સમય ન વેડફો

સર્વકાલીન

ડો. રીતા ત્રિવેદી Sunday 06th January 2019 07:44 EST
 

कालो वृथा न हातव्यः कर्तव्यं कर्म सर्वथा ।
पिपीलोडपि शिखरमद्रेरारोहते शनैः ।।

(ભાવાર્થઃ સમયને ફોગટ વેડફવો નહીં, બધી રીતે કામ કર્યા કરવું. કીડી પણ ધીમે ધીમે પર્વતની ટોચ ઉપર ચડી જાય છે.)

કેટલાંક પ્રાકૃતિક દૃશ્યો, કેટલાંક ચિત્રો, કેટલીક કૃતિઓ, કેટલીક મૂર્તિઓ એવા અદભૂત હોય છે કે આપણે બોલી ઉઠીએ છીએઃ વાહ! અથવા તો અવાક બનીને ઉભા રહી જઈએ છીએ. થોડામાં ઘણું પીરસનારા આપણાં સુભાષિતકારોની કમાલ પણ આવી છે. ઉપરનું સુભાષિત જ જુઓને! લાગે ફક્ત બે જ પંક્તિનું! પણ તમે લખવા બેસો તો દસ પાના ભરાઈ જાય! સુભાષિતકારની એક વાત સાથે તમારે જ નહીં, સહુકોઇએ સંમત થવું પડે.
સુભાષિતકાર કહે છે કે સમયને વેડફવો જોઈએ નહીં, પણ સતત કર્મ કરતા રહેવું જોઈએ. સમય અમૂલ્ય છે. વૈજ્ઞાનિકો જ્યારે વહી ગયેલાં સમયમાં પુનઃ પ્રવેશી શકાય તેવા સંશોધનો કરશે ત્યારે માનવમાત્ર પ્રત્યેક પળને કર્મથી ભરી દેવાનો છે કારણ કે ત્યારે તે સમયની કિંમત બરોબર જાણી ગયો હશે.
માનવ ખરેખર તો મનનો ગુલામ છે. મનનાં ગમા-અણગમાનો ગુલામ છે. તેને ગમતી વાતનો ગુલાલ કરવાનું વધુ પ્રિય છે કારણ કે તેનાથી તેને આનંદ પ્રાપ્ત થાય છે. જોકે સિક્કાની બે બાજુ હોય છે તેમ ગમતું પ્રાપ્ત થયાનો વિષાદ પણ હોય જ ને! જોકે ક્યારેક માનવ પરિસ્થિતિ સામે લાચાર બની જતો હોય છે. કિંકર્તવ્યમૂઢ બની જતો હોય છે. આવા સમયે માનવે હિંમત ન ગુમાવીને યથાશક્તિ - યથામતિ કાર્ય કરતા રહેવું જોઈએ. આ વાત થઈ એ સ્થિતિની જ્યાં પહાડ જેવા વિઘ્નો આગળ માનવ લાચાર થઈને ઉભો હોય ને સમય વહી જતો હોય.
પણ સુભાષિતકારને ચિંતા છે એ માનવોની જે નિરર્થક જ સમય બરબાદ કરે છે. ભર્તૃહરિ કહે છે તેમ મિથ્યા કલહ અને કુથલીમાં. આવા માનવો માટે સુભાષિતકાર કહે છે કે સમય વેડફવા કરતા કીડીની જેમ સતત પ્રવૃત્ત રહેવું જોઈએ. પ્રવૃત્તિ માણસને ગતિ આપે છે, મતિ આપે છે, દિશા આપે છે. સુખ આપે છે અને છેલ્લે ઉચ્ચસ્થ કરે છે. ને અધુરું તો ક્યાં કશુંય છે જ? કુદરતે તો નિયમ આપ્યો છે કે, ‘કામ કરે એ જીતે રે માનવ કામ કરે ઈ જીતે’ અને ઉદાહરણ કેવું સરસ આપે છે? સાવ નાનકડી કીડી અને ચડવાનો પહાડ! આવડો મોટો પુરુષાર્થ કેવી રીતે થઈ શકે? પણ કીડી ધીરે ધીરે કરીને પહાડ ચડી શકે છે, ભલે ને અટકતી કે સરકતી! તેમ માનવ પણ સમય વેડફ્યા વગર કાર્ય કરતો રહે તો તે ચોક્કસ જ પહાડ જેવડી અઘરી સ્થિતિને પણ ઓળંગી જાય.
ખરેખર તો માનવ દૃઢ મનથી નિર્ધાર કરે કે અમે અમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી ને જ રહીશું, તો વાંધો નથી. પરંતુ આ દૃઢ નિર્ધારને ગમા-અણગમાની બ્રેક લાગ્યા કરે છે. પરિણામે તે કરવું કે ન કરવુંની સ્થિતિમાં લોલકની જેમ ઝૂલ્યા કરે છે, અને પછી સમય વેડફાય છે. માટે જ પહેલું પગથિયું છે દૃઢ નિર્ધારણનું કે કામ તો કરવું જ, વ્યર્થ સમય ગુમાવવો નથી. જ્યારે આ નિર્ધાર થાય ત્યારે પછી ગમા-અણગમાની બ્રેક લાગતી નથી અને પહાડ ચડી જવાય છે. સાચું જ કહેવાયું છે કે मनः एव मनुष्याणां कारणं बन्धन मोक्षयोः।


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter