૧૯૬૪માં મુંબઈમાં કાપડના વેપારી એવા પુરુષોત્તમ ભોવન શાહનો અઢાર વર્ષનો પુત્ર, પિતા પાસેથી માત્ર ૧૫૦૦ ડોલર લઈને અમેરિકા આવ્યો. અમેરિકામાં આવ્યો ત્યારે માત્ર ઈન્ટરસાયન્સ થયેલા આ યુવકે ભણતાં ભણતાં પ્રગતિ કરીને મેળવેલી સિદ્ધિ પ્રેરક છે. ૨૦૦૬થી ૨૦૧૭ સુધી તે યુનાઈટેડ વે નામની આંતરરાષ્ટ્રીય જનહિત દાતા સંસ્થામાં મુખ્ય દાતા હસુભાઈ શાહ, તે આ યુવક. મુખ્ય દાતાનું દાન દસ લાખ ડોલરથી ઓછું નથી હોતું. દરેક વર્ષે મુખ્ય દાતા તરીકે ટકવું અઘરું છે.
સ્વામી ચિદાનંદ સરસ્વતીએ એન્સાયક્લોપિડિયા ઓફ હિંદુઈઝમની યોજના કરી. આ માટે ટ્રસ્ટ રચ્યું. આરંભથી જ હસુભાઈ તેના પ્રમુખ છે. અત્યાર સુધી આના ૧૮ મહાગ્રંથ પ્રગટ થયા છે અને તેનું ખર્ચ ૫૦ લાખ ડોલર થયું છે. આ માટે દેશ-પરદેશમાંથી મોટી રકમનું ફંડ ઉઘરાવાયું. એનું આયોજન કરવામાં હસુભાઈ મોખરે હતા. હસુભાઈનું સ્વપ્ન હજી અધૂરું છે. તે ઈચ્છે છે કે આ ગ્રંથોનો પ્રાદેશિક ભાષામાં અનુવાદ થાય તો વધુ લોકભોગ્ય બને.
વડોદરા નજીક વાઘોડિયા રોડ પર મહાપ્રભુજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ કાર્યરત છે. હસુભાઈ દર વર્ષે ભારત જાય ત્યારે હોસ્પિટલની મુલાકાત લે અને તેની જરૂરિયાત મુજબની રકમ આપે. અત્યાર સુધીમાં લાખો રૂપિયા તેમણે વિના તક્તિએ આપ્યા છે. તેઓ માને છે કે ઠાકોરજી આ પ્રેરે છે અને હું કરું છું. એમાં કર્યાંના ડિમડિમ ના પીટાય.
રમેશભાઈ ઓઝા પ્રત્યે તેમને પરમ શ્રદ્ધા છે. તેમના વ્યાસાસને યોજાયેલી સિયાટેલથી અલાસ્કાની ક્રૂઝ કથાને તેઓ સ્પોન્સરર હતા.
૨૦૦૨માં શ્રીકૃષ્ણ ફાઉન્ડેશન સ્થાપીને તેમણે તે મારફતે ભગવાન રાજી રહે તેવાં કાર્ય કરવાનું શરૂ કર્યું. આમાં એક સંકલ્પ હતો નેત્રયજ્ઞો મારફત ૧૦ લાખ જેટલી વ્યક્તિઓનો અંધાપો દૂર કરવો. અત્યાર સુધીમાં ૭૦,૦૦૦ જેટલી વ્યક્તિઓને તે લાભ પહોંચ્યો છે. સંકલ્પની સંખ્યા ત્વરિત પૂરી કરવા તેઓ સતત યત્નશીલ રહે છે. હસુભાઈ અને હર્ષાબહેન બંને એકબીજાને પૂરક બનીને, સંવાદિતાપૂર્વક સારસ બેલડીની જેમ જીવે છે.
બંનેનો પરિવાર વૈષ્ણવ. બંનેએ પરસ્પર પરિચયે અનુભવ્યું કે એકબીજા વિના બંને અધૂરાં છે. આવા વખતે હસુભાઈને અમેરિકા આવવાનું થતાં, ઉદાસ હર્ષાબહેનને કહ્યું, ‘હું પાછો આવીને તને પરણીશ. ચિંતા ના કરતી.’ હર્ષાબહેનને મા-બાપ મૂરતિયા બતાવવા લાગ્યાં અને હર્ષાબહેન ટાળતાં રહ્યાં. અંતે ૧૯૬૭માં હસુભાઈ આવીને હર્ષાબહેનને પરણીને અમેરિકા લઈ ગયા. હસુભાઈ અને હર્ષાબહેન બંનેએ નોકરી સાથે અભ્યાસ કર્યો. હર્ષાબહેને માઈક્રો બાયોલોજીમાં ડિગ્રી મેળવી. હસુભાઈ એમબીએ થયા.
