઓ અમેરિકા ગયા. અમેરિકી સરકારની પેન્શન યોજના, મેડિકલ સહાય કે સવલતો ન સ્વીકારી. કહે, ‘જે દેશમાં મેં ક્યારેય કર ન ભર્યો હોય, તે દેશના લાભ મેળવવાનો એ દેશની પ્રજાનો હક્ક. એ મને નથી. હું ન સ્વીકારું.’
પોતે ચાલુ નોકરીમાંથી રજા લઈને અમેરિકા ગયા તે પહેલાં સંસ્થામાં રાખેલા એક કર્મચારીને તેમણે સંસ્થામાંથી ઉપાડ પેટે ૩૦૦ રૂપિયા આપેલા. પેલો ભાઈ તેમના પાછા આવતાં પહેલાં નોકરી છોડીને ગયો. પાછા આવ્યા ત્યારે આ જાણ્યું. તેમણે પોતાની નૈતિક જવાબદારી ગણીને સંસ્થામાં પૈસા ભરી દીધા. જે જમાનામાં કોલેજના લેક્ચરને આથી ઓછો માસિક પગાર મળતો ત્યારની વાત.
૧૯૭૬માં વયના કારણે આચાર્ય તરીકે તેમને સરકારી પગાર ના મળે. સંસ્થાએ તેની જરૂર હોવાથી આગ્રહ કરીને રાખ્યા. અઢી વર્ષ તેમણે કામ કર્યું. સંસ્થાએ પોતે તેમને પગાર આપવાનું ઠરાવ્યું હતું, પણ તેમણે પગાર ના જ લીધો. કહે, ‘નિવૃત્તિ પછી પગાર ના લેવાય.’
ખેડા જિલ્લાની સંખ્યાબંધ હાઈસ્કૂલોનું જે તે મંડળો વતી એ સંચાલન કરતા. તેઓ ક્યાંય સરકાર તરફથી કોઈ પણ સંસ્થાને નિયત રકમ કરતાં વધારે મળે તેવા રસ્તા ના શોધતા. જરૂર ના હોય તો સરકારી ગ્રાન્ટ પણ સંસ્થા માટે ના લેતા.
૪૦,૦૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓ તેમની પાસે ભણ્યા. પ્રામાણિકતા, કાર્યનિષ્ઠા, વિવેક એ બધા ગુણોથી સિંચાયા. ડોક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક કે ખેડૂત બન્યા. તે બધાએ સમાજમાં આગવી છાપ ઊભી કરી. વિઠ્ઠલભાઈ જેવા સારા સમાજ ઘડવૈયા હવે દુર્લભ છે! ઋષિ શા વિદ્યાવ્યસંગિનીની ઊણપ વર્તાય છે.