જુલાઈ 4 તારીખે યોજાઈ રહેલું જનરલ ઈલેક્શન આપણા દેશના ભાવિ માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. તમારો મત ખરેખર તફાવત લાવી શકે છે. તમારી પાસે શ્રેષ્ઠ અને સ્થાનિક જન્મેલા ઉમેદવાર અમીત જોગીઆને સપોર્ટ કરવાની સારી તક છે.
અમીતનો જન્મ અને ઉછેર નોર્થવેસ્ટ લંડનમાં થયો છે અને તેના 16મા જન્મદિને જ તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ ત્યારથી જ પાર્ટી સાથે સંકળાયેલા છે તેમજ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન સહિતના પદો પર તેમણે સેવા આપી છે. એક દાયકા કરતા વધુ સમય માટે અમીતે મારા ચીફ ઓફ સ્ટાફ તરીકે કામગીરી બજાવી છે તેમજ બ્રિટિશ રાજકારણની આંટીઘૂંટીઓમાંથી પસાર થવાનો અમૂલ્ય અનુભવ પ્રાપ્ત કર્યો છે. તેમણે યુકે અને આફ્રિકાના દેશો વચ્ચે વેપાર સંબંધો મજબૂત બનાવવા યુગાન્ડા, રવાન્ડા અને ડીઆરસીના ટ્રેડ એન્વોય તરીકેની મારી ભૂમિકામાં મને સપોર્ટ કર્યો છે. રાજકારણમાં સંકળાવાના મારા 40 કરતાં વધુ વર્ષના અનુભવ થકી અમીતના મેન્ટર બનવામાં મને ગર્વ છે.
તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરનની સાથે 2014માં 1200 બ્રિટિશ ભારતીયો સમક્ષ યુકેમાં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાને લોન્ચ કરવામાં અમીતે મારી સાથે કામ કર્યું હતું. આ સંગઠન વિકાસ પામીને આજે 4000થી વધુ સભ્યો ધરાવે છે જેમાં, 80 કાઉન્સિલર્સ, આપણા પ્રાઈમ મિનિસ્ટર સહિત 15 મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ (MP )નો પણ સમાવેશ થાય છે. સહ-અધ્યક્ષ તરીકે કામ કરતા અમીતે સમગ્ર યુકેમાં ભારતીય મતોને આકર્ષ્યા છે અને ખાસ કરીને હેરોમાં તેના થકી કન્ઝર્વેટિવ ગ્રૂપ મે 2022માં અંકુશ મેળવી શક્યું હતું.
અમીત 2014માં હેરોમાં કેનન્સ વોર્ડના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારથી તેમની રાજકીય કારકિર્દીનો સિતારો ચમક્યો હતો. આ નોંધપાત્ર સિદ્ધિ હતી કારણકે આ બરોમાં તે સૌથી યુવાન કાઉન્સિલર બન્યો હતો. મતદારો પ્રતિ તેની પ્રતિબદ્ધતા દેખાઈ આવી હતી જ્યારે બહુમતીમાં વધારા સાથે તે 2018માં ફરી ચૂંટાઈ આવ્યા હતા. કાઉન્સિલર તરીકે અમીતનું ધ્યાન હંમેશાં સ્થાનિક કોમ્યુનિટીને સુધારવામાં, સ્વચ્છ, સલામત અને હરિયાળા વાતાવરણની હિમાયત કરવામાં જ કેન્દ્રિત રહ્યું હતું. આ ઉપરાંત, તેઓ વંશીય લઘુમતીઓ, સ્ત્રીઓ અને યુવા વર્ગના અધિકારો અને ઉદ્દેશોની હિમાયત કરવા સાથે વૈવિધ્યતા અને સમાવેશીતાના મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યા છે.
