સરદાર પટેલ અને પંડિત નેહરુ સંબંધો: સાથે કે સામે?

- ડો. વિદ્યુત જોષી Wednesday 24th October 2018 06:58 EDT
 
 

સ્વતંત્ર ભારતના ઘડતરમાં જો કોઈ બે વ્યક્તિઓનું પાયાનું પ્રદાન હોય તો તે પ્રધાનમંત્રી પંડિત નેહરુ અને નાયબ પ્રધાનમંત્રી સરદાર પટેલનું કહી શકાય. નેહરુ એક સ્વપ્નદૃષ્ટા હતા અને ભારતનું પાયાનું માળખું તેમણે આપ્યું હતું.
બિન-જોડાણવાદ, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંસ્થાઓનો વિકાસ, પાયાના ભારે ઉદ્યોગોની શરૂઆત, આઈઆઈટી, આઇઆઇએમ, કૃષિ વિકાસ માટે મોટા બંધો (આધુનિક ભારતનાં મંદિરો), વિકાસનું કેન્દ્રીય આયોજન, અણુશક્તિ માટે અણુપંચ, અવકાશી વિકાસ માટે ‘ઈસરો’, વિરોધ પક્ષોને મહત્વ વગેરે બાબતો નેહરુનું પાયાનું પ્રદાન કહી શકાય. તો સામે મજબૂત કોંગ્રેસ પક્ષ, મજબૂત પાયાની સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, બંધારણનું માળખું (સરદાર બંધારણની લઘુમતી સલાહકાર સમિતિ સહિતની સમિતિઓના અધ્યક્ષ હતા.), ૫૬૩ દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ, સનદી સેવાઓનું નવું ઘડતર, વિનીત અર્થકારણને મદદ વગેરે બાબતોને સરદારનું પાયાનું પ્રદાન કહી શકાય.
બન્ને ટોચના નેતાઓએ સાથે ૩૦ વર્ષ કામ કર્યું. એવું નહોતું કે તેમની વચ્ચે વૈચારિક મતભેદો નહોતા. એવું પણ નહોતું કે બન્ને વચ્ચે સ્પર્ધા નહોતી, પરંતુ બહુ કપરા કાળમાં રાષ્ટ્રને ઘડવાની મજિયારી જવાબદારીથી બંને બરાબર વાકેફ હતા. જો તેમની સ્પર્ધા એવું જાહેર અને વરવું સ્વરૂપ લે કે બહુ નાજુક સમયમાં જ રાષ્ટ્રને નુકસાન થાય તે પોસાય તેમ નહોતું. પરંતુ આ મતભેદો કે સ્પર્ધા ક્યારેય જાહેરમાં ભૂંડી રીતે બહાર નથી આવ્યા કે કોઈ એક નેતાએ બીજા વિરુદ્ધ નિવેદન નથી આપ્યું. આમ હોવા છતાં પાપારાઝીઓએ અનેક વાતો તેમના બંનેના મતભેદો અને સરદારને અન્યાયની શોધી કાઢી છે. આ વાતો ૧૯૬૯થી સ્વતંત્ર પક્ષની રચના પછી ખાસ કરીને બહાર આવવા લાગી.
સર્વપ્રથમ વાત પ્રધાનમંત્રી બનવા માટે સરદાર પાસે બહુમતી હોવા છતાં ગાંધીજીએ નેહરુની તરફેણ કરી અને બંનેએ સાથે મળીને સરદારને છેહ દીધો, તેવી વાત આજે ઘણા લોકો કરે છે. લોકો એમ પણ કહે છે કે જો સરદાર પ્રધાનમંત્રી હોત તો કાશ્મીરનો પ્રશ્ન ઉકેલાઈ ગયો હોત. આ બાબતે સરદારનો એક પત્ર જ કાફી છે. નેહરુની ૬૦મી વર્ષગાંઠ સમયે પ્રકાશિત એક સુવેનિયરમાં સરદારનો આ પત્ર છપાયો છે. સરદાર કહે છે, ‘જયારે ભારત સામે અનેક સવાલો હતા ત્યારે સ્વતંત્ર ભારતના સુકાની બનવું તે તેમને (નેહરુને) માટે યોગ્ય જ હતું. આ વાત મારા સિવાય કોઈ અન્ય વધુ સારી રીતે નથી જાણતું. છેલ્લાં બે વર્ષમાં તેમણે જે મહેનત અને રાષ્ટ્રની ચિંતા કરી છે તેના કારણે તેઓ અકાળ વૃદ્ધ થયા છે. અલબત્ત, તેમના વિચારોમાં જે ઊંડાણ છે તે પચાવવું ક્યારેક અઘરું પડે છે... આમ હોવાથી ભારતના સ્વાતંત્ર્યના ઉજાસના સમયે તેઓ ભારતનું નેતૃત્વ કરે તે યોગ્ય જ હતું.’
