આજથી દસેક વર્ષ પહેલા વિઝા લેવા હોય કે OCI, કે પછી પાસપોર્ટ સરન્ડર કરવાનો હોય. દરેકને માટે આ કાર્ય મુશ્કેલીરૂપ લાગતું હતું, પરંતુ બ્રિટનમાં VFS ગ્લોબલના આગમન સાથે જ જાણે કે ચમત્કાર સર્જાયો અને એક પછી એક બધી તકલીફોનો અંત આવ્યો હતો. આજે ઉનાળામાં એરકન્ડીશન્ડ અને શિયાળામાં સેન્ટ્રલી હીટેડ VFS ગ્લોબલના સેન્ટરમાં બધીજ સગવડો વચ્ચે તમે આરામથી તમારા ખુદના સમયે નિર્ધારીત એપોઇન્ટમેન્ટ લઇને OCI, વિઝા, પાસપોર્ટ સરન્ડર, PIOમાંથી OCIમાં ટ્રાન્સફર, નવા પાસપોર્ટ કે પછી અન્ય તમામ સેવાઅો આસાનીથી મેળવી શકો છો. VFS ગ્લોબલના કુશળ અને અનુભવી સ્ટાફ કોઇ જ તકલીફ વગર સસ્મિત સેવા આપવા સદાય આપના પડખે રહે છે. VFS ગ્લોબલની આ સેવાઅો બાદ જરૂર લાગે કે 'અચ્છે દિન આ ગયે હે'.
VFS ગ્લોબલની સેવાઅો અંગે માહિતી મેળવવા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના પત્રકાર દ્વારા VFS ગ્લોબલના લંડન સ્થિત ગોઝવેલ રોડ સેન્ટરની મુલાકાત લઇને VFS ગ્લોબલ દ્વારા આપવામાં આવતી સેવાઅો અંગે માહિતી મેળવવામાં આવી હતી અને કેટલાક ગ્રાહકોનો પણ સંપર્ક કરાયો હતો.
VFS ગ્લોબલના યુકે સ્થિત જનરલ મેનેજર - અોપરેશન શ્રી સંદીપ રાણાએ જણાવ્યું હતું કે 'VFS ગ્લોબલની સેવા માટે આવતા સૌને સસ્મિત સેવા આપવા સાથે અમારા સેન્ટરની મુલાકાત લેનાર સૌને જેમ બને તેમ અોછી તકલીફ પડે તે માટે અમે સૌ કટિબધ્ધ છીએ. જેમ જેમ સમય અને ટેકનોલોજી વધે છે તેમ તેમ અમારે અને ભારતીય હાઇ કમિશને પણ કેટલાક સુધારા કરવા પડે છે, જેમાં વેબસાઇટ પર 'અોનલાઇન એપ્લીકેશન' ફોર્મ ભરવાનું જરૂરી બનાવાયું છે. જેમને કોમ્પ્યુટર જરા પણ આવડતું ન હોય તેવા લોકો પોતાના સંતાનો કે મિત્રોની મદદ લઇ શકે છે. અમારા બધા ફોર્મ ભરવાનું ખૂબ જ આસાન છે પરંતુ જો કોઇને ખૂબજ તકલીફ પડતી હોય તો ખાસ કિસ્સામાં તેઅો અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇને સેન્ટરમાં અમારી મદદ લઇ શકે છે.'
'ગ્રાહકોનો સમય બચાવવા માટે અમે દરેક સેવા માટે એપોઇન્ટમેન્ટ નિર્ધારીત કરી છે. તમને અનુકુળ હોય તે સેન્ટરમાં તમારી અનુકુળ તારીખે અને સમયે તમે એપોઇન્ટમેન્ટ લઇને આવી શકો છો. તમારી અનુકુળતા મુજબ તમે એપોઇન્ટમેન્ટનો સમય અને તારીખ બદલી પણ શકો છો. મોટે ભાગે વિઝા અરજીઅો માટે દરેક સેન્ટર પર બીજા જ દિવસે એપોઇન્ટમેન્ટ મળી જાય છે. ખરેખર જોઇએ તો એપોઇન્ટમેન્ટ પ્રથા સૌની અનુકુળતા માટે છે અને જેમને પોતાના સમયની કિંમત છે તેમને માટે આ પ્રથા ખૂબજ સરળ અને અનુકુળ પડે છે.'
