‘હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો’ એવી કહેવત આપણે ત્યાં જાણીતી છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ એમ જ કહી શકાય. સરદાર પટેલ જીવતા હતા ત્યારે એમનું જે માન અને જરૂર હતી તેના કરતાંય આજે એમનું માન અને જરૂર વધારે છે. ૬૮ વર્ષ પહેલાં દેશના એ સરદારે કાયમ માટે આંખ મીંચી. એમને જીવતાં એમના બધા ગુણ અને સામર્થ્ય જોવાની આંખ બંધ હતી. એ આંખ આજે ખુલી છે અને આપણા સરદાર વિશ્વના સૌથી ઊંચા સરદાર બન્યા છે. નર્મદા બંધથી ત્રણેક કિમી. દૂર, સાધુ બેટ પર ૨૦,૦૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં સરદારને વિશ્વમાં સૌથી ઊંચા બતાવતો, બનાવતો પ્રોજેક્ટ પૂરો થયો. ૧૮૨ મીટર ઊંચી સરદાર પટેલની તામ્રમંડિત પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે પ્રસિદ્ધ થઈ તે અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લીબર્ટી કરતાં બમણી ઊંચી છે. ભારતની અને સંસ્કૃતિના રક્ષણ માટે સમાજજીવનની એકતા, શાંતિ અને વિકાસની પ્રેરણા માટે એ વિશ્વને ભેટ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરતાં કરતાં રાષ્ટ્રીય હિતનો ય વિરોધ કરવાના વલણ તરફ ઢળતા લોકો એ પ્રતિમાનો મહિમા ઘટાડવા ભાતભાતના ગતકડાં કરવાના. કહેવાના, ‘આદિવાસીના વિકાસમાં કે દેશના વિકાસમાં એ નાણાં ખર્ચ્યા હોત તો?’ આવું કહેનારા એ ભૂલી જાય છે નેહરુ-ગાંધી પરિવારે સરદારનો મહિમા ભૂલાવવા સરદારને કેટલો બધો અન્યાય કર્યો હતો.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ સરદાર વિશે કહ્યું હતું, ‘બિસ્માર્કની સંગઠનશક્તિ, ચાણક્યની મુત્સદ્દીગીરી અને અબ્રાહમ લિંકન જેવો રાષ્ટ્રીય એકતા પ્રત્યનો પ્રેમ, આ ત્રણેય ગુણનો સરવાળો એ સરદાર પટેલ.’ ભારતના ઈતિહાસમાં આ ત્રણ ગુણ એકસાથે હોય તેવી કોઈ બીજી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે.
અંગ્રેજોએ ભારત અનિચ્છાએ છોડ્યું. તેમની બે ઈચ્છા હતીઃ પ્રથમ, ભારતના વિભાજનની. બીજી, દેશી રાજ્યોને સ્વતંત્ર રાખીને ભારત સરકારને સતત પ્રશ્નોમાં ગૂંચવવી.
સમગ્ર બંગાળ અને આસામનું પૂર્વ પાકિસ્તાન કરવું. પૂરા પંજાબ, સિંધ, વાયવ્ય સરહદ પ્રાંતનું પશ્ચિમ પાકિસ્તાન કરવું. ઝીણાની આ ઈચ્છા હતી. સરદારની કુનેહથી જ પંજાબ અને બંગાળના મુસ્લિમ બહુમતી વિસ્તાર જ પાકિસ્તાનમાં ગયા. આસામ બચ્યું. બંગાળ, પંજાબના હિંદુ-શીખ વિસ્તાર પાકિસ્તાનને ન મળ્યા. ઝીણાની ઈચ્છા પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનને ભૂમિમાર્ગે જોડતો સળંગ પટ્ટો મેળવવાની હતી. તે પણ સરદારની કુનેહથી અટક્યું.
