धनमस्ति वाणिज्यं किंचिदस्तीति कर्षणम् ।
सेवा न किंचिदस्तीति भिक्षा नैव च नैव च ।।
(ભાવાર્થઃ જો ધન હોય તો વેપાર કરવો. જો ધન થોડું હોય તો ખેતી કરવી અને જો કાંઈ પણ ન હોય તો નોકરી કરવી, પરંતુ ભીખ તો ન જ માગવી.)
ભારતની કાલજયી, યુગવિજયી સંસ્કૃતિનું રહસ્ય શું? તો જવાબ છે વેદસાહિત્ય. પણ કમાલ તો જુઓ! યુગોનો આ જ્ઞાનરૂપી હિમાલય ટીપે ટીપે દ્રવતો રહ્યો જે છેવટે સુભાષિતરૂપ તો બન્યા જ, પણ ત્યાં પણ ન અટક્યા ને ડોશીકથા તરીકે ઘર-ઘરમાં વડીલોની જીભે સ્થાન પામ્યા. કેટલાં બધા વિદેશી આક્રમણો! કેવો ભયાનક અંધારયુગ! અને છતાં આ દેશનો આમ આદમી પોતાના જીવનસત્યોને ન ત્યજી શક્યો, ન ભૂલી શક્યો. તેનું કારણ એ છે કે આ સત્યો સુભાષિતો બનીને કુટુંબના વડીલોના મુખે વસેલાં હતાં ને ત્યાંથી સીધુ નવી પેઢી તેનું અમૃતપાન કરતી રહી છે.
માનવજીવનમાં ધનની અનિવાર્યતા તો છે જ! પણ તે વધે તે માટે શું કરી શકાય? ઓહોહો! બેન્ક આટલી બધી લોન આપે છે..! ચાલો ધંધો કરીએ! એમ વિચારનાર સફળ થતો નથી, પણ એ બેન્ક લોન કેમ ભરાય તેનું આયોજન કરનાર સફળ બને છે. આ સુભાષિત પરિસ્થિતિવશ શું શું કરી શકાય તેની સુંદર વાત કાલાનુસાર કહે છે. પ્રાચીન કાળમાં આજીવિકાના ત્રણ સાધન હતાં - વેપાર, ખેતી અને નોકરી. આ ત્રણમાંથી પોતાની સ્થિતિ અનુસાર કંઈ પણ કરી શકાય, પણ ભીખ તો ન જ માગી શકાય. ભીખ માગવી એ માનવનું સ્વમાન કે માનવની ઓળખનું હનનમાત્ર છે. માનવનું એ ગૌરવ છે કે તે દેવને પણ કહી દે છે.
આપ્યા બે હાથ ને ત્રીજું માથું,
જા હવે બીજું નથી માગવું...
પણ ખૂબીની વાત એ છે કે આજે પણ તમે ભારતનાં ખૂબ અંતરિયાળ ગામમાં જાવ તો મેલોઘેલો, અર્ધ-ઉઘાડો ગ્રામવાસી તમને રોટલો જમવાનું પૂછશે, તમે કહેશો કે પૈસા? તો ના પાડશે. આઝાદી પહેલાની ગરીબાઈમાં પણ ભારતવાસી આ જ ખુમારીથી જીવ્યો હતો તેમ ઇતિહાસ કહે છે. હા, એ પણ સાચું છે કે આકાશમાં બધા વાદળો એક રંગના ન જ હોય, પણ સામાન્ય સત્ય તો આ જ કે ભીખ ન જ માંગી શકાય.
આ નાનકડી વાતથી સુભાષિતકાર એક બાજુથી ધર્મકથન કરે છે તો બીજી બાજુથી માનવમાત્રમાં રહેલા સત્વને ઢંઢોળે છે, અને તેને કર્મયુદ્ધ માટે પ્રેરે છે. આવા કેટલાંય સુભાષિતોનું અમીપાન ઘરમાં નાનીમા મારફત કરીને જ આપણી કેટલીય પેઢીઓ ઉછરી, જેણે વેદો વાંચ્યા ન હતાં, પણ વેદોના આચારથી પરિચિત હતાં, ને તે પ્રમાણે જ જીવ્યા. પછી ભારતીય સંસ્કૃતિ ક્યાંથી તૂટે?