સરદાર સારી રીતે જાણતા હતા કે પોતે સંગઠનના માણસ છે, જયારે જવાહર આયોજન થકી ભારતની ગરીબી દૂર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આને જરા સરખાવીએ. કોંગ્રેસની વર્ષ ૨૦૦૪ની જીત સમયે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને સમગ્ર કોંગ્રેસે પ્રધાનમંત્રી બનવા આગ્રહ કર્યો, જે તેમણે નકારી કાઢ્યો અને ડો. મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવ્યા. જો સોનિયા પ્રધાનમંત્રી બન્યાં હોત તો સંગઠન વધુ સારી રીતે ચાલ્યું હોત,
પરંતુ અર્થકારણમાં તેઓ એટલાં કાર્યક્ષમ ન પણ રહ્યાં હોત.
કેટલાક લોકો એમ પણ કહે છે કે જો સરદાર પ્રધાનમંત્રી હોત તો કાશ્મીર પ્રશ્ન સહેલાઈથી ઉકેલાઈ ગયો હોત. આ વાત જો અને તોની છે. પરંતુ કાશ્મીરમાં લશ્કર મોકલવાની વાત તો ગૃહ મંત્રી તરીકે તેમની પાસે જ હતી અને જે તેમણે કર્યું હતું. આ સવાલ સરદાર કે નેહરુનો નહોતો, પરંતુ કાશ્મીરના વ્યૂહાત્મક સ્થાનનો છે. અત્યારે બંને નથી, છતાં કાશ્મીરનો પ્રશ્ન હજી ઉકેલી શકાયો નથી.
એવું નહોતું કે બન્ને મહાન નેતાઓ વચ્ચે મતભેદો અને શૈલીભેદો નહોતા. નેહરુ ઉચ્ચવર્ગીય, ભદ્ર, ગગનવિહારી, વૈજ્ઞાનિક અભિગમમાં માનનાર, શહેરી, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, શોખીન, લેખક અને કરિશ્માઈ નેતૃત્વ શૈલી ધરાવતા હતા. તો સરદાર ગ્રામીણ, ધરાતલની વાસ્તવિકતા સાથે પનારો પાડનાર, કુશળ સંગઠક, સફળ વ્યૂહરચનાકાર, ઉદારવાદી અને રાષ્ટ્રવાદી હતા. આ તફાવત અવશ્ય મતભેદો પેદા કરે. પરંતુ બંને વચ્ચેના મતભેદો મનભેદમાં ફેરવાયા નહોતા.
એક પત્રમાં સરદાર નેહરુ વિશે લખે છે, ‘જવાહરલાલ અને હું કોંગ્રેસની કારોબારીના સભ્યો, સ્વાતંત્ર્ય લડતના સેનાનીઓ, ગાંધીના અનુયાયીઓ છીએ. આજે ગાંધી વિના અમારે સાથે મળીને સમસ્યાઓ સામે લડવાનું છે. અમે એકબીજાને નજીકથી ઓળખીએ છીએ, સમય જતાં પરસ્પરનો પ્રેમ વધ્યો છે. અમે બન્ને ન મળીએ ત્યારે અમને એકબીજાની કેટલી ખોટ સાલે છે, તે કળવું બીજા માટે મુશ્કેલ છે. રાષ્ટ્રના પ્રશ્નો ઉકેલવામાં પરસ્પરની કેટલી મદદ લઈએ છીએ તે કળાવું પણ બીજા માટે મુશ્કેલ છે.’ સરદાર શબ્દો વેડફવામાં કે અસત્ય ઉચ્ચારણમાં નહોતા માનતા. તેમણે જે લખ્યું છે તેને માનવું અને નેહરુ-સરદાર મતભેદ-મનભેદ વિશે અન્યો જે કહે તે ના માનવું તેમાં જ ડહાપણ છે.
એક બીજી વાત પણ કહેવામાં આવે છે કે નેહરુને સરદાર નહોતા ગમતા માટે તેમને ભારતમાં સરદારનું કોઈ સ્મારક કે સ્મૃતિ બનાવવા ન દીધી. મને કહેવા દો કે દિલ્હીમાં સરદાર પટેલ કોલોની, સરદાર પટેલ સ્કૂલ તેમજ સરદાર પટેલ ફાઉન્ડેશન બન્યાં છે. અલબત્ત, સરદાર પટેલે પોતાના સ્મારકની ના પડી હતી. ગુજરાતમાં નર્મદા યોજનાને સરદાર સરોવર નામ નેહરુની સંમતિ પછી જ અપાયું હતું. પહેલાં આ યોજનાનું નામ ભરૂચ યોજના હતું, જે નેહરુએ ૧૯૬૧માં શિલાન્યાસ કર્યો ત્યારે સરદાર સરોવર રખાયું. નેહરુ વિદ્યાનગર આવ્યા હતા અને અમુલ ડેરીમાં તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીમાં તેમણે સરદારને આદરથી યાદ કર્યા હતા. અમુલ અથવા તો સહકારી દૂધ ડેરી સરદારની જ પ્રેરણાથી શક્ય બની, જેને નેહરુએ પછીથી રાષ્ટ્રીય સ્તરે એનડીડીબી તરીકે વિકસાવી. તો સરદાર પટેલ યુનિવર્સિટી સરદાર પટેલનું જ પ્રદાન અને સ્મારક ગણી શકાય. આ ઉપરાંત દેશમાં સરદારનાં અનેક સ્મારકો, રસ્તાઓ કે સોસાયટીઓનાં નામાભિકરણ વગેરે છે.
