ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા પૈકીનાં એક એવા સ્વાતંત્ર્ય સેનાની રામભાઈ પટેલનો જન્મ ગુજરાત રાજ્યના રાસ ગામે ચોથી માર્ચ ૧૯૨૮ના રોજ થયો હતો. તેઓ સામાન્ય ખેડૂતનાં આઠ સંતાનો પૈકીના બીજા સંતાન હતા. ખૂબ જ નાની એવી ૬ વર્ષની ઉંમરે તેમની પસંદગી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ૮૦ વિદ્યાર્થીઓથી શરૂ થતી ભાવનગરના સોનગઢ ગુરુકૂળ માટે પ્રાથમિક શિક્ષણ મેળવવા થઈ. જે સંસ્થા પાછળથી ગૂજરાત વિદ્યાપીઠમાં વિલીન થઈ. ૧૯૪૨ના વર્ષમાં રામભાઈ સરદાર વલ્લભભાઈ પટેલનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા અને ૧૪ માસનો જેલવાસ ભોગવ્યો.
૧૯૫૧ના વર્ષમાં રામભાઈએ બી.એસસી. (ઓનર્સ) ખેતીવાડી ક્ષેત્રમાં મુંબઈ યુનિવર્સિટીથી પદવી મેળવી. ત્યારબાદ ગુજરાતની પ્રખ્યાત ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (અમૂલ ડેરી) - આણંદમાં જોડાયા. જ્યાં તેમની મુખ્ય ફરજો સહકારી સંસ્થાઓની સ્થાપના અને વહીવટની હતી તથા દૂધ અને તે અંગેના ઉત્પાદનોની હતી. આ ફરજો સાથે રામભાઈ ૧૯૫૯માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની (એમ.એસસી.) ઉપાધિ મેળવી. ત્યારબાદ તેમને યુનાઈટેડ નેશન્સના ફૂડ અને એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન પ્રેરિત યુરોપિયન દેશો - જેવા કે ઈટલી અને ડેન્માર્કમાં ઘનિષ્ઠ શૈક્ષણિક તાલીમ માટે તેઓની નિમણુક કરવામાં આવી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ તેમને સ્વતંત્ર ભારતનાં દૂધનાં ઉપયોગમાં, વિવિધ વૈજ્ઞાનિક તકનિકી ધંધાની કુશળતા અને નવીન વિચારોથી અગ્રેસર થવા માટેની હતી.
રામભાઈનું શૈક્ષણિક જ્ઞાન, પ્રશ્નોનાં નિરાકરણની ક્ષમતાઓ મહેસાણા ડેરીની મુશ્કેલી દૂર કરવામાં ઉપયોગી નીવડી. જ્યાં તેમની સફળતાપૂર્વક તકનિકી, નાણાંકીય અને વહીવટી જ્ઞાનની કુશળતાને લીધે દૂધ ઉત્પાદનમાં નિરંતર વધારો થયો. ૧૯૭૦માં તામિલનાડુ સરકારે રામભાઈની ડેરીને લગતાં પ્રશ્નોના નિરાકરણની કુશળતાનો ઉપયોગ કર્યો. જ્યારે કર્ણાટક સરકારે પોતાના જંગી ખોટમાં ધકેલાયેલા પ્લાન્ટને આર્થિક રીતે સક્ષમ કરવા માટે તેમની કુશળતાનો સદુપયોગ કર્યો. ૧૯૭૨માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે (એનડીડીબી) રામભાઈને શોધી કાઢ્યા અને તેમનાં સાત વર્ષનાં ફાળાને પરિણામરૂપ ભારતની શ્વેતક્રાંતિ પોતાના મધ્ય ભાગમાં પહોંચી. તેમણે ‘ઓપરેશન ફ્લડ’ના પહેલાં તબક્કા માટે વિવિધ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યાં. જે તે સમયનાં દુનિયાનાં વિકસતા ડેરી ઉદ્યોગનો હિસ્સો હતો. જે દૂધનું ઉત્પાદન અને ખેતીની આવક વધારવા, વર્તમાન ટેકનોલોજીમાં પ્રવેશવા, ભાવોને નિયંત્રિત કરવા માટેનું હતું. રામભાઈએ આ સાથે બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ડેરીનાં અસ્થિર ઉત્પાદન માટે, નાણાંની વસૂલાત કરવા માટેનાં કાર્યક્રમો બનાવી તેનો અમલ કરાવ્યો. તેઓએ ઘનિષ્ઠ વ્યાપારી તાલીમથી અવનવા કાર્યક્રમો આપીને તેમજ પેકિંગ મટિરિયલ શોધી આપવાનો લાભ આપ્યો.