જાહેર સેવા પ્રતિ અમીતની પ્રતિબદ્ધતા તેમને 2015માં હેરોમાં શેડો કેબિનેટમાં બઢતી તરફ દોરી ગઈ હતી જ્યાં, તેમણે કેબિનેટ મેમ્બર ફોર કલ્ચર એન્ડ કોમ્યુનિટીની ભૂમિકા હાથમાં લીધી હતી. આ હોદ્દા પર તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો, કોમ્યુનિટી સંપર્કોની સુલભતાની સાથે જ વોલન્ટરી સેક્ટરને સપોર્ટ પૂરો પાડ્યો હતો. અમીતની નેતાગીરી થકી સ્ટેનમોર લાઈબ્રેરીના રીનોવેશન તેમજ સ્થાનિક રહેવાસીઓની સલામતી અને કલ્યાણને વધારવા સીસીટીવી કેમેરાઓની ગોઠવણી સહિત વિવિધ કોમ્યુનિટી પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શકાયું હતું.
જાહેર સેવા પ્રતિ અમીત જોગીઆની નિષ્ઠા અને સમર્પણ 2017માં પણ ચમકતા રહ્યા હતા જ્યારે યુકેમાં સૌથી વૈવિધ્યપૂર્ણ મતક્ષેત્રોમાં એક બ્રેન્ટ નોર્થ માટે કન્ઝર્વેટિવ પાર્લામેન્ટરી કેન્ડિડેટ તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. બ્રેન્ટ નોર્થમાં તેમનો ચૂંટણીપ્રચાર રચનાત્મકતા અને ઊર્જાથી છલોછલ રહ્યો હતો. તેમણે એજ્યુકેશન, હેલ્થકેર અને ટ્રાન્સપોર્ટેશન જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નોંધપાત્ર બાબત એ રહી કે તેમણે કન્ઝર્વેટિવ વોટ શેર 6 ટકા જેટલો વધાર્યો અને લેબરની બહુમતીમાં 4000થી વધુ મતનો ગણનાપાત્ર ઘટાડો કર્યો હતો. આ રીતે તેમણે, મતદારોની વૈવિધ્યપૂર્ણ રેન્જ સાથે સંપર્ક અને જોડાઈ રહેવાની ક્ષમતા પ્રદર્શિત કરી હતી.
રાજકારણ અને કોમ્યુનિટી સંવાદિતા માટે નોંધપાત્ર યોગદાનની કદર કરાવા સાથે અમીત જોગીઆને 2022માં MBE ઈલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે આ પ્રતિષ્ઠિત સન્માન પોતાના પેરન્ટ્સને અર્પણ કર્યું હતું જેમણે તેમનામાં નાગરિક કર્તવ્ય અને જાહેર સેવાના મૂલ્યોને સીંચ્યા હતા.
રિશિ સુનાકના પ્રાઈમ મિનિસ્ટર બનવા સાથે અમીત જોગીઆ તેમના જમણા હાથ તરીકે નં.10 ખાતે તેમની ટીમમાં સામેલ થયા હતા. તેમણે બ્રિટિશ ભારતીય પ્રાઈમ મિનિસ્ટર દ્વારા સૌપ્રથમ દિવાળીની યજમાની સહિત અન્ય ઘણા નોંધપાત્ર ઈવેન્ટ્સના આયોજનોમાં મદદ કરી હતી.
અમીત જોગીઆ બ્રિટિશ રાજકારણમાં ઉગતો સિતારો છે જેમણે પોતાના ઉત્સાહ, સમર્પણ અને નેતૃત્વ કૌશલ્યને દર્શાવ્યા છે. તેઓ ઘણા યુવાન લોકો અને વિશેષતઃ વંશીય લઘુમતી પશ્ચાદભૂ ધરાવતા લોકો માટે પ્રેરણા સમાન છે. તેઓ પોતાના મતદારો અને પોતાના દેશ માટે સખત કામ કરવાનું ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર ધરાવે છે.
તમારા સ્થાનિક ચેમ્પિયનને મત આપો. અમીત જોગીઆને મત આપો.