શ્રી સંદીપ રાણાએ જણાવ્યું હતું કે 'અમારે ત્યાં ફક્ત ૮-૩૦થી ૧૧-૩૦ દરમિયાન ઇમરજન્સી વિઝા અને બિઝનેસ વિઝા માટે તમે વગર એપોઇન્ટમેન્ટે આવી શકો છો. એપોઇન્ટમેન્ટ ન લીધી હોય તેવા લોકોને અમે દિવસના અંતે બધાની એપોઇન્ટમેન્ટ પતી જાય પછી જો સમય હોય તો તેમને સેવા આપીએ છીએ. જો કોઇ વ્યક્તિ નિર્ધારીત, જણાવ્યા મુજબના દસ્તાવેજો લઇને આવે તો અમારે ત્યાં વધુ માં વધુ અડધો કલાકમાં તેમનું કામ થઇ જાય છે.'
શ્રી સંદીપ રાણાએ જણાવ્યું હતું કે 'ગોઝવેલ રોડ, લંડન ખાતે અમારા ૧૮ વિન્ડો છે અને પીવાના પાણી, ડીસેબલ ટોયલેટ, ફોટો બુથ, કોપીયર, ૮૨ લોકોને બેસવાની વ્યવસ્થા છે. અમારો મોટાભાગનો સ્ટાફ ગુજરાતી, હિન્દી, પંજાબી, ઇંગ્લીશ અને અન્ય ભારતીય ભાષાઅો જાણે છે. અમે તાજેતરમાં જ લંડન પેડિંગ્ટન અને ગોઝવેલ રોડ સેન્ટરને રીફર્બીશ્ડશ કર્યું છે. અમે દાખલ કરેલી કાઉન્ટર સીસ્ટમને કારણે તુરંત જ નંબર આવી જાય છે. બધી સેવાઅો માટે અમે જુદા જુદા નંબર આપીએ છીએ. પ્રવેશ વખતે જ બધા પેપર ચકાસવામાં આવે છે અને જો કોઇ પેપર ખૂટતું હોય તો તે વિષે માહિતી આપવામાં આવે છે.
ગોઝવેલ રોડ, લંડન સ્થિત VFS સેન્ટરમાં આવેલા ગ્રાહકોને VFS સેન્ટરની સેવાઅો અંગે પૂછપરછ કરવામાં આવી હતી જેમાંના તમામ લોકોએ VFS સેન્ટરની સેવાઅોને સરાહનીય ગણાવી હતી.
પ્રામમાં પોતાની વર્ષની દિકરી સાથે આવેલ બ્રિટીશ મૂળની એનાએ જણાવ્યું હતું કે 'હું મારા પાાસપોર્ટ પર OCIનો સ્ટેમ્પ લગાવવા માટે પાસપોર્ટ આપવા આવી હતી. આનંદ સાથે કહું તો મારો અનુભવ ખૂબજ સુખદ રહ્યો હતો. માત્ર પાંચ જ મિનિટમાં મારૂ કામ થઇ ગયું છે. મારી નાની દિકરી મારી સાથે હોવાથી મને તુરંત જ બોલાવી લેવાઇ હતી.'
હસમુખભાઇ રાયચૂરા (લંડન)એ જણાવ્યું હતું કે 'હું આજે PIOકાર્ડને OCIમાં ટ્રાન્સફર કરાવવા આવ્યો છું. આજે મારો અનુભવ ખૂબજ સારો રહ્યો. મારૂ કામ તો બે ત્રણ મિનિટમાં જ પતી ગયું છે. એપોઇન્ટમેન્ટ લઇને રાખી હતી અને અહિં પાંચેક મિનિટ જ રાહ જોવી પડી. અહિંનો સ્ટાફ ખૂબજ ફ્રેન્ડલી છે. સર્વિસ ચાર્જ, પોસ્ટલ ચાર્જ વગેરે ભરવો પડે છે પરંતુ તેની સામે કામ આસાનીથી થઇ જાય છે.
લંડનથી પૌત્રીની OCIની નવી અરજી કરવા આવેલા મધુસુદન પટેલે જણાવ્યું હતું કે 'મારી એપોઇન્ટમેન્ટનો સમય બપોરે ૧૨ વાગ્યાનો હતો, પરંતુ મને વહેલો બોલાવી લીધો. અહિં ખરેખર ખૂબજ સારી સેવા મળે છે. સ્ટાફ ખૂબજ સરસ, વિનમ્ર અને મદદરૂપ છે. આ લોકો સર્વિસ ચાર્જ લે છે પણ તેના સામે સેવા બહુ જ સારી આપે છે, તેથી મને સર્વિસ ચાર્જ વાંધાજનક લાગતો નથી.'