લંડનઃ પ્રેસ્ટનસ્થિત મિલિયોનેર અને મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના પૂર્વ જનરલ સેક્રેટરી યુસુફ ભાઈલોકે નિષ્ફળ રહેલી BHS રિટેઈલ ચેઈનને એડમિનિસ્ટ્રેટરો પાસેથી પરત મેળવીને તેને ઉગારવાનો પ્રયાસ હાથ ધર્યો છે. તે આ ચેઈન ખરીદવાની યોજનાના ભાગરૂપે તેના ૧૬૦માંથી ૧૨૦ સ્ટોરને બચાવવા માગે છે. પાંચ વર્ષની વયે બ્રિટન આવેલા ભાઈલોકે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરવા બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદને પત્ર લખ્યો હતો અને બેંકો પાસેથી મદદમાં સરકારનું સમર્થન આપવા જણાવ્યું હતું. ભાઈલોકના જણાવ્યા મુજબ ચેઈન પુનઃકાર્યરત થશે તો લગભગ ૧૧ હજાર કર્મચારીની નોકરી બચી જશે.
ભાઈલોકે કંપનીઝ હાઉસ ખાતે તેના નવા નામ ‘BHS Revive’નીપણ નોંધણી કરાવી હતી. તેમણે BHSના એડમિનિસ્ટ્રેટરો Duff & Phelpsને પોતાનો પ્લાન સુપરત કરવા લંડનની મુલાકાત લીધી હતી. પ્રોપર્ટી પોર્ટફોલિયોના કામકાજ દ્વારા સંપત્તિ એકત્ર કરનાર ભાઈલોકની ઘણાં વર્ષોથી BHSપર નજર હતી અને તે અન્ય એસેટ્સ વેચીને ૧૫ મિલિયન પાઉન્ડ ઉભા કરવા માગે છે. ભાઈલોકની નજીકના સૂત્રે જણાવ્યું હતું કે સ્ટોર્સમાં Gps અને ફાર્મસી શરૂ કરીને, ઓનલાઈન સેલ્સ વધારીને તથા મેનેજમેન્ટ લેવલે અનુભવી રિટેલરની નિમણુક કરીને BHSને નવી ઓળખ આપવાની ભાઈલોકમાં આવડત છે. બ્રિટિશ શબ્દ જ લોકો માટે ઘણો અર્થસુચક છે. BHS એ મુખ્યત્વે ગૃહિણીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું તે તેની ભૂલ હતી. જોકે, તેને સુધારી શકાય.
સર ફિલિપ ગ્રીનના આર્કેડિયા ગ્રૂપે ૧ પાઉન્ડના ડીલમાં BHS વેચી માર્યું ત્યારથી આ ચેઈન પડી ભાંગી હતી. બે પાર્લામેન્ટરી કમિટી દ્વારા આ સોદાની તપાસ ચાલી રહી છે.