દિલ્હીની મધર ડેરીમાં તેમની નિમણૂક એક વિશિષ્ટ, પરંતુ પડકારરૂપ કાર્ય કરવા માટેની હતી. પરંતુ તેમણે આ ભૂમિકા પણ ખૂબ જ સુંદર રીતે સફળતાપૂર્વક નિભાવીને રોજનાં ૪ લાખ લીટર દૂધ ઉત્પાદનનો લક્ષ્યાંક સફળ કર્યો. અહીં આ સમય દરમિયાન ભ્રષ્ટાચાર તેની પરાકાષ્ઠાએ હતો અને આવો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર પહેલાં જોવામાં નહોતો આવ્યો. જે તેમણે સંપૂર્ણપણે નાબૂદ કર્યો. થોડાક સમયમાં આ પ્લાન્ટને પૂર્ણ કક્ષાએ પહોંચાડવામાં રામભાઈ સફળ રહેવા સાથે દૂધનાં વિતરણ માટેની ભારતની સૌપ્રથમ પદ્ધતિનો અમલ કર્યો. જેથી પ્રોજેક્ટ આર્થિક રીતે સક્ષમ થયો.
૧૯૭૯માં રામભાઈએ રાજ્યના વિકાસ માટેનાં ફેડરેશન માટે સલાહ-સૂચન (કન્સલ્ટન્સી) આપવાની સેવા શરૂ કરી. આ જ વર્ષમાં તેમણે આંધ્ર પ્રદેશનાં ‘વિજ્યા’ બ્રાન્ડનાં ઉત્પાદનને પૂરા દેશમાં વિતરણ કરવાની વ્યવસાયિક પદ્ધતિને અમલમાં મૂકી. કર્ણાટકમાં તેમણે ડેરી ઉત્પાદનોનાં સાધનોની શોધ કરી, અને શ્રેષ્ઠ સંસ્થાનો વંશવેલો શરૂ કર્યો. તામિલનાડુમાં તેમણે શહેરના બિનકાર્યક્ષમ પ્રોજેક્ટોને ઓપરેશનલ કાર્યક્ષમતા સુધી પહોંચાડ્યા અને ઊટીમાં પ્લાન્ટ શરૂ કર્યો. હરિયાણામાં તેમણે ‘નાનક મિલ્ક’ માટે કામ કર્યું અને ગુજરાતે તેમની સેવા ચેડર ચીઝનાં ઉત્પાદન માટે મેળવી. ૧૯૮૪થી ૧૯૯૪ના દાયકામાં રામભાઈની સેવા મુંબઈની પારસી ડેરી અને વાડીલાલ ઉદ્યોગે લીધી. જેમાં દૂર દૂરનાં પ્રદેશોમાં વૈવિધ્ય રીતે વ્યાપારીકરણ પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો.
આખરે નિવૃત્ત થઈને કુટુંબ સાથે સંપૂર્ણ રીતે જોડાવાનો સમય આવ્યો અને તેઓ કેનેડામાં સ્થાયી થયા. ૧૯૯૫ના સમય પછી પણ તેઓ પોતાના જ્ઞાનથી વિચલિત થયા વગર પોતાના અનુભવનો લાભ આપતા રહ્યા. રામભાઈ કેનેડામાં મિસિસાગા સિનિયર સમાજ અને વૈષ્ણવ પરિવારના પણ સક્રિય કાર્યકર રહ્યા.
તેમની પ્રભાવશાળી દેશભક્તિ, નૈતિકતા અને શિષ્ટતાના આગ્રહ સાથે જરૂરિયાતમંદને મદદ કરવાની તત્પરતા, મુશ્કેલીને પડકારવાની કટિબદ્ધતા, પ્રશ્નોના નિકાલ માટેનું સકારાત્મક વલણ તથા કાર્યક્ષમતાનો જુસ્સો અને સફળ થવા માટેના વિશાળ અનુભવો તેમની પાસે હતા. પરંતુ રામભાઈનું જીવન તદ્દન સાદગીમય હતું. આવા કાર્યશીલ વ્યક્તિ અને જૂજ જીવિત સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક એવા રામભાઈએ ૧૮ જુલાઈ ૨૦૧૮ના રોજ મિસિસાગા, ઓન્ટારિયો રાજ્ય ખાતે ચિરવિદાય લીધી. તેઓ પોતાની પાછળ તેમનાં પત્ની રેણુકાબહેન, સંતાનોમાં ગીતા, પંકજ, સોનિયા, આશિષ અને પાયલ તથા પૌત્ર-પૌત્રીઓને છોડી ગયા.
રામભાઈ પટેલ પોતાનું સંપૂર્ણ જીવન અન્યો તેમને યાદ કરે તેવું જીવી ગયા.