લંડનઃ બ્રિટનની સૌથી મોટી હાઈ સ્ટ્રીટ ફાર્મસી ચેઈન Bootsનું વેચાણ પડતું મૂકવાનો નિર્ણય તેના માલિક વોલગ્રીન્સ બૂટ્સ એલાયન્સ (WBA) દ્વારા લેવાયો છે. બજારની ખરાબ હાલતના કારણે કેટલાક મહિનાઓથી ચાલી રહેલી 5 બિલિયન પાઉન્ડની હરાજીની પ્રક્રિયા પડતી મૂકાઈ છે અને WBA હાલ પૂરતી તેની માલિકી જાળવી રાખશે. ઉલ્લેખનીય છે કે ભારતના મુકેશ અંબાણીની મહાકાય અને પ્રતિષ્ઠિત કંપની રિલાયન્સ ઈન્ડ.અને પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ દ્વારા સંયુક્તપણે બોલીમાં રસ દર્શાવાયો હતો.
જૂન મહિનાની શરૂઆતમાં રિલાયન્સ- એપોલો કોન્સોર્ટિયમે બૂટ્સને ખરીદવા 6.3 બિલિયન ડોલર (5.5 બિલિયન પાઉન્ડ)ની નિશ્ચિત ઓફર મૂકી હતી જે વોલગ્રીન્સે મૂકેલી કિંમત 8.8 બિલિયન ડોલર (7 બિલિયન પાઉન્ડ) કરતાં ઘણી નીચી હતી. રિલાયન્સ- એપોલો કોન્સોર્ટિયમ દ્વારા બૂટ્સ ખરીદવાના ફાઈનાન્સિંગ માટે રોયલ બેન્ક ઓફ કેનેડા, કેર્ડિટ સ્યૂસ, સેન્ટાન્ડર અને બેન્ક ઓફ અમેરિકાએ તૈયારી દર્શાવી હતી. યુરોપમાં સૌથી મોટા સોદાઓમાં એક માટે ફાઈનાન્સિંગની તકલીફ ધ્યાનમાં રાખતાં WBAએ બૂટ્સમાં લઘુમતી હિસ્સો જાળવી રાખવાની પણ તૈયારી દર્શાવી હતી. શરૂઆતમાં અસ્ડાના માલિક – મોહસીન અને ઝૂબેર ઈસા અને TDR Capital પણ બૂટ્સને ખરીદવા મેદાનમાં આવ્યા હતા પરંતુ, પાછળથી વિચાર પડતો મૂક્યો હતો. બૂટ્સની હરાજીમાં સૌથી મોખરે ગણાયેલા સંયુક્ત બિડર બેઈન કેપિટલ અને CVC કેપિટલ પાર્ટનર્સ પણ 6 બિલિયન પાઉન્ડના જાયન્ટ પ્રાઈસ ટેગના કારણે ખસી ગયા હતા. જ્હોન બૂટે 1849માં નોટિંગહામમાં હર્બલ રેમેડીઝ સ્ટોર ખોલવા સાથે કંપનીનો આરંભ થયો હતો જેનો 1000મો યુકે સ્ટોર 1933માં ખોલાયો હતો. મહામારી અગાઉ બૂટ્સે તેના 200 જેટલા યુકે સ્ટોર બંધ કરવાની યોજના ઉપરાંત, મહામારી પછી 4000 નોકરી બંધ કરવાની જાહેરાત કરવી પડી હતી.