સરદાર અને નેહરુ વચ્ચે હિંદુ - મુસ્લિમ સમસ્યા પરત્વે તીવ્ર મતભેદ હતો અને સરદાર હિંદુતરફી હતા તથા નેહરુ સેક્યુલર હતા, તેવું અવારનવાર કહેવાયું છે. દિલ્હીનાં તોફાનોમાં તેમની ભૂમિકા વિશે પણ ઘણું અનાપશનાપ લખાયું છે. પરંતુ જાન્યુઆરી ૧૯૪૮માં મુંબઈ નગરપાલિકામાં વ્યાખ્યાન આપતાં સરદાર કહે છે, ‘કેટલાક લોકો મુસલમાનોને હાંકી કાઢવાની વાત કરે છે. આવા લોકો ગાંડા છે’. આ ઉપરાંત ૫ જૂન ૧૯૪૭ના રોજ બિરલાના એક પત્રનો જવાબ આપતાં સરદાર લખે છે, ‘I do not think it will be possible to consider Hindustan as a Hindu state with Hinduism as a state religion....There are other minorities whose protection is our primary responsibility". કરમસદના સરદાર સ્મારકમાં વ્યાખ્યાન આપતા જયારે મેં આ ઉલ્લેખ કર્યો ત્યારે આણંદના એક મુસ્લિમ કાઉન્સિલર ગુજરાતીએ જાહેરમાં કહ્યું હતું કે મારા પિતાને સરદારે દિલ્હી રમખાણો સમયે બચાવ્યા
હતા. આવા અનેક દાખલાઓ છે, જે નજરઅંદાજ કરાય છે.
આ બન્ને દિગ્ગજ નેતાઓ વચ્ચે રાજકીય સ્પર્ધા હતી અને તે બહુ જાણીતી વાત છે. પરંતુ નેહરુ સરકારમાં અને સરદાર સંગઠનમાં સુપ્રીમ નેતા હતા, તે વાત બન્ને એ સ્વીકારી લીધી હતી. નેહરુ જયારે કોંગ્રેસ સંગઠનમાં સરદારની ઈચ્છા વિરુદ્ધ કાંઈ કરવા જતા ત્યારે સરદાર તેમને જાહેરમાં પછડાટ આપતા. પુરુષોત્તમદાસ ટંડનની કોંગ્રેસ પ્રમુખ તરીકેની ચૂંટણી આવો પ્રસંગ છે.
સરદારે ટંડનને ઊભા રાખ્યા, તો સામે નેહરુએ આચાર્ય કૃપાલાનીને ઊભા રાખ્યા. ટંડનને ૧૩૦૬ મતો મળ્યા, જયારે કૃપાલાનીને ૧૦૯૨ મત મળ્યા. ટંડનને બિહારમાંથી બહુ ઓછા માટે મળ્યા, જયારે કૃપાલાનીને ગુજરાતમાંથી એક પણ મત ન મળ્યો. જોકે કૃપાલાનીએ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક (વાઈસ ચાન્સેલર) તરીકે ખૂબ જ સારું કામ કર્યું હતું. સંગઠન પર સરદારની આ પકડ હતી, જે નેહરુ અને અન્ય નેતાઓએ સ્વીકારવી પડી હતી.
ભારતના બંધારણના ઘડતરમાં નેહરુએ ભૂમિકા ભજવી હતી અને સરદારને ઉપેક્ષિત કરાયા હતા, તેવી વાતો પણ કરવામાં આવે છે. વાસ્તવ એ છે કે સરદાર બંધારણની લઘુમતી સલાહકાર સમિતિના અધ્યક્ષ હતા, ભારતનું બંધારણ નેહરુ, સરદાર, રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના આઝાદ, ડો. આંબેડકર અને ક.મા. મુનશીની એકમતીથી ઘડાયું હતું. ઇતિહાસમાં સવાલો અર્થઘટનના હોય છે. પાયાની બાબત જ એ છે કે બન્ને દિગ્ગજ નેતાઓ ગાંધીના નજીકના સાથીદારો હતા, બન્ને સ્વરાજની લડત સાથે લડ્યા હતા, બન્ને જાણતા હતા કે સ્વતંત્ર ભારતના નિર્માણનું કામ અત્યંત કપરું છે, જે ટિમ-સ્પિરિટ માંગી લે છે. આવે સમયે આટલી ઉચ્ચ કક્ષાના નેતાઓ પોતાના મતભેદોને મનભેદ ન બનવા દે, તે કોઈ પણ હકીકતો જાણ્યા વિના પણ સમજી શકાય તેમ છે.
(લેખક ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter