અમેરિકાના ટેનેસી રાજ્યના જોનસન સિટીનો વિસ્તાર ‘બાઈબલ બેલ્ટ’ તરીકે જાણીતો છે. આસપાસના ગામો અને નગરોમાં ખ્રિસ્તી ચર્ચોની વિપુલતા. બે-ચાર બ્લોક પસાર થાય અને એકાદ ચર્ચ દેખાય. પ્રજા પ્રેમાળ અને પરગજુ. નવેનવા આવનાર અજાણ્યાને સદાય મદદ કરવા તત્પર. આવા વિસ્તારમાં હિંદુ ધર્મ વિશે જાણનાર થોડા. ડો. જયંત મહેતા જુદા જુદા ચર્ચમાં પહોંચે. પ્રેમથી હળેમળે. બધા તેમને આવકારે. ડો. મહેતા હિંદુ ધર્મની વાતો કરે. સંબંધ શોધીને શાળાઓનો સંપર્ક કરે, ત્યાં પણ હિંદુ ધર્મની સહિષ્ણુતા, શાંતિ પ્રત્યેનો લગાવ, ઈશ્વરનાં વિવિધ સ્વરૂપોની એકતાની વાતો કરે. એમણે મિત્રો સાથે મળીને ‘રિયાક’ સ્થાપ્યું.
રિયાક એટલે રિજિયોનલ ઈન્ડો-અમેરિકન કોમ્યુનિટી સેન્ટર. આમાં પૂર્વ અને પશ્ચિમના ધર્મો વિશે વક્તાઓને આમંત્રીને પ્રવચન ગોઠવે. પોતે જોનસની સિટી મેડિકલ સેન્ટરમાં ડોક્ટર અને યુનિવર્સિટીમાં મેડિકલમાં એસોસિએટ ડીન. તેમણે યુનિવર્સિટીને સમજાવ્યું, ‘તનના આરોગ્ય માટે પોષક આહાર જોઈએ, મનના આરોગ્ય માટે, આત્માના ખોરાક માટે જ્ઞાન જોઈએ.’ મેડિકલ સેન્ટરે વક્તાઓને માટે ખર્ચની જોગવાઈ કરી. વખત જતાં ‘રિયાક’ પાસે પોતાનું મોટું મંદિર થયું છે.
ધર્મની જેમ સેવાની ભાવનાથી ડો. મહેતા ભરેલા છે. અહીં ‘બાઈબલ બેલ્ટ’માં સજાતીય સંબંધો અને ગે પ્રવૃત્તિ અંગે ખૂબ તિરસ્કાર છે. મેડિકલ સેન્ટરમાં એક દિવસ એઈડ્સનો દર્દી આવ્યો. દર્દીને મોં અને નાકમાં નળી નાંખવાની થતાં, દર્દી ઉલ્ટી કરે તો પોતાના પર પડતાં ચેપના ભયે ડોક્ટરો આઘાપાછા થયા. દર્દીમાં ભગવાનનો અંશ જોતાં ડો. મહેતાએ તરત જ આ કામ કર્યું.
ડો. મહેતા કોઈ પણ ભેદ વિના માનવમાત્રને એક જ ઈશ્વરનાં સંતાન માને છે. આથી તો તેમણે યુનિવર્સિટીને સમજાવીને ગ્રામ્ય વિસ્તારમાં આઠ જેટલાં આરોગ્ય કેન્દ્રો સ્થપાવ્યાં. ભારત હોય કે અમેરિકા ડોક્ટર થઈને યુવકો શહેર તરફ દોટ મૂકતાં હોય છે. ડોક્ટર મહેતાને કારણે યુનિવર્સિટીએ ગામડાં તરફ નજર દોડાવી.
ડો. મહેતા જ્યારે નોકરીમાં જોડાયા ત્યારે સામાન્ય લેક્ચરર હતા, પણ તેમની નિપુણતા, નમ્રતા અને સેવાને લીધે વર્ષો પછી તે એસોસિએટ ડીનના હોદ્દા પર પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓને તે ભેદભાવ વિના ઓફિસ સમય પત્યા પછી પણ મદદ માટે તત્પર રહેતા.
ડો. મહેતા હિંદુ છે, પણ તેમને અંગત રીતે મંદિરો કરતાં આધ્યાત્મિક મિલન કેન્દ્રોમાં વધુ રસ છે. ધર્મ અંગે એમનું ઊંડું અધ્યયન છે. જયંતભાઈનો આ સેવાભાવ એમનો પૈતૃક વારસો છે.
