KPMG વાર્ષિક એશિયન ફેસ્ટિવલ ડિનરમાં ઈદ-દિવાળીની ઉજવણી

Tuesday 24th November 2015 07:18 EST
 
 
લંડનઃ એશિયન બિઝનેસ કોમ્યુનિટીના ૨૫૦થી વધુ અગ્રણીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત પહેલા જ લંડનની જુમૈરાહ કાર્લટન હોટેલમાં KPMGના ૧૨મા વાર્ષિક એશિયન ફેસ્ટિવલ ડિનરમાં ઈદ અને દિવાળીની ઉજવણી કરવા એકત્ર થયા હતા. KPMGના પાર્ટનર, એશિયન માર્કેટ્સના વડા અને એશિયન બિઝનેસ કોમ્યુનિટીની સેવા માટે MBE એનાયત કરાયેલાં નીના અમીન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આફ્રિકામાં ટેલિકોમ્યુનિકેશન સામ્રાજ્ય ઉભું કરનારા બાસિમ હૈદર સહિત રાજધાનીના સૌથી સફળ એશિયન બિઝનેસ અગ્રણીઓ તેમજ વિથામના સાંસદ અને યુકેના ઈન્ડિયા ડાયસ્પોરા ચેમ્પિયન પ્રીતિ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રીતિ પટેલે પોતાના સંબોધનમાં બ્રિટિશ ચૂંટણીઓમાં એશિયન બિઝનેસ કોમ્યુનિટીના મતદારો ઉલટભેર ઉમટી પડવા બદલ મહેમાનોનો આભાર વ્યક્ત કરવા સાથે સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા કેટલી ઉત્સાહી છે તે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મુલાકાત પારસ્પરિક વિશ્વાસ અને મજબૂત ભવિષ્યની સહભાગી અપેક્ષા પર રચાયેલા યુકે-ઈન્ડિયાના સંબંધોની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. ડેવિડ કેમરન અને નરેન્દ્ર મોદી યુવાન લોકોને કૌશલ્ય, એપ્રેન્ટીસશિપ અને કામ માટે તેમની તકો સુધારવામાં મદદની ઉત્કટ ભાવના ધરાવે છે.આમંત્રિતોને સંબોધતા નીના અમીન અને યુકે ચેરમેન સિમોન કોલિન્સે યુકેના અર્થતંત્ર માટે એશિયન બિઝનેસ કોમ્યુનિટીના મહત્ત્વ પર ભાર મૂકવા સાથે KPMGને તેમના સતત સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો. નીના અમીને ગત વર્ષ દરમિયાન યુકેમાં જોવા મળેલી અસાધારણ રાજકીય અને સામાજિક ઘટનાઓની સમીક્ષા દ્વારા મહેમાનોનું મનોરંજન કર્યું હતું, જ્યારે કોલિન્સે ગત મહિને અવસાન પામેલા અને પેઢીના મહાન મિત્ર લોર્ડ ગુલામ નૂનને આદરપૂર્વક અંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમ વિશે ટીપ્પણી કરતાં નીના અમીને જણાવ્યું હતું કે,‘આ કાર્યક્રમ વર્ષો દરમિયાન એશિયન બિઝનેસ કેલેન્ડરમાં મહત્ત્વનો કાર્યક્રમ બની રહ્યો છે તેનાથી KPMG ખાતે અમને આનંદ થયો છે. સમગ્ર યુકેમાં હજારો લોકોને નોકરીઓ આપીને એશિયન બિઝનેસીસ અર્થતંત્રનો મહત્ત્વનો હિસ્સો બની રહ્યાં છે અને એક પેઢી તરીકે તેમની સાથે જ સફળતાની ઉજવણી કરવાનું અમારા માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. અમને દર વર્ષે સતત સમર્થન આપી રહેલાં એશિયન બિઝનેસીસની પ્રભાવી યાદી સાથે કામ કરવું તેમજ આવા નવતર પહેલ કરનારા અને પ્રગતિશીલ વિચારધારા સાથેના સાહસએકમોની કલ્પનાઓ અને યુકેનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે ત્યારે તેમની મહત્ત્વાકાંક્ષાઓમાં સહભાગી બનવું એ તો વિશેષાધિકાર છે.’

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter