નવયુવક મયૂર પટેલ નોકરીની આશાએ પિતરાઈ ભાઈને ત્યાં આણંદથી આવીને નૈરોબી રહેલો. નોકરી ન હતી તેથી નજીકના બીએપીએસ મંદિરની સભામાં નિયમિત જાય. મંદિરની નજીક વસતા સત્સંગી ધનજીકાકા સેવાભાવે રોજ મંદિર ખોલે, બંધ કરે અને સેવા-પૂજા કરે. ઘડપણને કારણે તેમને કોઈ નિયમિત આ સેવામાં સાથ આપે તેવી જરૂરિયાતની તેમણે સભામાં જાહેરાત કરી. મયૂરે ઊભા થઈને કહ્યું, ‘હાલ મને નોકરી ન હોવાથી એ મળતાં સુધી રોજ હું કામ કરીશ.’
સભામાં હાજર ચુસ્ત સ્વામિનારાયણી સત્સંગી અને મોટા ઉદ્યોગપતિ પ્રદીપ પટેલે મયૂરની સેવાનિષ્ઠાથી પ્રભાવિત થઈને કહ્યું, ‘થોડા દિવસ તમે આ કરો પણ તમારી ઈચ્છા હોય તો અમે તમને અમારી કંપનીમાં નોકરી આપીશું.’ આ પછી થોડા દિવસમાં પ્રદીપભાઈએ મયૂરને નૈરોબીમાં કંપનીની શાખામાં કામ આપ્યું. કંપની હતી એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ટ્રેડિંગ કંપની. સમગ્ર આફ્રિકાના સંખ્યાબંધ દેશોમાં કંપનીની શાખાઓનું સંચાલન દારે સલામથી થતું. આફ્રિકાના જુદા જુદા દેશોમાંથી ત્યાં ઉત્પન્ન થતું અનાજ ખરીદતી. અહીં તેઓ ઘડાયા. માલ ખરીદતાં આવડ્યું. ૧૯૯૬થી ૨૦૦૦ સુધીમાં મયૂરે નૈરોબીમાં કામ કર્યું. શ્યામવર્ણી ગ્રાહકોના સ્વભાવનો ખ્યાલ આવ્યો. અનાજની જાળવણી, હેરફેર, ગોઠવણી, વજનની રીત, હેરફેર બધાથી જાણકાર થયા.
૨૦૦૧માં કંપનીએ મલાવીમાં નવી શાખા ખોલવા વિચાર્યું. મયૂરની કાર્યશક્તિ જોઈને કંપનીએ મયૂરને મલાવીમાં જવાબદારી સોંપી. ૨૦૦૩ સુધીમાં ભાતભાતના અનુભવે મયૂરમાં આત્મવિશ્વાસ વધ્યો. પોતે સ્વતંત્ર રીતે પોતાનું કામ કરશે તો ફાવશે એવું લાગતાં મયૂરી નોકરી છોડીને પોતાની સ્વતંત્ર કંપની શરૂ કરીને મકાઈ, તુવેર, સોયાબીન, ચોળા, તલ, અડદ વગેરે કૃષિ પેદાશો ખરીદવા માંડી. ગામડામાં ખરીદકેન્દ્રો ઊભાં કર્યાં. ભારત, કેન્યા, ઝિમ્બાબ્વે, વિયેટનામ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં એની નિકાસ શરૂ કરી. ખેડૂતનો પાંચ કે દશ કિલોગ્રામ જેટલો થોડો માલ હોય કે પછી સેંકડો કિલોગ્રામ માલ એ ખરીદે છે. હાલ ધંધામાં ૩૦ જેટલા કાયમી પગારદાર માણસ છે. જરૂર પડે તેમ કામચલાઉ માણસો રાખે છે.
મયૂર મલાવીના આર્થિક પાટનગર બ્લેન્ટાયારમાં રહે છે. ધંધાનો પથારો મોટો હોવાથી જથ્થાબંધ ખેતપેદાશો ભરવા માટેનું ૭૦ હજાર ચોરસ ફૂટનું અદ્યતન સગવડોયુક્ત ગોડાઉન લીંબી નામના નગરમાં બાંધ્યું છે. માલને ભેજ ના લાગે, ઉંદર કે જીવાત માલ ના બગાડે તેની કાળજી રાખવામાં આવે છે. ચોકીદાર અને કર્મચારીઓનાં મકાનો પણ ગોડાઉનના ભાગરૂપે છે. માલ લાવવા અને લઈ જવાના વાહનો માટેનો ખાસ રસ્તો છે. મલાવીમાં ખાનગી માલિકીનાં ગોડાઉનોમાં આ સૌથી મોટું અને અદ્યતન ગોડાઉન છે.
મયૂરે જોતજોતામાં મલાવીમાં ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કર્યું છે. અનાજ ભરવાની પોલિથીન બેગો બનાવવામાં ભાગીદારીમાં શરૂ કરેલી ફેક્ટરી અદ્યતન છે. તેનું ઉત્પાદન તેમના પોતાના ધંધાની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત બીજા વેપારીઓની જરૂરિયાત પૂરી પાડે છે. આ ફેક્ટરીમાં ખુરશી, ટબ, બાસ્કેટ વગેરે ભાતભાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. સમગ્ર મલાવીમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં તે પ્રથમ નંબરે આવે છે. તેમાં ૩૦૦ જેટલાં માણસો કામ કરે છે.
મયૂરને તેના બાપદાદાની ઘણી પેઢીઓનાં નામ યાદ છે. આજના યુવકોને જ્યારે દાદાની આગળની પેઢીનાં નામ ભાગ્યે જ યાદ હોય છે ત્યારે મયૂરને પિતા હસમુખભાઈના પૂર્વજોના નામ ક્રમબદ્ધ રીતે યાદ છે. ૧૯૭૮માં જન્મેલા મયૂરના ઘડતરમાં શિક્ષિકા માતા માયાબહેન અને પિતા હસમુખભાઈનું મહત્ત્વનું પ્રદાન છે. મયૂરના દાદા મણિભાઈના વખતથી ઘરમાં સ્વામિનારાયણ પૂજા ચાલી આવતી હતી. મયૂરને પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ શ્રદ્ધા અને ધર્મ માટે ઘસાવાની ભાવના. આ ભાવના મયૂર માટે જીવનમાં ફળદાયી અને પ્રગતિની ટેકણ લાકડી બની રહી.
મયૂર ક્રિષ્નાને પરણ્યો છે. મુંબઈ ઉછરેલી અને ત્યાંથી ગ્રેજ્યુએટ થયેલી ક્રિષ્ના હોંશિયાર, મહેનતુ અને અતિથિવત્સલ છે. પોતે નોકરી કે ધંધામાં સક્રિય થઈ શકે તેવી ક્ષમતા છતાં ક્રિષ્ના અને મયૂર સંતતિને જ સંપતિ માનતાં હોવાથી પુત્ર મનનના ઉછેર, વિકાસ અને ઘડતરમાં ક્રિષ્ના વ્યસ્ત છે.
બ્લેન્ટાયરના ગુજરાતીઓમાં મયૂર એના પરગજુ સ્વભાવ માટે જાણીતો છે.