કેબિનેટ મિશનના પ્રમુખ સર સ્ટેપર્ડ ક્રિપ્સ માનતા હતા કે ૫૬૫ દેશી રજવાડાંઓને ભારતમાં ભેળવવા પંદરેક વર્ષ જોઈએ. સરદારની કુનેહથી માત્ર આઠ-નવ માસમાં દેશી રાજ્યોના રાજાઓએ સ્વેચ્છાએથી પોતાની ભૂમિ પરનો હક્ક છોડ્યો.
સમાજવાદની વાતો કરતા નેહરુમાં રાજાઓને શ્રદ્ધા ન હતી. સરદાર રાજાશાહીના વિરોધી પણ રાજાઓના મિત્ર છે એવી પ્રતીતિથી જ રાજાઓએ રાજ્ય છોડ્યાં હતાં. એમને સરદારના શબ્દોમાં વિશ્વાસ હતો.
રાજાઓએ જેમ સ્વેચ્છાએ દેશહિતમાં પોતાનાં રાજ્ય છોડ્યાં તેમ સરદારે દેશની એકતા અને પ્રેમને લીધે ભારતના ૧૫ પ્રાંતોની પ્રાંતિક સમિતિઓમાંથી કોઈએ નેહરુને સ્વીકાર્યા ન હતા. બધા સરદારને સ્વીકારતા હતા, છતાં ગાંધીજીએ દેશની એકતા અને આઝાદી ટકે તે માટે સરદારને વડા પ્રધાન ન થવા દીધા. સ્વ. મોરારજીભાઇ દેસાઈને મેં પૂછેલું, ‘ગાંધીજીનું આ કાર્ય નેહરુ-પ્રેમને કારણે હોવાથી તેમણે સરદારને અન્યાય કર્યો છે. આપ શું માનો છો?’
મોરારજીભાઈએ કહેલું, ‘ગાંધીજી માણસપારખુ હતા. તેઓ જાણતા હતા નેહરુ સત્તાલોભી અને સ્વાર્થી છે. તેમને વડા પ્રધાન નહીં બનાવાય તો નવજાત આઝાદી પર ખતરો તોળાશે. સરદાર ગાંધીજીના શબ્દોમાં શ્રદ્ધા રાખીને દેશહિત માટે આગમાં કૂદવામાં ય પાછી પાની નહીં કરે. આથી દેશહિતમાં તેમણે નેહરુને વડા પ્રધાન બનાવ્યાં.’
દેશી રજવાડાંઓનાં પ્રશ્નમાં કાશ્મીરનો પ્રશ્ન નેહરુએ તેમના હાથમાં રાખ્યો. પરિણામ જગજાહેર છે. પાકિસ્તામાં જોડાવા ઈચ્છતા જૂનાગઢને સરદારે વિના લોહી રેડ્યે ભારતમાં રાખ્યું, તો ફ્રાન્સ જેટલો વિસ્તાર અને વસતિ ધરાવતા સમૃદ્ધ હૈદરાબાદની બહુમતી હિંદુ પ્રજાને બચાવવા સરદારે માત્ર ચાર જ દિવસમાં ૪૨ સૈનિકોના ભોગે, સામા પક્ષે નિઝામની સેનાના ૫૦૦ જેટલા સૈનિકો અને ગુંડા ટોળકી એવા ૨૭૨૫ જેટલા રઝાકારોનો ખાતમો કરીને હૈદરાબાદને ભારતમાં રાખ્યું.
સરદાર થોડું વધારે જીવ્યા હોત તો આજના ભારતને પીડતો વંશવાદ, કોમવાદ, ભ્રષ્ટાચાર, અનામતવાદ કે લઘુમતી તુષ્ટિકરણ વિનાનું સમૃદ્ધ ભારત હોત. આવા સબ સે ઊંચા સરદારની પ્રેરણા અને સ્મૃતિ એ આપણી શક્તિનો સ્ત્રોત બને તેમ છે.