જમીનદાર એવા શિવાભાઈના દીકરા દીનુભાઈનું લગ્ન ગોઠવાયેલું. સગાં-વ્હાલાનો પથારો. ઘેર અવરજવર થવા લાગી. ગાંધીવાદી વિચારોને વરેલા શિવાભાઈ. રેશનિંગનો જમાનો અને અમુકથી વધારે સંખ્યામાં મહેમાનોને એકસાથે જમાડવાની મનાઈ. આવે વખતે લોકો રસ્તો શોધે. જુદે જુદે ઘરે પોતાના સંબંધીનું જમવાનું ગોઠવે. શિવાભાઈ કાયદાપાલક. આડાતેડા રસ્તા લેવામાં ના માને. જમનારની સંખ્યા વધારે હોય તો પોતે ના જમે. તેથી વધારે હોય તો પત્ની ગંગાબહેનને પણ પતિની સાથે ઉપવાસ કરવાનો. વળી એથીયે સંખ્યા વધે તો લગ્નના ઉમેદવાર દીકરાએ પણ નહીં જમવાનું. નિયમ એટલે નિયમ!
દીકરાનું લગ્ન આવ્યું. લગ્નના દિવસે કાયદા મુજબની જરૂરી વય પૂરી થતી હતી. ગૃહશાંતિ લગ્નના એક દિવસ પહેલાં થાય. પતિ-પત્નીએ વિધિમાં, પૂજામાં સજોડે બેસવું પડે. શિવાભાઈ દીકરાની ઉંમર પૂરી થવામાં હજી દિવસ ખૂટતો હોવાથી બેસવા તૈયાર ના થયા. પત્ની ગંગાબહેને શિવાભાઈનો ફોટો બાજુમાં મૂક્યો અને વિધિ પતાવી.
શિવાભાઈ જે માને તેને વળગી રહે. ૧૮૯૯માં જન્મેલા શિવાભાઈ અમદાવાદ પાસે અસલાલીના જમીનદાર જેઠાભાઈના દીકરા. જેઠાભાઈ રાષ્ટ્રવાદી વિચારને વરેલા. શિવાભાઈ મોતીભાઈ અમીને સ્થાપેલી પેટલાદની બોર્ડિંગમાં કરુણાશંકર મહેતાની પાસે રહીને તે રાષ્ટ્રવાદી વિચાર અને આચારશુદ્ધિ પામેલા. આ પછીથી અમદાવાદમાં ભણીને સારા માર્કસે મેટ્રિક થઈને પૂનામાં એગ્રીકલ્ચર કોલેજમાં ભણીને ૧૯૨૨માં ખેતીવાડીમાં ગ્રેજ્યુએટ થયા. જમીનદારના દીકરા અને વળી ગાંધીજીનો અભિપ્રાય કે સાચું ભારત ગામડામાં વસે છે અને ગામડાં ખેતીપ્રધાન હોવાથી ખેતીનું ભણવા ગયેલા. ભણતા ત્યારે છેલ્લા વર્ષમાં હતા ત્યારે ગાંધીજીએ અસહકારની લડતની હાકલ કરી. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ, અંગ્રેજોની નોકરી અને વિદેશી માલના બહિષ્કારની હાકલ કરી. શિવાભાઈએ ગોરા આચાર્યને મળીને કોલેજ છોડવાની વાત કરી. આચાર્યે કહ્યું, ‘થોડા જ માસ બાકી રહ્યા છે તો પૂરા કરીને પછી દેશસેવા કરતાં તમને કોણ રોકવાનું છે?’ શિવાભાઈને વાત જચી ગઈ અને તેમણે અભ્યાસ પૂરો કર્યો.
