दिव्यमाम्ररसं पीत्वा गर्वं नायाति कोकिलः ।
पीत्वा कर्दमपानीयं मेको रटरटायते ।।
(ભાવાર્થઃ દિવ્ય એવો કેરીનો રસ પીને (પણ) કોયલને ગર્વ થતો નથી, જ્યારે ખાબોચિયાનું ડહોળું પાણી પીને દેડકો સતત ડ્રાઉં ડ્રાઉં કરતો રહે છે.)
સંત તુલસીદાસજીનું કથન અહીં સૌથી પહેલું મુકવું મને ગમશેઃ ‘તુલસી ઇસ સંસાર મેં ભાંતિ ભાંતિ લોગ, સબસે હિલીમીલી ચાલીએ નદી નાવ સંજોગ.’ આ નદી અને નાવના સંજોગની જેમ જ આપણે આ સંસારમાં અલગ અલગ લોકોને મળીએ છીએ, પરંતુ મજા એ વાતની આવે છે કે પ્રત્યેક શરીરમાં અલગ બુદ્ધિ, અલગ સંસ્કાર હોય છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે બાળક નાનપણથી જે વાતાવરણમાં જીવે છે, જે પુસ્તકો વાંચે છે એવું તેનું વર્તન થાય છે. પરંતુ આમાં હજુ બીજા બે તત્ત્વો ઉમેરવા જોઈએ. આ બાળક જ્યારે પુખ્ત બને ત્યારે તે શિક્ષણ મેળવે છે. વળી તેનામાં સારું-નરસું જોવા-સમજવાની અને સ્વીકારવાની શક્તિ વિકસે છે. આથી જ આપણે શિક્ષિત વ્યક્તિ પાસેથી એક ચોક્કસ વ્યવહારની અપેક્ષા રાખીએ છીએ ને!
પરંતુ દુનિયા આપણાં ગણિત કરતાં ઘણી જ જુદી હોય તેવું ક્યારેક આપણે અનુભવીએ છીએ. કેટલાંક મહાપુરુષો કેટલુંય કરવા છતાં મૌન હોય છે. સહજ અને સરળ હોય છે. જ્યારે કેટલાંક લોકો થોડુંક કરે તો પણ ગણાવતા ફરે છે. પોતાની બે-ચાર રચનાઓ ઉપર પોતાને સર્જક કહેનારા કેટલાંય આપણને FB ઉપર જોવા મળશે જ!
ખરેખર તો કંઈક પામનાર વ્યક્તિ જો જ્ઞાની હોય તો તે આંબાની જેમ ઝૂકતી હોય છે. કારણ કે તેની પાસે જ્ઞાનરૂપી આંખો હોય છે, જે તેને સાચી દિશા સૂચવતી હોય છે. જોકે કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ પોતાના થકી જ સર્વ દુનિયા છે એમ માનતા હોય છે. સુભાષિતકાર ઉત્તમ ઉદાહરણ આપીને પોતાની વાત સમજાવે છે કે કોયલ મધુર મધુર આમ્રરસ પીવે છે, પણ તેને એ વાતનો ગર્વ થતો નથી. તેની વાણી હંમેશા માધુર્યપૂર્વ, જાણે કે સૌહાર્દપૂર્ણ હોય છે. જ્યારે દેડકો કે જે ખાબોચિયાનું ડહોળું પાણી પીને રહેતો હોય છે, તે હંમેશા ગળું ફુલાવીને ગર્વભેર ડ્રાઉં ડ્રાઉં કર્યા જ કરે છે. માનવનું પણ આવું નથી? જેની પાસે શિક્ષણ અથવા તો સંસ્કારિતાની આંખોથી નવી જ દૃષ્ટિ આવી છે તે જાણે છે કે પોતાનું કાર્ય તો આ વિરાટ જગતમાં તણખલાં જેટલું છે. અને આથી જ મહાન કાર્ય સાથે જોડાયેલા હોવાં છતાં તે ગર્વ કરતો નથી. જ્યારે અધૂરો ઘડો જલદીથી છલકાઈ જાય છે.
તાજેતરમાં પૂ. મોરારીબાપુ વૃંદાવન કથા માટે બદનામ ગલીમાં આમંત્રણ આપવા ગયા. કેટલું મોટું અને સામાજિક અસર ઉભી કરતું પગલું! અને છતાં મોરારીબાપુ તો એ જ નમ્રતા ધરી રાખી છે! જ્યારે ક્યાંક ક્યાંક પોતાને ધર્મગુરુ જ નહીં, પણ ભગવાનનો અવતાર ગણાવતા ધર્માત્માઓ અવારનવાર અખબારોના પાને ચમક્યા જ કરે છે ને! ચૂપચાપ કેટલુંય દાન કરતા દાતાઓ જાહેરમાં પોતાની ઓળખ આપતા નથી તો બીજી તરફ ચપટિક દાન કરીને પોતાના નામની તકતી આગળ ઉભા રહી ફોટો પડાવનારની પણ ક્યાં ખોટ છે? મૂળ તફાવત સમજણની આંખ ખૂલવાનો છે. જેની પાસે જીવન જીવવા માટે સમજવાની આંખો ખૂલી છે તેઓ કોઈ પણ પ્રયત્નો વગર કોયલનું અનુકરણ કરતા હોય છે. અન્યથા દેડકાઓનો અવાજ વાતાવરણને ભરી દેત, પરંતુ એવું થતું નથી. માનવે હજુ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ છોડ્યો નથી જ.