વખત જતાં મોટેલ વ્યવસાયમાં ઝંપલાવ્યું. સફળ થયા. ભાગીદારોના રોકાણ સ્વીકાર્યાં. પારદર્શક અને પ્રામાણિક વહીવટથી ભાગીદારો વધતાં હર્ષા હોસ્પિટાલિટીને પબ્લિક કંપનીમાં ફેરવી તેની ઈક્વિટી એક બિલિયન ડોલરથી વધારે રકમની છે. આજે હર્ષા હોસ્પિટાલિટીમાં ૧૦,૦૦૦ રૂમો છે. સારી ફ્રેંચાઈઝ કંપનીઓની મોટેલો છે. એના શેરહોલ્ડર્સને સારું વળતર મળે છે અને ઈક્વિટી વધતી જાય છે.
હસુભાઈની બીજી કંપની છે હર્ષા હોસ્પિટાલિટી મેનેજમેન્ટ. આમાં ૬૦૦૦ જેટલી વ્યક્તિઓને રોજી મળે છે. હર્ષા હોસ્પિટાલિટી કંપનીની મોટેલોનો વહીવટ આ કંપની કરે છે. વધારામાં પોતાના ધંધામાંથી નચિંત બનીને, નફો પામવા ઈચ્છતા કેટલાય મોટેલ માલિકોએ આ કંપનીને મેનેજમેન્ટ સોંપ્યું છે. જેમાં ડેટોના બીચની ૮૬૦ રૂમની હિલ્ટન હોટેલનું ય તે સંચાલન કરે છે. આ વ્યવસાયમાં અમેરિકામાં આ કંપની પાંચમા નંબરની મોટી કંપની છે. એમબીએ થયેલો પુત્ર નીલ આનો પ્રેસિડેન્ટ છે. મોટો પુત્ર જય લો કર્યા પછી રિઅલ એસ્ટેટ કંપનીનો પ્રેસિડેન્ટ છે. નીલ હાર્વર્ડમાં ભણતો ત્યારે તેણે પિતાને ફરીથી હાર્વર્ડમાંથી એમબીએ કરવા પ્રેર્યા અને હસુભાઈ ફરીથી ૫૫ વર્ષની વયે એમબીએ થયા.
હેરિસબર્ગમાં હરિમંદિર કરવામાં તેમણે આગેવાની લીધી અને આજે આ હરિમંદિરમાં શનિ-રવિના દિવસે ૫૦૦થી ૭૦૦ દર્શનાર્થીઓ આવે છે. ૧૯૮૯થી તેઓ તેના ટ્રસ્ટી છે. સમગ્ર અમેરિકામાં હિંદુઓના બનારસ જેવું સ્થાન ધરાવતું ૨૫૦ એકર જમીન ધરાવતું સૌથી મોટું મંદિર પેન્સિલવેનિયામાં શરૂ કરવામાં હસુભાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. હવેલી પ્રકારનું તે મંદિર પુષ્ટિમાર્ગી વૈષ્ણવોનું સૌથી મોટું મંદિર છે. તેને હવેલીરૂપ આપવામાં જ્યારે સમય અને પૈસા ખર્ચે તેવા પ્રમુખની જરૂર હતી ત્યારે ૧૯૯૫થી ૨૦૦૩ સુધી તેના પ્રમુખ રહ્યા. ૮૦ લાખ ડોલરના ખર્ચે નવી હવેલી તે સમયમાં થઈ. હસુભાઈ હજુ ટ્રસ્ટી છે. તેઓ હોદ્દા ભૂખ્યા નથી.
ઈંદિરા બેટીજીના ટ્રસ્ટમાં વિના ટ્રસ્ટી બન્યે તેઓ સક્રિય છે. હેરિસબર્ગ ચેમ્બર ઓફ કોમર્સમાં પાંચ વર્ષ કારોબારી સભ્ય હતા. આવી જ રીતે રોટરી ક્લબમાં પણ કેટલાંક વર્ષો સક્રિય રહ્યા.
હસુભાઈના અમેરિકામાં જન્મેલા પુત્રોના પરિવારમાં પણ ભારતીયતા ટકી છે. પ્રચારમાં પાછા પણ સખાવતમાં શિરમોર, નિરાભિમાની હસુભાઈ ભક્તિ અને સત્સંગથી ભર્યાભર્યા રહે છે.