એમના પિતા ભગવાનદાસ, દાદા છોટાલાલ, વડદાદા ગણપતરાય બધા શિક્ષક હતા. ભગવાનદાસ ડાકોરની સંસ્થાન હાઈસ્કૂલમાં માસિક ૧૮ રૂપિયાના પગારે કામ કરે. તે જમાનામાં શાળાઓને સરકારી ગ્રાન્ટ નામમાત્રની મળતી. પરિવાર વધતાં ઘરખર્ચ વધ્યું અને ભગવાનદાસે શાળાના સ્થાપક અને આચાર્ય ગિરજાશંકર પાસે પગારવધારો માંગ્યો. ગિરજાશંકર કહે, ‘હું અંગ્રેજી સાથે બી.એ. થયો છું અને ૨૫ રૂપિયા પગાર લઉં છું. તમને મુશ્કેલી હોય તો હું મારા પગારમાંથી તમને પાંચ રૂપિયા આપીશ.’ ભગવાનદાસે ક્યારેય પગારવધારો ના માગ્યો. ઘરનું કેરોસીન બાળીને, એક પણ પૈસો લીધા વગર તે વિદ્યાર્થીઓના ટ્યુશન વર્ગ ચલાવતા.
સેવાભાવી પિતા ભગવાનદાસ અને માતા સરસ્વતીબહેનના પુત્ર તરીકે ૧૯૪૫માં જયંતભાઈ જન્મ્યા. હંમેશા પ્રથમ નંબર લાવતા. તે વડોદરા કોલેજમાં ઈન્ટરમાં સારા માર્કસને લીધે મેડિકલમાં પ્રવેશપાત્ર થયા. તેમને શિક્ષક થવાની ખૂબ ઈચ્છા હોવાથી મેડિકલમાં જવું ન હતું. ત્યારે સંબંધી એવા પ્રોફેસર ઠાકોરભાઈએ કહ્યું, ‘મેડિકલમાં ભણાવનાર પણ શિક્ષક જ હોય. ડોક્ટર થઈને ડોક્ટરો માટે શિક્ષક બનાય.’ વાત ઠસી ગઈ અને એમ.બી.બી.એસ. થયા. સુરત મેડિકલ કોલેજમાં ટ્યુટર બન્યા. વધુ અભ્યાસ માટે ઈ.સી.એમ.જી.ની પરીક્ષા માટે નૈરોબી ગયા અને નોકરી મળતાં યુગાન્ડાના જિંજામાં એકાદ વર્ષ રહ્યા. ઈદી અમીન સત્તા પર આવતાં ૧૯૭૨માં અમેરિકા આવ્યા. ૧૯૭૭માં જોનસન સિટી આવ્યા. ડોક્ટર અને ડોક્ટરોને ભણાવતા પ્રોફેસર થયા.
ડો. મહેતાનો પરિવાર શિક્ષકોથી ભરેલો છે. જયંતભાઈના ભાઈ કોલેજમાં પ્રોફેસર હતા. બહેન શિક્ષિકા તો નાના ભાઈના પત્ની વડોદરામાં આર્ય કન્યા મહાવિદ્યાલયનાં આચાર્ય હતાં.
ડો. મહેતાની અવલોકનશક્તિ અને અભિવ્યક્તિ ગજબનાં છે. દર્દીઓની મુલાકાતો અને વાતોથી મળેલા સમાજજીવનના પ્રવાહોને તેમણે વાર્તારૂપે સમાજમાં મૂક્યા છે. ‘અશ્રુ ઝરતી આંખો’ અને ‘પાનખરની કૂંપળ’ એવા તેમના વાર્તાસંગ્રહમાં માનવીય વેદના, સદ્ગુણ, પરોપકાર વૃત્તિ અને સ્નેહ છતા થાય છે.
તેમનો કાવ્યસંગ્રહ - ‘કાચની આરપાર’માં માનવીના નાજુક ભાવો, સંવેદના, સ્નેહ, વેદના વગેરે વ્યક્ત થાય છે. તેમના એક કાવ્યની પંક્તિમાં ‘પ્રેમનો દીવડો માનવ હૈયામાં રામ થઈને પ્રગટે દિવાળી.’ એમની સચોટ અભિવ્યક્તિ અને વ્યક્તિત્વ આમાં છતા થાય છે.