ગુજરાતમાં અંગ્રેજ શાસન સ્થિર થયેલા પહેલાં પેશ્વા અને ગાયકવાડ એમ મરાઠાઓની સત્તા હતી. ગાયકવાડી શાસનમાં નડિયાદના અજુભાઈની દેસાઈગીરી હતી. તેમને ખેડા જિલ્લાનાં કેટલાંક ગામોમાં મહેસૂલ ઉઘરાવવાના અને ફોજદારી હક્ક મળ્યા હતા. અજુભાઈની દેસાઈગીરી અંગ્રેજોએ જપ્ત કરીને અંગ્રેજોના વિરોધી તરીકે તેમને સહપરિવાર ખેડાની જેલમાં નજરકેદ રાખેલા ત્યારે ૧૮૧૯માં તેમને ત્યાં જન્મેલ પુત્ર તે વિહારીદાસ.
અંગ્રેજો પ્રત્યે બહારથી સમાધાનકારી વલણ બતાવતા અજુભાઈના મનમાં બ્રિટિશ શાસન પ્રત્યે રોષ અને તિરસ્કાર હતો. તેમના ઘરમાં બ્રિટિશ શાસનને ઉખાડીને ફેંકી દેવાની ચર્ચાઓ થતી. સમાધાનને લીધે તેમને ઠાસરા તાલુકામાં આવેલા અજુપુરા, ભાટપુરા, હરિપુર અને રાણીપોરડા ગામ પરત મળ્યાં હોવાથી તેમનો દબદબો જળવાયો હતો.
અંગ્રેજોને હરાવે તેવું તેમને ભારતમાં કોઈ દેખાતું ન હતું. તેમને રશિયાના રાજવી ઝારમાં આવી શક્તિ દેખાતાં, આજના જેવી તાર-ટપાલ કે ટેલિફોન સેવાના અભાવે, તેમણે એક હીંગ વેચતા અફઘાન મારફતે ઝારને ભારત જીતવા આમંત્રણ મોકલેલું, પણ પહોંચ્યું કે નહીં તેની ખબર નહીં!
પુત્ર વિહારીદાસમાં ઘરના વાતાવરણે અંગ્રેજો વિરુદ્ધ ભાવનાનાં બી વવાયાં. ૧૮૫૭માં ભારતમાં અંગ્રેજો સામેના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક તાત્યા ટોપે જ્યારે બુઝાતા દીપકની અંતિમ જ્યોત બનીને જીવ બચાવવા ભાગતા, મદદ શોધવા ફરતા ત્યારે વિહારીદાસે જોખમ વેઠીને પણ તેમને થોડા દિવસ આશરો આપેલો. વિહારીદાસના દિલમાં તાત્યા ટોપે વિશે આદરભાવ અને પ્રબળ સ્નેહને લીધે પોતાના પૌત્ર ગિરધરદાસનું નામ તાત્યાસાહેબ અને નાના પ્રૌત્ર ગોપાલદાસનું નામ નાનાસાહેબ રાખેલું. સ્વાતંત્ર્ય વીરોની સ્મૃતિ જીવંત રાખનાર પ્રથમ ગુજરાતી તે વિહારીદાસ દેસાઈ.
અંગ્રેજો વિહારીદાસની શક્તિના જાણકાર હતા. તેમને પ્રેમથી જીતીને બ્રિટિશ રાજ્યને દ્દઢ બનાવવા તેમનો ઉપયોગ કરવા આતુર હતા. આથી ૧૮૬૫માં જ્યારે સ્થાનિક સ્વરાજ દાખલ કર્યું ત્યારે તેમણે નડિયાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે વિહારીદાસને નીમ્યા. ખારીકટ કેનાલ અંગે અંગ્રેજો અને પ્રજા વચ્ચે મતભેદ સર્જાયો ત્યારે વિહારીદાસને ન્યાયાધીશ બનાવ્યા. વિહારીદાસે ત્યારે પ્રજાની તરફેણમાં કલમબંધી ગામોને હક્ક આપતો ચુકાદો આપ્યો.
વિહારીદાસ નવા જમાનાને ઓળખી ગયા હતા. તે સમજી ગયા હતા કે અંગ્રેજીનું જ્ઞાન હશે તો જ આ દેશમાં ગોરાઓ પાસે કામ લઈ શકાશે. તેમણે પોતાના દીકરા હરિદાસને અંગ્રેજી શીખવવા ખાનગી શિક્ષક રાખ્યા. દેસાઈ કુટુંબના આશ્રિત અને પુરોહિત સૂર્યરામ ત્રિપાઠીના પુત્ર હરિદાસના સમવયસ્ક મનસુખરામ પણ ભેગા ભેગા અંગ્રેજી શીખ્યા. વખત જતાં તે મુંબઈ ગયા. ગોરા અમલદારો સાથે તેમના સંબંધો વધ્યા. તેમના મિત્ર અને વિશ્વાસુ બન્યા. તેનો લાભ હરિદાસને પણ થયો.
વિહારીદાસે મોગલકોટમાં ૧૮૫૭માં અંગ્રેજી પ્રાથમિક શાળાનું મકાન બાંધી આપ્યું. આ પછી ૧૫ વર્ષે તેમણે નડિયાદની સરકારી હાઈસ્કૂલનું મકાન બાંધીને દાન કર્યું હતું. નડિયાદના જાહેર જીવનમાં નાતજાતના ભેદભાવ વિના તેમણે જાહેર સંસ્થાઓ માટે મોટાં દાન આપ્યાં. ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસીમાં નડિયાદના જાહેર જીવનના મોટા આગેવાન તરીકે વિહારીદાસ દેસાઈ જાણીતા હતા.
પુત્ર હરિદાસનું ઘડતર એમણે એવી રીતે કર્યું કે તે માત્ર ખેડા જિલ્લા કે નડિયાદના આગેવાન બની રહેવાને બદલે ગુજરાતમાં અને દેશમાં જાણીતા થયા. સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં વિવિધ સ્થળે, દિવાન બનીને પ્રજાહિતને ખ્યાલમાં રાખીને તેમણે કામ કર્યું. ગિરનાર ચઢવા માટે પગથિયાં બનાવવા તેમણે જૂનાગઢના દિવાન હતા ત્યારે લોટરી કાઢીને પૈસા બચાવીને પગથિયાં બનાવ્યાં. ગુજરાતમાં લોટરી કાઢનાર હરિદાસ પ્રથમ હતા.
વિહારીદાસની આવડત ગજબની હતી. અંગ્રેજો દેસાઈઓ પર ખફા હતા ત્યારે તેમણે અંગ્રેજોને એવી રીતે સાચવ્યા કે સ્વાતંત્ર્યની જ્યોત જલતી રહી. નડિયાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે એવો સફળ વહીવટ કર્યો કે અંગ્રેજોને સ્થાનિક સ્વરાજનો અખતરો બીજે કરવાનું મન થયું. આમ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વિકાસ અને વિસ્તારના તેઓ પાયાના પથ્થર બની રહ્યા.
મરાઠી ભાષામાં ભાઉનો અર્થ મોટાભાઈ થાય છે. વિહારીદાસે મરાઠા અમલમાં શરૂ થયેલી દેસાઈગીરી એવી સફળ રીતે ભોગવી કે સરકારી અમલદારો અને પ્રજા પણ તેમને ભાઉસાહેબના નામે સન્માનતી.
પ્રજા અને અમલદારો બંનેને સાચવવાની આવડતરમાં માહિર વિહારીદાસ દેસાઈ સરદાર પટેલ અને મહાત્મા ગાંધી પહેલાં ગુજરાતના એક નેતા હતા.