શિવાભાઈએ અભ્યાસ પૂરો કર્યો ત્યારે અસહકારની લડત પતી ગઈ હતી. ચૌરીચોરાની ઘટના પછી ગાંધીજીએ પોતાની લડતને હિમાલય જેવી ભૂલ કહીને પાછી ખેંચી લીધી. ત્યારે શિવાભાઈ પોતે જે પામ્યા છે તે જ્ઞાનનો લાભ પ્રજાને સારી રીતે આપી શકાય માનીને ખેતીવાડી ખાતામાં સુરતના સરકારી ફાર્મ પર કૃષિ મદદનીશ બન્યા. પાકોમાં થતાં રોગ અટકાવવા નવાં બિયારણ શોધવા અને વાપરવામાં તેમણે થતાં પ્રયોગોમાં ધ્યાન રાખવાનું હતું. પછી બદલીઓ થતી રહી અને ૧૯૩૭માં કપાસ નિરીક્ષક બન્યા. શિવાભાઈને અહીં મુક્ત રીતે કામ કરવાની તક મળતાં તેમણે પાતળા, લાંબા અને મજબૂત રેસાંવાળાં ‘કલ્યાણ’ કપાસની શોધ કરી. જેણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સમૃદ્ધ કર્યાં. ભરુચમાં હતા ત્યારે તેમણે પરભુભાઈની સાથે ‘દિગ્વિજય’ કપાસની શોધ કરેલી, જે દક્ષિણ ગુજરાતને વધુ માફક આવ્યો. તેથી ખેડૂતો સમૃદ્ધ થયા. પરભુભાઈ સાથે મળીને કપાસની સાંઠીને ઓછું જોર વાપરીને મૂળમાંથી ખેંચી નાંખવાનો ચીપિયો તેમણે શોધ્યો જેથી ખેડૂતોની મહેનત બચી.
શિવાભાઈ સુરત હતા ત્યારે તેમણે કલ્યાણજી મહેતા અને મીઠુબહેન પિટીટની સાથે સંબંધ થતાં એમના સેવાભાવથી અંજાયા. આ પછી જુગતરામ દવેને મળ્યા. તેમની પ્રવૃત્તિથી અને વિચારોથી પ્રભાવિત થઈને તેમને ગુરુ માનેલા. પોતાને મળતા ૪૦૦ રૂપિયાના પગારમાંથી ત્રણસો રૂપિયા તે નિયમિત રીતે જુગતરામ દવેને પહોંચાડતાં અને સો રૂપિયા ઘરખર્ચ પેટે પત્ની ગંગાબહેનને આપતા, તેમાંથી સંતાનોને ય ભણાવવાનાં! સ્વદેશીની લડતથી તે જાડું કાપડ ગજિયું વાપરતા. જુકાકાના પ્રભાવથી ખાદીધારી થયા.
શિવાભાઈ વિરમગામમાં હતા ત્યારે સાણંદમાં વાઈસરોય આવવાના હતા. ખેતીવાડી ખાતાએ વાઈસરોયના માનમાં ખેતીવાડીનું પ્રદર્શન ગોઠવેલું. વાઈસરોય પાસે તેનું ઉદ્ઘાટન કરવાનું ગોઠવેલું. ખેતીવાડી ખાતામાં સિનિયર હોવાથી શિવાભાઈનો હક્ક વાઈસરોયને પ્રદર્શન બતાવવાનો! શિવાભાઈને વાઈસરોય સાથે રહેવાનું હતું. તે જમાનામાં મોટાં મોટાં રાજા-મહારાજઓના મુગટ વાઈસરોયને ચરણે ઝૂકતા. વાઈસરોયના સ્મિતથી તેઓ ધન્યતા અનુભવતા. શિવાભાઈને ઉપરીએ સૂચવ્યું, ‘ખાદીનો વાંધો નથી, પણ ધોતિયાં-ઝભ્ભાને બદલે શર્ટ-પાટલૂન પહેરજો.’ શિવાભાઈએ પોશાકમાં ફેરફાર કર્યા વિના જ ખાદીનો ઝભ્ભો અને ધોતિયું પહેરીને વાઈસરોયને પ્રદર્શન બતાવ્યું.
શિવાભાઈ વાંચનના શોખીન હતા. નવું નવું પામવા-શીખવા એ તત્પર હતા. શિવાભાઈએ કુલ ૧૬ જેટલાં અભ્યાસપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘કપાસશાસ્ત્ર’, ‘ડાંગરશાસ્ત્ર’, ‘શ્વેતક્રાંતિ’ અને ‘એક ડગલું બસ થાય’ તે મુખ્ય છે. ૯૭ વર્ષની વયે શિવાભાઈ ચિરનિંદ્રામાં પોઢ્યા પણ એમની યાદની સુવાસ તાજી છે.