૧૯૪૫માં તરવડાના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મનુભાઈ. તેમના સિવાય નવ દીકરા અને એક દીકરી આ પરિવારમાં. નાનપણથી જ ભણવામાં અત્યંત તેજસ્વી. રચનાત્મક કાર્યકર્તાઓ રતુભાઈ અદાણી અને ઈસ્માઈલભાઈ નાગોરીનું આ ગામ. ગામમાં પાટીદારો રાજકોટ ગુરુકૂળના સ્વામીનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધાવાન, તેથી પરિવારમાં કોઈ વ્યસન નહીં. આમાંય મનુભાઈ રાજકોટ ગુરુકૂળમાં દસમા અને અગિયારમા ધોરણમાં રહીને ભણ્યા. ગુરુકૂળ ભણતા હતા ત્યારે ‘જીવન જીવવાની જડીબુટ્ટી’ પુસ્તક વાંચીને ખૂબ પ્રભાવિત થયા. હિંમત અને ઉત્સાહ વધ્યાં. અહીં સેવાભાવના વધી. ગુરુકૂળના સ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસનો પ્રેમ અને વિશ્વાસ પામ્યા. બે વર્ષ કોલેજમાં ભણ્યા પછી વલ્લભ વિદ્યાનગરમાં પોલિટેક્નિકમાં ભણીને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા થયા. આમાં સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવ્યા હતા.
અમેરિકા વધુ અભ્યાસ માટે જતાં પહેલાં શાસ્ત્રી ધર્મજીવનદાસે આશીર્વાદ આપતાં કહ્યું, ‘વહેવારમાં ચોખવટ રાખશો તો સુખી થશો.’
આ જ અરસામાં કરાચીમાં જન્મેલાં અને મુંબઈમાં ઊછરીને બે વર્ષ કોલેજમાં ભણેલાં નિર્મળાબહેન સાથે પરણ્યાં અને પછી માત્ર દસ જ દિવસમાં એકલા અમેરિકા ગયા. નિર્મળાબહેને અમરેલીમાં મકાન ભાડે રાખીને ચાર દિયર અને એક નણંદને બરાબર ત્રણ વર્ષ સાથે રાખીને ભણાવ્યાં.
મનુભાઈ માત્ર આઠ ડોલરની મૂડી લઈને આવેલાં. અજાણી ધરતી પર પૂછીને વાય.એમ.સી.એ.માં પહોંચ્યા. રહેવાના સાડા ચાર ડોલર આપ્યા. ઘેર પત્ર લખવામાં ૫૦ સેન્ટ ખર્ચ્યાં. ટેક્સીના જતાં માત્ર ૭૫ સેન્ટ વધ્યા. ભારતીય કોન્સ્યુલેટ શોધવા જતાં અજાણ્યા એવા ઠાકોરભાઈને પોતાની મુશ્કેલી જણાવતાં તેમણે આઠ ડોલર આપ્યા. જિંદગીમાં ફરી ક્યારેય ઠાકોરભાઈને મળ્યા નહીં. યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન વખતે તદ્દન અજાણ્યા વિદ્યાર્થીઓએ લંચ માટે બોલાવ્યા. એમાંના એકે રૂમ પાર્ટનર થવા કહ્યું. મનુભાઈએ કહ્યું, ‘મારી પાસે પૈસા નથી.’ તો આવે ત્યારે આપજો કહીને તેમને રાખ્યા.
હિંમત હાર્યા વિના મળે તે મજૂરી કરી. સંબંધો થતાં ઊછીના પૈસાથી ત્રણ જ માસમાં તેમણે મિત્ર ચતુર વઘાસિયાને સ્પોન્સર કરીને બોલાવ્યા. સતત પુરુષાર્થ કરીને તેઓએ પ્રગતિ કરી. ૧૯૮૪માં કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં પીસીબીની ફેક્ટરી કરી. પેન્ટડાઈન નામની તેમની કંપનીમાં ભાઈઓ-બહેનો વગેરે કામ કરતા. કેલિફોર્નિયામાં એશિયન મૂળની કંપનીઓમાં તે પ્રથમ નંબરે પહોંચી.
મનુભાઈએ પોતાનાં બધાં ભાઈ-બહેનને અમેરિકા બોલાવ્યાં. આ રીતે તેમણે પરિવારની બોલાવેલી અને તે દ્વારા વધેલી સંખ્યા ૮૦ જેટલી છે. મનુભાઈએ એકસાથે દોઢ વર્ષમાં સાત ભાઈ અને એક બહેનના પરિવારને અમેરિકામાં પોતાની માલિકીના મકાનમાં રહેતા કર્યાં. ૧૯૮૯માં એક જ સાથે બધાં માટે પાંચ ટોયોટા અને ત્રણ મર્સિડીઝ ખરીદી. એક જ રસોડે ૨૨ માણસનો પરિવાર સતત ત્રણ વર્ષ જમ્યો અને એક ઘરમાં રહ્યો.
અમેરિકામાં રાજકોટ ગુરુકૂળની પ્રવૃત્તિ વિકસાવનાર ત્રણ મિત્રો - મનુભાઈ, ચતુરભાઈ અને ધીરુભાઈ. આમાં પાછળના બેને બોલાવનાર મનુભાઈ હતા. સ્વામીનારાયણ સત્સંગ મંડળની સ્થાપક આ ત્રિપુટી હતી. શાસ્ત્રી ધર્મજીવનદાસજીને અમેરિકામાં પ્રથમ વાર બોલાવવામાં મનુભાઈ અગ્રણી હતા.
૧૯૯૯માં તેમણે ન્યુટ્રામેડ નામની હર્બલ મેડિસિન બનાવતી કંપની શરૂ કરી. જુદા વિટામિન્સ અને એન્ઝાઈમનું ઉત્પાદન કરતી ૩૦ હજાર ચોરસ ફૂટના વિશાળ માલિકીના મકાનમાં કામ કરતી ગુજરાતી મૂળની પ્રથમ કંપની હતી. ૨૦૧૩માં તે વેચી દીધી. આ પછી ૨૦૧૭માં ઈન્વા ફાર્મ નામની કંપની કરી, તેમાં ૪૫ માણસ કામ કરે છે. પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય તેવી એલોપથી અને આયુર્વેદિક દવાઓ અને ભાતભાતના કોસ્મેટિક્સનું તે ઉત્પાદન કરે છે.
મનુભાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના રાજકોટ ગુરુકૂળના અગ્રગણ્ય દાતા છે. તેમણે કરોડો રૂપિયાનાં દાન ગુરુકૂળને આપ્યાં છે. વતન તરવડાના ગુરુકૂળમાં તેમણે પાંચ કરોડ રૂપિયા આપ્યા છે. તેઓ બેંગલોર ગુરુકૂળના ટ્રસ્ટી છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજને અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં છાત્રાલય માટે તેમણે દાન આપ્યું છે. કેલિફોર્નિયામાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના એ આરંભક બન્યા હતા અને શરૂમાં સાત વર્ષ પ્રમુખ રહીને મોટા ભાગનું ખર્ચ તેમણે ભોગવ્યું હતું. શ્રમ, સખાવત અને સેવાથી શોભતા મનુભાઈ ગુરુકૂળની પ્રવૃત્તિના પાયાના પથ્થર શા છે.